એનું નામ શ્વેતા છે.
શ્વેતા લખનૌની છોકરી છે. એક મધ્યમ વર્ગના પરિવારમાં એનો જન્મ થયો હતો. દેખાવમાં સુંદર અને અંગઉપાંગોમાં કમનિય છે. એ નાની હતી ત્યારથી જ નૃત્ય શીખવા માંગતી હતી. એની મા પણ એને શાસ્ત્રીય નૃત્યમાં પ્રવિણતા અપાવવા માંગતી હતી. એને એક ડાન્સિંગ સ્કૂલમાં પ્રવેશ પણ અપાવ્યો. શ્વેતાએ ભરત નાટયમ્ અને કથક શીખવા માંડયું. શ્વેતાની મા કહેતી હતી : ''બેટા, હું તને એક શ્રેષ્ઠ ડાન્સર જોવા માંગુ છું.'' શ્વેતા પણ ડાન્સ શીખતાં શીખતાં ઘુંઘરું, સ્ટેજ અને તાળીઓના ગડગડાટનાં સ્વપ્નો જોવા લાગી.
- એક એવું રૂઢીચુસ્ત ઘર કે જ્યાં ઘુંઘરુંનો અવાજ અને નૃત્ય એક ગુનો ગણાતો હતો
એક દિવસ અચાનક જ એના પિતાનું અવસાન થઈ ગયું. એ વખતે શ્વેતાની ઉંમર માંડ ૧૭ વર્ષની હતી. ઘરમાં સન્નાટો છવાઈ ગયો. શ્વેતાની આંખોમાં ડાન્સર બનવાનાં જે સ્વપ્નો હતાં તેના બદલે ઉદાસી છવાઈ ગઈ. બધાંની આંખોમાં હવે આંસુ હતાં. ઘરમાં જ એક જ વ્યક્તિ કમાતી હતી અને તે ચાલી ગઈ. શ્વેતાના પણ ડાન્સર બનવાનાં સ્વપ્નો વિખેરાઈ ગયાં. પિતા દ્વારા કમાયેલી જે કાંઈ બચત હતી તેની પર જ મા ઘર ચલાવવા લાગી. ઘરનો મોભ તૂટી પડયા બાદ શ્વેતાના મામાએ સહારો આપ્યો. શ્વેતાને હતું કે તેનું એક આગવું ઘર હોય, તેનું એક આગવું ભવિષ્ય હોય અને આગવો વર્તમાન હોય, પણ એ બધું જ હવે મામા પર નિર્ભર હતું.
શ્વેતાનો અભ્યાસ અટકી ગયો. ડાન્સ તો એણે શીખી લીધો હતો પણ એ બધું ત્યાં જ અટકી ગયું. એક દિવસ મામાએ શ્વેતાને કહ્યું:''તને જોવા માટે કાલે એક છોકરો આવવાનો છે.''
શ્વેતા ચૂપ રહી.
શ્વેતાનું ભવિષ્ય હવે મામાના હાથમાં હતું. મામા જેમ કહે તેમ કર્યા વગર છૂટકો નહોતો. તેઓ જે છોકરો બતાવે તેને સ્વીકાર્યા સિવાય તેની પાસે કોઈ જ વિકલ્પ નહોતો. બીજા દિવસે એક યુવાન તેનાં માતા-પિતા સાથે આવ્યો. શ્વેતાને સરસ રીતે તૈયાર કરવામાં આવી. શ્વેતા રૂપાળી હતી. છોકરાએ શ્વેતાને જોતાં જ હા પાડી દીધી. મામાની ઈચ્છા આગળ કોઈનું કાંઈ ચાલે તેમ નહોતું. શ્વેતા છોકરાને એકાંતમાં મળે અને કોઈ પૂછપરછ કરે તેવી તક જ આપવામાં ના આવી. શ્વેતાએ મામાની આંખો સામે જોયું. મામાની આંખોમાં આદેશ જ હતો. પરાધીન શ્વેતાએ પણ હા પાડી દીધી.
શ્વેતાનાં લગ્ન થઈ ગયાં. પરણીને સાસરે ગઈ તો ખબર હતી કે પતિનો પરિવાર અત્યંત સામાન્ય સ્થિતિ ધરાવે છે. તેમની પાસે રહેવા ઘર સિવાય બીજી કોઈ ઝાઝી મિલકત નથી. ઘરની બાજુમાં વરંડો હતો, પતિ કાંઈ જ કમાતો નહોતો. તે સાવ બેકાર હતો. અલબત્ત, પતિમાં બીજી કોઈ ખરાબી નહોતી. તે સારું ભણેલો હતો પણ નોકરી મળતી નહોતી. રોજ જુદી જુદી ઓફિસોમાં આંટા મારતો હતો, પણ કોઈ તેને નોકરી આપતું નહોતું. શ્વેતા હવે એક નોકરી વગરના પતિની પત્ની બની ગઈ. તેણે સવારે વહેલા ઊઠી ઘરમાં સાફસૂફી કરવાની, ઝાડુ લગાવવાનું, પોતાં કરવાનાં અને ચુલ્હો સળગાવી રસોઈ બનાવવાની, એ સિવાય તેની પાસે કોઈ બૌદ્વિક કામ નહોતું. આટલું ઓછું હોય તેમ સાસુ ઉપરાઉપરી હુકમો છોડે. શ્વેતા વહેલી ઊઠે તો પણ ટોણાં મારે. સારામાં સારી રસોઈ બનાવે તો પણ મહેણા મારે. પતિ તેને બચાવી શકે નહીં. તે અંદરથી હવે તૂટી ગઈ હતી. ભાંગી પડી ગઈ હતી. ઘરકામ કરતી ચાર દિવાલો વચ્ચેની ગૃહિણી બની ગઈ હોવા છતાં તેના કામની કદર નહોતી. તે હવે સાસરિયાં સામે વિદ્રોહ કરવાનું મન બનાવી ચૂકી હતી, પણ માનો ચહેરો સામે આવી જતાં તે મૌન થઈ જતી.
એવામાં એક દિવસ બન્યું એવું કે તેની નાનકડી નણંદ અંતરા એક દિવસ તેની સ્કૂલના વાર્ષિકોત્સવમાં જવા માંગતી હતી. નાનકડી અંતરાએ સ્કૂલના કાર્યક્રમ દરમિયાન એક ડાન્સ રજૂ કરવાનો હતો પણ કાર્યક્રમના થોડા દિવસ પહેલાં જ અંતરાની ડાન્સ ટીચર બીમાર પડી ગઈ. અંતરાને ડાન્સ રજૂ કરવો હતો પણ તેને શીખવનાર કોઈ નહોતું. અંતરાની માતા એટલે કે શ્વેતાની સાસુએ કહ્યું :''તારી ભાભી પાસેથી ડાન્સ શીખી લે.'' શ્વેતાને પણ આશ્ચર્ય થયું. જે ઘર રૂઢીચુસ્ત હતું અને ઘરમાં ઘુંઘરુંનો રણકાર એ ગુનો ગણાતો એ ઘરની સાસુએ અંતરાને તેની ભાભી પાસે ડાન્સ શીખવા કહ્યું. સાસુને શ્વેતા ડાન્સમાં પ્રવૃત્ત થાય તે પસંદ નહોતું. પરંતુ દીકરી અંતરા તેમની મજબૂરી હતી. શ્વેતાને નાનકડી નણંદને ડાન્સ શીખવવાનું કહેવામાં આવતાં તે ખુશ થઈ ગઈ. શ્વેતા હવે તેની નણંદને નૃત્ય શીખવવા લાગી. તેણે પોતે પણ પગમાં ઘુંઘરું બાંધી લીધાં. અંતરા તેની જિંદગીમાં આશાનું કિરણ લઈને આવી. શ્વેતાએ અંતરાને ભરત નાટયમ્, કથક અને વેસ્ટર્ન ડાન્સનાં કેટલાંક સ્ટેપ્સ શીખવ્યાં. એ પછી અંતરા સ્કૂલના વાર્ષિકોત્સવ કાર્યક્રમમાં ગઈ. શ્વેતાએ અંતરાને સાવ અલગ જ શૈલી શીખવી હતી. અંતરાએ સેંકડો વિદ્યાર્થી- વિર્દ્યાિથનીઓ અને સ્કૂલના ટીચર્સની સમક્ષ ડાન્સ રજૂ કર્યો. આખા ઓડિયન્સે ઊભા થઈ તાળીઓનો ગડગડાટ કર્યો. ઓડિયન્સમાં શ્વેતા પણ બેઠી હતી. અંતરાને મળેલા પ્રતિસાદથી તે ખુશ થઈ ગઈ. સ્કૂલના પ્રિન્સિપાલે અંતરાને પૂછયું: ''તારી ડાન્સ ટીચર કોણ છે ?''
અંતરાએ તેની ભાભી- શ્વેતા સમક્ષ આંગળી કરી. શ્વેતા પર પણ અભિનંદનની વર્ષા થઈ. અંતરાની સ્કૂલે જ શ્વેતાને તેમની સ્કૂલમાં નૃત્ય શીખવવા ડાન્સ ટીચર તરીકેની ઓફર કરી. પણ શ્વેતા તો કોઈ ઘરની વહુ હતી. મા હોત તો તેને નોકરી કરવાની પરવાનગી આપત. શ્વેતાને મા યાદ આવી ગઈ. શ્વેતાના ડાન્સ ટીચર બનવાનાં સપનાં મનમાં ઉછળી રહ્યા હતાં. પરંતુ ફરી એક વાર તેનાં સ્વપ્નોને સાકાર કરવા ઉડવા માટે પાંખો ના મળી. શ્વેતાને નોકરી પર જવાની છૂટ ના અપાઈ.
એક દિવસ શ્વેતાએ તેની સાસુ માને પૂછયું : ''મમ્મી, હું સ્કૂલમાં નોકરી કરવા ના જાઉં. પરંતુ શું આપણા મહોલ્લાની છોકરીઓને આપણા ઘરમાં ડાન્સ શીખવી શકું ?''
સાસુએ કડક સ્વરે કહ્યું : ''ના, આ નાચઘર નથી.''
શ્વેતાના સ્વપ્ન પર આ ત્રીજો ભૂકંપ હતો. પરંતુ શ્વેતાનો પતિ સમજદાર હતો. એણે એની માતાને કહ્યું : ''શ્વેતા ઘરમાં જ કોઈને ડાન્સ શીખવે તેમાં ખોટું શું છે ?''
શ્વેતાના સસરાએ પણ વહુનો પક્ષ લીધો. નણંદ અંતરાએ પણ ભાભીનો પક્ષ લીધો. ઘરમાં બહુમતી હવે શ્વેતાની સાથે હતી. ઘરમાં બીજી કોઈ આવક તો હતી નહીં. માંડ માંડ ઘર ચાલતું હતું. ઘર ચલાવવા પૂરતા પૈસા નહોતા. સાસુએ ના છૂટકે હા પાડી.
અને શ્વેતાએ ઘરમાં એક નૃત્ય શાળા શરૂ કરી. મહોલ્લાની જ નાની નાની કન્યાઓને તે નૃત્ય શીખવવા માંડી. છોકરીઓ ખુશ હતી. હવે આસપાસના વિસ્તારોમાં પણ વાત ફેલાઈ કે શ્વેતા ટીચર સરસ ડાન્સ શીખવે છે. પહેલાં તો એક છોકરી દીઠ પ્રતિમાસ રૂ. ૮૦ની ફી લેતી હતી. સાંજ પડતાં પહેલાં શ્વેતા ઘરનું બધું કામ પતાવી લેતી. રસોઈ પણ બનાવી દેતી. સાંજ પડયે પડોશની છોકરીઓનો ઘરમાં જમેલો થઈ જતો. શ્વેતા તેમને ડાન્સ શીખવતી. એક વર્ષ પૂરું થતાં સુધીમાં તો તેને ૫૦ છોકરીઓ ડાન્સની સ્ટુડન્ટસ તરીકે મળી ચૂકી હતી. એક એક રૂપિયા માટે મોહતાજ એવા ઘરમાં હવે પૈસા આવવા લાગ્યા હતા. ઘરમાં વધુ છોકરીઓને સમાવવાની જગા નહોતી. શ્વેતાએ ફીમાં વધારો કર્યો છતાં વધુને વધુ છોકરીઓ શ્વેતા પાસે ડાન્સ શીખવા આવવા લાગી. હવે તેણે ફી રૂ.૪૦૦૦ કરી દીધી છતાં છોકરીઓ આવવા લાગી. પતિએ શ્વેતાને સહારો આપ્યો. સસરા પણ શ્વેતાની એક આગવી ડાન્સિંગ સ્કૂલ બને તે માટે વિચારવા લાગ્યા.
તેમના ઘર પાસે એક વરંડો હતો. ઘરમાં બચત પણ હવે સારી હતી. પતિ અને સસરાએ મળીને ખુલ્લા વરંડામાં પતરાંનો એક શેડ ઊભો કરી દીધો. નીચે સરસ મજાનો ડાન્સ ફલોર તૈયાર કરાવ્યો. જે ઘરમાં ઘુંઘરુંની અવાજ પર પ્રતિબંધ હતો તે ઘર હવે શ્વેતાની '' ડાન્સ સ્કૂલ'' બની ગઈ. સવારના સાત વાગ્યાથી રાતના નવ વાગ્યા સુધી ઘરમાં ઘુંઘરુંનો રણકાર ઊઠતો રહેતો. ઘર આખું કન્યાઓના સ્વર, સટેપ્સ અને ઘુંઘરુના અવાજથી ઝકૃત થઈ ગયું.
સમય વીતતો ગયો. શ્વેતાની ડાન્સિંગ સ્કૂલ આજે લખનૌની શ્રેષ્ઠ ડાન્સિંગ સ્કૂલ બની ગઈ છે. ઘરની સમૃદ્ધિ પણ વધી. ઘર હર્યું ભર્યું બની ગયું. શ્વેતા આજે લખનૌની શ્રેષ્ઠ ડાન્સ ટીચર છે. તે વિપરીત સંજોગોને પણ અનુકૂળ બનાવવામાં સફળ રહી છે. શ્વેતા હવે ખુશ છે. તેના પતિ પણ ખુશ છે. તેના સસરા પણ ખુશ છે. તેની મા પણ ખુશ છે અને હા, તેની સાસુ પણ હવે ખુશ છે. શ્વેતા કહે છેઃ ''મેં બે કામ કર્યાં છે. એક તો મેં મારી માનું સ્વપ્ન પૂરું કર્યું છે અને બીજું મેં મારું સસુરાલને ખુશીઓથી ભરી દીધું છે.''
સાસુ હવે તેને ગાલી દેતી નથી. ગાળ દેત તો સમજાવવા દિયર નહીં તો નણંદ છે જ, સસુરાલ હંમેશાં ગેંદા ફુલ જેવું જ હોય છે.
Comments
Post a Comment
Thanx For Comment