‘...ખબર નહોતી તમારી આંખ મુજને છેતરી જાશે’


અનુભવ ખૂબ દુનિયાના લઇને હું ઘડાયો’તો,
ખબર નહોતી તમારી આંખ મુજને છેતરી જાશે


ગામની બહાર હનુમાનજીનું મંદિર. મંદિરના પટાંગણમાં રોપાયેલો માંડવો. શરણાઇના સૂર અને ઢોલીડાનું ધ્રુબાંગ-ધ્રુબાંગ. જાનરડીઓનાં ફટાણાં ને ગોર મહારાજનું અગડં-બગડં. લગ્નવિધિ નિહાળી રહેલા મંદિરના મહંત રામદાસબાપુ દાઢીના વાળમાં જમણો હાથ ફેરવતાં ફેરવતાં મનોમન બબડી રહ્યા છે: 'માન ન માન, પણ આ બધું નાટક લાગે છે. આ માંડવો સાચો, વિધિ સાચી, લાડુ ને દાળ-ભાતનો જમણવાર સાચો, પણ આ લગ્ન ખોટાં કેમ છે?હું અહીં બાર વરસથી ગુડાણો છું.

મારી હાજરીમાં નાખી દેતાંયે સો-સવાસો દીકરીયુંનાં લગ્ન યોજાઇ ચૂક્યાં હશે, પણ આજે મારા મનમાં જે શંકાનો કાંટો ભોંકાઇ રહ્યો છે એવો પહેલાં ક્યારેય નથી ભોંકાયો. ચોક્કસ કશુંક ક્યાંક ખોટું થઇ રહ્યું છે.’ ધોલેરા પંથકનું ગામ. ગામથી બે કિલોમીટર દૂર મંદિર. લગભગ બસો વર્ષ જૂની હનુમાનદાદાની મૂર્તિ‌. છેલ્લાં કેટલાંક વર્ષોથી ગામના ક્ષત્રિય યુવાનોના સહકારથી મંદિરનો ર્જીણોદ્ધાર સંપન્ન થયો હતો. સુંદર શિખરબંધ મંદિર. ઉપર ફરફરતી ધજા. વિશાળ ખુલ્લો ચોક. ચારે તરફ પાક્કી દીવાલ. બાજુમાં મહંત-કમ-પૂજારીને રહેવા માટેની ઓરડી. રામદાસબાપુ સંસાર પ્રત્યેની તમામ આસક્તિ છોડીને અહીં રહે અને ભગવાન પ્રત્યેની પૂર્ણ આસ્થા ધરીને દાદાની પૂજા-આરતી કરે.

ગોર બાપાએ મોટેથી બૂમ પાડી: 'કન્યા પધરાવો, સાવધાન’ એ સાથે જ કન્યાનો મામો પાનેતરમાં ઢબુરાયેલી કન્યાને લઇને માંડવામાં દોરી લાવ્યો. બધાંની નજર કન્યા તરફ મંડાયેલી હતી, પણ રામદાસ બાપુની નજર મામા ઉપર પડી. બાપુ ચોંકી ઊઠયા. મન સાથેનો સંવાદ ફરી પાછો ચાલુ થઇ ગયો- 'અરે, આને તો ક્યાંક જોયો હોય એવું લાગે છે. હા, યાદ આવ્યું. બે મહિ‌ના પહેલાં વલ્લભીપુરના એક ભક્તના અતિ આગ્રહથી એના દીકરાનાં લગ્નમાં આર્શીવાદ આપવા માટે હું ગયો હતો, ત્યારે પણ આ જ મામો કન્યાને દોરીને લગ્નના માંડવામાં લઇ આવેલો.’

રામદાસબાપુને ધીમે-ધીમે બીજા પ્રસંગો પણ યાદ આવતા ગયા. આઠેક મહિ‌ના પહેલાં રાજકોટ પાસેના ચરખડી ગામે એક લગ્નમાં જવું પડયું હતું, ત્યાં પણ કન્યાનો મામો આ જ હતો. દોઢ મહિ‌ના પહેલાં જૂનાગઢના વંથળી ગામે... સાવરકુંડલા પાસેના વીજપડી ગામે... અમરેલી બાજુના ખાંભા ગામમાં... ગામો ભલે બદલાતાં હતાં, પણ કન્યાનો મામો બદલાતો ન હતો. રામદાસબાપુએ હવે ઝીણી આંખ કરીને માંડવામાં બેઠેલા અન્ય 'મહાનુભાવો’ તરફ જોયું. એ ચોંકી ગયા: 'અરે આ તો બધા જ એના એ લાગે છે. કન્યાનો પિતા, કાકો, ફુવો, ભાઇ બધાના ચહેરાઓ જોયા હોય તેવા લાગતા હતા. વરપક્ષની સ્ત્રીઓ પણ પરિચિત દેખાતી હતી.’

દિમાગની અંદર માહિ‌તીનો 'ડેટા ફીડ’ થઇ ગયો, એટલે રામદાસબાપુ એનું એનેલિસીસ કરવા બેઠા. શંકાની સાંકળના એક પછી એક અંકોડા ગણી રહ્યા: 'સૌથી મોટો સવાલ એ છે કે મારે આજ સુધીમાં ભક્તોના આગ્રહથી જે-જે લગ્નોમાં આર્શીવાદ આપવા જવું પડયું છે, તે બધાં કંઇ એક જ જ્ઞાતિના ન હતા. કોઇ કાઠી, કોઇ પટેલ, કોઇ વળી કોળી, કુંભાર, મોચી, વાળંદ તો કોઇ દેવીપૂતર હતું. એ તમામ લગ્નોમાં કન્યાનો મામો આ એક જ કેવી રીતે હોઇ શકે? બીજો સવાલ એ કે આ એક આંખવાળા મામાને કાં તો વીસ-પચીસ બહેનો હોવી જોઇએ, કાં એક જ બહેનની કૂખે જન્મેલી વીસ-પચીસ ભાણી હોવી જોઇએ. ત્રીજો સવાલ: આવાં તમામ લગ્નોમાં જાન જોડીને વરપક્ષ આવવાને બદલે કન્યાપક્ષ પોતે જ સામે ચાલીને મુરતિયાના ગામમાં લગ્ન માટે પધાર્યો હતો. આ કેવી રીતે 'મેનેજ’ થયું હશે એ વળી ચોથો પ્રશ્ન છે.’

બાપુએ વરપક્ષના એક આધેડ પુરુષને ઇશારો કરીને પાસે બોલાવ્યો. પૂછ્યું, 'મને એટલું કહેશો કે આ કન્યાપક્ષ સામે ચાલીને આપણા ગામમાં શા માટે આવ્યો છે? વરના બાપ પાસે જાન લઇને જવા જેટલા પૈસા નહોતા કે પછી...?’ પુરુષે જવાબ આપ્યો, 'એવું નથી, બાપુ વરનો બાપ તો ખમતીધર છે, પણ છોકરીવાળાએ કીધું કે એમના ગામમાં સરપંચના જુવાન દીકરાનું મોત થયું છે, એટલે એક વરસ લગી કોઇ શુભ પ્રસંગ ન ઊજવવો એવો આખા ગામે ભેગા મળીને સંકલ્પ કર્યો છે. વરના બાપને ઉતાવળ હતી, એટલે પછી સામેવાળાને જ અહીં બોલાવી લીધા.’ રામદાસબાપુ બબડયા, 'મામલો પકડાતો જાય છે. આ ઠગ ટોળકીએ પચીસે-પચીસ જગ્યાએ સરપંચના છોકરાવાળું જ બહાનું બતાવ્યું લાગે છે. મૂળ આશય એક જ કે છોકરાપક્ષવાળા એમના ગામમાં ન આવે.’

રામદાસબાપુના મગજમાં વિચારોનું સુનામી ઊમટ્યું. ધમધમાટ શરૂ થઇ ગયો. દાળમાં કાળું છે એ સમજાઇ ગયું. એ ચૂપચાપ ઊભા થઇને પોતાની ઓરડીમાં ચાલ્યા ગયા. બારણું વાસીને ડાયરી કાઢી. એમાં ભક્તોના ફોન નંબર્સ લખેલા હતા. ઓરડીમાં એક લેન્ડલાઇન ફોનનું ડબલું પણ પડી રહ્યું હતું. બાપુ ક્યારેક એનો ઉપયોગ કરી લેતા હતા. આજે એમણે ભરપૂર ઉપયોગ કરી લીધો. દસ-બાર જગ્યાએ ફોન કર્યા. પૂછ્યું, 'ધનજીભાઇ, હું તમારા દીકરાનાં લગ્નમાં આવ્યો હતો, એનું લગ્નજીવન બરાબર ચાલે છે ને વહુ સંસ્કારી તો નીકળી ને?’

'અરે, બાપજી, તમને ખબર નથી કે વહુ તો બીજા દિવસની સવારે જ નાસી ગઇ હતી એક રાત તો એ માંડ અમારા ઘરે રહી. એમાંય તે માતાજીનું વ્રત છે એવું બહાનું કાઢીને મારા દીકરાને આઘો રાખ્યો. સવારે 'મંદિરે જઇને આવું છું’ એમ કહીને ગઇ. અમને શી ખબર કે સાડલામાં ઘરેણાંની પોટલી પણ સંતાડી લઇ ગઇ હશે. પછી ખબર પડી કે આ તો રાજસ્થાન બાજુની ઠગ ટોળકી હતી. ગરજવાન મુરતિયાને લૂંટનારી ટોળકી.’

દસ-બાર જગ્યાએથી રામદાસબાપુને આવો જ જવાબ મળ્યો. એ સમજી ગયા કે આજે આ ગામનો વારો આવ્યો છે. શું કરવું? પોલીસને જાણ કરી દેવી? કે પછી પેલા લૂંટાઇ ચૂકેલા ભક્તોને ફોન કરીને અહીં બોલાવી લેવા? રંગે હાથ આ ધુતારાઓને પકડાવી દેવા? બાપુ ઊંડા વિચારમાં ડૂબી ગયા: 'પોલીસ તો તરત આવી જશે. આવા સમાચારો છાપામાં અને ટી.વી.માં અવાર-નવાર ચમકતા રહે છે. એટલે પોલીસ તો આમની શોધમાં જ છે, પણ આ બધાને સજા થાય કે જેલ પડે એમાં મને શો ફાયદો? મારા ગામના આ નિર્દોષ મુરતિયાને શો ફાયદો? અને હું કંઇ પોલીસનો બાતમીદાર થોડો છું? હું તો સાધુ છું. મારું કામ હનુમાનજીની ભક્તિ કરવાનું અને રામની સીતાને પાછી લઇ આવવાનું છે. તો મારે શું કરવું જોઇએ? હે બજરંગબલી હે દાદા મને સુમતિ સુઝાડ’

હનુમાનદાદાએ સુમતિ સુઝાડી દીધી. રામદાસબાપુ પાછા આવીને પાટ ઉપર ગોઠવાઇ ગયા. લગ્નવિધિ બે કલાક લગી ચાલી. બીજી બાજુ ભોજનવિધિ પણ ચાલુ થઇ ગઇ. વર-કન્યા ઊભાં થઇને સૌથી પહેલાં હનુમાનજીને પગે લાગ્યાં. પછી મહંતના પગમાં ઝૂક્યાં. રામદાસબાપુએ કન્યાને આર્શીવાદ આપ્યા. પછી એની પાસે જઇને કાનમાં બબડયા, 'તું કોણ છે એ હું જાણી ગયો છું, પોલીસને એક ફોન કરું એટલી જ વાર છે, પણ હું નથી કરતો. બસ, એટલી ચેતવણી આપું છું કે આજ સુધીમાં કંઇ કેટલાંયે માનવીઓને તમે છેતર્યા છે, પણ આ વખતે તમારો પનારો ભગવાનની સાથે પડયો છે. આ હનુમાનજી હાજરાહજૂર છે. બસો વરસથી અહીં બેઠેલા છે. એના પરચા પૂરો પંથક જાણે છે. એમની સાક્ષીએ તે આ પુરુષનો હાથ ઝાલ્યો છે, એ છોડીશ નહીં. બાકી તો તું જાણે અને તારા આ ઠગ સગાઓ જાણે.’

કન્યાએ હકારમાં માથું હલાવ્યું. બીજા દિવસે રામદાસ બાપુગામમાં ચક્કર મારવા નીકળ્યા, ત્યારે જોયું કે ધુતારાઓની ટોળી ગાડીમાં બેસીને ગામની આસપાસ ચક્કરો કાપતી હતી, પણ આજે પહેલી વાર એવું બનતું હતું કે કન્યા આવી જ નહીં. બે કલાકના આંટાફેરા પછી એ લોકો ચાલ્યા ગયા. આજે આ વાતને દસ વર્ષ થઇ ગયાં છે. કન્યા સુંદર રીતે વર અને ઘરને સાચવીને બેઠેલી છે. હમણાં બાપુને મળીને કહી ગઇ 'મારો ધણી બહુ તામસી પ્રકૃતિનો છે. બહુ ત્રાસ આપે છે, પણ હું ટકી રહી છું. માત્ર આ હનુમાનજી ઉપર શ્રદ્ધાને કારણે. આશા છે કે દાદો ક્યારેક મારા વરને પણ સુમતિ સુઝાડશે.’

Comments