આ છોકરીના ટુકડા કરી બ્રહ્મપુત્રા નદીમાં ફેંકી દો


એ ખૂબસૂરત લેખિકાનું નામ છે ઈન્દિરા ગોસ્વામી. અલબત્ત, તેમનું અસલી નામ મામોની રાયસમ ગોસ્વામી છે. ઈન્દિરા ગોસ્વામી  ગુજરાતી નથી, પણ આસામી છે.  ઘણા તેમને બ્રહ્મપુત્રાની દીકરી તરીકે પણ ઓળખે છે. ઈન્દિરા ગોસ્વામી કોઈ સામાન્ય લેખિકા નથી પરંતુ દેશભરના સાહિત્ય કારોમાં તેમનું નામ આદરથી લેવાય છે.
 અત્યંત સુંદર રૂપ સાથે જન્મેલી ઈન્દિરા ઉર્ફે મામોની જ્યારે વયસ્ક બની  ત્યારે આસામના નવગ્રહ મંદિરના એક જ્યોતિષીએ આગાહી કરી હતી કે, ‘‘આ છોકરીના ગ્રહો ખરાબ છે. તેના બે ટુકડા કરી છોકરીને બ્રહ્મપુત્રા નદીમાં ફેંકી દો.’’ બહુ લાંબું નહીં જીવે તેવી ભવિષ્યવાણીનો ભોગ બનનાર આ સ્વરૂપવાન યુવતીનો જન્મ આસામના રઈસ ખાનદાનમાં થયો હતો. મામોનીના પિતા ગર્ભશ્રીમંત હતા. તેઓ મોટા જામીનદાર પણ હતા અને ધાર્મિક વડા પણ હતા. આખું પરિવાર ભવ્ય હવેલીમાં રહેતું હતું. હવેલીના પ્રાંગણમાં હાથી-ઘોડા અને લાંબી ઈમ્પોર્ટેડ મોટરકાર પણ હતી. અલબત્ત,ઈન્દિરાના પિતાનું અંગત જીવન સરળ હતું. તેઓ વડીલોપાર્જિત મિલકત ધરાવતા હોવા છતાં સાદગી ભર્યા જીવન અને ઉચ્ચ વિચારોના હિમાયતી હતા. તેઓ આસામ રાજ્યના શિક્ષણ વિભાગના ડાયરેક્ટર હતા. ઈન્દિરા કહે છે : ‘‘મારા પિતા પાસે પૂર્વજોએ આપેલી બેસુમાર મિલકત હોવા છતાં અમારે સાદગીથી રહેવું પડતું હતું. એ જમાનામાં હું શિલોંગની પાઈન માઉન્ટ ઈંગ્લિશ સ્કૂલમાં ભણતી હતી જે હાઈક્લાસ બ્રિટિશ સ્કૂલ હતી છતાં અમને બે જોડી જ કપડાં આપવામાં આવ્યાં હતાં.
  • જ્ઞાનપીઠ એવોર્ડ વિજેતા ઈન્દિરા ગોસ્વામીના એકાકી જીવનમાં કેવી કેવી આંધીઓ આવી?
બચપણની સ્મૃતિઓને વાગોળતાં ઈન્દિરા કહે છેઃ ‘‘એ વખતે મારી ઉંમર પાંચ કે છ વર્ષની જ હતી. અમને ગામના પછાત વર્ગનાં બાળકો સાથે રમવાની કે હળવા ભળવાની છૂટ નહોતી. ઘરવાળાઓની મનાઈ છતાં એ પછાત કે આદિવાસી જાતિનાં બાળકો સાથે રમવા જતી રહેતી. મારાં ફોઈ મને એ બાળકો  સાથે રમતાં જોઈ જાય તો મને ખેંચીને કૂવા પર લઈ જવામાં આવતી અને મને નવરાવીને જ ઘરમાં લઈ જવામાં આવતી. એ પછી મારી જિંદગી મુશ્કેલીઓથી ભરેલી રહી. કોઈને કોઈ સમસ્યાઓ આવતી જ રહી. સહુથી પહેલાં તો મારા પિતાનું મૃત્યુ થઈ ગયું. તેમના ગયા બાદ હું  ડિપ્રેશનમાં આવી ગઈ. મને મારા પિતા સાથે બહુ જ લગાવ હતો. પિતાના અવસાનના આઘાતથી હું પૂરતું વાંચી શક્તી નહોતી. પરિણામે પરીક્ષામાં સારા માર્ક્સ  લાવી શકી નહીં. ભણવાનાં પુસ્તકો પણ મને બોરિંગ  લાગવા માંડયા હતાં. એના બદલે બીજાં પુસ્તકો વાંચવાનું મને ગમતું હતું. હું કોઈની સાથે હળતીભળતી નહોતી. અમારી હવેલીની પાછળ બ્રહ્મપુત્રા નદી વહે છે. તેમાં ડૂબીને મરી જવાનું મન થતું.
ઈન્દિરા કહે છે : ‘‘એ પછી હું કોટન કોલેજ, આસામમાં ભણવા માટે ગઈ હતી. મારી ખૂબસૂરતીના કારણે કોલેજમાં  મારા ચાહકો પણ ઘણા  હતા. ઘણા  બધા છોકરા મારા માટે  કોઈને કોઈ કોટેશન લખતા.  એક છોકરો તો મારી પાછળ એટલો બધો પાગલ થઈ ગયો હતો કે, તે બદન પરથી શર્ટ ઉતારીને મારા ઘર સામે બેસી ગયો. એ વખતે મારી ઉંમર ૧૮-૧૯ વર્ષની હતી.’’
‘‘ ત્યાર પછી મારી જિંદગીમાં કોઈને કોઈ  વંટોળ આવ્યા. આસામમાં  એ દિવસોમાં છોકરીઓને નાની ઉંમરે જ પરણાવી દેવામાં આવતી હતી. પિતાના મૃત્યુ બાદ અમે રઈસ ખાનદાન હોવાથી ઘણાં પરિવારો મારી સાથે શાદીનો પ્રસ્તાવ લઈને આવતાં ખચકાતાં હતા. હા, હું અત્યંત સુંદર હોવાથી ઘણા છોકરાઓ મારી સાથે લગ્ન કરવા ઉત્સુક હતા. પરંતુ મારી માને એ છોકરા ગમતાં નહોતાં. મને પણ એ છોકરા પસંદ નહોતા. એક દિવસ મેં  અબ્દુલ હન્નન નામના એક મિત્રને કહ્યું : ‘‘દોસ્ત, મને રાત્રે ઊંઘ નથી આવતી. તું મને ઊંઘવાની ગોળી લાવી આપ.’’ તે છોકરો મને બેહદ ચાહતો હતો. એ બોલ્યો : ‘‘મામોની, તું આકાશના તારા પણ માંગીશ તો પણ લાવી દઈશ.’’- એમ કહી તે બજારમાંથી મારા માટે ‘‘ગાર્ડીનલ’’ નામની ઊંઘવાની ગોળીઓ લઈ આવ્યો. મેં રાત્રે શીશીમાં ભરેલી બધી જ ગોળીઓ ખાઈ લીધી. હું બેભાન બની ગઈ. પૂરા સાત દિવસ સુધી હોસ્પિટલમાં રહી. પૂરા આસામમાં સનસનાટી ફેલાઈ ગઈ. હું બચી ગઈ પરંતુ આ ઘટનાના કારણે મને પાછળથી ઘણી તકલીફો પડી. લોકોએ જાતજાતની વાતો વહેતી કરી. ભાતભાતની અફવાઓ ફેલાવી. એ ઘટના બાદ શરમના કારણે હું ઘરની બહાર પણ નીકળી શકતી નહોતી.
એ આઘાતમાંથી બહાર નીકળતાં મને સમય લાગ્યો. ઘણા દિવસો બાદ અમારી હવેલીની બાજુમાં એક દક્ષિણ ભારતીય એન્જિનિયર- યુવાન રહેવા આવ્યો. કેટલાયે મહિનાઓની ખામોશી બાદ તેણે મારા પ્રત્યેનો પ્રેમ અભિવ્યક્ત કર્યો. એની ચાહતે મને બોલવાની શક્તિ આપી. બ્રહ્મપુત્રા નદીના કિનારે અમે બંને સાંજના સમયે સાથે ફરવા નીકળતાં. એક દિવસ મેં એ યુવાન સાથે લગ્ન કરવાની ઇચ્છા મારી મા સમક્ષ વ્યક્ત કરી. મારી મા મારું લગ્ન આસામી યુવાન સાથે જ કરાવવા માંગતી હતી, પણ મારા આગ્રહ બાદ રાજી થઈ ગઈ. એ યુવાનનું નામ માધુ હતું. હું અને માધુ પરણી ગયાં. પરંતુ કુદરતને મારી ખુશીમાં રસ નહોતો. લગ્નનાં બે વર્ષ બાદ  એક જીપ અકસ્માતમાં મારા પતિનું આકસ્મિક મોત નીપજ્યું. મારી નાનકડી દુનિયા ઊજડી ગઈ. મારું જીવન  ફરી વેરાન થઈ ગયું. પતિના મોતના કારણે હું ફરી આઘાતમાં સરી પડી. ફરી મને આત્મહત્યા કરી લેવાનું મન થઈ આવ્યું.’’
ઈન્દિરા કહે છેઃ ‘‘એ ઘટના વખતે હું માત્ર ૨૩ વર્ષની હતી. ૨૩ વર્ષની વયે જ હું વિધવા થઈ ગઈ. વાતાવરણ બદલવા હું આસામથી વૃંદાવન આવી. તે પછી મેં વાંચવા- લખવામાં મન પરોવ્યું. કુદરતે આપેલી મુશ્કેલીઓ સામે લડવા મેં નિર્ણય કર્યો. મેં ગ્વાલપાડા સૈનિક સ્કૂલમાં બાળકોને ભણાવવાનું કામ શરૂ કર્યું. તે પછી ગવર્નર ઓફ આસામની સ્કોલરશિપ પર મેં વૃંદાવનમાં માધવ કંદલીના‘‘અસમિયા રામાયણ’’ અને ‘ગોસ્વામી તુલસીદાસ’ રચિત  ‘રામચરિત માનસ’નું તુલનાત્મક અધ્યયન કર્યું. આ બંને સાહિત્યકૃતિઓના અભ્યાસ બાદ મને વૃંદાવનમાં રહેતી કૃષ્ણ દાસીઓ અને પંડાઓ- પૂજારીઓનાં જીવનમાં ઝાંખવાનું મન થયું અને તે પછી મારી જિંદગીનો અભિગમ સાવ બદલાઈ ગયો. વૃંદાવનની કૃષ્ણદાસીઓ અને પંડા- પૂજારીઓના જીવનમાં ડોકિયું કર્યા બાદ મારા મનમાં ક્ષોભ અને વિતૃષ્ણાપેદા થઈ.’’
સમય વહેતો રહ્યો.
સાહિત્યને જ જીવન તરીકે અપનાવી દેનાર ઈન્દિરા ગોસ્વામી તે પછી ૧૯૭૧માં દિલ્હી આવ્યાં. દિલ્હી યુનિર્વિસટીમાં મોડર્ન ઈન્ડિયન લેંગ્વેજ ડિપાર્ટમેન્ટમાં તેમણે અધ્યાપન કાર્ય શરૂ કર્યું. દિલ્હીનું સાહિત્યજગત હવે તેમને મામોનીના નામથી નહીં પરંતુ ઈન્દિરા ગોસ્વામી તરીકે ઓળખવા લાગ્યું. દિલ્હી યુનિર્વિસટીની વિર્દ્યાિથનીઓનાં તેઓ પ્રિય અધ્યાપિકા બની ગયાં. હવે તેમણે લખવાનું પણ શરૂ કર્યું. આસામથી આવતી આસામની વિર્દ્યાિથનીઓ ઈન્દિરા ગોસ્વામીને અચૂક મળતી. ઈન્દિરા તેમની સમક્ષ બ્રહ્મપુત્રા નદીની યાદો તાજી કરતાં. જે જ્યોતિષીએ કહ્યું  હતું કે આ છોકરી ખરાબ નસીબ સાથે જન્મી છે અને તેના બે ટુકડા કરીને બ્રહ્મપુત્રા નદીમાં  ફેંકી દો, તે છોકરી હવે ૬૮ વર્ષનાં આસામનાં જ નહીં પરંતુ આખા દેશનાં સન્માનનીય લેખિકા છે. જે યુવતી ૨૩ વર્ષની વયે વિધવા બની અને આત્મહત્યા કરી લેવા વિચાર કરતી હતી તે જ યુવતીને ભારતના સાહિત્યજગતનો સર્વશ્રેષ્ઠ જ્ઞાનપીઠ એવોર્ડ મળ્યો. સાહિત્ય અકાદમીએ પણ પુરસ્કાર આપ્યો. આસામ સરકારે પણ ઈન્દિરા ગોસ્વામીને રાજ્યનો સર્વશ્રેષ્ઠ સાહિત્ય પુરસ્કાર આપ્યો. ઈન્દિરા ગોસ્વામીનું સાહિત્ય દેશની તમામ ભાષાઓમાં તથા અનેક વિદેશી ભાષાઓમાં અનુવાદિત થઈ ચુક્યું છે. આ બધું જ હોવા છતાં ઈન્દિરા ગોસ્વામીની અંગત જિંદગી સંઘર્ષ અને મુશ્કેલીઓ ભરી રહી. પતિના મૃત્યુ બાદ તેઓ એકાકી જીવન જ જીવ્યાં. ૨૦૦૮માં તેઓ દિલ્હી યુનિર્વિસટીમાંથી નિવૃત્ત થઈ ગયાં.  તે પછી તેમણે વાંચવાનું અને લખવાનું કદી બંધ કર્યું નહીં. હા,હવે તેઓ તેમના વતન આસામ પાછાં જતાં રહ્યાં છે. બ્રહ્મપુત્રા નદીના કિનારાને તેઓ ભૂલ્યા નથી. પરંતુ આજકાલ તેઓ ગંભીર રીતે બીમાર છે. તેઓ કોમામાં ચાલ્યાં ગયાં છે. તેમને દિબ્રુગઢની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

Comments