અંતહીન રાત: જિંદગી ગમે ત્યારે ભૂતકાળ સામે ખડો કરી દે



જિંદગી ગમે ત્યારે ભૂતકાળને આપણી સમક્ષ ખડો કરી દે છે. એ ભૂતકાળ વર્તમાનને આનંદથી ભરી દેશે કે પ્રાયશ્વિતનું કારણ બનશે, એનો આધાર આપણા નિર્ધારપર રહેલો છે.

વર્ષાનો પતિ સાથે નથી રહેતો એ જાણી વસંત અકળાઇ ગયો અને ઉગ્ર વિરોધ કર્યો કે પિતા તરીકે સંતાનની જવાબદારી એના પતિએ સ્વીકારવી જોઇએ, પણ વાસ્તવિકતા શું હતી?

મૂશળધાર વરસી રહેલા વરસાદ સામે કારના વાઇપર્સ પણ હારી ગયા હતા. વસંતે બહાર નજર કરવાની કોશિશ કરી, પણ એકધારા વરસી રહેલા વરસાદે જાણે બહારના વાતાવરણ આડે પડદો પાડી દીધો હતો. એટલામાં જ કાર એક આંચકા ખાતી ઊભી રહી ગઇ. કદાચ રસ્તા પર ભરાયેલું ગોઠણસમું પાણી કારના એન્જિનમાં ભરાઇ ગયું હતું. નિરાશ થયેલા વસંતે કારના સ્ટીયરિંગ પર માથું ટેકવી દીધું. ગ્રૂપ ડિરેક્ટરે સેમિનાર પૂરો થયા પછી એને રોકાઇ જવા માટે કેટલો આગ્રહ કર્યો હતો, પણ એને તો પોતાની હોટલ પર ઝડપથી પહોંચવું હતું. હવે રાતના અગિયાર વાગ્યે ગોઠણસમા ભરાયેલા પાણી અને ધોધમાર વરસી રહેલા વાદળ વચ્ચે આ અજાણ્યા શહેરમાં એ ક્યાં જાય?

‘અજાણ્યા’ આ શહેર એના અચેતન માનસમાં અચાનક પડઘાયો. શું ખરેખર આ શહેર અજાણ્યું હતું? ત્રણ વર્ષ પહેલાં આ શહેરમાં વીતાવેલા ચાર વર્ષ... એ ચાર વર્ષ જે એણે વર્ષા સાથે વીતાવ્યા હતા, અચાનક એની નજર સામે તરવરી રહ્યાં. વર્ષા અને એણે એક્સાથે જ કંપનીમાં નોકરી સ્વીકારી હતી. મુંબઇમાં બે ફ્લેટ અલગ અલગ ભાડે રાખે તો મોંઘું પડી જાય એમ હતું. ભારેખમ ભાડું થોડું ઓછું થાય એ લાલચે બંનેને એક જ ફ્લેટમાં સાથે રહેવાનો વિચાર આવ્યો હતો, પણ સહકર્મચારી અને સહભાડૂઆતનો સંબંધ ક્યારે લિવ-ઇન રિલેશનશિપમાં બદલાઇ ગયો તેની બંનેમાંથી એકેયને ખબર ન રહી... એ સમયે બંનેની ઉંમર પણ એવા નાજુક મોડ પર પહોંચેલી હતી અને વળી, સતત ઘર અને ઓફિસનો સાથ... ક્યારે બંને બે મટીને એક થઇ ગયાં તેનો ખ્યાલ જ નહોતો રહ્યો અને ત્યાર પછી તો...

અચાનક વાદળની ગડગડાટીએ એનો વિચારભંગ કર્યો. કારનો કાળો રંગ એને બિહામણો લાગ્યો. નાનપણમાં સાંભળેલી વાત કે ‘કાળા રંગ પર વીજળી પહેલાં પડે છે.’ અચાનક જ મનમાં શંકા જગાડી ગઇ અને એણે આસપાસમાં કોઇ મકાનમાં આશ્રય માગવાનો નિર્ણય કરી લીધો. કારમાં મૂકેલી અગત્યના ડોકયુમેન્ટ્સવાળી બેગ હાથમાં લઇને એ ધીરે ધીરે પાણીમાં ચાલતો, નજીકમાં આવેલા ત્રણ માળના બિલ્ડિંગના ગ્રાઉન્ડ ફ્લોરના ફ્લેટ સામે આવી ઊભો રહ્યો. પળવાર વિચાર કર્યો કે અત્યારે કોઇના ફ્લેટનું બારણું ખખડાવવું જોઇએ કે નહીં? પછી સહેજ ખચકાટ સાથે એણે ડોરબેલ વગાડી. ફ્લેટમાં લાઇટ થઇ અને બારણાંની સેફ્ટી લેચ લગાવી કોઇએ બહાર નજર કરી.

‘માફ કરજો, પણ મારી કાર...’ પણ એની વાત પૂરી થતાં પહેલાં જ આખું બારણું ખૂલી ગયું. બારણું ખોલનારી મહિલા ‘અંદર આવો...’ કહીને ઘરમાં જવા લાગી, પણ વસંત જડ બનીને બારણામાં જ ઊભો રહી ગયો. આ સ્વર એ ક્યારેય ભૂલી શકે એમ હતો! જે સ્વર એ સતત ચાર-ચાર વર્ષ સુધી સાંભળતો હતો, જે સાંભળીને એના કાનમાં જાણે ઘંટડી જેવો મધુર રણકાર ગૂંજી ઊઠતો હતો. આજે આટલા વર્ષ પછી ફરી એ જ રણકાર કાનમાં ગૂંજી રહ્યો.

‘વર્ષા તું...’ એના મોંમાંથી અસ્પષ્ટ શબ્દો સર્યા. આટલા વર્ષો પછી આ સ્થિતિમાં વર્ષાનો સામનો થશે એવી તો એને કલ્પના પણ નહોતી. સહેજ ખચકાટ સાથે એ ફ્લેટમાં દાખલ થયો. એ થોડી વાર ત્યાં જ ઊભો રહ્યો. વિચારતો હતો કે વર્ષા એકલી હશે કે કોઇ બીજું પણ રહેતું હશે સાથે? એણે લગ્ન કરી લીધા હશે કે હજી અપરિણીત હશે? વર્ષા કદાચ રસોડામાં ગઇ હતી કેમ કે ત્યાંથી વાસણ ખખડવાનો અવાજ આવતો હતો. વસંતે એક નજર આખા ઘર પર ફેરવી. એક રૂમનો ફ્લેટ હતો. રૂમમાં રહેલા સરસામાન પરથી માલિક નિમ્ન મધ્યવર્ગીય હોય એવું લાગતું હતું.

થોડી વાર પછી હાથમાં ચાના કપની ટ્રે લઇને વર્ષા ત્યાં આવી અને ‘બેસો ને, કેમ હજી ઊભા છો?’ કહેતી ત્યાં બેસી ગઇ. ચાનો એક કપ વસંતને આપી, બીજો પોતે લીધો. બંને ચૂપચાપ ચા પીતા હતા. જે રીતે બંને અલગ પડ્યા હતાં, તે પછી વાત ક્યાંથી શરૂ કરવી તેની તેમને સમજ પડતી નહોતી. આખરે વર્ષાએ મૌનભંગ કર્યો, ‘હજી કેનેડા જ રહો છો?’
‘હા, ત્યાં જ છું. હવે તો ત્યાંની સિટિઝનશિપ પણ મળી ગઇ છે.’ વસંતે જવાબ આપ્યો.

‘ઝડપથી મળી ગઇ કહેવાય. મારા અંકલને તો સાત-આઠ વર્ષ થયા પછી મહામહેનતે મળી હતી.’ વર્ષાએ કહ્યું.
‘એ તો મેં ત્યાં જ લગ્ન કરી લીધાં એટલે સહેલાઇથી મળી ગઇ.’ કહ્યા પછી વસંતને ખ્યાલ આવ્યો કે ખોટી વાત મોંમાંથી નીકળી ગઇ.

વર્ષાએ એક વાર એની સામે ધ્યાનથી જોયું. થોડી વાર સતત એની સામે જઇ રહી અને હળવેથી ‘સારું કર્યું.’ કહીને સામે મૂકેલા ટીવી તરફ તાકી રહી. વસંત વિચારી રહ્યો કે હવે મોંમાંથી નીકળી ગયેલી આ વાતને કેવી રીતે ટાળવી? ફરી જાણે બંને વચ્ચે વાતનો અંત આવી ગયો... એટલામાં જ બેડરૂમમાંથી અવાજ સંભળાયો, ‘મમ્મી...’ વર્ષા એકદમ ચોંકી ગઇ, ‘આવી બેટા...’ અને ઊભી થઇને બેડરૂમમાં જતી રહી. વસંતને લાગ્યું, જાણે ગળામાં કંઇક ફસાયેલું હોય તેના નીચે ઊતરી ગયું. એને થયું, વર્ષાએ લગ્ન કરી લીધા લાગે છે. અચાનક મનમાં ક્યાંક કંઇક ખટકતું હોય એવો અનુભવ થવા લાગ્યો. મનમાં ઘુમરાઇ રહેલા વિચારોમાંથી છુટકારો મેળવવા એણે ત્યાં પડેલું મેગેઝિન હાથમાં લીધું અને વાંચવાનો પ્રયત્ન કરવા લાગ્યો. જોકે મનમાં વિચારોના જે વમળ ઘુમરાઇ રહ્યાં હતાં, એ એનો પીછો એમ સહેલાઇથી છોડે એવું લાગતું નહોતું. એ મેગેઝિનના પાનાં ફેરવતો રહ્યો.

થોડી વારે વર્ષા પાછી એ રૂમમાં આવીને ચાના ખાલી કપ લઇને જવા લાગી. ‘તેં લગ્ન કરી લીધા? કેટલા સંતાન છે?’ વસંતે સવાલ કર્યો, તો વર્ષાએ જવાબ આપ્યો, ‘એક દીકરો છે...’ કહી એ રસોડા તરફ જવા આગળ વધી. ‘દીકરાના પપ્પા શું કરે છે?’ વસંતનો સવાલ સાંભળી એ અટકી અને પછી નિર્લેપભાવે બોલી, ‘એ અમારી સાથે નથી રહેતાં.’
‘કેમ?’ અનિચ્છાએ વસંતના મોંમાંથી સવાલ સરી પડ્યો. એને નવાઇ લાગી રહી હતી.

‘એટલા માટે કે અમે લગ્ન નહોતાં કર્યા.’ ભાવહીન સ્વરે વર્ષાએ જવાબ આપ્યો.

‘તો શું થઇ ગયું? બાળકની જવાબદારી એકલી માતાની જ નથી હોતી. તેં આ બાબતે એમને વાત કરી કે નહીં?’ વસંતના સવાલના જવાબમાં વર્ષાએ માત્ર સ્મિત કર્યું. વસંતને લાગ્યું કે આ સ્મિતમાં ક્યાંક એના પ્રત્યે કટાક્ષ હતો.

‘અલબત્ત મને આ બધું કહેવાનો કંઇ હક નથી, પણ મારા મતે તારે આ બાબતે એમને વાત કરવી જોઇતી હતી.’ અનિચ્છાએ વસંતના સ્વરમાં સહેજ ઉગ્રતા આવી ગઇ હતી.

વર્ષાએ એક વાર ફરી એની સામે જોયું અને સ્થિર સ્વરે પૂછ્યું, ‘તમે આ સંતાનને ઉછેરવામાં મારી શી મદદ કરી શકો એમ છો?’

અચાનક હાથમાં પકડેલા મેગેઝિનમાં જાણે કાંટા ફૂટયા હોય એમ એના હાથમાંથી મેગેઝિન સરી પડ્યું. ‘તું કહેવા શું માગે છે?’ વસંતના સ્વરમાં રહેલા ભય અને શંકાની ધ્રૂજારી અનુભવતા વર્ષાને મૌન રહેવાનું જ યોગ્ય લાગ્યું... વર્ષાના મૌનથી એ અકળાઇ ગયો. એનાથી રહેવાયું નહીં. મનમાં એક્સાથે અનેક વિચારો આવી ગયા. તો શું વર્ષાએ લગ્ન નથી કર્યા? આ સંતાન એનું અને વર્ષાનું તો નહીં હોય ને? તો પછી વર્ષાએ એવું શા માટે કહ્યું કે એણે લગ્ન કરી લીધાં છે? આ બધાં સવાલોના જવાબ તો વર્ષા જ આપી શકે એમ હતી અને એ તો મૌન ધારણ કરીને ઊભી રહી હતી.

‘વર્ષા પ્લીઝ, જવાબ આપ...’ વસંતનો સ્વર રીતસર ધ્રૂજતો હતો.

‘હા, એ તમારો જ દીકરો છે. તમે કેનેડા ગયા પછી મને આ જાણ થઇ હતી. એવું નહોતું કે મેં એબોર્શન કરાવવાનો પ્રયત્ન નહોતો કર્યો, પણ ડોક્ટરે ના કહી દીધી.’ વર્ષાએ સ્પષ્ટતા કરી. એને યાદ આવ્યું કે જ્યારે એ કેનેડા જવાની વાત કરી રહ્યો હતો, ત્યારે એક-બે વાર વર્ષાએ પોતાની તબિયત સારી ન હોવાનો ઉલ્લેખ કર્યો હતો, પણ પરિસ્થિતિની ગંભીરતા એને કે વર્ષાને ત્યારે ખ્યાલ જ નહોતી. કદાચ ખ્યાલ હોય તો પણ ત્યારે બંનેએ એ બાબત અંગે કલ્પના કરી નહોતી એટલે લાંબો વિચાર નહોતો કર્યો.

‘તેં મને કેમ કહ્યું નહીં?’ વસંતે ફરિયાદી સ્વરે કહ્યું.

‘તમે તો કંપનીમાં રાજીનામું આપીને કેનેડા જતાં રહ્યા હતા અને તમારા ગયા પછી... તમારા જીવનમાંથી એક વાર બહાર નીકળી ગયા પછી બાળકની વાત કરીને તમારા જીવનમાં ફરી સ્થાન મેળવવાનો પ્રયત્ન કરવાનું મને ખૂબ વિચિત્ર લાગ્યું. આમેય આપણી વચ્ચે માત્ર જરૂરિયાત પૂર્તિનો જ સંબંધ હતો ને.’ અનિચ્છાએ પણ વર્ષાનો સ્વર એકદમ શુષ્ક થઇ ગયો.
‘... પણ મારા લીધે તારી જિંદગી બરબાદ થઇ ગઇ. આ બોજ મન પર રાખીને હું કેવી રીતે જીવીશ?’ વસંત અનાયાસ બોલી ઊઠ્યો. એ ખરેખર મનોમન ગુનેગાર હોવાનું અનુભવી રહ્યો હતો. એ બંનેએ જે ચાર વર્ષ સાથે વીતાવ્યા હતા, તેના પરિણામરૂપ આ સંતાન... અને એ સંતાનને એકલા હાથે ઉછેરી રહેલી વર્ષા... કેટકેટલી આપદા અને વિપરિત સ્થિતિનો એણે સામનો કરવો પડ્યો હશે આ રીતે સંતાનને જન્મ આપીને... ખરેખર પોતે વર્ષાનો ગુનેગાર હતો.

‘તમારે આ બોજ સાથે જ જીવવું પડશે. આપણે ભૂલ કરી છે, તો તેની સજા આપણે જ ભોગવવી રહી. સમાજના નિયમ આપણી ભલાઇ માટે જ છે. આપણા સ્વાર્થ અને થોડી સુવિધા માટે આપણે એ નિયમભંગ કરીએ છીએ અને આજીવન પસ્તાઇએ છીએ. હું સ્ત્રી છું. એક સ્ત્રી તરીકે મારી જે મર્યાદા હતી તે ન સમજી શકી તેની સજા તો ભોગવવાની જ હતી, પણ એ સજાના થોડા ભાગીદાર અને હકદાર તમે પણ છો.’ વર્ષાએ ઉદાસ સ્વરે કહ્યું. હા, એની વાત તો ખોટી નહોતી.

પોતે પણ આમાં પૂરેપૂરો સહભાગી હતો અને એ રીતે જોતાં એ પણ સજાને પાત્ર તો હતો જ. એ કંઇ બોલી ન શક્યો. બંને ચૂપચાપ એકબીજાને જોઇ રહ્યાં હતાં. રૂમમાં છવાયેલી શાંતિમાં વરસી રહેલા વાદળોની ગડગડાટી થોડી થોડી વારે સંભળાઇ રહી હતી.

‘હું એક વાર એને જોઇ શકું?’ વસંતે પૂછ્યું. પહેલાં તો વર્ષાને થયું કે ના કહી દે. કહી દે કે એને કોઇ હક નથી પોતાના દીકરા પ્રત્યે આટલા વખત પછી આવી લાગણી દર્શાવવાનો, પણ વસંતના સ્વરમાં રહેલી પારદર્શકતા સ્પર્શી જતાં વર્ષા ચૂપચાપ ઊઠીને બેડરૂમ તરફ આગળ વધી. વસંત પણ મંત્રમુગ્ધ સ્થિતિમાં એની પાછળ ચાલવા લાગ્યો. બંને બેડરૂમમાં પ્રવેશ્યા.

દીકરા પર નજર પડતાં જ વસંત બે ઘડી જોઇ રહ્યો. સામે પથારીમાં નિરાંતે ઊંઘતો ગોળમટોળ દીકરો અદ્દલ એની પ્રતિકૃતિ જ લાગતો હતો. અદ્દલ જાણે નાનકડો વસંત જ જોઇ લો. અચાનક જાણે એના આખા શરીરે કાંટા વાગી રહ્યા હોય એવું વસંતને લાગ્યું. એનાથી વધારે સહન ન થઇ શકતાં એ ત્યાં જ બેસી પડ્યો. ‘મારો દીકરો... મારો લાડકવાયો...’ વસંતના મનમાં પોતાના દીકરા પ્રત્યે અનાયાસ જ લાગણી જાગી. એ હળવેથી નજીક ગયો અને દીકરાની કોમળ હથેળી પોતાના હાથમાં લીધી. દીકરાએ જાણે ઊંઘમાં પણ સ્પર્શ અનુભવ્યો અને એના નિર્દોષ ચહેરા પર સ્મિત છવાઇ ગયું. વસંત એની હથેળી પોતાના હાથમાં જ પકડીને ધ્રૂસકે ધ્રૂસકે રડી રહ્યો હતો.

પિતા-પુત્રનું આટલા વર્ષે આ રીતનું મિલન જોઇ રહેલી દીવાલના ટેકે ઊભેલી વર્ષાના પણ ધ્રૂસકા સંભળાઇ રહ્યાં હતાં. બારીની બહાર પરોઢનું અજવાળું પથરાઇ રહ્યું હતું, પણ એ બંને જાણતાં હતાં કે એમના જીવનની આ રાત્રિની પરોઢ ક્યારેય નથી થવાની.

Comments