એ નાનકડા બાળકની કઈ કહાણી સાચી હતી?


રોજ નવી નવી કહાણીઓ શોધતા એક યુવાન સાહિત્યકારને રેલવે સ્ટેશન પરથી જડેલી અને તેમણે વર્ણવેલી એક કહાણી કંઈક આવી છેઃ
એક વાર હું ટ્રેન દ્વારા દિલ્હીથી જમ્મુ જઈ રહ્યો હતો. રેલવે સ્ટેશન પર ભીડ હતી. આપણે ત્યાં યુરોપીય દેશોની પૂરી જનસંખ્યા કરતાં પણ વધુ ભીડ ક્યારેક રેલવે સ્ટેશન પર હોય છે. મને પહેલેથી જ ભીડમાં નવી નવી કહાણીઓ શોધવાનો શોખ છે, અને તે શોધવા માટે તમારે ભીડનો એક ભાગ બનવાના બદલે ભીડથી અલગ થવું પડે. જેને રિઝર્વેશન મળી ગયું હોય તે નિશ્ચિત હોય, જે વેઈટિંગ લીસ્ટમાં હોય તે પરેશાન હોય.
ખેર, મેં તો પહેલાંથી જ રિઝર્વેશન કરાવી રાખ્યું હતું. હું નિશ્ચિત થઈ ટ્રેનની રાહ જોતો હતો. એ વખતે કાતિલ શિયાળો હતો. જાન્યુઆરી અને ફેબ્રુઆરી માસમાં ઉત્તર ભારત ઠંડીથી ઠૂંઠવાઈ જાય છે. રોજ સવારે ધુમ્મસ છવાઈ જાય છે. એ કારણે ટ્રેનો પણ મોડી પડે છે. ટ્રેન મોડી હોય ત્યારે સમય કેવી રીતે પસાર કરવો તે એક મૂંઝવણ હોય છે. એ દિવસે પણ ધક્કામુક્કી અને અફરાતફરીનો માહોલ હતો. હું નવી દિલ્હીના રેલવે સ્ટેશને ઊભો હતો. મારી ટ્રેન એક કલાક મોડી હતી. રેલવે પ્લેટફોર્મ પણ એક અલગ માહોલ ધરાવે છે. ચા વાળો, પૂરી પકોડીવાળો કે મેગેઝિન વેચવા વાળો તેની આગવી જુબાનમાં બોલી રહ્યો હતો. થોડીવાર સુધી આમથી તેમ રખડયા બાદ હું રિઝર્વેશન ચાર્ટ જોવા ગયો. ઘણીવાર કોઈ પણ જાતના કારણ વગર આવો ચાર્ટ જોવાની મજા આવે છે. મારી ટિકિટ સ્લીપર્સમાં હતી, પરંતુ કોણ એસીમાં જાય છે કોણ ફર્સ્ટ એસીમાં જાય છે તે નામો વાંચવાની પણ એક અલગ મજા છે. વળી ક્યા કોચમાં યુવતી છે, તેની ઉંમર કેટલી છે તે બધું જ ચાર્ટ પરથી જાણવા મળે છે. સ્ત્રીઓ આમ ઉંમર છુપાવે છે પણ ચાર્ટમાં છુપાવી શક્તી નથી. મેં મારા કપાર્ટમેન્ટનો ચાર્ટ જોયો. તેમાં એક આન્ટી અને એક દાદી હતા. હું કહાણી શોધતો હતો તેથી મને રસ એ હતો કે આન્ટી અને દાદી વચ્ચે શું સંબંધ હશે ?
ટ્રેન પ્લેટફોર્મ પર આવી ગઈ. હું મારી સીટ પર ગોઠવાઈ ગયો. આન્ટી અને દાદી પણ આવી ગયાં. બીજાં ઉતારુઓ પણ આવી ગયાં. ટ્રેન ઊપડી. સફર રાતની હતી. મેં એક મેગેઝિન ખરીદી રાખ્યું હતું, તે વાંચતાં વાંચતાં જ હું ઊંઘી ગયો. જ્યારે આંખ ખૂલી તો ખબર પડી કે સવાર થઈ ગઈ છે. ટ્રેન ત્રણ કલાક મોડી દોડી રહી છે. મને લાગ્યું કે આપણા રાષ્ટ્રની વિચારધારા પણ ‘લેઈટ’ જ છે. બધાં જ કામો મોડાં શરૂ થાય છે. ભાગ્યે જ કોઈ કામ નિર્ધારિત સમય પ્રમાણે પૂરૂં થાય છે.
ટ્રેન મુકરિયાં નામના એક નાનકડા સ્ટેશને ઊભી રહી. મેં બહાર જોયું તો એક નાનકડા છોકરાને ઘેરીને લોકોની ભીડ એકત્ર થઈ ગઈ હતી. બાળક ઉદાસ હતું. તેની આંખોમાં આંસુ હતાં. લોકો બાળકને ધમકાવી રહ્યા હતા. બાળક પણ તે બધાને કાંઈક કહી રહ્યો હતો. બાળકની ઉંમર ૮ કે ૧૦ વર્ષની લાગતી હતી. હું મારી સીટ પર બેઠાં બેઠાં જ વિચારવા લાગ્યો કે આ બાળક સાથે શું થયું હશે ?ભીડ વચ્ચે ઘેરાયેલા બાળકને જોઈ મેં વિચારવા માંડયું અને કેટલાક દૃશ્યો મારા મનોચક્ષુ સમક્ષ ખડાં થયાં તે આ પ્રમાણે હતાં :
(૧) પહેલાં એવો ખ્યાલ આવ્યો કે એ છોકરો ટ્રેન દ્વારા ક્યાંક જતો હશે. કોઈ સગાંસંબંધી તેની સાથે હશે. ટ્રેન અહીં ઊભી રહી હશે ત્યારે ચા- પકોડા લેવા તે ઊતર્યો હશે અને અચાનક ટ્રેન ઊપડી ગઈ હશે. બાળક ટ્રેનમાં ચડી શક્યો નહીં હોય. એની સાથે ટ્રેનમાં મુસાફરી કરી રહેલા તેના સગાંસબંધી શાયદ બાથરૂમમાં હશે. તે બાથરૂમમાંથી બહાર આવ્યા હશે, ત્યારે જ તેમને ખબર પડી હશે કે બાળક ટ્રેનમાં ચડી શક્યો નથી. બની શકે કે આગલા સ્ટેશને ઊતરીને તેના સગાંસંબંધી પાછા આ સ્ટેશને આવી જાય અને બાળકને પોતાની સાથે લઈ જાય.
(૨) બીજો વિચાર મને એ આવ્યો કે આ છોકરો આ રેલવે સ્ટેશનની આસપાસના કોઈ ગામમાં રહેતો હશે. ઘરમાં કોઈએ એને ઠપકો આપ્યો હશે. બાળકે કોઈ તોફાન- મસ્તી કર્યાં હશે. ઘરે માર પડવાની બીકથી તે અહીં આવી ગયો હશે શાયદ તે ઘરે પાછો જવાથી ડરતો હશે.
ખેર, મેં એ બાળક વિષે તો બે કહાણીઓ વિચારી પરંતુ હવે હું એ બાળકની સાચી કહાણી સાંભળવા માંગતો હતો. હું ટ્રેનમાંથી નીચે ઊતર્યો. નીચે ઊતરી પ્લેટફોર્મ પર ભીડથી ઘેરાયેલા બાળક પાસે પહોંચ્યો. લોકો હજુ બાળકને છોડતા નહોતા. ઈચ્છા ના હોવા છતાં પણ હું એ ભીડનો એક હિસ્સો બની ગયો. આમેય આપણા દેશમાં તમાશાને તેડું હોતું નથી. નાના અમથા કારણ કે કુતૂહલ માટે પણ લોકો એકઠા થઈ જતા હોય છે. 
રેલવે પ્લેટફોર્મ પર મેં જે કાંઈ સાંભળ્યું તે મજેદાર હતું.
એ બાળક વિષે મેં મનમાં જ કેટલીક કહાણીઓ બનાવી હતી હવે મને સાચી કહાણી જાણવામાં રસ હતો. હું ચૂપચાપ ઊભો રહ્યો. એ બાળક અહીં કેમ છે તે માટે જે કહી રહ્યો હતો તે હું સાંભળવા માંડયો. તેની પહેલી કહાણી આ પ્રમાણે હતી : ‘‘ હું મારા માસા-માસીના ઘરે લગ્નમાં જવા નીકળ્યો હતો. હું જમ્મુથી સહારનપુર જવા માંગતો હતો. હું એકલો જ હતો. હું મુકરિયા સ્ટેશન સુધી જ આવી શક્યો. મારી પાસે આટલી જ ટિકિટ હતી. ટીટીએ મને અહીં ઉતારી દીધો છે. હવે આગળ જવાની ટિકિટના પૈસા નથી અને પાછા જવાની ટિકિટના પણ પૈસા નથી.
લોકોની ભીડને એની વાત પર વિશ્વાસ ના બેઠો. કોઈકે તેને પૂછયું : ‘‘ક્યાં માબાપ પોતાના આઠ દસ વર્ષના બાળકને એકલો આટલે દૂર જવા દે ?’’
ભીડ જાતજાતના સવાલો કરવા લાગી અને તે જુઠ્ઠું બોલી રહ્યો છે તેવો આક્ષેપ થયો ત્યારે બાળક ધીમેથી બોલ્યો : ‘‘સાચું બોલી દઈશ તો તમે મને છોડી દેશો ?’’
એક મહાશય બોલ્યાઃ ‘‘અમે તને પકડયો જ ક્યાં છે ?’’
એટલામાં રેલવે પોલીસ આવી પહોંચી પોલીસને જોઈ એક જણ બોલ્યો : ‘‘ હવે તો તારે સાચી વાત કરવી જ પડશે.’’
હવે એ બાળકે એક નવી જ કહાણી સંભળાવી. બાળક બોલવા માંડયો : ‘‘મારા કાકાએ મારી પર પૈસાની ચોરીનો ઈલ્જામ લગાવ્યો છે. હું મારા કાકા સાથે રહું છું. હું ઘરે જાઉં તો મને માર પડશે. માર ખાવાના ડરથી હું ઘર છોડીને ભાગી આવ્યો છું.’’
ભીડને બાળકની આ કહાણી પર પણ વિશ્વાસ ના બેઠો. બધાએ હવે એજ વિચાર કર્યો કે આ છોકરાને રેલવે પોલીસને હવાલે કરી દો. આ બાળક સાથે શું કરવું તે રેલવે પોલીસને જ નક્કી કરવા દો.’’
એટલામાં ટ્રેનનું સિગ્નલ થઈ ગયું. અમે બધા હજુ એ જ ભીડનો હિસ્સો હતા. જલદી જલદી ટ્રેનનો ડબ્બો પકડવા અમે દોડવા લાગ્યા. બધા પોતપોતાના કંપાર્ટમેન્ટમાં પ્રવેશી ગયા અને બધા પોતપોતાની સીટ પર ગોઠવાઈ ગયા. મેં જોયું તો રેલવે પોલીસ હવે એ બાળકને પકડીને પોતાની સાથે લઈ જઈ રહી હતી. અત્યાર સુધીમાં બાળક કંઈક કહાણીઓ સંભળાવી ચૂક્યો હતો. કોઈકે ચોરીના આક્ષેપના કારણે ભાગી આવ્યાની વાત કરતો હતો કે ક્યારેક માર ખાવાના ડરથી ઘરે જતાં ડરતો હતો. તેવી વાત કરતો હતો. મેં બારીમાંથી જોયું તો બાળકના હાથમાં અડધું ખાધેલું જમરૂખ હતું. તે ના તો હવે તે ખાતો હતો કે ના તો   તેને ફેંકી દેતો હતો. રેલવે પોલીસ ચાલતાં ચાલતાં તેને કાંઈક પૂછી રહી હતી. બાળક કાંઈક બોલી રહ્યો હતો. શાયદ કોઈ નવી કહાણી તેમને સંભળાવી રહ્યો હતો. તેની કઈ કહાણી સાચી છે તો કોઈને ખબર નહોતી. મને તો ક્યારેય તેની અસલી કહાણીની ખબર ના પડી.કેટલાક લોકો એક ક્ષણમાં જ એક કહાણી કહી જાય છે. ક્યારેક તેનાં પૂર્ણ વિરામ હોતું નથી, ક્યારેક અલ્પ વિરામ જ હોય છે, ક્યારેક તેનો અંત પણ હોતો નથી. હું આવાં પાત્રોને હાલતી ચાલતી કહાણીઓ માનું છું.
મારી ટ્રેન હવે રફતાર પકડી રહી હતી. હું હજુ જોઈ રહ્યો કે રેલવે પોલીસ એ બાળકને દૂર દૂર લઈ જઈ રહી હતી. તે દૃશ્ય ધીમે ધીમે મારી આંખોથી ઓઝલ થઈ રહ્યું હતું. મારા દિમાગમાં એ બાળક વિષે બીજી કેટલીક કહાણીઓ જન્મ લઈ રહી હતી. ચલતી ફિરતી કહાણીઓ. મને લાગ્યું કે એ બાળક મારા કરતાં વધુ મોટો કહાનીકાર હતો.
(હિન્દીભાષાના યુવાન સાહિત્યકાર મહેન્દ્ર તિવારી લિખિત ‘‘ચલતી ફિરતી કહાનિયાં’’ કથાનો આ ભાવાનુવાદ છે.

Comments