...લો, મને ફાવી ગઈ સહવાસની ઓછપ


‘સર, પૈસો તો વરસાદની જેમ વરસે છે, પણ સાથે રહેવાનું સુખ હવે સપનું બની ગયું છે. હું જ્યારે પરણીને આવી ત્યારે આમાંનું કંઇ જ ન હતું. મયંક એક જાણીતા બિલ્ડરને ત્યાં બે હજાર રૂપિયાના પગારથી નોકરી કરતા હતા, પણ સાંજે છ વાગ્યે ઘરે આવી જતા હતા. હવે મયંકની જીવનશૈલી બદલાઇ ગઇ છે. એ બેફામ રૂપિયા ઉડાડે છે. મોડી રાત્રે લથડિયાં ખાતો ઘરે આવે છે. વારંવાર મિટિંગ માટે મુંબઇ જાય છે. અને બહારથી વાતો આવે છે કે એ...’

નામ એનું કલાવતી. ઈશ્વર નામના શિલ્પકારે રચેલી સુંદર કલાકૃતિ જ જોઈ લ્યો. ગોળાકાર મોં. બગલાની પાંખને શ્યામ કહેવડાવે તેવી ગૌર ત્વચા. કાળી ઘાટીલી ભ્રમરોની ડાબલિમાં છુપાયેલી આસમાની આંખો. હોઠોની જગ્યાએ ફૂલની બે પાંખડીઓ ચોંટાડી હોય એવું લાગે. કીમતી વસ્ત્રોમાં શોભતું સહેજ ભરાયેલું બદન. કદાચ એક-બે સુવાવડોને કારણે દેહ ભરાવદાર લાગતો હશે કે પછી વધારે પડતાં સુખને કારણે! વાણી-વર્તન, તૈયાર થવાની ઢબછબ, ચહેરા પરની શાંતિ અને સ્વસ્થતા; બધું જ સંપૂર્ણપણે સંસ્કારી લાગે. ભારતીય લાગે. પશ્ચિમની આછકલાઇનો અંશ માત્ર નજરે ન ચડે.‘બોલો, શા માટે આવવું પડ્યું, બે’ન?’ એનાં સૌમ્ય વ્યક્તિત્વથી પ્રસન્ન થઈને મેં પૂછ્યું.

એણે એની જે શારીરિક ફરિયાદ હતી એ રજુ કરી. મને આશ્ચર્ય થયું. એ જે સામાજિક-આર્થિક સ્તરમાંથી આવતી હતી, ત્યાં સ્ત્રીઓને આવી તકલીફ હોવાની શક્યતા ખૂબ નહીંવત્ હોય છે, પણ મારે એક ડોક્ટર તરીકે શક્યતાનો નહીં, સચ્ચાઇનો સામનો કરવાનો હોય છે. હું તો એને સચ્ચાઇનો સામનો પણ નહીં કહું, સચ્ચાઇનો સ્વીકાર જ કહીશ.મેં એને તપાસી અને પછી દવા લખી આપી. એણે મને પૂછ્યું, ‘આવું થવાનું કારણ શું હોઇ શકે?’મારે જવાબ આપવો ન હતો, કારણ કે એમાં એનો શયનખંડ જોખમાવાની સંભાવના હતી. મેં ઉડાઉ જવાબ આપી દીધો, ‘આવું તો થયા કરે, બે’ન! તમે આ દવાઓ ખાશો એટલે બધું મટી જશે.’

કલા ગઇ. એનાં ગયા પછી મારા સ્ટાફનાં બહેને મને માહિતી આપી, ‘આ હમણાં ગયાં તે બહેન ખૂબ જ પૈસાદાર હતાં, નહીં?’હું હસ્યો, ‘એનાથી આપણને શો ફરક પડે છે?’ પછી સહેજ અટકીને પૂછી લીધું, ‘તમને કેવી રીતે ખબર પડી? એનાં કપડાં અને ઘરેણાં પરથી?’‘ના, એમની ગાડી જોઇને.’ સ્ટાફે માહિતી આપી, ‘બહુ લાંબી અને નવી ગાડી હતી, સાહેબ! આપણા આ બાજુના વિસ્તારમાં એવી ગાડી જોવા મળતી નથી.’ પછી મને જાણવા મળ્યું કે એ કાર બી.એમ. ડબ્લ્યૂ. હતી. સ્વાભાવિકપણે જ કારમાં શોફર પણહતો.

આ વાતને એકાદ અઠવાડિયું વીતી ગયું. ફરી પાછી કલાવતી ‘ચેકઅપ’ માટે આવી. ખુશ હતી. એની તકલીફ દૂર થઇ ગઇ હતી. મેં બીજી જરૂરી દવાઓનો કોર્સ પૂરો કરવાની સલાહ આપી. એણે પૂછ્યું, ‘કેટલી ફી આપું?’ મેં મારી રૂટીન ફી જણાવી દીધી. એણે આગ્રહ કર્યો, ‘સાવ આટલા ઓછા રૂપિયા ન હોય, થોડા વધુ લેતાં શીખો. મને પરવડે તેમ છે. હું સેટેલાઇટ વિસ્તારથી આવું છું. તમારી ફી કરતાં વધુ ખર્ચ તો મારી કારનાં બળતણનો થાય છે.’‘જાણું છું; બી.એમ.ડબ્લ્યૂ.માં આવતાં હો એટલે પેટ્રોલ તો વધારે જ વપરાય ને!’‘આજે બી.એમ. ડબ્લ્યૂ. લઈને નથી આવી, આજે ઓડી લઇને આવી છું.’ કહીને એણે સોનેરી રંગની લેડીઝ પર્સમાંથી પાંચસો રૂપિયા કાઢીને ટેબલ પર મૂક્યા. મેં ચારસો પાછા આપ્યા. એણે ફરીવાર આગ્રહ કર્યો.

મારે કહેવું પડ્યું, ‘બે’ન, ભગવાને તમને ભલેને અઢળક લક્ષ્મી આપી હોય, એનાથી મને કશો જ ફરક પડતો નથી. જો દરદી ગરીબ હોય તો હું ઓછી રકમ લઇ શકું છું, પણ દરદી ધનવાન હોય તો હું વધારે પૈસા લેતો નથી.’ એ ચાલી ગઇ.દોઢ-બે મહિના પછી એ ફરી પાછી દેખાઇ. આ વખતે એ જરા ચિંતાગ્રસ્ત હતી. કપડાં તો ચમકતાં હતાં, પણ આંખો ઝંખવાણી પડી ગઇ હતી. મેં પૂછ્યું, ‘શું થયું છે? ફરીથી શા માટે આવવું પડ્યું?’ જવાબમાં એ જ જુની-પુરાણી ફરિયાદો. ફરીથી ચેકઅપ. ફરી પાછું એ જ નિદાન અને એ જ સારવાર.

‘સર, એક સવાલ પૂછું? મને તમારી સારવારથી તદ્દન મટી ગયું હતું, તો પછી આવું ફરીવાર કેમ થયું?’ કલા પૂછી રહી. મેં જવાબ ટાળ્યો. પણ સૂચના તો આપવી જ પડી, ‘આ વખતે હું તમારા પતિ માટે પણ દવા લખી આપું છું. એ લેશે તો ખરા ને?’‘શી ખબર? એ તો ખૂબ જ વ્યસ્ત હોય છે. જમવા માટેનોય સમય એમની પાસે નથી હોતો, તો દવા ખાવાનો ક્યાંથી હશે?’ કલાએ કહ્યું, પછી ઊમેર્યું, ‘પણ તકલીફ તો મને છે, એમાં મારા હસબન્ડે ટ્રીટમેન્ટ લેવાની શી જરૂર?’‘જરૂર પડે છે, બે’ન! કેટલીક બીમારીઓ એવી હોય છે જેમાં પતિ-પત્ની બંનેેએ સારવાર લેવી પડે છે. બાય ધ વે, તમારા પતિ શું કરે છે?’ મને કલાવતીના પતિની વ્યસ્તતા વિશે જાણવામાં રસ પડ્યો.

‘એ બિલ્ડર છે. નદીની પેલે પારના વિસ્તારમાં અમારી ઘણી બધી ‘સ્કીમ્સ’ બંધાઇ રહી છે. મયંક આખો દિવસ એમાં જ...’ત્યાં અચાનક કલાના રૂપાળા મુખ પર કશાક અજાણ્યા વસવસાની શ્યામલ વાદળી છવાઇ ગઇ, ‘સર, પૈસો તો વરસાદની જેમ વરસે છે, પણ સાથે રહેવાનું સુખ હવે સપનું બની ગયું છે. હું જ્યારે પરણીને આવી ત્યારે આમાંનું કંઇ જ ન હતું. મયંક એક જાણીતા બિલ્ડરને ત્યાં બે હજાર રૂપિયાના પગારથી નોકરી કરતા હતા, પણ સાંજે છ વાગ્યે ઘરે આવી જતા હતા.’

કલાવતી બોલતી હતી. હું એના મધુર કંઠમાંથી ટપકતા એના દામ્પત્યની તડકી-છાંયડી ઝીલતો રહ્યો. કલા મૂળ સૌરાષ્ટ્રના એક નાના શહેરમાં જન્મેલી સંસ્કારી છોકરી. એના પિતા શિવમંદિરના પૂજારી હતા. એના કહેવા મુજબ એ યુવાનીમાં અત્યંત ખૂબસૂરત હતી. લગ્ન અને સુવાવડો પછી એ થોડી મેદસ્વી થઈ ગઈ હતી, એ પહેલાં એ ઐશ્વર્યા રાય જેવી દેખાતી હતી. એની વાત સાંભળીને મેં મનોમન કલ્પના કરી જોઈ; પંદર-વીસ કિલો જેટલું વજન બાદ કરી નાખ્યું. એનો ગોરો રંગ, આસમાની આંખો અને ચરબી વગરનું સુડોળ શરીર ચોક્કસ સોરઠવાસીઓને ‘કજરારે કજરારે’ ગાવા માટે મજબૂર કરી દેતું હશે. મયંક ભલે આર્થિક રીતે સામાન્ય હતો, પણ સ્માર્ટ હતો અને અમદાવાદમાં રહેતો હતો. આ બે વાતથી કલાના પૂજારી પિતા અંજાઇ ગયા. દીકરીને વરાવી દીધી અને પછી વળાવી દીધી.‘એ બધું તો બરાબર છે, બે’ન, પણ અત્યારે તમને એવું તે શું દુ:ખ છે કે તમારું મોં ઝંખવાઇ ગયું છે?’ મેં પૂછ્યું.

‘દુ:ખ તો નથી, પણ દુ:ખની શંકા છે. મયંકની જીવનશૈલી બદલાઇ ગઇ છે. એ બેફામપણે રૂપિયા ઉડાડે છે. મોડી રાત્રે લથડિયાં ખાતો ઘરે આવે છે. વારંવાર બિઝનેસ મિટિંગ માટે મુંબઇ જાય છે. બહારથી વાતો આવે છે કે એ...’ સોરઠની મર્યાદા ધરાવતી દીકરી અટકી ગઇ.‘એવું બધું કાન પર ભલે આવતું, પણ ધ્યાન ઉપર ન લાવ તું!’ મેં સુફિયાણી સલાહ આપી.એ ભીના ગાલે આટલું બોલી ગઇ, ‘હું ક્યાં સુધી ધ્યાન ઉપર ન લાવું, સર? જ્યારે જ્યારે મયંક મુંબઇ જાય છે, ત્યારે રાત્રે હોટલના કમરામાંથી મને ‘ગુડ નાઇટ’ કહેવા માટે ફોન અચૂક કરે છે.

આ એનો રોજિંદો ક્રમ છે, પણ એને ખબર નથી કે મને એના લડખડાતા અવાજની સાથે ખણકતા ગ્લાસનો અને બાજુમાં રણકતી બંગડીઓનો અવાજ પણ સંભળાતો હોય છે! સર, હું બ્રાહ્નણ પૂજારીની દીકરી છું. રોટલો અને મીઠું ખાઇને જીવતાં મને આવડે છે, પણ એક ઐયાશ, બદચલન, ધનવાન પતિની પત્ની બનીને આ ઓડી, મર્સિડીઝ અને બી.એમ.ડબ્લ્યૂ.માં ફરવાનું મને નથી ફાવતું.’ એ રડી પડી. મને તીવ્ર ઇચ્છા થઇ આવી કે હું એને સાચી હકીકત વિશે સહેજ ઇશારો કરી દઉં, પણ મારા વ્યવસાયની નીતિમત્તાથી હું બંધાયેલો હતો.

એ પછી છએક મહિના સુધી એ ન દેખાણી; પછી એક દિવસ એ આવી. આ વખતે એના ચહેરા પર દ્રઢ નિર્ણાયકતા દેખાતી હતી. મારા ટેબલ ઉપર એણે કેટલાક રિપોટ્gસ મૂકી દીધા. મેં પૂછ્યું, ‘આ બધું શું છે?’‘મયંકના રિપોર્ટસ. તમે ભલે કંઈ ન બોલ્યા, પણ મયંકની ચાલચલગત ઘણું બધું બોલી નાખતી હતી. એની ગેરહાજરીમાં એના કબાટના ગુપ્ત ખાનાની તલાશી લીધી, તો કેટલીક દવાઓ મળી આવી. અને આ રિપોટ્gસ. મયંક એચ.આઇ.વી. પોઝિટિવ છે.

આજે સવારે જ મેં મારો રિપોર્ટ કઢાવી લીધો. સો ફાર, સો ગુડ! હું બચી ગઇ છું. તમને એટલું જ કહેવા આવી છું કે હું જાઉં છું. આ ગાડીઓના કાફલા અને હોર્નના અવાજો અને રૂપિયાના રણકાર કરતાં મારા ગરીબ બાપના મંદિરમાં આરતી ટાણે વાગતી ઝાલરનો ઝણકાર મને વધારે ગમશે. તમે મારા માટે ઘણું કર્યું. જો યાદ રાખી શકો તો મને એક સંસ્કારી સ્ત્રી તરીકે જરૂર યાદ રાખજો, સર!’ અને એ ચાલી ગઇ. મને કલાવતી પણ યાદ રહી ગઇ છે અને કલાપતિ પણ!

Comments