સ્વરૂપવાન રસોઈયણ સિલ્ક કેમ બની ગઈ? એનું નામ સ્મિતા પણ લોકો એને 'સિલ્ક' કહે છે.



સ્મિતાનો જન્મ મુંબઈના દહીંસર વિસ્તારમાં થયો હતો. તે ગુજરાતી પરિવારની છે. દહીંસરની સ્કૂલમાં ભણતી હતી અને નવમા ધોરણમાં ભણતી હતી ત્યારે જ એક મરાઠી યુવકના પ્રેમમાં પડી ગઈ હતી. દહીંસર ડાન્સબાર માટે જાણીતું છે. તે ૧૨માં ધોરણમાં આવી એ વખતે જ એણે તમામ મર્યાદાઓનો લોપ કર્યો હતો. એમ કરતાં પહેલાં મરાઠી યુવાને તેની સાથે લગ્ન કરવા હા પાડી હતી પરંતુ જ્ઞાતિબાધનાં બંધનો નડતાં સ્મિતાનાં ગરીબ માતા-પિતાં સમાજની કડક રૂઢીઓના કારણે તેને મરાઠી યુવક સાથે પરણાવવા સંમત થયાં નહોતાં.
  • સ્મિતાએ તેના પતિને કહ્યું : 'બોલ, તારે હવે ગરીબી જોઈએ છે કે જીવનની સગવડો ?'
સ્મિતાએ ૧૧માં ધોરણ પછી આગળ ભણવાનું બંધ કરી દીધું. તે મુંબઈના કલ્ચરમાં ઉછરી હતી. એને ખુલ્લાં વસ્ત્રો પહેરવાં ગમતાં હતાં. છોકરી વયસ્ક થઈ છે તેમ સમજીને એનાં માતા-પિતા સ્મિતાને ગુજરાત લઈ આવ્યાં. એનાં પિતા લેથનાં કારીગર હતા. કલોલમાં ઘર ભાડે રાખીને રહેવા લાગ્યા. જ્ઞાતિમાંથી મુરતિયાની શોધ ચાલી. જ્ઞાતિ નાની હોઈ મુંબઈમાં સ્મિતાએ એક મરાઠી યુવક સાથે બાંધેલા સંબંધની વાત સમાજમાં પ્રસરી ગઈ. આ વાત જાણીને મુરતિયા ના પાડી દેતા હતા. છેવટે સ્મિતાથી ૧૨ વર્ષ મોટો એક મુરતિયો શોધી તેને પરણાવી દેવામાં આવી. સ્મિતાનો વર નવમું ધોરણ જ ભણેલો હતો. તે પણ મહિને માંડ રૂ. પાંચ હજાર જ કમાતો હતો. તેને એટીએમમાંથી પૈસા કાઢતાં પણ આવડતું નહોતું.
લગ્નની પ્રથમ રાત્રીએ જ એનો વર બ્લુ ફિલ્મની સીડી લઈ આવ્યો. પતિ અત્યંત વિકૃત હતો. ઘરમાં મહેમાન હોય, સ્મિતા માસિક ધર્મમાં હોય તો પણ સ્મિતાએ તેની ભૂખ સંતોષવી પડતી. આ દરમિયાન ફરી તેનાં માતાપિતા કલોલ છોડી મુંબઈ ચાલ્યા ગયાં. સ્મિતા પણ વર્ષમાં એક બે વાર મુંબઈ જતી.
ઘર ચલાવવા માટે ઘરમાં પૈસાની જરૂરિયાત રહેતી. સ્મિતાએ નક્કી કર્યું કે, ''મારે પણ કાંઈક કામ કરવું જોઈએ.'' સ્મિતાએ ઘેર બેઠાં જ પાપડ, મઠીયા, ખાખરા બનાવવાનો ગૃહ ઉદ્યોગ શરૂ કર્યો. ધીમેધીમે તેનો ધંધો ચાલવા લાગ્યો. લોકો જ તેના ઘેર આવી પાપડ,મઠીયા અને ખાખરા ખરીદવા લાગ્યા. કોઈ વાર પરણેલા પુરુષો પણ આવવા લાગ્યાં. કેટલાક તો સ્મિતાનું રૂપ જોઈ જરૂર ના હોય તો પણ પાપડ કે ખાખરા ખરીદવા આવતા. કેટલાક સ્મિતા સાથે દોસ્તી કરવા લોભામણી વાતો કરતા. કોઈ એને બહાર ફરવા લઈ જવાની લાલચ આપતા. કોઈ એને ફિલ્મ બતાવવાની લાલચ આપતા. કોઈ એને એડવાન્સ પૈસા આપી જતા. સ્મિતા ગરીબ હતી પણ વસ્ત્રો પહેરવાની તેની શૈલી મુંબઈની હતી. એક આધેડ વયની વ્યક્તિ તો રોજ બપોરે તેના ઘરે આવી જતો. એક દિવસ એ સ્મિતા માટે કિંમતી સાડી અને ફિલ્મની બે ટિકિટ લઈને આવી ગયો. સ્મિતા આમેય ઘરમાં કંટાળી ગઈ હતી. સ્મિતા એની સાથે ફિલ્મ જોવા ગઈ. કેટલાક દિવસ બાદ આધેડ વયની વ્યક્તિ સ્મિતાને બહારની રેસ્ટોરાંમાં જમવા લઈ ગયો. સ્મિતાનો પતિ લેથ મશીનનો કારીગર હતો. તે આખો દિવસ કારખાને કામ કરતો. એક દિવસ આધેડ વયનો એ માણસ સ્મિતાને હાઈવેની એક હોટલમાં લઈ ગયો. બદલામાં તેણે હજાર રૂપિયાની નોટ આપી. પૈસા એ સ્મિતાની મજબૂરી હતી. સ્મિતાએ કોઈ પણ જાતની આનાકાની કર્યા વિના પૈસા લઈ લીધા.
સ્મિતા હવે ગર્ભવતી બની. પૂરા માસે એણે એક બાળકીને જન્મ આપ્યો. સમય જતાં બાળકી મોટી થવા લાગી. ઘરમાં હવે એક વધુ વ્યક્તિની આર્થિક જવાબદારી ઊભી થઈ. સ્મિતાને ખાખરા, પાપડ અને મઠીયાં બનાવતાં તો આવડતું જ હતું. એ દરમિયાન જે આધેડ વ્યક્તિ તેની જરૂરિયાતો પૂરી કરતો હતો તે અચાનક તેના ઘેર આવતો બંધ થઈ ગયો. સ્મિતા ફરી આર્થિક તંગી અનુભવવા લાગી. એણે પૈસાદાર પરિવારોમાં રસોઈયણ તરીકે કામ કરવા કામ શોધવાની શરૂઆત કરી. નજીકમાં જ એક સુખી ઘરમાં તેને રસોઈ બનાવવાનું કામ મળી ગયું. એક શ્રીમંત પરિવારની પત્ની બીમાર રહેતી હતી. શ્રીમંત પરિવારનો મોભી દુકાન ચલાવતો હતો. ૬૦ વર્ષની વયનો વેપારી પણ સ્મિતાનું રૂપ જોઈને મોહિત થઈ ગયો. એની નજર પણ હવે સ્મિતાની સ્વરૂપવાન કાયા પર જ હતી. પત્નીથી છુપાવીને પ્રૌઢ વયનો વેપારી સ્મિતાને પગાર કરતાં વધુ પૈસા આપવા લાગ્યો. પ્રૌઢ વેપારી પણ સ્મિતાની બધી જ આર્થિક જવાબદારીઓ પૂરી કરવા લાગ્યો. બદલામાં તે પોતાની શારીરિક જરૂરિયાતો પણ પૂરી કરવા સ્મિતાને મજબૂર કરવા લાગ્યો. સ્મિતાએ પણ હવે ખુશીખુશી આ છુટછાટ સ્વીકારી લીધી. નવા સમયને અનુરૂપ થઈ પૈસા કમાવાની આ તરકીબ તેને માફક આવી ગઈ. એમ કરવામાં નૈતિક્તા ખતમ થઈ જાય છે તેવું એને લાગતું નહોતું. બલ્કે તે કોઈને થોડીક ક્ષણોનો આનંદ આપી જિંદગીની બાકીની ક્ષણોમાં તે આનંદ અનુભવવા લાગી.
 વધુ પૈસા કમાવા સ્મિતાએ નવા ઘર શોધવા માંડયા. રસોઈના કામના બહાને તે નવા ઘરોમાં પ્રવેશ મેળવવા લાગી. કોઈ પરિવારો અત્યંત ખાનદાન હતા. સ્મિતાને જ્યાં માત્ર રસોઈનો જ પગાર મળે તે ઘેર કામ કરી થોડા જ દિવસોમાં તે કામ છોડી દેતી.
બીજા જ દિવસે તે નવો શિકાર શોધવા લાગતી. સ્મિતા એક વાત હવે શીખી ગઈ હતી કે પૈસા કમાવા હોય તો મોટી વયના પુરુષોને જ નિશાન બનાવવા જોઈએ. એણે હવે ૭૦ વર્ષની વયના એક નિવૃત્ત અધિકારીને મોહપાશમાં ફસાવ્યો. નિવૃત્ત સરકારી અધિકારી ખૂબ કમાયેલા હતા. સ્મિતા હજુ માંડ ૩૫ વર્ષની વયની હતી પણ તેનું રૂપ અકબંધ હતું. અણિવાળું નાક, કામણગારી આંખો,ગોરોવાન અને કાળા ભમ્મરવાળથી તે એક એક્ટ્રેસ જેવી લાગતી હતી. સરકારી અધિકારી સ્મિતાને જરૂર કરતાં વધુ પૈસા આપવા લાગ્યા. એક દિવસ સરકારી અધિકારીનાં પત્ની તેમના પતિનાં સ્મિતા સાથેનાં અડપલાં અજાણતા જ જોઈ ગયાં. તેમણે ખૂબ ઝઘડો કર્યો અને ઘરમાંથી રસોઈયણ સ્મિતાને છુટી કરી દીધી.
સ્મિતાએ રસોઈ માટે નવા ઘરની તલાશ શરૂ કરી. એ કલોલ છોડીને અમદાવાદ રહેવા આવી ગઈ. એનો પતિ રોજ અમદાવાદથી કલોલ નોકરીએ જવા લાગ્યો. સ્મિતાએ સોલા નજીક બે બેડરૂમનો ફલેટ પણ લઈ લીધો. એ પૈસા ક્યાંથી આવે છે તે વાતની તેના પતિને ખબર નહોતી. એતો એટલું જ જાણતો હતો કે સ્મિતા ખૂબ કામ કરે છે. પાપડ-મઠીયાં વેચે છે તેમાંથી કમાય છે અને રસોઈયણ તરીકે પગાર પણ મળે છે તેથી ઘર સારું ચાલે છે.
સમય વહેતો રહ્યો.
સ્મિતા ફરી એક સંતાનની મા બની. હવે તે ૪૦ વર્ષની વયે પહોંચી પરંતુ તેના રૂપમાં કોઈ ફરક પડયો નહીં, એણે ફરી લોકોના ઘેર રસોઈનું કામ શોધી કાઢયું. ફરી એક વાર તેને કોન્ટ્રાક્ટરનું કામ કરતો ૭૨ વર્ષનો વૃદ્ધ મળી ગયો. સ્મિતા તેના ઘેર જઈ રસોઈ બનાવવા લાગી. પાસાં ફેંકવામાં સ્મિતા હવે હોંશિયાર બની ગઈ હતી. ૭૨ વર્ષની વયના કોન્ટ્રાકટર માટે ૪૦ વર્ષની વયની સ્મિતા એક લોટરી જ હતી. સ્મિતાને પણ હવે તેની ઉંમરના યુવાનો કરતાં પ્રૌઢ પુરુષોમાં જ રસ હતો.
કોન્ટ્રાક્ટરે સ્મિતાના નામનું બેંક એકાઉન્ટ પણ ખોલી આપ્યું. દર મહિને તેના ખાતામાં તે પૈસા ભરી દેતો. એકવાર તેનો પતિ બીમાર પડતાં અચાનક ઘેર આવી ગયો. બપોરના સમયે ઘરનું બારણું બંધ હતું. ડોરબેલ વાગતાં જ સ્મિતાએ બારણું ખોલ્યું. એ સીધો અંદર પ્રવેશ્યો. બેડરૂમમાં પ્રૌઢ કોન્ટ્રાક્ટર આરામ ફરમાવી રહ્યો હતો. સ્મિતાના પતિએ ખૂબ ઝઘડો કર્યો. સ્મિતાએ કહ્યું : '' તારે ગરીબીના નર્કાગારમાં જીવવું છે કે શાંતિથી જીવવું છે, નક્કી કરી નાંખ.''
''પણ એટલા માટે તારે આ ધંધો કરવાનો ?'': પતિએ ગુસ્સાથી કહ્યું.
સ્મિતાએ સ્વસ્થતાથી કહ્યું : ''તારો પગાર માત્ર પાંચ હજાર છે. કલોલમાં આપણે એક રૂમમાં ભાડે રહેતાં હતાં. હવે હું તને ફલેટમાં રાખું છું ને ? તને સાંજ પડે દારૂ પીવાના પૈસા આપું છું ને ? મારી બે છોકરીઓની ફી ભરું છું ને ? બધાંને સારી રીતે ભોજન મળે છે ને ? આપણી છોકરીઓ સારાં કપડાં પહેરી શકે છે ને ? ઘરમાં કલર ટીવી અને ડીવીડી છે ને ? ઘરમાં ફ્રીઝ છે ને ? હવે તું જ પસંદ કરી લે કે તારે આ સુખ-સગવડો જોઈએ છે કે ગરીબી ?''
સ્મિતાના પતિ પાસે કોઈ જવાબ નહોતો. તે ચૂપચાપ ઘરની બહાર નીકળી ગયો. પ્રૌઢ કોન્ટ્રાક્ટર હજી બેડરૂમમાં જ હતો.
આ 'ડર્ટી પિક્ચર'ની કહાણી નથી. ગુજરાતની એક સાચુકલી ''સિલ્ક સ્મિતા''ની કહાણી છે.

Comments