હવે છોકરાઓથી નફરત થઈ ગઈ છે


સોક્રેટિસજી,
મારું નામ નિત્યા છે. હું સુરતમાં રહું છું અને હાલમાં કમ્પ્યુટર એન્જિનિયરિંગમાં ડિપ્લોમાનો અભ્યાસ કરી રહી છું. હું પહેલેથી જ બોલ્ડ અને બિંદાસ્ત છું, એને કારણે ઘણા લોકો મારા માટે ગેરસમજ કરી લેતા હોય છે અને હું સારી છોકરી નથી એવું માની લેતા હોય છે. ખેર, મને એની બહુ પરવા નહોતી. મારી સમસ્યાની વાત કરું તો મેં જ્યારે ડિપ્લોમાનો અભ્યાસ શરૂ કર્યો ત્યારે હું રાજવીર સાથે સંપર્કમાં આવી. મને રાજવીર ગમતો હતો. અમારી જ્ઞાતિ જુદી હોવાથી અમે લગ્ન કરી શકીશું નહીં, એ હું જાણતી હતી, તોપણ હું તેના પ્રેમમાં પડી ગઈ હતી. રાજવીરના પ્રેમમાં મને પ્રેમ શું ચીજ છે, તેનો ખ્યાલ આવ્યો.
રાજવીર સાથે લગ્ન થઈ શકે એમ નહોતાં એટલે એ સંબંધને આગળ ન વધાર્યો. રાજવીર પછી મારી જિંદગીમાં બીજો છોકરો આવ્યો - કશ્યપ, જેણે મારી જિંદગી બરબાદ કરી નાખી છે. મેં અમુક સમાધાન કરીને કશ્યપ સાથે જિંદગી જીવવાનું વિચારેલું પણ એણે જ બાજી બગાડી નાખી. કશ્યપનો મુખ્ય પ્રોબ્લેમ હતો એનો જિદ્દી અને શંકાશીલ સ્વભાવ.
કશ્યપ હંમેશાં મારા પર હક જમાવતો હતો, મારા પર શંકા કરતો હતો, તેને મારાં કપડાં સામે પણ વાંધા પડતા અને હું અભ્યાસ સાથે નોકરી કરતી હતી, એ પણ એને પસંદ નહોતું, છતાં હું સંબંધ ટકાવી રાખતી હતી. જોકે, મારાં મમ્મી-પપ્પાને અમારા સંબંધ વિશે ખબર પડી. તેમણે કશ્યપના ફેમિલી બેકગ્રાઉન્ડની તપાસ કરાવી ત્યારે તેમને નેગેટિવ રિપોર્ટ મળ્યા, કશ્યપ અંગે પણ સારા અભિપ્રાયો ન મળ્યા, એટલે તેમણે કશ્યપ સાથે સંબંધ રાખવાની ચોખ્ખી ના પાડી દીધી. મને થોડું ખરાબ લાગ્યું પણ આખરે મેં તેમની વાત માની લીધી. મને સમજાયું કે મારાં મમ્મી-પપ્પા મારું ભલું ઇચ્છે છે.
મારું દિલ ચકનાચૂર થઈ ગયું હતું. હું અંદરથી તૂટી ગઈ હતી. એ દરમિયાન ઘરમાં મારા માટે એક છોકરો જોવામાં આવ્યો, જેના માટે મેં હા પાડી. એ છોકરો પણ કશ્યપ જેવો જ જિદ્દી અને શંકાશીલ નીકળ્યો. મેં તેને મારા ભૂતકાળ વિશે કશું ન જણાવ્યું. જોકે,કશ્યપે હલકાઈ કરી. તેણે મારા ફિયાન્સના પપ્પાને જઈને જણાવી દીધું કે તેને મારી સાથે આવા આવા સંબંધો હતા. તેણે પુરાવારૂપે અમારા ફોટા પણ તેમને બતાવ્યા. મારી સગાઈ તૂટી ગઈ. મને હવે છોકરાઓથી નફરત થઈ ગઈ છે. મરી જવાના વિચાર આવે છે પણ મમ્મી-પપ્પા અને બીજા મિત્રોનો પ્રેમ મને એવું કરતાં રોકે છે. મને સમજાતું નથી કે મારી ભૂલ શું થઈ કે બધા છોકરાઓએ મારી સાથે વિશ્વાસઘાત જ કર્યો? મેં રાજવીરને દિલથી ચાહ્યો હતો, પણ મને એ ન મળ્યો. બોલ્ડ અને બિંદાસ્ત એવી હું અત્યારે સાવ સીધી-સાદી બની ગઈ છું. હું જાણે દુનિયાથી હારી ગઈ છું. હું એક છોકરી છું એટલે કોઈ પણ મારી સાથે રમત કરીને ચાલ્યા જાય? શું સાચા પ્રેમ જેવું, લાગણી જેવું કંઈ હોતું જ નથી? મારે મજબૂરીમાં કોઈ નિર્ણય કરવા નથી. મારે કંઈક કરી બતાવવું છે. પણ મને લાગે છે કે થોડા દિવસો પછી કોઈ છોકરા સાથે મને પરણાવી દેવામાં આવશે. પછી શું મારે આખી જિંદગી છેતરાવાનું છે?
લિ. નિત્યા


પ્રિય નિત્યા,
આપણી સાથે કોઈ એક ખરાબ ઘટના બને પછી આખી જિંદગી એવી જ ઘટનાઓ બન્યા જ કરશે, એવું માની લેવાનું કોઈ કારણ નથી. ક્યારેક નિષ્ફળતા મળે પણ પછી કાયમ નિષ્ફળતા જ મળવાની છે એવું ધારી લઈએ તો ક્યારેય સફળ થવાતું નથી. એકાદ-બે વ્યક્તિ વિશ્વાસઘાતી હોય એટલે આખી દુનિયા વિશ્વાસઘાતી હોય, છેતરપિંડી કરનારી હોય એવું માની લેવું ન જોઈએ. દુનિયામાં ખરાબ લોકો હોય છે તો સારા લોકો પણ હોય જ છે. દુનિયામાં નિષ્ઠુર લોકો હોય છે તો પ્રેમાળ લોકો પણ હોય જ છે. સંવેદનહીન હોય છે તો સામે સંવેદનશીલ લોકો પણ હોય છે. એકાદ-બે કડવા અનુભવના આધારે આખી દુનિયા અને જિંદગી માટે નેગેટિવ વિચારવું યોગ્ય નથી.
કશ્યપે તમારી સાથે જે કંઈ કર્યું, તે યોગ્ય નહોતું જ. કશ્યપ સંવેદનશીલ અને સમજદાર વ્યક્તિ ન ગણાય. તે બેવફા જ છે પણ કશ્યપને કારણે આખી દુનિયાના બધા છોકરાઓ કંઈ બેદર્દી કે બેવફા બની જતા નથી. તમે કશ્યપે જે કંઈ કર્યું તે એક વાર સહન કર્યું છે, હવે તેને આખી જિંદગી સહન કરવાની જરૂર નથી. અને આ પીડામાંથી છૂટવાનો એક જ રસ્તો છે - કશ્યપના વિચારોને ભૂલી જવા અને ભાવિ જિંદગી અંગે પોઝિટિવ બનીને ચાલવું. નફરતની ભાવના અને નકારાત્મકતા તો તમને જ નડશે, પીડશે.
બધા છોકરાઓ કશ્યપ જેવા નથી હોતા. પ્રેમ અને લાગણીને સમજી શકે એવા અને પ્રેમિકા કે પત્નીની કાળજી લેનારાઓની આપણે ત્યાં કમી નથી. તમે આશા રાખો, હકારાત્મક વિચારો રાખો કે તમારી જિંદગીમાં પણ કોઈ સારો, સમજદાર અને સંવેદનશીલ યુવક જરૂર આવશે. તમે જેટલા પોઝિટિવ બનશો એટલા જ તમે પ્રફુલ્લિત રહેશો. જિંદગીમાં ગમે તે થાય આનંદ ઓછો ન થવો જોઈએ. આનંદમાં રહો અને અભ્યાસ પૂર્ણ કરીને ભાવિ જિંદગી માટે સારાં સપનાં જુઓ, એ જરૂર સાકાર થશે. 

Comments