ધુનડાની સીમમાં ચાલીસ વરસનો એક માણસ પલાંઠી મારીને બેઠો હતો. તેનાથી પાંચેક ફૂટ છેટે ઉઘાડી છાતીવાળું મસ્તક વગરનું ધડ પડ્યું હતું. જમીન ઉપર લોહીનું ખાબોચિયું ભરાયેલું હતું ને જીવાતો બણબણતી હતી. થોડે છેટે એક છબી પાસે સફેદ લૂગડામાં ઢાંકેલું કપાયેલું માથું હતું.
‘હું ગોપ આઉટપોસ્ટનો જમાદાર દાનુભા બોલું છું. અહીંથી થોડે દૂર ધુનડા ગામની સીમમાં ખૂન થયું છે એવું જાણવા મળ્યું છે. હું ઘટનાસ્થળે પહોંચું છું. તમે પણ પહોંચો. ઓવર.’ચોથી જાન્યુઆરી ૧૯૯૫ના દિવસે વોકીટોકી સેટ પરથી જામજોધપુર પોલીસ સ્ટેશનને આવો મેસેજ મળ્યો ત્યારે બપોરનો સવા વાગ્યો હતો. જામજોધપુર પોલીસ સ્ટેશનના તત્કાલીન સબ ઇન્સ. બી. કે. સંઘાણી પણ થોડી માનસિક તૈયારી કરી પોલીસ પાર્ટી સાથે રવાના થયા, પણ ઘટનાસ્થળનું ર્દશ્ય બધાને હેબતાવી ગયું. ધુનડાની સૂનકાર સીમમાં ચાલીસ વરસનો એક દુબળો માણસ પલાંઠી મારીને બેઠો હતો. તેનાથી પાંચેક ફૂટ છેટે ઉઘાડી છાતીવાળું મસ્તક વગરનું ધડ પડ્યું હતું. ગરદન પાસેથી જમીન ઉપર લોહીનું ખાબોચિયું ભરાયેલું હતું ને એમાં સીમની જીવાતો બણબણતી હતી. થોડે છેટે એક છબી પાસે સફેદ લૂગડામાં ઢાંકેલું કપાયેલું માથું હતું.
એક અગરબતી બળી રહેવા આવી હતી. વાઢેલું માથું વીંટાળેલું સફેદ કપડું અમુક જગ્યાએ લોહીથી ખદબદી જઇ લોહીની ધાર ઓકતું હતું ને એ ધાર છબી પાસે ચીમળાઇને પડેલા ગુલાબનાં ફૂલ સુધી જતી હતી. લોહીનાં એકાદ-બે ટીપાં ઊડીને વધારાયેલા શ્રીફળના સફેદ ટોપરાં પર પણ પડ્યાં હતાં. લાશ પાસે બેઠેલી વ્યક્તિ ઠંડીથી બચવા માટે માથે લૂગડું વીંટીને બેઠી હતી. તેની આંખો શૂન્યમનસ્ક હતી, પણ ધુનડાની સીમ ફરતે આવેલી ટેકરી ઉપર ઊભા રહીને આ બધું જોતા લોકોની આંખોમાં જાતજાતની લાગણીઓ પડઘાતી હતી. પીએસઆઇ સંઘાણી જીપમાંથી ઊતરીને બેઠેલી વ્યક્તિ પાસે પહોંચ્યા તો તેમણે જોયું કે બેઠેલી વ્યક્તિથી થોડે દૂર લોહીથી રંગાયેલી તલવાર પડી હતી.
સામાન્ય સંજોગોમાં અવવારું સીમમાંથી લાશ મળે તો અનુમાન કરાય કે લૂંટફાટ દરમિયાન હત્યા કરાઇ હશે અથવા તો જૂના વેરઝેરને કારણે ખૂન થયું હશે. પીએસઆઇ સંઘાણી કોઇ કાર્યવાહી શરૂ કરે એ પહેલાં એક જમાદારે તેમના કાનમાં ફૂંક મારી કે લાશ પાસે બેઠેલી વ્યક્તિ મરનારનો બાપ છે. સંઘાણીએ શૂન્યભાવે બેઠેલી વ્યક્તિને જરા કરડા અવાજે પૂછ્યું, ‘એલા, આ શું કર્યું?’ પેલાએ ગરદન ઊંચકી. આંખોમાંથી વિરિકતનો ભાવ ખંખેર્યો પછી કહ્યું, ‘મારા દીકરાની (માથું વાઢીને કમળપૂજા કરવાની) માનતા પૂરી કરી, સાહેબ.’
પ્રયત્નપૂર્વક ગળે ન ઊતરે અને બાપ ગોતર પણ જેનો અમલ ન કરી શકાય એવી કમળપૂજાની આ વાત છે. કમળપૂજામાં માથું વાઢીને ઉતારી દેવામાં આવતું હોય છે. ભગવાન શંકરને પ્રસન્ન કરવા માટે લંકાપતિ રાવણ દરરોજ શિવલિંગ પર પોતાનું માથું વાઢી નાખતો હતો અને એ મસ્તક આપોઆપ ધડ સાથે જોડાઇ જતું હતું એવો શાસ્ત્રોમાં ઉલ્લેખ છે. સૌરાષ્ટ્રના જૂનાગઢ પંથકમાં બિલખા ગામે શેઠ શગાળશાની જગ્યા છે. લોકવાયકા મુજબ દાનેશ્વરી શગાળશાની પરીક્ષા લેવા માટે ઈશ્વરે સ્વરૂપ બદલીને તેના પુત્રનું મસ્તક માગી લીધું હતું.
એ મસ્તકને ખાંડણીમાં ખંડાવવામાં આવ્યું હતું અને પરીક્ષા લીધા પછી ઈશ્વરે શગાળશાના પુત્ર ચેલૈયાને જીવતો કરી દીધો હતો એ કમળપૂજાની જ વાત છે. સંદર્ભો, શાસ્ત્રો અને (અંધ)શ્રદ્ધા માણસના દિમાગ પર કેવી ભૂરકી છાંટી શકે છે તેનો દાખલો નાગજી અને તેનો ૧૯ વર્ષનો પુત્ર જેસંગ પરમાર છે. જેસંગ પરમાર હવે હયાત નથી. તેનું માથું વાઢીને તેને કમળપૂજાના પ્રસાદ તરીકે ચઢાવી દેવાયું અને તેનો એકમાત્ર સાક્ષી તેનો બાપ જ છે. જેસંગની કમળપૂજા કાયદાની દ્રષ્ટિએ ક્રૂર હત્યા કે આત્મહત્યા જ છે.
હળવદ પાસેના એક ગામમાં માતાજીનું સપનું જોઇને એક બાપે સગી દીકરીને વેતરી નાખી હતી. રાજકોટના એક સદ્ગૃહસ્થ એક બાપુને ઓળખતા હતા. તેમની એક દીકરી બીમાર પડી પછી એક દિવસ તેમને સપનું આવ્યું કે પેલા બાપુ પાસે દીકરીને લઇ જા. સદ્ગૃહસ્થ દીકરીને લઇને સારવાર માટે બાપુ પાસે લઇ જવા લાગ્યા, પણ દીકરીની માનસિક હાલત વધારે બગડી કારણ કે બાપુ સારવાર નામે તેની સાથે બંધબારણે અડપલાં કરતા હતા. મૂળ સુરેન્દ્રનગરના તલસાણા ગામના નાગજી અને તેના પુત્ર જેસંગના કિસ્સામાં પણ સપનાં જ સળગ્યાં હતાં અને એ ભડકામાં જુવાનજોધ દીકરો હોમાઇ ગયો હતો.
ઝાલાવાડની સૂકી ધરતી અને લૂખી જિંદગીથી ત્રાસીને નાગજી પરમાર છેલ્લાં થોડાં વર્ષથી કુટુંબ સાથે સુરત ચાલ્યો ગયો હતો. નાગજી સાડીના કારખાનામાં મજૂરી કરતો અને તેનો મોટો પુત્ર ચોકીદાર તરીકે નોકરી કરતો હતો. નાગજીનો બીજો પુત્ર ગેમલ અપંગ છે. નાનપણમાં પગમાં સડો થઇ જતાં ગેમલનો જમણો પગ ગોઠણથી કપાવી નાખવો પડ્યો હતો. નાગજીને પણ પગના પંજામાં જન્મજાત ખોડ છે. આખા પરિવારમાં મોટો દીકરો જેસંગ ભવિષ્યની આશા જેવો હતો કારણ કે એ જ સાજો સારો હતો. લગભગ અઢી વરસ પહેલાં નાગજી સપરિવાર તલસાણા ગામે એક વિવાહમાં આવ્યો હતો. એ વખતે કોઇ સંબંધી તેને જામનગરના ધુનડા પાસેના હરિરામબાપાના આશ્રમે લઇ આવ્યા હતા. નાગજીને એ વખતથી હરિરામબાપામાં શ્રદ્ધા બેઠી હતી.
પોલીસ લોકઅપમાં બેઠેલો નાગજી પરમાર કહે છે, ‘એ વખતે ઘરમાં કે ક્યાંય હરિરામબાપાનો ઉલ્લેખ થતો તો મારો મોટો દીકરો જેસંગ ચીડાઇ જતો. તેને બાપામાં વિશ્વાસ નહોતો. અચાનક એક દિવસ સવારે મને જેસંગે કહ્યું કે કાલે મને સપનામાં હરિરામબાપા આવ્યા હતા અને તેમણે ખાટલે બેસીને મને સમજાવ્યો હતો. એ પછી જેસંગ પણ બાપામાં માનતો થઇ ગયો હતો. બે’ક વાર ધુનડાના આશ્રમે પણ આવી ગયેલો. જેસંગને દર મહિનાની અજવાળી પાંચમે રાતે ૧રથી ૪ વચ્ચે હરિરામબાપા સપનામાં આવતા હતા એવું એ મને કહેતો હતો.’
Comments
Post a Comment
Thanx For Comment