કજરી દીવાની જેમ સળગી અને દોડીને હેમરાજને ભેટી પડી


કાળી ડિબાંગ રાત, ધોધમાર વરસાદ, બગડેલી કાર, એક અજાણ્યો માણસ અને એ જ ડરામણું અતીત...
એક દાયકાથી પણ વધારે સમય બાદ આજે ડો. હેમરાજ દીવાન પોતાની કારમાં આજમગઢ જઈ રહ્યા હતા.


ઢળતી સાંજ અને એમાં ધીમી ધારે વરસી રહેલો વરસાદ વાતાવરણને માદક બનાવી રહ્યો હતો. ડો. હેમરાજનું એક ડોક્ટર તરીકે પ્રથમ પોસ્ટિંગ આજમગઢ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં જ થયેલું. આજમગઢમાં એમને બહુ પસંદ પડી ગયેલું અને આમેય આજમગઢ એટલે ઐતિહાસિક નગર. નગર ફરતો ગઢ, વિશાળ દરવાજા, મહેલો, નગરની મધ્યમાં મોતી તળાવ, મંદિરો અને કલાત્મક ચબૂતરા... ટૂંકમાં આજમગઢની જાહોજલાલી હતી, પરંતુ પાછળથી હુમલા ને રાજકીય કુસંપના કારણે રાજસત્તા નષ્ટ થયેલી.

એ પ્રાચીન ઇમારતોથી શોભતું આજમગઢ ડો. હેમરાજને બહુ ગમતું હતું. પછી તો એમની બદલી વતનમાં થયેલી છતાં એ આજમગઢની યાદોને ભૂલી શક્યા નહોતા.

એ ઘણીવાર આજમગઢ આવવાનો પ્રોગ્રામ કરતા, પણ અવાતું નહોતું. એમાં જ એક ટ્રસ્ટની હોસ્પિટલના ઉદ્ઘાટન પ્રસંગે એમને આજમગઢ જવાનો મોકો મળી ગયો. એમની સાથે એમની યુવાન મંગેતર આંચલ ઝવેરી પણ આવવાની હતી, પણ છેલ્લી ઘડીએ એની તબિયત બગડી અને ડોક્ટર એકલા જ નીકળી પડયા.

આજમગઢ થોડાક કિ.મી. જ દૂર હતું અને હવામાનમાં પલટો આવ્યો. કાળાં વાદળો ઘેરાઇ આવ્યાં અને વીજળીના ચમકારા સાથે વરસાદ તૂટી પડ્યો. કારનાં વાઇપર પણ બંધ પડી ગયાં. કાર પણ અટકી પડી. ભારે પ્રયત્ન છતાં કાર ફરી સ્ટાર્ટ થઇ જ નહીં.

એવામાં ડો. હેમરાજે જોયું. ટોર્ચનું અજવાળું રોડ પર દેખાયું. થોડીવારમાં રેઇનકોટમાં સજ્જ એક કદાવર આદમી નજીક આવ્યો. તરત જ કારનો ગ્લાસ ઉતારીને હેમરાજે તેને બોલાવ્યો,

'અરે ભાઈ, મારી ગાડી ખરાબ થઈ છે, તો આટલામાં નજીકમાં કોઈ જગ્યા કે હોટલ છે કે જ્યાં રાત્રિરોકાણ કરી શકાય?’

'હા, હા, જરૂર. ચાલો મારી સાથે. હું સામેની ટેકરી પરની હવેલીમાં રહું છું. ગાડી અહીં સાઈડમાં રાખી દો.’ એ માણસનું નામ કામરાન હતું. એ ડો. હેમરાજને હવેલીમાં લઈ આવ્યો. ડો. હેમરાજે જોયું તો ખરેખર હવેલી વર્ષો પુરાણી હતી. વચ્ચે એક વિશાળ દીવાનખંડ હતો, જે સફેદ આરસથી આજે પણ ચમકી રહ્યો હતો. ઝીણી કોતરણીવાળાં બારસાખ અને બારણાં અને એક નકશીદાર દરવાજો અને એ દરવાજાની બંને બાજુ શાહી ઓરડાઓ હતા.

છેલ્લા રૂમમાંથી પ્રકાશ આવી રહ્યો હતો, એટલે ડો. હેમરાજે પૂછયું, 'અંકલ, તમારી સાથે અહીં બીજું કોઈ રહે છે?’

કામરાને ગંભીરતાથી ઉત્તર આપ્યો, 'આમ તો હું એકલો રહું છું, પરંતુ ત્રીજા મજલે ઝરીનાબાનુ રહે છે. ઇન્દ્રજિતસિંહની રખાત.’ વાત કરતાં કરતાં બંને બીજા મજલે આવ્યા. ત્યાં કામરાને એક રૂમ ખોલી આપ્યો. સીસમ અને સાગનાં ફર્નિ‌ચરથી રૂમ સજાવેલો હતો. મોટો રજવાડી પલંગ અને તેના ઓછાડ બધું વ્યવસ્થિત હતું.

'લ્યો સાહેબજી, બાથરૂમમાં ટુવાલ, લુંગી, સાબુ હશે. તમે ફ્રેશ થઈ જાઓ ત્યાં હું જમવાનું લેતો આવું.’

અને સાચે જ હેમરાજ હજી બાથરૂમમાંથી બહાર ન આવ્યા એ પહેલાં કામરાન થેપલાં, ચા અને લસણની ચટણી લઈને આવી ગયો. હેમરાજ આવીને જમવા બેઠા એટલે કામરાને વાત શરૂ કરી,
'સાહેબ, ગમે તેવા અવાજ કે કોઈના ગાવાનો અવાજ આવે તો રાત્રે તમે ઉપર ન જતા કારણ ઇન્દ્રજિતસિંહે પહેલી વખત ઝરીનાબાનુને જોઈ ત્યારથી એના દીવાના બની ગયેલા. આ ઝરીનાબાનું મૂળ નાચ-મુજરા કરતી દેવયાનીની ખૂબસૂરત પુત્રી હતી. એ ઝરીનાબાનુને ઇન્દ્રસિંહ સત્તાના જોરે જબરજસ્તી કરીને આ હવેલીમાં ઉઠાવી લાવ્યા હતા. હવે કોઈ અકળ કારણસર ઝરીનાબાનુ કેરોસીન શરીરે છાંટીને સળગી મૂએલાં. ત્યારથી એમનો આત્મા ત્રીજા માળે ભટકે છે, માટે ગમે તેવો કોઈનો ગાવાનો આલાપ, કે મુજરો થતો હોય તેવું સંગીત જો સંભળાય તો તમે મહેરબાની કરીને ઉપર ન જતા.’

'સારું મારા અંકલ, નહીં જાઉં બસ’ જોકે આમેય ડો. હેમરાજ ભૂત, પ્રેત કે આત્મામાં માનતા નહીં. થોડી ઔપચારિક વાતો કરીને કામરાન ગયો, ત્યારે હેમરાજે મોટા શાહી પલંગમાં જમાવ્યું, પણ ત્યાં જ પલંગની સામેની દીવાલ પર એક ઓરતનો આદમ કદનો ફોટો લટકતો હતો.

એ જોતાં જ એ પલંગમાં બેઠો થઈ ગયો અને મનોમન ગણગણી રહ્યો, 'ના ના, એ અહીં ક્યાંથી હોય? પણ ચહેરો તો મળતો આવે છે, પણ એથી શું થશે? અંતે ચૂપચાપ ડો. હેમરાજની આંખ સામે બાર બાર વરસનો અતીત આળસ મરડતો બહાર આવ્યો.

પેલો ફોટો જોતાં એને કજરી યાદ આવી. કજરી પેટમાં દુખાવાની દવા લેવા પ્રાથમિક સારવાર કેન્દ્રમાં આવેલી. એમાં આજમગઢમાં ડો. હેમરાજ અને કજરી વચ્ચે પ્રથમ નજરે જ પ્રેમનાં બીજ રોપાયાં હતાં. એમનો પ્રેમ બધી સીમાઓ ઓળંગી ગયેલો, પણ હેમરાજ બદલી થતાં કજરીને ભૂલી ગયેલા. ઘણા સમય પછી એમણે આજમગઢમાં કજરી વિશે તપાસ કરાવેલી, ત્યારે જાણવા મળેલું કે તે શહેરમાં નથી.

આમ અતીતનાં ઝોંકે ચડેલા હેમરાજને ઊંઘ આવી ગઈ, પણ મોડી રાત્રે અચાનક એની આંખ ખૂલી ગઈ. એણે જોયું તો બંધ કરેલો દરવાજો ખુલ્લો પડ્યો હતો અને ઉપરથી મનમોહક સંગીતના સૂર સાથે ઘૂંઘરુંનો અવાજ આવી રહ્યો હતો.

કામરાને ઉપર જવાની ના પાડી હતી. છતાં એને પોકળ વાતો માની હેમરાજ રૂમમાંથી બહાર આવી દાદરનાં પગથિયાં ચડવા લાગ્યો. સંમોહક સંગીત અને મધુર અવાજ એને ચુંબકની જેમ આકર્ષી રહ્યાં. ચાલતો ચાલતો ત્રીજા મજલે આવેલા રૂમમાં પ્રવેશ્યો તો એક શ્વેત વસ્ત્રધારી સ્ત્રી સિતાર પર ગાઈ રહી હતી. એના લાંબા અને કાળા છૂટાવાળથી એનું મોં ઢંકાયેલું હતું. છતાં જેવું તેવું મોં જોતાં જ હેમરાજ સહસા જ બોલી ઊઠ્યો,

'ઝરીનાબાનુ...’

'ઝરીનાબાનુ નહીં, કજરી કહો સાહેબ.’

ડોકને એક ઝટકો મારી કોરા છૂટા વાળ એકબાજુ કરતાં સિતાર એક તરફ ઊભી થઈ. હેમરાજ થરથર કંપી ઊઠયો. જીભના લોચા વળી રહ્યા, 'તું...? તું...? અહીં? મને તો એમ કે...’

'મરી ગઈ એમને? પણ દગાબાજ તું મારી ભાવના સાથે ખેલ ખેલીને ભાગી ગયો. બસ, તારી જ રાહમાં બેઠી છું.’

હેમરાજ જુએ તેમ કજરી દીવાની જ્યોતની જેમ સળગી ઊઠી અને દોડીને હેમરાજને ભેટી પડી. સવારે હેમરાજને શોધતો કામરાન ત્રીજા મજલે આવ્યો તો હેમરાજની અર્ધજલી લાશ પડી હતી

Comments