બસમાં ઘણી સીટો ખાલી હતી આમ છતાં તે મારી પાસેની સીટમાં ઇરાદાપૂર્વક બેઠી હોય એમ લાગ્યું. મેં મારી જાતને સંકેલવાનો પ્રયત્ન કર્યો. તેણે મારા સામે જોઇને કહ્યું, બરાબર બેસો...! પછી હસીને મનોમન બોલી હોય એમ લાગ્યું. મારાં જેવી સ્ત્રીને જોઇ પુરુષો પહોળા થતા હોય છે અને તમે તો... સંકોચાવ છો! મેં કહ્યું, સંભાળવું પડે નહીંતર ક્યાંક ધરમ કરતાં ધાડ પડે તેવી સ્થિતિ થાય છે. પણ આટલું બોલી, વાત કરી મને જીતી લીધો હોય એમ લાગ્યું, કારણ કે તેણે મારી પાસેથી મોબાઇલ માગ્યો છતાંય હું ના પાડી શક્યો નહીં. આમ પણ આવી બાબતમાં પુરુષોનું ભોળપણ પ્રવાહી જેવું હોય છે, તેને રેલાઇ કે ફેલાઇ જતાં વાર નથી લાગતી. પછી ભલેને તેનો સંકેલો કરવામાં આંખે પાણી આવી જાય!
તેની પાસે મોબાઇલ હતો છતાં મારો મોબાઇલ માગ્યો તેથી મને શંકા તો ગઇ પણ હવે શું? જે થવાનું હતું તે થઇને રહ્યું હતું. ત્યાં મારા મોબાઇલની રિંગ વાગી. મારાથી રીતસર ફફડી જવાયું, પણ હજુ હું રિસીવ કરું તે પહેલાં તેણીએ મને ભીના અને લપસણા સ્વરે કહ્યું, પ્લીઝ, મારો ફોન હશે...! અને મારી સ્થિતિ પેલા કવિ જેવી થઇ, નહોતું આપવું છતાંય અપાઇ ગયું! આવું જાણ્યેઅજાણ્યે પણ બની જતું હોય છે અને તેના પરિણામની પાછળથી ખબર પડે છે. બાકી કોઇને મદદ કરવી તે માનવધર્મ છે.
સંભાળો...! તે કોઇની સાથે વાત કરતી હતી: મારા મોબાઇલની બેટરી લો છે, વાત નહીં થઇ શકે. બસ સમયસર ઊપડી છે. જગ્યા મળી ગઇ છે. પછી કહે, હવે ફોન કરી હેરાન ના કરશો! મને સસ્મિત થેંક્યુ કહ્યું. હું વિચારમાં પડી ગયો. મોબાઇલ ચાલુ હતો, કોઇની સાથે વાત કરી. એમ છતાંય બેટરી લો છે તેવું સામાવાળાને કહ્યું અને આડકતરી રીતે મારા સેલફોન પર વાત ન કરવાનું પણ કહી દીધું!
અમદાવાદથી અમરેલી પહોંચતાં ખાસ્સો સમય લાગે. તેથી મારે વાંચવું અને પછી નિરાંતે ઊંઘી જવું હતું, પણ આ યુવતીએ મારી ઊંઘ ઉડાડી દીધી હતી. આમ તો મારી બાજુમાં બેઠી અને તેની અસ્થિરતા જોઇ ત્યારથી જ થયું હતું કે દાળમાં કંઇક કાળું છે. માણસ ગમે તેટલું છુપાવે છતાંય તેનાં વાણી-વર્તનમાં દેખાઇ આવતું હોય છે. સીટ બદલવાનો વિચાર આવ્યો, પણ શું થાય છે તે જોવું અને અનુભવવું હતું. જીવનનું ઘડતર અનુભવના આધારે થાય છે. જોકે બધા જ અનુભવ લેવાની અહીં વાત નથી.
તે ઊભી થઇને કંડકટર પાસે ગઇ. એકાદ-બે મિનિટ ચર્ચા કરીને પાછી બેસી ગઇ, પણ તેનો રઘવાટ અને અસ્થિરતા ઓછા થવાના બદલે વધતો હોય એવું લાગ્યું. પછી આંખો ફાડીને કંડકટર સામે તાકી રહી. તેણે કશોક સંકેત આપ્યો. તેની આ વ્યાકુળતા સમજાય તેવી નહોતી.અમરેલીની ટિકિટ હોવા છતાં બાવળાનું બસસ્ટેન્ડ આવતાં તે ઝડપથી નીચે ઊતરી ગઇ. મેં બારીમાંથી જોયું તો એક ગાડી તૈયાર જ ઊભી હતી તેમાં તે બેસી ગઇ અને ગાડી આંચકા સાથે પૂરઝડપે ભાગી...! અને જાણે આફતનું પડીકું એક મોટો પ્રશ્નાર્થ છોડીને નીકળી ગયું.
આ યુવતીએ સામેના સ્વજનને નક્કી કરાવી દીધું હતું. પોતે બસમાં આવી રહી છે, પણ અહીં વાત વિશ્વાસની છે. વિશ્વાસની ક્યાંય ટેબ્લેટ આવતી નથી. કોઇ યુવતી પહેલીવાર પતિના બાઇક પર બેસે ત્યારે તે લાઇસન્સ નથી માગતી કે પૂછતી નથી કે તમને બાઇક બરાબર ચલાવતાં આવડે? તેના પર ભારોભાર ભરોસો રાખી મનમાં કહે છે, હવે મારે કે જિવાડે એ બધું તારા હાથમાં છે! મારા મનમાં પ્રશ્નોની લંગાર લાગી પણ જવાબ નહોતો અને રખેને સામે છે તે માણસ પૂછશે તો હું શું જવાબ આપીશ?
મને અનેક પ્રકારના સારા-નરસા વિચારો પજવવા લાગ્યા. તે ક્યાં ગઇ, કોની સાથે ગઇ, શું કરવા ગઇ, તેને આવું શા માટે કરવું પડ્યું? કોઇ મજબૂરી હશે કે પછી... પણ બહિામણી કલ્પનાઓ સિવાય મારી પાસે કશું નહોતું. યુવાનીના પગ પાતળા અને લપસણા હોય છે. એકવાર લપસી ગયા પછી તે ઊભા થવાના પ્રયત્નમાં પડી જતાં હોય છે. પોતે ફસાઇ કે ખરડાઇ છે તેનું ભાન થાય ત્યારે ઘણું મોડું થઇ ગયું હોય છે, પણ ઇચ્છાશક્તિ દાખવે તો તેમાંથી બહાર નીકળી શકાય છે. બાકી તો ઓશોએ કહ્યું છે તેમ, તમારી સાથે જે કંઇ થાય છે તેના માટે તમે જ જવાબદાર છો.
તે બસમાં નથી અને તેને લેવા બસસ્ટેન્ડે કોઇ ઊભું હશે ત્યારે શું થશે? પણ પહોંચવાના આગળના સ્ટેન્ડ પર બસ ઊભી રહી અને યુવતી અંદર આવી ગઇ. ધબ દઇ મારી બાજુમાં બેસી ગઇ. હું તેની સામે જોઉં તે પહેલાં સેલફોનમાં રિંગ વાગી, મેં ઉપાડ્યો તો સામેથી કોઇ પૂછી રહ્યું હતું, કેટલે પહોંચ્યા? યુવતીએ યાચનાભરી નજરે મારી સામે જોયું. ગભરુ ચહેરો અને હરણી જેવી આંખો જોઇ મને ઘૃણાના બદલે દયા ઊપજી. મારે કહેવું હતું, તું જગતને છેતરી શકીશ પણ જાતને છેતરી શકીશ નહીં.
મારી સામે જોયું અને પછી ભીના સ્વરે કહ્યું, આમ કર્યા સિવાય મારી પાસે કોઇ વિકલ્પ નહોતો. હું કશું બોલ્યા વગર આક્રોશથી તેની સામે જોઇ રહ્યો. ગેરસમજ ભવિષ્યમાં મુશ્કેલી ઊભી ન કરે તેથી મારે સાચું કહેવું પડે તેમ છે. સમજ અને ગેરસમજના આ બધા સવાલો છે. મારા મોબાઇલમાં તેના કોઇનો નંબર હતો. મેં ક્ષણનો પણ વિલંબ કર્યા વગર તેની સામે જ નંબર ડીલીટ કરી નાખ્યો. પછી કહ્યું: હું કોઇને ઓળખતો નથી, ક્યારેય કશું જ કહેવાનો નથી... તે આંખો બંધ કરી, છાતીએ હાથ રાખીને બોલી: મમ્મી-પપ્પા વરસોથી જુદાં છે, કોઇને ખબર ન પડે તેમ રસ્તામાં મારા બીમાર પપ્પાનું છેલ્લીવાર મોં જોવા આમ કર્યું છે. પછી રડીને કહે, જેવા છે તેવા પણ મારા પપ્પા છે. મારી પાસે બોલવા જેવું કશું રહ્યું નહોતું.
Comments
Post a Comment
Thanx For Comment