હેં આશી, આજે પાર્ટીમાં આવે છે ને? વિલ હેવ ફન..



સંબંધોની આરપાર - મીતવા ચતુર્વેદી
આમ તો તેનું નામ હતું અક્ષરા પણ મિત્રો અને સંબંધીઓમાં તે'આશી' તરીકે જ ઓળખાતી હતી. એક સંયુક્ત કુટુંબમાં જન્મેલી આશીને તેના અન્ય પિતરાઇઓ કરતાં વધારે છૂટછાટ મળેલી હતી. માતા-પિતા પણ ભણેલાં અને નોકરી કરતાં હતાં એટલે દીકરા કે દીકરીમાં કોઈ ફરક નહીં સમજીને તેમના એકમાત્ર સંતાન અક્ષરાને જ દીકરા અને દીકરી બંનેનો પ્રેમ આપવાનું નક્કી કરેલું હતું. છૂટછાટ અને લાડકોડમાં ઉછરી હોવા છતાં તેના સંસ્કારોમાં ખોટ ન હતી. અક્ષરાના ચાર મિત્રોમાંથી આનંદ, સુમિત, વિશાલ અને દેવાંગ તેના બેસ્ટ્સ બડી હતા. શાળાથી લઈને છેક કોલેજ સુધી તેઓની મિત્રતા અકબંધ હતી.
અક્ષરાનાં માતા-પિતાને પણ દીકરીની આ મિત્રતા સામે કોઈ ખાસ વાંધો નહી હોવાથી તે છૂટથી આ મિત્રોની સાથે હરવા ફરવા જઈ શકતી હતી. કોલેજનું છેલ્લું વર્ષ પૂરું થવાને હવે માત્ર બે ત્રણ મહિનાનો જ સમય બાકી હતો. તેવામાં આનંદનો બર્થ ડે આવ્યો. આ પાંચેયની ટોળકીએ નાઇટ આઉટ પ્લાન ઘડી કાઢયો. દેવાંગના લખપતિ પિતાના ફાર્મહાઉસ પર બધાએ નિશ્ચિત સમયે ભેગા થવું તેવું નક્કી કર્યું. આશીએ આ પ્લાનમાં ઉત્સાહથી ભાગ લીધો અને ઘરમાં પણ કહી દીધું હતું કે તે આજે રાત્રે તેના મિત્રો સાથે બહાર જવાની છે.
આ ચારેય મિત્રોમાંથી દેવાંગ જરા જુદી પ્રકૃતિનો માણસ હતો.
છોકરીઓને મિત્ર બનાવવી, તેમની સાથે ડેટિંગ કરવું આ તેનો શોખ હતો. આશીને દેવાંગના આ સ્વભાવ અંગે જાણ હોવા છતાં તે ક્યારેય આ અંગે ધ્યાન આપતી ન હતી. આજે રાતના પ્લાનિંગ સમયે પણ દેવાંગની નજર આશીના શરીર પર મંડરાયેલી હતી. તેના દિમાગમાં જાણે એક શેતાની વિચારે પ્રવેશ કર્યો હતો. પાર્ટીમાં આનંદને શું સરપ્રાઇઝ આપવી તે અંગેની ગડમથલમાં રહેલી આશી રાત્રે તેના જીવનમાં શું તોફાન આવવાનું છે તે અંગે અજાણ હતી.
આશીના ગયા બાદ દેવાંગે તેના પ્લાન અંગે અન્ય મિત્રોને પણ જાણ કરી. શરૂઆતમાં તો બધાએ દેવાંગના આ પ્લાનનો વિરોધ કર્યો પણ પછી દેવાંગની વાતોમાં આવી ગયા. રાતે કેક કપાઈ અને મિત્રો સાથે ડિનર બાદ આશી એક ખૂણામાં બેસીને ધીમું સંગીત સાંભળી રહી હતી. તે દરમિયાન દેવાંગ તેના પ્લાન મુજબ એક કોલ્ડ ડ્રિંકની બોટલ લઈને આવી પહોંચ્યો. તેણે આશીને આ કોલ્ડ ડ્રીંક પીવાનું કહ્યું. આશીએ ઘણી ના કહી છતાં અન્ય મિત્રોએ પણ તેને આગ્રહ કરતાં તેણે પીધી.
કોલ્ડ ડ્રિંક પીધા બાદ તેને બેચેની જેવું લાગતાં તે ફાર્મહાઉસના એક રૂમમાં આરામ કરવા ગઈ. થોડી વાર થતાં લગભગ અર્ધ બેભાન અવસ્થામાં સૂતેલી આશીના રૂમનો દરવાજો હળવેથી ખૂલ્યો. મિત્રો તેની તબિયત અંગે પૂછવા આવ્યા હશે તેવું જાણીને તે ઊભી થઈ. તે કંઈ સમજે તે પહેલાં જ દેવાંગે તેને ધક્કો મારી પલંગ પર ફેંકી દીધી. ચારેય મિત્રો તેને ભૂખ્યા વરુની માફક તાકી રહ્યા હતા.
કોલ્ડ ડ્રિંકમાં મેળવેલી નશીલી દવાના ઘેનમાં આશી તેઓનો પ્રતિકાર કરવા સમક્ષ ન હતી. ધીમે ધીમે આ ચારેય યુવાનોએ તેને સાવ નિર્વસ્ત્ર કરી દીધી. દેવાંગની દાનત વધુ આગળ વધવાની હતી પણ આનંદે તેને રોકી લીધો...
આશીને જ્યારે ભાન આવ્યું ત્યારે દુશ્મન પણ ન કરે એવું કામ કરનાર દોસ્તો સાથે સંબંધ પૂરો કરી દીધો...
આટલું કરો
  • કોઈ પણ વિજાતીય મિત્ર પર આંખ બંધ કરીને ભરોસો મૂકતા પહેલાં વિચાર કરો.
  • દીકરીના પુરુષ મિત્રોને બની શકે તો એક વખત મળી લો.
  • કોઈ પણ અનિચ્છનીય ઘટના બનવાની શંકા થાય કે તરત જ એલર્ટ થઇ જાવ અને બની શકે તો તે જગ્યા છોડી દો.
  • પાર્ટીમાં અજાણ્યું ડ્રિંક્સ પીવાનું ટાળો.

Comments