જેમિમા મને પ્રિય જ રહેશે મારાં સંતાનોની તે માતા છે (કભી કભી)



પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટર અને જેમિમા જ્યારે લગ્ન કરી સૌ પ્રથમવાર લાહોરના એરપોર્ટ પર આવ્યાં ત્યારે સ્થાનિક પત્રકારો કરતાં આંતરરાષ્ટ્રીય પત્રકારો એરપોર્ટ પર વધુ મોટી સંખ્યામાં હાજર હતા. એરપોર્ટ પર મીડિયાને સંબોધતાં એ વખતના પાકિસ્તાની ક્રિકેટ ટીમના કેપ્ટન ઇમરાન ખાને કહ્યું હતું કે, “મહેરબાની કરીને મારા લગ્નને મોટો તમાશો ન બનાવશો. મેં માત્ર શાદી જ કરી છે. મેં કાશ્મીર જીતી લીધું નથી. મને પ્રાઈવસી જોઈએ છે.
જેમિમા ગોલ્ડસ્મિથ નામની એક પાશ્ચાત યુવતી ઇમરાન ખાનને પરણી તે સમાચાર પાકિસ્તાન કરતાં વિશ્વના મીડિયા માટે એક બોમ્બશેલ જેવા હતા. તેમાં બે કારણો હતાં. એક તો જેમિમા ગોલ્ડસ્મિથ વિશ્વના અત્યંત જાણીતા બિલિયોનેર સર જેમ્સ ગોલ્ડસ્મિથની પુત્રી હતી અને બીજું કારણ એ કે ઇમરાન ખાનની ઉંમર ૪૨ વર્ષની હતી, જ્યારે જેમિમા ગોલ્ડસ્મિથની વય માત્ર ૧૯ વર્ષની જ હતી. ઇમરાન કરતાં પણ અડધી. એ વખતે જેમિમા ગોલ્ડસ્મિથ બ્રિટિશ ઉમરાવની વારસદાર હતી. સર જેમ્સ ગોલ્ડસ્મિથને અમેરિકા એક લકી ગેમ્બલર તરીકે અને ઇંગ્લેન્ડ શેરબજારના કિંગ તરીકે ઓળખતું હતું. જેમિમાના પિતા તેમના પિતા મેજર ગોલ્ડસ્મિથની જેમ જ સમુદ્રમાં સહેલગાહ માટેની લક્ઝુરિયસ યાચ અને અનેક લીમોઝીન્સ ધરાવતા હતા. અનેક કેસિનોના માલિક પણ હતા. સર જેમ્સ ગોલ્ડસ્મિથ ખુદ પેરિસ, લંડન અને મેક્સિકોમાં પ્લેબોય જેવું જીવન જીવતાં હતાં. જેમિમા ગોલ્ડસ્મિથના દાદા મેજર ફ્રેન્ક ગોલ્ડસ્મિથે ઇ.સ. ૧૯૦૪માં લંડનની કાઉન્સિલની એક ચૂંટણીમાં જ્યોર્જ બર્નાડ શો જેવા સાહિત્યકારને હરાવ્યા હતા. ૧૯૧૦માં તેઓ બ્રિટનની લોકસભા-હાઉસ ઓફ કોમન્સમાં સાંસદ તરીકે ચૂંટાયા હતા. ફ્રેન્ક ગોલ્ડસ્મિથ મૂળ જર્મનીના, પણ ઇંગ્લેન્ડમાં જઈ વસેલા વ્યક્તિ હતા અને એ જમાનાની ફ્રેન્ચ બ્યૂટી તરીકે ઓળખાતી માર્શેલી મ્યુલરને પરણ્યા હતા.
જેમિમાની માતાનું નામ લેડી એનાબેલ છે. જેમિમાની માતાના પિતા આઈરીશ પોલિટિશિયન અને ફૂટબોલ પ્લેયર હતા. જેમિમાની દાદીને કેન્સર હતું અને એ જમાનામાં કેન્સરના રોગની વાતને લોકો છુપાવતા. તેઓ કેન્સરથી મૃત્યુ પામ્યાં અને જેમિમાના નાનાએ શરાબનો સહારો લીધો.
૧૯૯૪ના નવેમ્બર માસની વાત છે. એક સાંજે લંડનની સાન લોરેન્ઝો નામના એક રેસ્ટોરાંમાં ઇમરાન ખાન અને જેમિમા ગોલ્ડસ્મિથ એકબીજાની સામે બેઠેલાં જણાયાં. પાકિસ્તાનના ૪૨ વર્ષના આ લેજન્ડરી ક્રિકેટર અને ૧૯ વર્ષની ઇંગ્લિશ કન્યા જેમિમા વચ્ચેની આ પ્રથમ મુલાકાત હતી. જેમિમા ઇમરાનની ક્રિકેટની રમત જોઈને આકર્ષાઈ નહોતી. એ વખતે જેમિમાને ક્રિકેટમાં કોઈ જ રસ નહોતો. એટલું જ નહીં, પણ તે ક્રિકેટ વિશે કાંઈ જાણતી પણ નહોતી. જેમિમા કહે છે : “મેં ઇમરાનને ક્રિકેટના મેદાન પર કે ટેલિવિઝન પર પણ કદી જોયા નહોતા. પહેલી મુલાકાતમાં અમે બહુ વાતો કરી નહોતી. એ પછીના બીજા છ માસ સુધી અમે એક બીજાની પાછળ દોડયાં પણ નહોતાં.”
અને અચાનક બધું ગોઠવાઈ ગયું. તા. ૪થી ઓગસ્ટ, ૧૯૯૫ના રોજ ઇમરાન અને જેમિમા પતિ-પત્ની બની લાહોરના એરપોર્ટ પર‘હીટ અને ડસ્ટ’ સાથે ઊતર્યાં. તેમના વિશે અનેક સ્ટોરીઝ છપાઈ. કેટલાકે કહ્યું કે, જેમિમાએ ધર્મપરિવર્તન કરી ઇસ્લામ ધર્મ સ્વીકાર્યો છે. કોઈકે લખ્યું કે, જેમિમાએ પાકિસ્તાનના લોકોને ખુશ કરવા હાઈકા ખાન નામ ધારણ કર્યું છે, પરંતુ ઇમરાન ખાને એક અખબારને ઈન્ટરવ્યૂ આપતાં કહ્યું : “મેં લોકોને ખુશ કરવા લગ્ન કર્યું નથી, પરંતુ બાકીની જિંદગી હું સારી રીતે ગુજારી શકું તે માટે મેં લગ્ન કર્યું છે.”
લગ્ન પૂર્વે પાક. ખેલાડી ઇમરાન ખાનની ઇમેજ એક પ્લેબોયની હતી. ઇંગ્લેન્ડની અનેક સ્ત્રીઓ સાથે તેનું નામ જોડાયેલું હતું. તેથી જ જેમિમા સાથેનાં તેનાં લગ્ન એક મોટા સમાચાર હતા.
ઈ.સ. ૧૯૯૫ના અંતમાં તેણે રાજકારણમાં પ્રવેશવા નિર્ણય કર્યો. લગ્ન બાદ જ જેમિમાને ખ્યાલ આવી ગયો હતો કે, ઇમરાન એક દિવસ રાજનીતિમાં સક્રિય બનશે. તેમની પહેલી મીટિંગમાં તેણે આ વાત કરી હતી. જેમિમા હાફ જ્યુઈશ હોઈ પાકિસ્તાનની ગુપ્તચર સંસ્થાઓ હવે વધુ સતેજ થઈ ગઈ.
લગ્નના એક જ વર્ષમાં જેમિમાને પાકિસ્તાનમાં અનેક અવરોધોનો સામનો કરવો પડયો. એક તો સામાજિક વાતાવરણ સાવ અલગ હતું. ધર્મો અલગ હતા. લોકો જલદી જેમિમાને સ્વીકારતા નહોતા. ઇમરાને પાકિસ્તાનમાં એક કેન્સર હોસ્પિટલ અને રિસર્ચ સેન્ટર શરૂ કર્યું હતું ત્યાં તા. ૧૨ અને ૧૯ એપ્રિલ, ૧૯૯૬ દરમિયાન બોમ્બ ધડાકા થયા અને આ બધું ઇમરાન ખાને પાકિસ્તાનમાં રાજકીય પાર્ટી શરૂ કરી તે પછી બન્યું. હજુ તો થોડા દિવસ પહેલાં જ ઇમરાન ખાને તેની પોલિટિકલ પાર્ટી શરૂ કરતાં કહ્યું હતું કે, “હું બેનઝીર ભુટ્ટોની સરકારને ઊથલાવવા માગું છું અને તે માટે દેશવ્યાપી ઝુંબેશ શરૂ કરીશ.” તેથી ઇમરાનની આ જાહેરાતને અને બોમ્બ ધડાકાને કોઈ સંબંધ છે કે કેમ તે જેમિમા સમજી શકી નહીં. એ વખતે બેનઝીર ભુટ્ટો ભ્રષ્ટાચારના કીચડમાં લતપત હતાં. એવા સમયે કેન્સર હોસ્પિટલ પર બોમ્બ ધડાકા થાય અને ૧૪ માણસોનાં મૃત્યુ નીપજે તે આઘાતજનક ઘટના હતી, કારણ કે કેન્સરના દર્દીઓની મફત સારવાર કરતી આખા પાકિસ્તાનમાં આ એક જ હોસ્પિટલ હતી. ઇમરાનને લાગતું હતું કે, “આ મારા પરનો રાજકીય હુમલો છે.”
આ ઘટના બાદ ઇમરાન ખાને તેમની બેનઝીર વિરુદ્ધની ઝુંબેશ સખત બનાવી. બીજી બાજુ જેમિમા માતા બની. સુલેમાન નામના પુત્રને જન્મ આપ્યો. આમ છતાં જેમિમા પતિ સાથે રહી અને રાવલપિંડીની એક રેલીમાં જેમિમાએ લાગણીસભર પ્રવચન કર્યું. તે પછી પેશાવરમાં પ્રવચન કર્યું. દરમિયાન જેમિમાએ ઊર્દૂમાં લખતા નહીં, પરંતુ બોલતાં શીખી લીધું. તેણે પુશ્તુ પણ શીખી લીધું. લોકો ખુશ થઈ ગયા, પરંતુ ઇસ્લામાબાદની એક ચૂંટણીલક્ષી મીટિંગમાં જેમિમાએ જે અસરકારક પ્રવચન કર્યું તેથી બેક સ્ટેજમાં ઇમરાનને પણ તેની ઇર્ષા થઈ આવી અને જેમિમાને ધક્કો મારી અદેખાઈ વ્યક્ત કરી હોવાના અહેવાલો પાકિસ્તાની અખબારોમાં છપાયા. જેમિમાએ એ અહેવાલો નકારી કાઢયા. અલબત્ત, હકીકત એ હતી કે, પોલિટિકલ રેલીઓમાં જેમિમાની હાજરીથી લોકો પ્રભાવિત થતા હતા.
જેમિમાએ વારંવાર બચાવ કરવો પડતો હતો : “ઇમરાન કોઈનીયે પ્રત્યે કિન્નાખોરી રાખતા નથી.” પાકિસ્તાનમાં સીતા-વ્હાઈટ સ્કેન્ડલમાં ઇમરાન સામે કેટલાક આક્ષેપો થયા. ઇમરાનને ખૂબ જ વિચલિત જોઈ જેમિમા પતિના પડખે ઊભી રહી. ઇમરાનની વિરુદ્ધ ખૂબ લખાયું. જેમિમાની વિરુદ્ધ પણ લખાયું. જેમિમા કહે છે : “મેં ભારતની મુલાકાત લીધી ત્યારે પાકિસ્તાનનાં અખબારોએ મને‘હિન્દુ-કાવતરાબાજ’ તરીકે ઉલ્લેખી હતી.”
આ બધું હોવા છતાં ઈ.સ. ૨૦૦૩ની સાલમાં ઇમરાન ખાન અને જેમિમા વચ્ચે તિરાડ દેખાવા લાગી. જેમિમા પાકિસ્તાનના સમાજની ધાર્મિક વિધિઓ અને રીત-રિવાજોમાં વધુ ને વધુ રસ લઈ તેનો અમલ કરવા લાગી હતી, પરંતુ પાકિસ્તાનના લોકો તેની પર વ્યંગ કરવાની એક પણ તક છોડતાં નહોતા. તે પાકિસ્તાનમાં નવ વર્ષ રહી. તે દરમિયાન તેણે પાકિસ્તાનના સમાજના કલ્યાણ માટે તથા ગરીબ લોકોના ઉત્થાન માટે વધુ ને વધુ કામ કર્યું, પરંતુ પાકિસ્તાનના સમાજે જેમિમાને કદી સ્વીકારી નહીં અને છેવટે તેમની વચ્ચે છૂટાછેડા થઈ ગયા. ઇમરાનના અંગત વર્તુળના કેટલાક મિત્રો માને છે કે, પાકિસ્તાનના બંધિયાર રૂઢિચુસ્ત મુસ્લિમ સમાજને કારણે આ તલાક થયા. જ્યારે કેટલાક માને છે કે, “તેમનાં લગ્ન થયાં તે દિવસથી જ આ તલાક નક્કી જ હતા.”
અલબત્ત, છેલ્લે ઇમરાને એક ઇન્ટરવ્યૂ દરમિયાન કહ્યું હતું : “જેમિમા મને હંમેશાં પ્રિય જ રહેશે. આખરે તે મારાં બે સંતાનોની માતા છે.”
ફ્રેન્ક હુઝુર નામના લેખકના તાજેતરમાં જ બહાર પડેલા પુસ્તક ‘ઇમરાન ર્વિસસ ઇમરાન : ધી અન ટોલ્ડ સ્ટોરીઝ’માં આ વિગતો પ્રકાશમાં લાવવામાં આવી છે.

Comments