મમ્મી, મોડું થાય છે


રોહનને પોતાનાં નાનાં નાનાં કામ જાતે કરવાનાં આવ્યાં. કમનસીબે રોહને પુત્રીના ઉછેરમાં સાથ આપવાને બદલે તેને પોતાની અવગણના માની લીધી રોહનની દૃષ્ટિ બદલાઈ ગઈ તેને અગાઉ લેખાના જે ગુણ દેખાતા હતા, ખૂબીઓ દેખાતી હતી એ જ હવે અવગુણ, ખામી બની સામે આવવા લાગ્યા.

લેખા અને રોહન કોલેજની હોટ ફેવરિટ જોડી ગણાતી હતી. કોલેજના પહેલા વરસમાં અચાનક બંને એકબીજાના સંપર્કમાં આવ્યાં હતાં. લેખાનો અવાજ બહુ મીઠો હતો. કોલેજના વાર્ષિક દિન નિમિત્તે યોજાયેલા ફંક્શનમાં તેણે ગીત એવી તો અદ્ભુત રીતે ગાયું હતું કે સાંભળનારના દિલને સ્પર્શ્યા સિવાય રહી જ ન શકે. રોહન તો તેના આ અવાજનો જાણે દીવાનો બની ગયો હતો. તે દિવસે લેખા પર અભિનંદનની ઝડીઓ વરસી હતી અને એમાં રોહન સૌથી મોખરે હતો. લેખા અને રોહનનો આ પહેલો પરિચય.
આ પરિચય ધીમે ધીમે પાંગરતો ગયો. અલબત્ત, બીજા પણ ઘણાં યુવકો તેના અવાજના દીવાના બન્યા હતા પણ લેખા એમ જલદી કોઈને મચક આપે તેમ નહોતી.
પણ ન જાણે રોહનની કઈ વાત એના દિલને રણઝણાવતી ગઈ હતી. રોહન તેને બીજા યુવકો કરતાં કંઈક અલગ લાગ્યો. અલબત્ત,કઈ રીતે અલગ એમ કોઈ પૂછે તો તે જવાબ આપી શકત કે કેમ એ પ્રશ્ન જરૂર થાય. અને આમ પણ પ્રેમના આવા કોઈ પ્રશ્નોના સંતોષકારક જવાબ કોની પાસે હોય છે? પ્રેમ આંધળો હોય છે એવી કહેવત આવા કોઈ કારણસર જ પડી હશે. અને એક દિવસ રોહને ધીમેથી લેખા સામે હાથ લંબાવતાં પૂછવાની હિંમત કરી જ લીધી.
આઈ એમ રોહન. ફ્રેન્ડ?
લેખા એક મિનિટ તેની સામે જોઈ રહી. રોહનની આંખોમાં પોતાનું પ્રતિબિંબ ઉભરતું હતું. તેણે હળવેથી રોહનના લંબાયેલા હાથમાં પોતાનો હાથ મૂક્યો.
બસ, આ હતી તેમની મૈત્રીની નાનકડી શરૂઆત.
અને જેમ સામાન્ય રીતે બને છે તેમ ધીમે ધીમે આ મૈત્રીમાં અવનવા રંગો ઉમેરાતા ગયા. દિવસે દિવસે મૈત્રી ગાઢ બનતી રહી અને કોલેજના ત્રીજા વરસમાં આવતા તો મૈત્રીએ પ્રેમનું સ્વરૂપ લઈ લીધું, સાથે જીવવા, મરવાના કોલ અપાયા. સહજીવનનાં સ્વપ્નો બંનેના દિલમાં વવાયાં,ઊગ્યાં, ફૂલ્યાં ફાલ્યાં અને સદ્નસીબે લગ્નમાં પણ પરિણમી શક્યાં.
બંનેની જ્ઞાતિ અલગ હોવાથી થોડા વાંધાવચકા બંને કુટુંબ તરફથી આવ્યા, પરંતુ ધીમે ધીમે બંનેનાં કુટુંબોએ આ સંબંધને સ્વીકારી લીધો અને મંજૂરીની મહોર મારી. કદાચ પોતે મંજૂરી ન આપે અને છોકરાંઓ કોઈ આડુંઅવળું પગલું ભરી બેસે તો એવો કોઈ ડર પણ કદાચ બંનેનાં માતા-પિતાના મનમાં હતો. જે કારણ હોય તે પણ અંતે ઘીના ઠામમાં ઘી પડી રહ્યું. એની જેમ બંનેનો પ્રેમ એક દિવસ લગ્નમાં પરિણમ્યો. જીવનનો એક નવો અધ્યાય શરૂ થયો. જીવન સોળે કળાએ ખીલી ઊઠયું. સાથે જોયેલાં શમણાં સાકાર બનતાં લાગ્યાં. જીવનમાં મેઘધનુષી રંગો પુરાતા રહ્યા. એકમેકના સાથમાં સમય તો જાણે ઊડતો રહ્યો. સહજીવનનાં પહેલા પાંચ વરસ તો પલકારાની માફક વીતી ગયાં. લગ્નનાં બે વરસ પછી જન્મેલી દીકરીએ જીવનમાં સઘળી ખુશી ભરી દીધી. પણ ન જાણે કેમ ધીમે ધીમે પ્રેમની આ ભરતીમાં ઓટ દેખાવી ચાલુ થઈ. જોકે લેખાને તો એવી ખાસ કોઈ જાણ શરૂઆતમાં ન થઈ. તે તો નાનકડી પરીમાં અને તેના ઘડતરમાં વ્યસ્ત બની હતી. નાની નાની વાતોને અવગણીને તે પુત્રીમય થતી રહી. લેખા હવે માત્ર એક સ્ત્રી નહોતી રહી. હવે તે એક મા પણ બની ચૂકી હતી. સ્વાભાવિક રીતે જ લેખાનું ધ્યાન પુત્રીની સગવડો સાચવવામાં ને તેના વિકાસ પાછળ વધારે રહેવા લાગ્યું. હવે રોહનને પોતાનાં નાનાં નાનાં કામ જાતે કરવાનાં આવ્યાં. કમનસીબે રોહને પુત્રીના ઉછેરમાં સાથ આપવાને બદલે તેને પોતાની અવગણના માની લીધી રોહનની દૃષ્ટિ બદલાઈ ગઈ તેને અગાઉ લેખાના જે ગુણ દેખાતા હતા,ખૂબીઓ દેખાતી હતી એ જ હવે અવગુણ, ખામી બની સામે આવવા લાગ્યા.
ધીમે ધીમે રોહન લેખા તરફ બેદરકાર બનવા લાગ્યો. નાની નાની વાતમાં તેને લેખાના દોષ દેખાવા લાગ્યા. અને પુરુષની ભ્રમરવૃત્તિ હોય કે કોઈ પણ કારણ હોય પણ રોહન તેની જ ઓફિસની આસ્થા તરફ આકર્ષાયો. આકર્ષાવા માટે આમ પણ કારણોની ખોટ તો કોને, ક્યારે હોય છે?
દિવસે દિવસે એ આકર્ષણ વધતું ચાલ્યું. અને પછી તેને નામ અપાયું ફરી એક વાર પ્રેમનું અને લેખાથી આ વાત ક્યાં સુધી છૂપી રહી શકે? અને હજુ તો એ વાત પર ઝઘડો થાય એ પહેલાં જ એક દિવસ ઓફિસે ગયેલો રોહન ઘેર પાછો આવ્યો જ નહીં. આવી ફ્ક્ત તેની એક ચિઠ્ઠી જેમાં તેણે બહુ સાદા શબ્દોમાં જણાવ્યું હતું કે.
"આપણા બનેના સ્વભાવનો મેળ ખાય તેમ નથી અને તેથી તે તેની જિંદગીથી દૂર જાય છે. શક્ય હશે તો પૈસા મોકલાવતો રહીશ અને બાકી તેને જે કરવું હોય તે કરવા સ્વતંત્ર છે. આજથી આપણા માર્ગ અલગ થાય છે."
લેખાને શું કરવું તે સમજ ન પડી. એકલી એકલી રડે પણ કેટલો સમય? પિયરના દરવાજા બંધ હતા. મા બાપ હતાં નહીં અને ભાઈ ભાભી રાખે તેમ હતાં નહીં. સાસરામાં પણ એવું કોઈ નહોતું જે તેનો વિસામો બની શકે. ત્રણ વરસની પુત્રી અને તે હવે રોહનના શબ્દોમાં કહીએ તો સ્વતંત્ર હતા.!
જીવનનાવ એકલા હાથે સામે પૂરે હંકારવાની હતી. કલકલ વહેતાં જળ અચાનક થંભી ગયાં હતાં. શું કરવું તે દિશા શોધવાની હિંમત પણ થોડા સમય માટે જાણે તે ગુમાવી બેઠી હતી, પરંતુ માસૂમ પુત્રીને ઉછેરવાની હતી.
તેનામાં રહેલ 'મા' જાગી ઊઠી અને જીવન સંઘર્ષ શરૂ થયો. પ્રશ્નો તો ઘણાં આવ્યા, પરંતુ લેખાની અંદરની સ્ત્રી અને મા હવે હારવા નહોતી માગતી. સંજોગોને આધીન થઈ રડવાને બદલે તેણે મક્કમતાથી સામનો કર્યો. બીજાં લગ્ન કરવાની ઘણી તક આવી પણ હવે તે કોઈ પુરુષનો વિશ્વાસ કરી શકે તેમ નહોતી.
સદનસીબે લેખાએ સંગીતમાં વિશારદ કરેલું. અવાજ તો તેનો સારો હતો જ તેથી ધીમે ધીમે તેણે સંગીતના ટયુશન શોધ્યા. નોકરીનો સવાલ નહોતો, કેમ કે નાનકડી પુત્રીને કોને ભરોસે મૂકીને જાય? તે દીકરીને એકલે હાથે ઉછેરવા લાગી. ટયુશનની આવકમાંથી દીકરીને સારી સ્કૂલમાં ભણાવવી, તેની જરૂરિયાતો પૂરી કરવી, રસ્તો કંઈ આસાન તો નહોતો જ. છતાં દસ વરસની આકરી તપસ્યા પછી સંગીતની દુનિયામાં તેનું નામ, એક સ્થાન થયું.
જીવન થોડું સરળ બન્યું, પુત્રી પણ હવે સમજણી થઈ હતી. પુત્રીના પિતા વિષેના પ્રશ્નના જવાબમાં તેણે સરળતાથી જે સત્ય હકીકત હતી તે જ કહી દીધી હતી. જેથી એક સત્ય સો જૂઠાણાંથી બચાવી શકે. આમ પણ મા-દીકરી વચ્ચે મૈત્રીનો નાતો બંધાયો હતો.
પણ અચાનક એક દિવસ પૂરાં ચૌદ વરસો બાદ રોહન ન જાણે ક્યાંથી વાવાઝોડાની જેમ ફરી એક વાર તેની જિંદગીમાં આવ્યો.
લેખા અને તેની દીકરી રસ્તામાં જતા હતા ત્યાં જ રોહન તેની સામે આવીને ઊભો રહી ગયો. લેખા ચોંકી ઊઠી. પહેલાં તો ઓળખતાયે વાર લાગી.
રોહને લેખા પાસે પોતાની ભૂલની માફી માગી. તે પોતાની કથની કહેતો રહ્યો, પ્રેમની દુહાઈ દેતો રહ્યો. હવે તે એકાકી બની ગયો હતો. તેને પોતાની ભૂલ સમજાઈ ગઈ હતી. જીવનમાં એક ઠોકર તેણે ખાધી હતી. પસ્તાયો હતો. સવારનો ભૂલેલો સાંજે પાછો આવે તો તેને માફી મળવી જોઈએ. ચૌદ વરસનો વનવાસ પૂરો થયો હતો અને હવે તે પસ્તાઈને ઘેર આવ્યો હતો.
ગઈગુજરી ભૂલી જવા તે લેખાને અનેક રીતે વિનવતો રહ્યો. માફ કરવા મનાવતો રહ્યો.
પણ લેખાએ તેની કોઈ વાત સાંભળવાની શાંતિથી ના પાડી દીધી કે, "મને એમાં હવે કોઈ રસ નથી. તમારા કહ્યા મુજબ હું સ્વતંત્ર છું અને રહેવા માગું છું. મને માફી કે સજા શેમાંય રસ નથી. મને તમારા માટે નફરત કે પ્રેમ કંઈ નથી. મારે માટે તમે જે ક્ષણે કંઈ પણ કહ્યા સિવાય અમને છોડીને ચાલ્યા ગયા હતા તે ક્ષણથી જ અજનબી બની ગયા હતા અને અજનબીના કોઈ વર્તનનું દુઃખ લગાડવાનું ન હોય."
રોહને જ્યારે બહુ કહ્યુ ત્યારે તેણે ધીમેથી કહ્યું,
"સોરી. પણ રોહન, દરેક ભૂલ માફીને પાત્ર નથી હોતી. અને બીજી એક વાત. તારી જગ્યાએ હું કોઈ સાથે ચાલી ગઈ હોત ને ચૌદ વરસ પછી આવીને તારી માફી માગી હોત તો તું મને માફ કરી શકત ખરો?" તેનો પ્રશ્ન અનુત્તર રહ્યો. રોહન કશું બોલી ન શક્યો. શું જવાબ આપે તે? પણ હવે રોહને લેખાની પાસે ઊભેલી તેની દીકરી સામે નજર માંડી. ઓહ, પોતાની દીકરી આટલી મોટી થઈ ગઈ હતી?
અત્યાર સુધી બંનેની વાત સાંભળતી પુત્રી મૌન ઊભી હતી.
પુત્રીને જોઈ રોહનની આંખમાં ચમક આવી. તેણે પુત્રી પાસે પણ માફી માગી.
તેને આશા હતી કે પુત્રી તેને જરૂર માફ કરી દેશે. ત્યાં દીકરી બોલી.
"મમ્મી, આમ ગમે તે અજાણ્યા માણસ સાથે આટલી બધી લપ ન કરવાની હોય."
"બેટા, હું... હું... અજાણ્યો નથી, હું..."
રોહન થોથવાયો.
"સોરી અંકલ, અમારી માટે તમે અજાણ્યા જ છો અને રહેવાના છો. અમારે તમારી કોઈ વાત નથી સાંભળવી. તમે રામ નથી અને મારી મમ્મી કંઈ સીતા નથી. ઓકે? પ્લીઝ અમારો રસ્તો ન રોકો. મમ્મી, ચાલ આપણે મોડું થાય છે." અને માનો હાથ પકડી પુત્રી આગળ વધી.
રોહન ચૂપચાપ બંનેને જતાં જોઈ રહ્યો. એક ખાલીપો તેને ઘેરી વળ્યો. દરેક ભૂલ માફીને પાત્ર નથી હોતી એ અહેસાસ સાથે.                       

Comments