શગુફ્તા સાથે લગ્ન કર્યું, પણ મેં કાંઈ છૂપાવ્યું હતું (કભી કભી)


 શગુફ્તા મને ગમી ગઈ પણ મેં કાંઈ છૂપાવ્યું હતું ઈમ્તિયાઝે છૂપાયેલી કેટલીક વાતો કબૂલ કરી લીધી પરંતુ શગુફ્તા ખામોશ જ રહી ઈમ્તિયાઝે પહેલી જ વાર શગુફ્તાને જોઈ અને તે એની પર આશિક થઈ ગયો હતો. એમાં ઈમ્યિતાઝનો વાંક નહોતો. શગુફ્તા હતી જ એવી. ગુલાબી ચહેરો, શાનદાર કદ અને શીશા જેવું બદન. એના ગાલ જાણે કે ચાંદની લહેરાતી હતી. ઈમ્યિતાઝ જે ઓફિસમાં નોકરી કરતો હતો તે જ ઓફિસમાં શગુફ્તા નવી નવી આવી હતી. ઘણાંને લાગતું કે શગુફ્તાને એના હુશ્નનું ઘમંડ છે. પણ હકીકતમાં એમ નહોતું. શગુફ્તા સ્વભાવથી જ અંતર્મુખી હતી. એ ભાગ્યે જ કોઈની સાથે વાત કરતી. ઈમ્તિયાઝ પહેલા દિવસથી જ તેના પ્રેમમાં પડી ગયો હતો. તે કોઈ પણ ભોગે શગુફ્તાને પામવા માંગતો હતો. ઈમ્તિયાઝને જિંદગીમાં એક હમસફરની જરૂર હતી. તેને લાગતું હતું કે, શગુફ્તા જ તેના માટે યોગ્ય છે. બેઉ ઊંચા હોદ્દા પર હતાં. ઈમ્યિતાઝ સિનિયર હતો. ઈમ્તિયાઝે તેની સાથે વાત કરવા કોશિશ કરી પરંતુ શરૂઆતમાં તે માત્ર કામ પૂરતી જ વાત કરતી. ઈમ્તિયાઝ શગુફ્તા સાથે દોસ્તી કરવાની તક શોધતો હતો.
એ દિવસે આકાશમાં વાદળો ઘેરાયેલાં હતા. રજાનો દિવસ હતો. ઈમ્તિયાઝ કોઈ કામે તેની કાર લઈને બહાર ગયો હતો. એટલામાં ધોધમાર વરસાદ શરૂ થઈ ગયો. સહેજ આગળ વધ્યો અને એણે જોયું તો રસ્તામાં એક રિક્ષા બંધ પડી હતી. સહસા તેની નજર રિક્ષામાં બેઠેલી શગુફ્તા પર પડી. તેના હાથમાં શોપિંગ બેગ હતી. રિક્ષાવાળો રિક્ષા રિપેર કરવા પ્રયાસ કરી રહ્યો હતો. ઈમ્તિયાઝે ગાડી થોભાવતાં કહ્યું : ‘‘શગુફ્તા, બહાર વરસાદ બહુ છે. ચાલો હું તમને ઘરે છોડી આવું.’’
શગુફ્તા સીધી જ રિક્ષામાંથી ઊતરી અને ઈમ્તિયાઝની કારમાં બેસી ગઈ. ઈમ્તિયાઝે પૂછયું : ‘‘બહાર ભીની ભીની ઠંડક બહુ છે. કોફી પીશું ?’’
શગુફ્તાએ ઈનકાર ના કર્યો.પૂરા દોઢ કલાક સુધી તેઓ કોફી હાઉસમાં વાતો કરતાં રહ્યાં. ઈમ્તિયાઝને લાગ્યું કે આ તો કોઈ ઓર જ શગુફ્તા છે. બહારથી અહંકારી લાગતી શગુફ્તા અંદરથી સાવ સરળ છે. ઈમ્તિયાઝ તેને ઘરે છોડવા ગયો. કારમાંથી ઊતરતાં શગુફ્તાએ કહ્યું : ‘‘થેંક્સ ઈમ્તિયાઝ, હું બહુ મુશ્કેલીથી પરવાનગી લઈ ઘરની બહાર નીકળી હતી. તમને ઘરે આવવા કહી શકતી નથી.’’
ઈમ્તિયાઝે કહ્યું : ‘ઈટ્સ ઓલ રાઈટ. ફરી કોઈ વાર.’’
-અને એ દિવસ બાદ શગુફ્તા અને ઈમ્તિયાઝ વચ્ચે દોસ્તીની શરૂઆત થઈ. બેઉ રોજ ઓફિસની કેન્ટીનમાં સાથે કોફી પીવા લાગ્યાં. તે પછી અવારનવાર ઈમ્તિયાઝની કારમાં જ તે લિફટ લેવા માંગી. બેઉ વચ્ચે સંબંધો વિકસતા ગયા. એક દિવસ ઈમ્તિયાઝે કહ્યું : ‘‘તમે વાતચીત કરવામાં મેચ્યોર્ડ લાગો છો. તમારી ઉંમર કેટલી ?’’
‘‘૨૨ વર્ષ’’.
ઈમ્તિયાઝ થોડીવાર મૌન થઈ ગયો. એણે વાત બદલી નાખી. કેટલાક દિવસ બાદ ઈમ્તિયાઝે ખૂબ જ પ્રેમથી કહ્યું:’’ શગુફતા,આપણે આ રીતે બહાર ફરીએ તે ઠીક નથી. તમે મને પસંદ છો. હું સાવ એકલો છું. તમને વાંધો ના હોય તો આપણે શાદી કરી ઘર વસાવી લઈએ.’’
‘‘મને પણ કોઈ એતરાજ નથી.’’
‘‘પણ હું ઈચ્છું છું કે શગુફ્તા તમે મારા વિષે પૂરેપૂરી જાણકારી મેળવી લો. મહોબ્બત આંધળી હોય છે. કાલે તમને એમ ના લાગવું જોઈએ કે મેં તમારાથી કાંઈ છુપાવ્યું છે.’’
શગુફ્તા બોલીઃ ‘‘દિલ મળી જાય તે પછી કાંઈ તપાસ કરવાની હોતી નથી. આપણે એટલાં કરીબ આવી ગયાં છીએ કે હવે તેમાંથી પાછાં વળી શકીએ તેમ નથી. હું જ તમારી જિંદગીમાં આવવા માંગુ છું.’’
એ પછીના જ અઠવાડિયામાં ઈમ્તિયાઝ અને શગુફ્તા અત્યંત સાદગીથી પરણી ગયાં. બે ચાર મિત્રો સિવાય કોઈને ય હાજર રાખ્યાં નહીં. ફાલતું ખર્ચો પણ કર્યો નહીં. લગ્ન બાદ બેઉ હનીમૂન માટે સિમલા જતાં રહ્યાં. ઈમ્તિયાઝને તો આ બધું ખ્વાબ જેવું લાગતું હતું. પોતાના જીવનમાં ૨૨ વર્ષની હરીભરી યુવતીને પત્ની તરીકે પામીને તે ખુશ હતો.
શગુફ્તા હવે ઈમ્તિયાઝ સાથે એક નવા જ ફલેટમાં રહેવા આવી ગઈ હતી. બેઉ હવે સાથે જ જોબ પર જતાં. સમય વીતતો ગયો. પરંતુ કેટલીક વાર ઈમ્તિયાઝ શનિ- રવિવારે કલાકો સુધી કોઈને કોઈ બહાનું કાઢી બહાર જતો રહેતો. શગુફ્તા તેને કાંઈ પૂછતી નહોતી. વાત જાણે એમ હતી કે, શગુફ્તાને જોયા બાદ ઈમ્તિયાઝ તેના રૂપનો દિવાનો થઈ ગયો હતો. શગુફ્તા જેવી ૨૨ વર્ષની યુવતી સાથેનું લગ્ન તેને ખ્વાબ જેવું લાગતું હતું. ઈમ્તિયાઝે બે વાતો શગુફ્તાથી છુપાવી હતી. એક તો તેની ઉંમર ૫૦ વર્ષની હતી પરંતુ નિકાહનામામાં તેણે ૩૦ વર્ષ લખાવી હતી. બીજું કે શગુફ્તા સાથે તેનું આ બીજી વારનું લગ્ન હતું અને તેનાથી તેને ૧૨ વર્ષની એક પુત્રી અને ૨૦ વર્ષનો એક પુત્ર પણ હતો. અલબત્ત, પહેલી પત્નીને તેણે તલાક આપી દીધા હતા. કારણ કે તેને કોઈ બીજા સાથે સંબંધ હતો. ઈમ્તિયાઝે એ કારણસર પહેલી પત્નીને તલાક આપી દીધા હતા. પરંતુ પુત્રી અને પુત્રને તે ખૂબ ચાહતો હોઈ એ બંનેને તેણે પોતાની બહેનના ઘરે રાખ્યાં હતાં. આ વાત પણ એણે શગુફ્તાને કહી નહોતી. છોકરાંઓની યાદ આવતાં ઈમ્તિયાઝ શનિ- રવિવારે એકલો બહેનના ઘરે પહોંચી જતો. શગુફ્તાથી આ વાત છુપાવી હોઈ તેનો આત્મા અંદરથી દુભાતો હતો. તે શગુફ્તાને પણ ગુમાવવા માંગતો નહોતો અને સંતાનોને પણ નહીં તેનું શરીર સૌષ્ઠવ પાતળું હોઈ તે ૫૦નો હોવા છતાં ૩૦નો લાગતો હતો. તે એકાકી હોઈ તેણે શગુફ્તાને હમસફર તરીકે પસંદ કરી હતી. શગુફ્તા તેનું ખ્વાબ હતી. શગુફ્તાને ખબર ના પડે તે રીતે તે પોતાના વાળને નેચરલ કલરથી ડાઈ કરાવી લેતો. શગુફ્તાને તે પોતાના રિશ્તેદારો સાથે મીલાવતો નહોતો. બીજી બાજુ તે પોતાના બાળકોની જુદાઈ પણ સહન કરી શક્તો નહોતો. એક દિવસ એણે મનોમન નિર્ણય કરી લીધો કે, ‘‘મારે શગુફ્તાને સાચી વાત કરી દેવી જોઈએ. મારી ઉંમર અને મારી આગલી પત્ની વિષે પણ.’’
એક દિવસ શગુફ્તા ખુશ હતી. રજાનો દિવસ હતો. શગુફતાએ કહ્યું : ‘‘ઈમ્તિયાઝ, આજે મને સીમલાનું હનીમૂન યાદ આવી ગયું. આજે આપણે ક્યાંય બહાર જવું નથી. બસ, બારણા બંધ કરી દઈએ. આખો દિવસ ઘરમાં જ રહીશું.’’
શગુફ્તાના ચહેરા પર વિલાસીતા સવાર હતી. ઈમ્તિયાઝને લાગ્યું કે, શગુફ્તા સાથે વાત કરવાનો આ જ શ્રેષ્ઠ અવસર છે. એણે શગુફ્તાને વિશ્વાસમાં લેતાં કહ્યું : ‘‘શગુફતા, આજે એક ગંભીર વાત તને કહેવા માંગુ છું. તારે ખરાબ લગાડવાનું નહીં ખાતરી આપ.’’
શગુફ્તા ગંભીર થઈ ગઈ અને બોલી : ‘‘બોલો.’’
ઈમ્તિયાઝ બોલ્યોઃ ‘‘શગુફ્તા મેં તારાથી બે વાત છુપાવી છે એક તો હું ૩૦ વર્ષની વયનો નથી. પરંતુ મારી ઉંમર ૫૦ વર્ષની છે. અને બીજી વાત એ કે તારી સાથે મારું પહેલું લગ્ન નથી. અગાઉ મારી શાદી થયેલી હતી. તેનાથી હું એક પુત્રી અને પુત્રનો પિતા છું. મારા આગલી પત્નીને મેં છૂટાછેડા આપી દીધેલા છે. મારે તને આપણા લગ્ન પહેલાં આ વાત કરી દેવાની જરૂર હતી. આઈએમસોરી.’’
ઈમ્તિયાઝને હતું કે, મારી વાત સાંભળ્યા બાદ શગુફ્તા ઊછળી ઊઠશે. તીવ્ર પ્રતિક્રિયા આપશે. મને ધક્કો મારી તોફાન ઊભું કરી દેશે. પણ એવું કાંઈ બન્યું નહીં. તેને ભય હતો કે શગુફ્તા ગુસ્સે થઈ તેના રિશ્તેદારોને બોલાવી ઘર છોડી જતી રહેશે. પરંતુ એવું કાંઈ બન્યું નહીં. એથી ઊલટું એ ધીરજથી સંયમપૂર્વક ઈમ્તિયાઝની વાત સાંભળતી રહી. વાત સાંભળી લીધા બાદ પણ તે શાંત રહી.
ઇમ્તિયાઝ હજુ ગભરાયેલો હતો. એ બોલ્યો : ‘‘મને માફ કરી દે શગુફ્તા. મેં તારાથી જે વાતો છુપાવી તે બદલ હું શરમ અનુભવું છું.’’
કેટલીયે વાર ખામોશ રહ્યા બાદ શગુફ્તા બોલીઃ ‘‘મારાથી તમે કઈ વાતની માફી માંગી રહ્યા છો ?’’
ઈમ્તિયાઝ બોલ્યોઃ ‘‘તારા જેવી નવયુવાન છોકરીને મેં મારી સાચી ઉંમર કહી નહીં. આગલી પત્નીની વાત પણ કહી નહીં. ખરેખર તો તારે જ મારા વિષે તપાસ કરી લેવાની જરૂર હતી.’’
શગુફ્તાએ પૂછયું: ‘‘ તો તમે જ આપણા લગ્ન પહેલાં બધું કહી દીધું કેમ નહીં ?’’
‘‘કારણ કે હું તને બેહદ ચાહતો હતો. હું તને ગુમાવવા માંગતો નહોતો. હું ખરાબ માણસ નથી પરંતુ શગુફ્તા મને લાગતું હતું કે, ‘‘ તું જ મારા માટે યોગ્ય પાત્ર છે. પણ આજે મને લાગે છે કે મેં તારી સાથે ફરેબ કર્યો છે. મને ડર હતો કે હું સાચી વાત કહીશ તો ૨૦ કે ૨૨ વર્ષની છોકરી મારી સાથે લગ્ન કરવા કદી તૈયાર નહીં થાય. મને માફ કરી દે શગુફ્તા.’’
એક ઊંડો શ્વાસ લેતાં ધીમેથી શગુફ્તા બોલી :’’તમે પણ મને માફ કરી દો. ઈમ્તિયાઝ. ના તો હું ૨૨ વર્ષની છું કે ના તો કુંવારી. હું પણ ૪૬ વર્ષની વયની છું. પરંતુ કુદરતે બક્ષેલા નમણા દેહના કારણે હું ૨૨ની લાગું છું. એ ઉપરાંત હું પણ એક તલાકશુદા ઔરત છું. મારી પણ એક આદમી સાથે શાદી થયેલી હતી પરંતુ હું તેને પુત્ર આપી ના શકી એટલે એમણે મને તલાક આપી દીધા. અલબત્ત, મારા આગલા પતિથી થયેલી બે પુત્રીઓની હું મા છું, જે હૈદરાબાદની મેડિકલ કોલેજમાં ભણે છે. મને પણ ડર હતો કે,મારા એકાકી થઈ ગયેલા જીવનમાં કોઈ સારો પુરુષ આવ્યો છે તેને હું ગુમાવવા માંગતી નહોતી. એટલે મેં પણ મારા આગલા લગ્નની અને તે લગ્નજીવન દરમિયાન થયેલી બે પુત્રીઓની વાત તમારાથી મેં છુપાવી હતી. મેં પણ તમને મારી બાબતમાં પૂછપરછ કરવા કહ્યું હતું પણ તમે મારી વાત સાંભળી જ નહીઃ ‘‘
‘‘ કારણ કે હું તારી તરફના પ્રેમમાં આગળ વધી ચૂક્યો હતો’’ ઈમ્તિયાઝ બોલ્યો.
‘‘મારું પણ એવું જ હતું : ‘‘ બોલતાં શગુફ્તાએ ઈમ્તિયાઝના ખોળામાં માથું છુપાવી દીધું. ઈમ્તિયાઝે ખૂબ જ પ્રેમપૂર્વક તેના માથાના વાળમાં આંગળા નાખી એને પંપાળી રહ્યો.
અને શગુફ્તા કહે છે : ‘‘અમારા જીવનની થોડી સી બેવફાઈને અમે બંનેએ એકબીજાને માફ કરી દીધી.’’
ઘણીવાર બદ ઈરાદા વગરની આવી બેવફાઈ માફ કરી દેવાથી જીવન પણ સુખમય બની જતું હોય છે.

Comments