બે પ્રેમિકાઓ વચ્ચે અટવાયેલી પ્રેમિકા!



યૌવનની સમસ્યા - સોક્રેટિસ
સોક્રેટિસજી,
મારી ઉંમર ૧૯ વર્ષ છે. હું રાજકોટનો છું, પરંતુ હાલ અમદાવાદમાં બીઈનો અભ્યાસ કરું છું. હું મધ્યમવર્ગીય પરિવારમાંથી આવું છું. મારા પપ્પાનું નિધન થઈ ગયું છે અને ઘરની તમામ જવાબદારીઓ મારા પર છે. હું મારી ક્લાસમેટ મિતવા નામની છોકરીના પ્રેમમાં પડી ગયો છું. હું ભણવામાં પહેલેથી હોશિયાર છું. મારા સારા માર્ક્સને કારણે મને ફ્રી સીટમાં એડમિશન મળેલું છે, પણ જ્યારથી મિતવાને જોઈ છે ત્યારથી મારું ધ્યાન ભણવામાં લાગતું નથી. એને કારણે તો પહેલા સેમેસ્ટરમાં જિંદગીમાં પહેલી વાર મારે એટીકેટી આવી છે.
મિતવા દેખાવે કંઈ એટલી સુંદર કે આકર્ષક નથી. મેં મારા મિત્રોને મિતવા પ્રત્યેની મારી લાગણીની વાત કરી તો તેમણે કહ્યું કે તને તો મિતવા કરતાં પણ વધુ સુંદર-સારી છોકરી મળી જશે, તું આમાં ક્યાં પડયો છે? મને એમની વાતોમાં થોડો દમ પણ લાગ્યો અને મેં તેને ભૂલવાની કોશિશ કરી, પણ તે ભુલાતી જ નથી. ક્લાસમાં હું તેને જ જોયા કરતો હોઉં છું. હું લેક્ચર માત્ર તેને જોવા માટે જ એટેન્ડ કરતો હોઉં એવું થઈ ગયું છે. તેને ન જોવું તો મને ગભરામણ થવા માંડે છે. તે કોલેજે ન આવી હોય ત્યારે મને ક્લાસ ભરવાનું મન થતું નથી. હવે તો તેને પણ કદાચ ખ્યાલ આવી ગયો છે કે હું તેના માટે સ્પેશિયલ ફિલિંગ્સ ધરાવું છું. ઘણી વાર અમારી આંખો મળી જાય છે અને આંખો-આંખો વચ્ચે સંવાદ થઈ જતો હોય છે.
હું વહેલીતકે તેને પ્રપોઝ કરવા માગું છું, પણ જ્યારે તેની પાસે જઈને વાત કરવાની તક મળે ત્યારે હું તેની સામે કંઈ બોલી જ શકતો નથી. જ્યારે કંઈક બોલવા જાઉં ત્યારે આડુંઅવળું બોલાઈ જાય છે. હું જસ્ટ જોકિંગ કહીને વાત વાળી લઉં છું અને મારી પોતાની જ મજાક બનાવી લઉં છું. મારા મિત્રો મને મિતવાને છોડવાની સલાહ આપે છે, પણ મારું હ્ય્દય એ સ્વીકારતું નથી. બીજી તરફ ઘરનો પણ વિચાર આવે છે. મને યોગ્ય માર્ગદર્શન આપવા વિનંતી. 
- લિ. અસ્મિત
પ્રિય અસ્મિત,
તમે ઉંમરના એવા તબક્કે આવી ગયા છો કે વિજાતીય આકર્ષણ તીવ્ર હોય. તમે સતત વિજાતીય પાત્રના વિચારમાં જ રહો એ સ્વાભાવિક છે. આ કુદરતી છે, તેનો ફોર્સ ભલભલાને ઢાળી દેતો હોય છે. આ તબક્કે લાગણીઓને માત્ર પંપાળવાની નથી હોતી,પરંતુ તેને યોગ્ય રીતે ઢાળવાની હોય છે. લાગણીના પ્રવાહને જો યોગ્ય રીતે વહેવડાવવામાં ન આવે તો ક્યારેક અનર્થ સર્જાઈ શકે છે. તમને મિતવા પ્રત્યે જે આકર્ષણ છે, તેમાં કંઈ ખોટું કે ખરાબ છે એવું કહેવાનો અર્થ નથી. અમારી માત્ર એટલી જ સલાહ છે કે હજુ તો મિતવાએ તમારા પ્રેમને સ્વીકાર્યો પણ નથી ત્યારે તમારી જો આ હાલત હોય તો તે જો ભવિષ્યમાં તમને પ્રેમ કરવા લાગશે ત્યારે તો ઇશ્ક તમને નિકમ્મા ન બનાવી નાખે એ તમારે ખાસ જોવાનું છે.
મિતવા સાથે સીધા પ્રેમની વાત કરવાને બદલે દોસ્તી વધારો. તમે તમારી લાગણીઓને નિયંત્રણમાં રાખીને અભ્યાસ પર ધ્યાન કેન્દ્રિત કરો. તમે દોસ્તી કરો કે પ્રેમ, તમારા આવા કોઈ સંબંધની અસર તમારા અભ્યાસ પર કોઈ કાળે થવી ન જોઈએ. તમને જો એવું લાગે કે તમારાથી પ્રેમ અને અભ્યાસ એકસાથે નહીં થઈ શકે તો હમણાં પ્રેમને બાજુ પર રાખીને અભ્યાસ પર ધ્યાન કેન્દ્રિત કરો. તમારી અત્યારે જે ઉંમર છે, તે અભ્યાસ માટેની છે. જો તમે આ તબક્કામાં અભ્યાસ પર ધ્યાન કેન્દ્રિત નહીં કરી શકો તો તમારી કારકિર્દી રોળાઈ જશે. તમે અત્યારે કારકિર્દી પર જ ધ્યાન આપો અને તમારા દિલ પર તમારો કંટ્રોલ આવી જાય પછી જ પ્રેમના મામલામાં પડો, જેથી તેની કોઈ આડઅસર તમારી કારકિર્દી પર ન થાય.
***
સોક્રેટિસજી,
હું પ્રાચી નામની છોકરીને છેલ્લાં આઠ વર્ષથી પ્રેમ કરું છું. પ્રાચી પણ મને પસંદ કરે છે, પણ તે મને માત્ર મિત્ર જ માને છે. હું તેની સાથે રહેવા માગું છું પણ રહી શકતી નથી. ગયા વર્ષે તે ભણવા માટે લંડન ગઈ હતી ત્યારે હું સાવ એકલી પડી ગઈ હતી. ત્યારે વનિતા નામની છોકરી મારી જિંદગીમાં આવી, તે મારી મિત્ર બની. પ્રાચી વિના મને બિલકુલ ગમતું નહોતું. મને મરી જવાના વિચાર આવતા અને એક વાર તો મેં આપઘાતની નિષ્ફળ કોશિશ પણ કરેલી, પણ બચી ગઈ. પ્રાચી જ્યારે જ્યારે મને ફોન કરતી ત્યારે સારું લાગતું. વનિતાને મેં મારી અને પ્રાચીની સ્ટોરી કહી. તેણે મને સમજાવ્યું કે આમાં મરવાનું ન હોય, ભગવાને આટલી સારી જિંદગી આપી છે તો મજાથી જીવવાનું.
પ્રાચીનો ખાલીપો ધીરે ધીરે વનિતાએ ભરી દીધો. વનિતા ધીમે ધીમે મને પ્રેમ કરવા લાગી છે. તે મારી બહુ કાળજી લેવા લાગી છે,પણ હવે પ્રાચી ભણીને પાછી આવી ગઈ છે. અમે સાથે ફરવા જઈએ છીએ અને ફોન પર પણ લાંબી લાંબી વાતો કર્યા કરીએ છીએ. હું પ્રાચી સાથે ફરવા જાઉં એમાં વનિતા વાંધો ઉઠાવે છે. વનિતા કહે છે કે તું પ્રાચીને છોડી દે, પણ મારાથી એવું બની શકતું નથી. એક બાજુ પ્રાચીને છોડી શકતી નથી અને બીજી તરફ વનિતા હર્ટ થાય છે, મારે શું કરવું?                    
 - લિ. આયેશા
પ્રિય આયેશા,
તમે એક છોકરી થઈને છોકરીના પ્રેમમાં છો? પહેલા તો તમે નક્કી કરી લો કે તમે એકબીજાંની બહેનપણીઓ છો કે પ્રેમી? જો પ્રેમી હોય તો તમે સમાજની દૃષ્ટિએ ઊંધા રવાડે ચડી ગયાં છો. આપણો સમાજ સજાતીય સંબંધો કે લગ્નોને સ્વીકારતો નથી ત્યારે તમારે આગળ જતાં સામે પૂરે તરવા જેવી સ્થિતિનો સામનો કરવો પડી શકે છે. શક્ય હોય તો પ્રાચી અને વનિતા સાથે માત્ર બહેનપણા રાખીને તમારા ભાવિ જીવનસાથી વિશે વિચારવાનું શરૂ કરો. તમે ક્યારેય પ્રાચી કે વનિતા સાથે જિંદગી જીવી શકશો નહીં. તમને જો છોકરીઓ પ્રત્યે જ પ્રેમભાવ થતો હોય તો તમે કોઈ મનોચિકિત્સકની મદદ પણ લઈ શકો છો. તમારે તમારી જાતને સમજવી પડશે અને પછી તમે તમારા પ્રેમ વિશે વિચારો. પ્રાચી અને વનિતાને પણ સમજાવો અને સજાતીય સંબંધોના ચક્કરમાંથી વહેલીતકે નીકળી જાવ, કારણ કે આપણો સંકુચિત સમાજ તમારી લાગણીઓને સમજી શકશે નહીં.

Comments