વૈભવી જીવનની લાલચમાં ઓળંગી તમામ મર્યાદાઓ


"શમિતા, આજે તો અમે લોકો મલ્ટિપ્લેક્સમાં મૂવિ જોવા જઈએ છીએ, આખા પરિવાર સાથે. તમારા ભાઈ છેને દર રવિવારે કોઈ ને કોઈ રેસ્ટોરન્ટમાં જવાનો પ્રોગ્રામ તો બનાવતા જ હોય છે." પાડોશમાં રહેતાં ભૂમિકાબહેનની વાત સાંભળતી વખતે શમિતાના ચહેરા પર હાસ્ય તો આવતું, પણ તેમના ગયા બાદ શમિતા વિચારે ચઢી જતી. સામાન્ય પગારમાં તે અને તેનો પતિ હર્ષલ માંડ માંડ મહિનો પૂરો કરતાં હતાં. તે હંમેશાં ભૌતિક સુખ નહીં હોવાની ફરિયાદો તેના પતિ આગળ કરતી રહેતી હતી. આખરે તેના આ સપનાને પૂરું કરવાના દિવસો જાણે નજીક આવી ગયા હતા. હર્ષલની કંપનીમાં આવેલા નવા બોસ ચૈતન્ય રાઠોડની હર્ષલ પર રહેમ નજર થઈ ગઈ. તે હંમેશાં હર્ષલના કામનાં વખાણ કરતા રહેતા અને તેને પ્રોત્સાહિત કરતા રહેતા હતા. એક દિવસ હર્ષલે તેના બોસ ચૈતન્યને ઘરે ડિનર માટે બોલાવ્યા. આજે હર્ષલના આમંત્રણને માન આપીને તેઓ ઘરે જમવા પધાર્યા હતા.
હર્ષલના નાનકડા ઘરમાં તેની પત્ની શમિતાએ કરેલી સજાવટનાં ચૈતન્યએ વખાણ કર્યાં. પોતાનાં વખાણ સામે શમિતાએ પહેલા તો ધ્યાન ન આપ્યું, પણ તેણે જોયું કે વખાણ કરતી વખતે ચૈતન્યની નજર શમિતા પર ટકેલી રહેતી હતી. શમિતા આ ઇશારાને સમજી ગઈ. ચૈતન્યને શમિતા પસંદ આવી ગઈ હતી.
 એક દિવસ ચૈતન્યે હર્ષલને કંપનીના કામે મુંબઈ મોકલી આપ્યો અને સીધો તેના ઘરે ફૂલ લઈને પહોંચી ગયો. શમિતાના વૈભવી જીવનનાં સપનાંને ચૈતન્ય સારી રીતે જાણી ગયો હતો અને તેણે આ જ સપનાંને તેના પ્રેમની સીડી બનાવવાનો વિચાર કર્યો હતો. આજે શમિતા એકલી જ ઘરમાં હતી. તેણે જઈને થોડી આડીઅવળી વાતો કરી શમિતા સામે તેના પ્રેમનો એકરાર કરી દીધો. શમિતાએ હર્ષલના પ્રેમનો વિચાર કરી શરૂઆતમાં આ પ્રસ્તાવનો અસ્વીકાર કર્યો. ચૈતન્યે પણ બીજું કારણ તૈયાર જ કરીને રાખ્યું હતું. તેણે શમિતાને કહ્યું કે તે તેના પતિના પગારમાં વધારો કરી દેશે અને તે પણ ચૈતન્યની માફક વૈભવી જીવન જીવી શકશે. શમિતા આ લાલચમાં ફસાઈ ગઈ. જરા મૂંઝાયેલી શમિતાને ચૈતન્યે લાંબા આલિંગનથી વિશ્વાસ બંધાવ્યો. શમિતા પણ તેના આ લાલચભર્યા પ્રેમમાં વહી ગઈ. શમિતા પણ ચૈતન્યના પ્રેમમાં આંધળી થઈ અને તેણે ચૈતન્યને સહકાર આપતાં બંને એકબીજાંનાં શરીર પરથી વસ્ત્રો હટાવવાં લાગ્યાં. આખરે એક વૈભવી જીવનની લાલચે એક પત્નીને તેની તમામ હદો પાર કરવા મજબૂર કરી દીધી.
હર્ષલ પરત આવ્યો. પરંતુ એક દિવસ આ તમામ વાતો હર્ષલના કાન સુધી પહોંચી ગઈ. હર્ષલે ચૈતન્ય સાથે ઝગડો કર્યો. ચૈતન્યે શમિતા ચારિત્ર્યહીન હોવાની વાત કહીને તેને નોકરીમાંથી કાઢી મૂક્યો. શમિતાએ તેની ભૂલની હર્ષલ પાસે માફી માંગી, પણ હર્ષલ કંઈ જ સાંભળવા માટે તૈયાર નહોતો. તેણે બીજા જ દિવસે શમિતાને તેની મમ્મીના ઘરે જતા રહેવાનું કહ્યું.
આટલું ન ભૂલશો
ભૌતિક સુખો સાથે પ્રેમને ન તોલો.
કોઈ પણ લાલચમાં ફસાયા પહેલાં તેના પરિણામનો વિચાર કરો.
જીવનભરનો સાથ નિભાવતા જીવનસાથીને વફાદાર રહો.
સફળતા માટે શોર્ટકટ ન અપનાવો.

Comments