સોક્રેટિસજી,
મારું નામ મૈત્રી છે. હું અત્યારે સરકારી શાળામાં શિક્ષિકા તરીકે નોકરી કરું છું. હું પરિણીત છું. મેં લવ મેરેજ કરેલાં છે. મારા પતિનું નામ અમિત છે અને તેઓ સિવિલ એન્જિનિયર છે. હું જ્યારે અભ્યાસ કરતી નહોતી, મારાં લગ્ન થયાં નહોતાં અને હું મારા પિતાને ત્યાં રહેતી હતી ત્યારની આ વાત છે. અમારા ઘરમાં કોઈ બંધન નહોતાં. પપ્પા બ્રોડમાઇન્ડેડ હોવાથી અમને તમામ છૂટછાટો હતી. વર્ષ ૨૦૦૧માં હું બારમા ધોરણમાં ભણતી હતી. મારી બેસ્ટ બહેનપણી પૂજાના ઘરે મારે બહુ આવવા-જવાનું થતું હતું. પૂજાનો ભાઈ આલાપ મને બહુ ગમતો હતો. હું તેને મનોમન લવ કરવા લાગી હતી. જોકે, હું તેની સાથે બહુ વાતો કરતી નહોતી, કારણ કે ત્યારે મને બહુ શરમ આવતી હતી. એમાંય આલાપ સાથે વાત કરવાનું બહુ મન થાય પણ મનમાં શરમની સાથે ડર પણ લાગતો કે હું તેની સાથે વ્યવસ્થિત વાત કરી શકીશ કે નહીં. મારામાં ત્યારે આત્મવિશ્વાસનો અભાવ હતો અને ત્યારે મારી આ મીઠી મૂંઝવણોનો ઉકેલ આપનાર, મને માર્ગદર્શન આપનાર કોઈ નહોતું. મારામાં નાદાનિયત હતી અને વ્યાવહારિક સમજણ બિલકુલ નહોતી. મારા આ ભોળપણનો ઘણા બધાએ લાભ લીધેલો છે.
મારામાં વ્યાવહારિક સમજણ ઓછી છે, એ વાતનો મારા પિતાને ખ્યાલ હતો, પણ તેમણે ક્યારેક મને ટોકી નથી કે કોઈ સલાહ આપી નહોતી. ૨૦૦૪માં હું કોલેજ કરતી હતી ત્યારે મેં મારી બહેનપણી પૂજાને આલાપ પ્રત્યેની મારી પ્રેમની લાગણીની વાત કરી. પૂજાએ મને સલાહ આપી કે તું આલાપને જ પૂછી લે ને કે તે તારા વિશે શું વિચારે છે? પછી મેં જ આલાપને પુછાવ્યું. આલાપે પહેલાં તો મારા પ્રેમનો સ્વીકાર કર્યો પણ પછી બીજા જ દિવસે તેણે એવો કોઈ સંબંધ આગળ વધારવાનો ઇન્કાર કરી દીધો. મને ત્યારે બહુ દુઃખ લાગ્યું કે એક વાર હા પાડયા પછી તેણે શા માટે ના પાડી? પછી મને જાણવા મળ્યું કે એને કોઈ બીજી છોકરી સાથે પ્રેમ હતો. 'ના' સાંભળ્યા પછી અને આ વાતો જાણ્યા પછી પણ હું તો આલાપને મનોમન ચાહતી જ રહી. હું તેના માટે કંઈ પણ કરવા તૈયાર હતી.
૨૦૦૭માં મને સરકારી નોકરી મળી. હું શાળામાં શિક્ષિકા બની ગઈ. હું પગારદાર થયા પછી તરત આલાપનું મારા તરફનું વલણ એકાએક બદલાઈ ગયું. હું ખુશ થઈ પણ મને ડોબીને ખબર ન પડી કે એ મને નહીં પણ મારી સરકારી નોકરીને ચાહતો હતો. એક દિવસ હું જ્યાં નોકરીના ગામે રૂમ રાખીને રહેતી હતી ત્યાં એ સાંજના સમયે આવ્યો. હું તો ખુશ થઈ. સાંજ પડી ચૂકી હતી અને અમારા ગામે જવા માટે કોઈ વાહન મળી શકે એમ નહોતું. આલાપ પાસે મારા રૂમે રોકાઈ જવા સિવાય બીજો કોઈ વિકલ્પ નહોતો. મારી સાથે એક બીજી છોકરી પણ રહેતી હતી. તેને અમારી વચ્ચેના સંબંધોની ખબર હતી. તે રાતે એ રૂમમાં આલાપ પણ મારી અને મારી રૂમમેટ સાથે સૂઈ રહ્યો. અરધી રાતે મારી રૂમમેટે મને તેના પલંગ પર જવા કહ્યું. મને સંકોચ થતો હતો છતાં અંદરખાને જવાનું મન પણ હતું જ. થોડી આનાકાની પછી હું આલાપના પલંગ પર જઈને તેની બાજુમાં સૂઈ ગઈ. જોકે, મારી રૂમમેટ હાજર જ હતી એટલે ટચ અને કિસ સિવાય તો અમારી વચ્ચે આગળ કંઈ થયું નહોતું. બીજા દિવસે આલાપે મને જતાં જતાં કહ્યું કે હું તારી સાથે જ લગ્ન કરીશ.
આલાપ ગયો પણ મને તેનો પ્રેમ મળી ચૂક્યો હતો, એવા કેફમાં હું બહુ ખુશ હતી. પણ બે-ત્રણ દિવસ પછી આલાપને જે છોકરી સાથે પ્રેમસંબંધ હતા, તેનો મારા પર ફોન આવ્યો. તેણે મને કહ્યું કે તારા લીધે જ આલાપ મને છોડવા માગે છે. તેણે મને કહ્યું કે આલાપ સાથે તો મારે શારીરિક સંબંધો પણ બંધાયા છે. એ તારી સાથે લગ્ન કરશે તો મારી જિંદગી તો બરબાદ થઈ જશે. મને એ છોકરી પર દયા આવી ગઈ. હું તેની જિંદગી ખાતર મારા પ્રેમની કુરબાની આપવા તૈયાર થઈ ગઈ. મેં આલાપ સાથે બોલવાનું એકદમ ઓછું કરી નાખ્યું. તેનો ફોન આવે તોપણ હું બહુ રસપૂર્વક વાત ન કરતી. મેં આખી ઘટના તેની બહેન પૂજાને પણ કહી. પૂજાએ મને ચોંકાવનારી વાત કરી કે આલાપ સારો છોકરો નથી. તેણે આ રીતે અનેક છોકરીઓની જિંદગી બરબાદ કરી છે. પૂજાની વાત સાંભળીને તો મને બહુ દુઃખ થયું કે મેં આવા નાલાયક સાથે આટલાં વર્ષો સુધી એકતરફી પ્રેમ કર્યો.
બે-ત્રણ વાર આલાપનો મારા પર ફોન આવ્યો પણ મેં વાત કરવાનું ટાળ્યું એટલે કદાચ એ સમજી ગયો અને પછી તેના ફોન આવવા બંધ થઈ ગયા. આ સમયગાળામાં જ મારી જિંદગીમાં અમિત આવ્યો. તેણે મારી સમક્ષ પ્રેમનો પ્રસ્તાવ મૂક્યો અને મેં હા પાડી દીધી. અમે મળવા લાગ્યાં. તેણે મને એક વાર પૂછયું કે તારે કોઈ સાથે લવ છે? મેં સાચેસાચું કહી દીધું કે મને કોઈ પ્રેમ કરતું નહોતું પણ હું આલાપ નામના છોકરા સાથે એકતરફી પ્રેમમાં હતી, પણ તેની વાસ્તવિકતાની ખબર પડયા પછી મેં તેની સાથે વાત કરવાનું પણ બંધ કરી દીધું છે.
હું મારી ભાભીને પહેલેથી મારી બધી વાતો કરતી હતી. મેં આલાપની વાતો પણ તેને કરી હતી. અમિતને થોડા દિવસો પછી કદાચ ભાભી દ્વારા જ જાણવા મળ્યું કે આલાપ નામનો છોકરો મારી રૂમમાં રાત રોકાયો હતો. અમિતે તરત મારી રૂમ પાર્ટનરને ફોન કર્યો. તેણે અમિતને શું કહ્યું, એ હું જાણતી નથી પણ અમિત મારાથી નારાજ રહેવા લાગ્યો. મેં તેને બહુ સમજાવ્યો કે તે રાતે અમારી વચ્ચે કોઈ શારીરિક સંબંધો બંધાયા જ નહોતા. તે મારી વાત માનવા તૈયાર નહોતો. આખરે મેં કહી દીધું કે તારે જે માનવું હોય એ માન, હું તો તને ચાહું છું. તને મારામાં વિશ્વાસ ન હોય તો યોગ્ય લાગે એ નિર્ણય લે. પછી અમિત માન્યો અને અમારાં લગ્ન થયાં.
અમારાં લગ્ન પણ કંઈ સરળતાથી નહોતાં થયાં. ઘણી બધી સામાજિક માથાકૂટોને અંતે અમે પરણી શક્યાં. અધૂરામાં પૂરું લગ્ન પછી માત્ર બે મહિનામાં અમિતનાં માતાનું અવસાન થયું. અમિતને હું મારા પરિવારજનો સાથે સંપર્ક રાખું તે ગમતું નહોતું. તેણે મારા બધા પિયરિયાંઓ સાથે સંબંધો તોડાવી નાખ્યા. ધીમે ધીમે અમિતનું નવું જ સ્વરૂપ બહાર આવવા લાગ્યું. તેણે પીવાનું શરૂ કર્યું અને મને કારણ-અકારણ મારવાનું શરૂ કર્યું. વારંવાર ગંદા આક્ષેપ લગાવીને કહે છે કે તેં અને આલાપે એક રાત સાથે વિતાવેલી છે. હું અને અમિત મળ્યાને હવે પાંચ વર્ષ થયાં છે. લગ્ન પછી તો મેં કોઈ સાથે કોઈ પણ પ્રકારના સંબંધો રાખ્યા જ નથી. અમિતે જે કહ્યું એ જ કર્યું છે, તેના સિવાય કોઈ પરપુરુષ સામે આંખ ઊંચી કરીને જોયું પણ નથી, છતાં અમિત આજે પણ એ વાત જ યાદ કરીને મને માનસિક-શારીરિક ત્રાસ આપે છે કે તે તેની સાથે રાત કેમ વિતાવેલી? અમિતને બહુ સમજાવું છું પણ કંઈ પરિણામ નથી. તેને મારા પર વિશ્વાસ જ નથી. હવે મારાથી સહન થાય એવું નથી. મને મરવાના વિચારો આવે છે. હું માનસિક રીતે ભાંગી પડી છું. મને જલદી કોઈ ઉકેલ બતાવો.
- લિ. મૈત્રી.
પ્રિય મૈત્રી,
જિંદગીમાં નાદાનિયતને લીધે થઈ ગયેલી ભૂલો માણસને આખી જિંદગી સતાવતી રહે છે. સમજદાર વ્યક્તિ એ કહેવાય છે જે કાચી ક્ષણોમાં પોતાની જાતને સંભાળી લે છે. એ રાતે તમે આલાપ સાથે થોડા કલાકો ન વિતાવ્યા હોત તો આજે કદાચ તમે આટલી મુશ્કેલીમાં ન હોત. અલબત્ત, આલાપ સાથે તમારે શારીરિક સંબંધો બંધાયા જ નથી ત્યારે અમિત અત્યારે જે વર્તન દાખવી રહ્યો છે તે અવ્યવહારુ અને અત્યાચારસમું છે. તમે શુદ્ધ અને પવિત્ર છો, તમારા દિલમાં પાપ નથી ત્યારે તમારે બહુ લાંબો સમય સુધી અમિતની 'ગુલામી' સહન કરવાનો કોઈ અર્થ નથી.
ભૂતકાળની વાતોમાં જ ગૂંચવાયા કરીએ તો વર્તમાનને ન્યાય આપી શકાતો નથી અને સુખસભર ભવિષ્ય માટે કોઈ આયોજન થઈ શકતું નથી. તમારા પતિ જો ભૂતકાળની વાતો છોડવા માગતા ન હોય તો તમારે ભવિષ્યનો વિચાર કરીને તેમને જ છોડી દેવા જોઈએ. દાંપત્યજીવનમાં પરસ્પર વિશ્વાસ અને કાળજી બહુ મહત્ત્વપૂર્ણ હોય છે. અમિતને જ્યાં સુધી તમારા પર વિશ્વાસ નહીં હોય ત્યાં સુધી તમે સુખી સહજીવન જીવી નહીં શકો. તમારે અમિત સાથે શાંતિથી બેસીને આ અંગે કોઈ આખરી નિર્ણય કરી લેવો જોઈએ.
મરવાના નહીં પણ સારી રીતે જીવવાના વિચારો કરો. તેના માટે તમારે થોડી મહેનત કરવી પડશે, હિંમત બતાવવી પડશે અને બહુ બધી સમજદારીથી કામ કરવું પડશે. શાંત ચિત્તે લાંબા ગાળાનો વિચાર કરીને, પરિવારજનો-મિત્રોની સલાહ લઈને સમજદારીપૂર્વક કોઈ મક્કમ નિર્ણય કરો. યોગ્ય નિર્ણય તમારી જિંદગીને યોગ્ય મુકામ પર લઈ જશે.
Comments
Post a Comment
Thanx For Comment