રાતનાં અંધારામાં ઈદગાહ મેદાનમાંથી ચીસ ઊઠી


માધુરીએ મિની સ્કર્ટ પહેરેલું હતું. ઉપર સ્લીવલેસ ટોપ પહેર્યું હતું. તે એના બોય ફ્રેન્ડ રંજીતના વિશાળ બાહુઓને સ્પર્શતાં બોલીઃ ''તમે મારી સમીપ હો છો ત્યારે આખી દુનિયા મારી મુઠ્ઠીમાં છે એમ મને લાગે છે.''
રંજીતે માધુરીનો હાથ હટાવતાં કહ્યું: ''પણ મને એમ લાગતું નથી. તું મારાથી દૂર જઈ રહી હોય એમ લાગે છે. પ્રિતમ મારો જીગરી દોસ્ત છે પણ જે દિવસે મેં તને પ્રિતમ સાથે જોઈ છે ત્યારથી મને લાગે છે કે, મારી માધુરી મારી નથી.''
માધુરીએ કહ્યું : ''રંજીત, તું ખોટી અસલામતી અનુભવે છે. તેં જ તો પ્રિતમ સાથે મારી ઓળખાણ કરાવી હતી. પ્રિતમ મારી સાથે થોડું ઘણું બોલે છે એથી વધુ કાંઈ નથી. તને ના ગમતું હોય તો હવેથી તેને નહીં મળું.''
રંજીતે જોયું તો માધુરીની આંખમાંથી નરી લાગણી જ પ્રગટ થતી હતી. એણે દર્દભર્યા સ્વરે કહ્યું: ''રંજીત, તું કેટલો બદલાઈ ગયો છે? મને તો શક થવા લાગ્યો છે કે તું કોઈ બીજીના પ્રેમમાં તો નથી ને ?''
''ના, એવું કાંઈ જ નથી, માધુરી ! એ વાત સાચી છે કે, પ્રિતમ મારો બેસ્ટ ફ્રેન્ડ હતો, પણ હવે નથી. એણે તારી પર નજર બગાડીને ઠીક કર્યું નથી'' : એટલું જ કહીને રંજીત ખામોશ થઈ ગયો.
થોડીવાર સુધી બેઉ મૌન થઈ ગયા. પણ માધુરીએ જોયું તો રંજીતના ચહેરાના ભાવ બદલાઈ રહ્યા હતા. એના ચહેરા પર રેખાઓ તંગ થવા લાગી હતી. આંખોમાં ક્રોધ ઉભરાતો હતો. રંજીતે મુઠ્ઠીઓ કસતાં કહ્યું: ''માધુરી, હું પ્રિતમને હંમેશાં આપણી જિંદગીમાંથી હટાવી દેવા માંગુ છું.''
માધુરી બોલીઃ'' હું કાંઈ સમજી નહીં. તું એની સાથે શું કરવા માંગે છે ? પ્લીઝ, એવું વિચારીશ પણ નહીં.''
રંજીત બોલ્યો : ''માધુરી, તું મને કેટલું ચાહે છે ?''
''તારા માટે જાન પણ આપી દેવા તૈયાર છું.''
''જાન આપવાની જરૂર નથી. હું જે કરવા માંગુ છું તેમાં મને સાથ આપ. હવે જે થવાનું હોય તે થાય, હું પ્રિતમને પતાવી જ દઈશ. એણે મારી સાથે દગો કર્યો છે.''રંજીત બોલ્યો.
માધુરી બોલીઃ ''હું તારી સાથે છું, રંજીત તું જે કહે તે કરવા તૈયાર છું.''
- અને રંજીતે ધીમેથી તેના મિત્ર પ્રિતમને ખત્મ કરી નાંખવાની યોજના માધુરીને સમજાવીઃ ''કાલે સાંજે કોઈ પણ બહાનું કાઢીને તું પ્રિતમને ઈદગાહ મેદાનમાં લઈ આવ. અંધારું થયા પછી જ તું એને લઈ આવ. તું કહીશ એટલે તે તારી સાથે આવશે જ કારણ કે એ તારી પર પાગલ થઈ ગયો છે. બાકીનું કામ હું પતાવી દઈશ.''
માધુરીએ રંજીતના હોઠ ચૂમી લેતાં કહ્યું: હું તૈયાર છું. ગમે તે રસ્તે હું પ્રિતમને કાલે રાત્રે ઈદગાહ મેદાનમાં લઈ આવીશ.''
રંજીત બોલ્યો : ''આજે મને હાશ થઈ. હવે મને વિશ્વાસ બેસી ગયો કે માધુરી મારી જ છે.''
એ પછી રંજીતે પણ માધુરીને ચૂમી લીધી. રંજીત બોલ્યો : ''માધુરી, તું મારી સાથે હોય તો પ્રિતમને પણ ભગવાન પણ બચાવી શકશે નહીં.'' બેઉ અંધારામાં એકબીજાને બાજી રહ્યાં. રાત વહી ગઈ. બીજો દિવસ થયો. બીજા દિવસની રાત પણ વહી ગઈ. દુમકા શહેરના ઈદગાહ મેદાન પર પણ રાતના ઓળા છવાઈ ગયા. રાતના અંધારામાં માધુરી પ્રિતમને લઈને આવી પહોંચી.ત્રણ આકૃતિઓ મળી. દૂર દૂર કૂતરાં ભસી રહ્યા હતા. એક હળવી ચીસ ઉભરી અને શાંત થઈ ગઈ. એક આકૃતિ ઢળી પડી. બે આકૃતિઓ રવાના થઈ ગઈ. ઈદગાહ મેદાનમાં ઢળી પડેલી લાશનું લોહી પણ જમીનમાં ઊતરતું ગયું. બીજા દિવસે સવારે ઈદગાહ મેદાનમાં એક અજાણી લાશ નિહાળી. દુમકા પોલીસ સ્ટેશનને જાણ કરવામાં આવી. પોલીસ જીપ આવી પહોંચી. પોલીસે જોયું તો ઓઈલ મિલની પાછળ આવેલા ઈદગાહ મેદાનમાં ૨૦-૨૧ વર્ષની વયના એક યુવાનની લાશ પડી હતી. મૃતકના દેહ પર ભુરા રંગનું જીન્સ અને સફેદ ટી-શર્ટ હતું. ખિસ્સામાં અલ્ટો કારની ચાવી હતી. બીજા ખિસ્સાંમાંથી પાકીટ મળ્યું. તેમાં મરનારનું વાહન ચલાવવાનું લાઈસન્સ હતું. લાઈસન્સ પર નામ અને સરનામું લખેલું હતું : ''રંજીતકુમાર, ૭એ, બિરસા મુડા એન્કલેવ, દુમકા દક્ષિણ. પોલીસે મરનારના નામ, સરનામા પ્રમાણે તપાસ મોકલી. મરનારના પિતા પરમેશ્વર કુમાર આવી પહોંચ્યા. તેમણે પુત્ર રંજીતની લાશ ઓળખી કાઢી. તેઓ ત્યાં જ ભાંગી પડયા. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યો. પોલીસ રંજીતના પિતા સ્વસ્થ થાય તેની રાહ જોવા લાગ્યા. રંજીતના મૃતદેહની અંતિમવિધિના બીજા દિવસે પોલીસે પુછપરછ શરૂ કરી. પરમેશ્વરકુમારે કહ્યું : ''બનાવની સાંજે મારા પુત્ર રંજીતે મને કહ્યું હતું કે તે તેના દોસ્તના ઘેર જાય છે.''
''રંજીતના દોસ્ત કોણ કોણ હતા ?''
''રંજીતનો સહુથી કરીબ દોસ્ત પ્રિતમ હતો.''
પોલીસે પરમેશ્વર કુમાર પાસેથી પ્રિતમનું સરનામું લીધું. પ્રિતમ તેના પિતા સાથે દમકાની ઉપવન સોસાયટીમાં રહેતો હતો. પોલીસે બારણું ખટખટાવ્યું. દરવાજો ખૂલ્યો. ઘરમાં પ્રિતમના પિતા શ્રીરામ ચૌધરી અને તેમનાં બહેન જુગનુ ચૌધરી હાજર હતા. પોલીસને જોઈ તેઓ સ્તબ્ધ થઈ ગયાં. પોલીસે પ્રિતમ માટે પૂછપરછ કરી. શ્રીરામ ચૌધરીએ કહ્યું: ''પ્રિતમ બે દિવસથી ઘેર જ નથી આવ્યો. અમે જ તેને શોધીએ છીએ. અમે હજુ ફરિયાદ જ નોંધાવી નથી તો તમારે આવવું કેમ થયું ?''
''એક લાશ મળી છે તે સંદર્ભમાં ?''
શ્રીરામ ચૌધરી ગભરાઈ ગયા અને બોલ્યાઃ ''શું એ લાશ મારા પ્રિતમની તો નથી ને ?''
''ના, પ્રિતમના દોસ્ત રંજીતની છે.''
શ્રીરામ ચૌધરીએ કહ્યું: ''રંજીત તો પ્રિતમનો દોસ્ત હતો. તેની હત્યા કેવી રીતે થઈ ગઈ ?''
''અમે એજ પુછપરછ માટે આવ્યા છીએ.''
પોલીસે હવે વિસ્તૃત તપાસ કરી. મરનાર રંજીત વાસ્તવમાં દુમકાના પરમેશ્વર કુમાર નામના પ્રોપર્ટી ડિલરનો પુત્ર હતો. પોલીસે રંજીતના બીજા મિત્રોની પુછપરછ કરી તો એટલું જાણવા મળ્યું કે, રંજીત માધુરી નામની એક છોકરીના ચક્કરમાં હતો. ગઈ દિવાળીના દિવસે માધુરી પ્રિતમના ઘેર દારૂખાનું ફોડવા ગઈ હતી. અચાનક રંજીત ત્યાં જઈ ચડયો હતો. રાતના સમયે તેણે માધુરીને પ્રિતમની અત્યંત કરીબ જોતાં બેઉ વચ્ચે બહુ જ ઝઘડો થયો હતો. તે દિવસથી રંજીત અને પ્રિતમ વચ્ચે સંઘર્ષ શરૂ થયો હતો. માધુરી એ બંને વચ્ચે સમાધાન કરાવવાની કોશિશ કરતી હતી. પોલીસે એ પણ શોધી કાઢયું કે માધુરી પણ રંજીતના ઘરની નજીક રહેતી હતી. કેટલાંક મહિનાઓથી રંજીત અને માધુરી એકબીજાની સાથે ફરતાં દેખાતાં હતા.
પોલીસને પ્રિતમ ના મળતાં તે હવે માધુરીના ઘેર પહોંચી, માધુરીનાં માતા-પિતા મધ્યમવર્ગનાં હતા.પિતા નિવૃત્ત હતા. પેન્શન પર ઘર ચાલતું હતું. પોલીસ માધુરીના ઘેર પહોંચી પણ માધુરી ઘેર નહોતી. પોલીસનો હવે શક પાકો થતો ગયો કે પ્રિતમ પણ તેના ઘેર નથી અને માધુરી પણ ઘેર નથી. પડોશીઓને પૂછતાં ખબર પડી કે ૧૮ વર્ષની વયથી જ માધુરી મનસ્વી બની ગઈ હતી. તે ખૂબસૂરત તો હતી જ પણ મોડર્ન વસ્ત્રો પહેરવાં તેને ગમતાં હતાં. કિશોરાવસ્થાથી જ તે બોયફ્રેન્ડ બદલતી રહેતી હતી. સહુથી પહેલાં તે અરમાન નામના યુવકના પ્રેમમાં પડી હતી. તેની સાથે તેણે શારીરિક સંબંધો પણ પ્રસ્થાપિત કર્યા હતા. ઘરવાળાંઓને આ વાતની ખબર પડતાં જ તેમણે માધુરીની શાદી અરમાન સાથે કરાવી આપી હતી, પરંતુ લગ્નના ૭ માસમાં જ બેઉ છુટાં થઈ ગયાં હતા. હકીકતમાં માધુરી તન અને મનથી ચંચળ હતી. તેને અરમાનથી છુટા પડયા બાદ તે રોહન નામના એક યુવાનના પ્રેમમાં પડી હતી. રોહન અને માધુરીએ મંદિરમાં જઈ લગ્ન કરી લીધાં હતાં. પણ બીજા છ મહિનામાં તે રોહનથી પણ છુટી થઈ ગઈ હતી. તે ફરી પિયર પાછી આવી ગઈ હતી. માતા-પિતા માટે પણ તે માથાનો દુઃખાવો બની ગઈ હતી. એ ઘટનાના કેટલાંક સમય બાદ બાજુના મહોલ્લામાં જ રહેતા રંજીત કુમાર નામના યુવાનને એણે ચક્કરમાં લઈ લીધો હતો. માધુરી આંખોના એક ઈશારે જ યુવકોને પ્રેમમાં પાડી દેતી હતી. રંજીતના પિતા પ્રોપર્ટી ડિલર હતા. પૈસાદાર બાપનો બગડેલો દીકરો હતો. કેટલાંક સમય સુધી તે માધુરીના મોહપાશમાં લપેટાયેલો રહ્યો, પરંતુ માધુરી જેટલી ખૂબસૂરત હતી તેથી વધુ ચાલાક પણ હતી.
તે વધુમાં વધુ છ મહિના સુધી જ એક બોય ફ્રેન્ડને રાખી શકતી હતી. છ મહિનામાં તેને બોય ફ્રેન્ડ બદલાવાની તીવ્ર ઈચ્છા થઈ આવતી. માધુરીએ જ દબાણ કરીને રંજીતને તેના કોઈ બોય ફ્રેન્ડ સાથે ઓળખાણ કરાવવા કહ્યું હતું. રંજીતે જ માધુરીનો પરિચય પ્રિતમ સાથે કરાવ્યો. હકીકતમાં માધુરીનો ઈરાદો પ્રિતમને પામવાનો હતો. તે હવે રંજીતથી ધરાઈ ગઈ હતી. એક દિવસ રંજીત માધુરીને ના ગમે તેવી હાલતમાં પ્રિતમ સાથે જોઈ ગયો ત્યારથી રંજીત પ્રિતમની હત્યા કરી નાંખવાનો મનસૂબો બનાવી દીધો હતો. એક સાંજે રંજીતે પ્રિતમને ખત્મ કરી નાંખવાની પોતાની યોજના માધુરીને ભોળાભાવે કહી સંભળાવી. માધુરી પહેલાં તો ચોંકી ગઈ પણ તે ચાલાક હોઈ પોતાના ભાવ છુપાવી રાખ્યા. તેણે રંજીતની ઈચ્છા પ્રમાણે તેની યોજનામાં સાથ આપવાની હા પાડી રંજીતનો વિશ્વાસ જીતી લીધો.
બીજા દિવસે માધુરી રંજીતના કહ્યા પ્રમાણે પ્રિતમને લઈ દુમકા શહેરના ઈદગાહ મેદાન પર રાતના સમયે પહોંચી. એક ઝાડ પાછળ સંતાયેલો રંજીત બહાર આવ્યો પરંતુ રંજીત કાંઈ કરે તે પહેલાં પ્રિતમે ધારદાર ચાકુના ઉપરાઉપરી ઘા કરી રંજીતની હત્યા કરી નાંખી. રંજીત ત્યાં જ ઢળી પડયો. વાત એમ હતી કે માધુરીને હવે નવો બોય ફ્રેન્ડ જોઈતો હતો તે પ્રિતમને ગુમાવવા માંગતી નહોતી, એણે રંજીતની યોજનાની જાણ અગાઉથી જ પ્રિતમને કરી દીધી હતી. રંજીત તેની યોજના પાર પાડે તે પહેલાં જ માધુરીના કહેવાથી પ્રિતમે યોજના પાર પાડી દીધી. બે દિવસ બાદ મોબાઈલ ફોનના ટાવરના આધારે પોલીસે લોકેશન શોધી કાઢી માધુરી અને પ્રિતમને એક ગેસ્ટહાઉસ માંથી પકડી લીધાં. રૂપાળા ચહેરાનું આકર્ષણ આવું ફેટલ પણ હોઈ શકે છે.

Comments