એક મલ્ટિનેશનલ કંપનીમાં મેનેજર તરીકે કામ કરતો ઋષિલ એકદમ સ્માર્ટ અને ફોરવર્ડ હતો. જ્યારે તેની પત્ની અનિલા સુંદર પણ સીધી-સાદી હતી. અનિલાને મહિનામાં બે-ચાર વાર ઋષિલની સાથે કંપનીના કોઈ ફંક્શનમાં કે ફ્રેન્ડ્સ પાર્ટીમાં જવાનું થતું. જ્યાં ઓફિસનો સ્ટાફ અને ફ્રેન્ડ્સ મળતા. તેઓ બધા જ મુક્ત વિચારો ધરાવતા હતા, તેથી હાથ મિલાવવાનો કે એકબીજા સાથે ડાન્સ કરવાનો એવો કોઈ છોછ નહોતો. ઘણી વાર એવું બનતું કે ઓફિસની કોઈ છોકરી કે ફ્રેન્ડ અનિલ સાથે ડાન્સ કરતી, વાતો કરતી, પાસે બેસતી. આ બધી જ છોકરીઓ ટૂંકાં કપડાં પહેરી, મેકઅપ કરીને આવતી હોવાને કારણે ખૂબ જ આકર્ષક લાગતી. જોકે અનિલાને આ બધું ઓછું ગમતું, પરંતુ તે ઋષિલને ક્યારેય કોઈ બાબતે રોકટોક કરતી નહીં.
એક દિવસ ઋષિલને ઓફિસના કામથી અમેરિકા જવાનું થયું. સાથે તેની સેક્રેટરી જોલી પણ હતી. અનિલા તેને સારી રીતે ઓળખતી હતી. સેક્રેટરી હોવાને કારણે તે વધુ ને વધુ સમય ઋષિલની સાથે જ રહેતી. અનિલા જ્યારે પણ ઋષિલને જોલી સાથે વાતચીત કરતા જુએ ત્યારે અનેક ખરા-ખોટા વિચારોથી તેનું મન-મગજ ચકરાવે ચઢી જતું.
ઋષિલ અને જોલી મિટિંગ પતાવીને રાત્રે હોટલ પર પરત ફરે છે. થોડી વાર પછી જોલી ઋષિલની રૂમમાં આવે છે. માદક અદાઓથી આકર્ષાઈને ઋષિલ જોલીને પોતાના બાહુપાશમાં જકડી લે છે. ઋષિલ જોલીને ચૂંબન કરતાં કરતાં કહે છે કે મારે તો તારા જેવી સેક્સી છોકરી સાથે જીવન વીતાવવું છે. હું ઇન્ડિયા પરત ફરીને અનિલાને ડિવોર્સ આપી દઈશ, પછી આપણે હંમેશને માટે એક થઈ જઈશું. આટલું કહી બંને અટ્ટહાસ્ય કરવા લાગ્યાં. અચાનક જ અનિલા ચીસ પાડીને સફાળી ઊભી થઈ. પછી તેને ખ્યાલ આવ્યો કે તેણે કોઈ ખરાબ સ્વપ્ન જોયું છે.
તે વિચારવા લાગી કે જોલી અને અન્ય યુવતીઓ ખૂબ જ સુંદર અને ફેશનેબલ છે અને તેમની આગળ તો હું કશું જ નથી. ઋષિલ તેમના માટે મને છોડી તો નહીં દે ને! તેણે નક્કી કરી દીધું કે હવે હું પણ ટૂંકાં કપડાં પહેરીશ, મેકઅપ કરીશ પછી ઋષિલ મને છોડીને ક્યાંય નહીં જાય.
ઋષિલ પોતાનું કામ પતાવીને ઇન્ડિયા પરત ફરે છે. તે ઘરે આવીને ડોરબેલ વગાડે છે. દરવાજો ખૂલે છે ત્યારે ઋષિલના આશ્ચર્યનો પાર નથી રહેતો. અનિલા એકદમ અલગ જ લાગતી હતી. જોકે ઋષિલ આ અંગે અનિલાને કોઈ પ્રશ્ન કરતો નથી. આખા દિવસ દરમિયાન ઋષિલને અનુભવાયું કે અનિલાનું વર્તન એકદમ બદલાઈ ગયું છે. રાત્રે જ્યારે સૂવા માટે ઋષિલ બેડરૂમમાં જાય છે ત્યારે બારણા પાછળ છુપાયેલી અનિલા પાછળથી તેને વળગી પડે છે. અનિલાએ કહેવા પૂરતું શરીર ઢાંકતાં કાળા રંગનાં પારદર્શક કપડાં પહેર્યાં હતાં. તે ઋષિલને ચૂમતાં ચૂમતાં કહેવા લાગી કે ઋષિલ તને ગમે તેવી હું બની ગઈ છું. તું હવે તો મને છોડીને ક્યાંય નહીં જાય ને! ઋષિલ બધી જ વાત સમજી ગયો. તેણે અનિલાને કહ્યું, 'અનિલા તારે આ બધું કરવાની કોઈ જ જરૂર નથી. તું જેવી છે તેવી જ મને ગમે છે. મારા હૃદય પર તું જ રાજ કરે છે અને કરતી રહીશ.'
બીજા દિવસથી બધું જ પૂર્વવત્ બની ગયું.
Comments
Post a Comment
Thanx For Comment