રેલવે સ્ટેશને કૂલીને સોંપીને એ પેટીનો માલિક ગાયબ થઇ ગયો. પેટીમાં એક યુવતીની લાશ હતી!
ઉજાલા જંકશન પ્લેટફોર્મ નંબર સાત પર આજે વહેલી સવારના પાંચ વાગ્યે નિધૉરિત સમયે હાવડા સુપરફાસ્ટ આવીને ઊભી રહી. ભયંકર ધક્કામુક્કીમાં જગ્યા કરતો હમાલ બાબુ એક પતરાની મોટી પેટી માથે ઉપાડીને એસ- આઠ નંબરના કોચ પાસે આવીને ઊભો રહ્યો. પેટી નીચે ઉતારી એણે જોયું પણ એની પાછળ પાછળ ચાલ્યો આવતો પેટીનો માલિક ભીડમાં દેખાયો નહીં. આથી બાબુ બીજા હમાલને પેટીનું ધ્યાન રાખવાનું કહીને ટ્રેનના પહેલાથી લઇને છેલ્લા ડબ્બા સુધી ફરી વળ્યો, પણ પેલો માણસ મળ્યો નહીં.
જેમાં એણે જવાનું હતું એ હાવડા ટ્રેન પણ ઉપડી ગઇ છતાં પેલો ઇસમ પેટી લેવા આવ્યો નહીં, ત્યારે બાબુ મૂંઝાયો. આખરે બાબુ હમાલે સમગ્ર હકીકત સાથે નજીકના પોલીસ સ્ટેશને મોટી વજનદાર પેટી રજૂ કરી. પોલીસ ઇન્સપેક્ટર આર.વી.રાઠોડે એ.સી.પી. રાજદીપની હાજરીમાં જ પેટી ખોલાવી, તો એમાંથી એક બ્લ્યૂ પ્લાસ્ટિકની બોરીમાંથી નીકળી એક યુવતીની લાશ, જે બે-ત્રણ દિવસથી પેક હશે તેથી બદબૂ આવી રહી હતી. યુવતીએ કોટનનો નેવી બ્લ્યૂ ડ્રેસ પહેર્યો હતી. કાનમાં મોટી સોનાની કડી હતી.
બાબુના નિવેદન બાદ લાશના ફોટોગ્રાફ લેવાયા. તેમજ લાશની ઓળખવિધિ માટે આજુબાજુમાંથી લોકોને પૂછપરછ કરાઇ, પણ મૃતક યુવતીની ઓળખ ન થઇ શકી. તેથી લાશ મોર્ગમાં મોકલી આપી. પછી રાજદીપ સાહેબની સૂચના પ્રમાણે યુવતીના એક ફોટા સહિત ન્યૂઝ પેપરમાં જાહેરાત કરાઇ. બીજા દિવસે જાહેરાત જોઇને યુવતીના મામા પ્રેમજીભાઇ ઉલ્લાસપુર દોડી આવ્યા. એણે કહ્યું કે ફોટાવાળી યુવતી એની ભાણેજ તનુજા છે, પણ એણે જ્યારે જાણ્યું કે તનુજાની કોઇએ હત્યા કરી નાખી છે અને લાશ જોતાં જ પ્રેમજીભાઇ બિચારા પોક મૂકીને રડી પડ્યા.
‘મારાં બહેન-બનેવી રોડ એક્સિડન્ટમાં મૃત્યુ પામ્યાં ત્યારે તનુજા પાંચ વર્ષની હતી. એ એક જ બચી ગઇ હતી. પછી મેં જ એને મારી દીકરી માનીને મોટી કરી હતી. ખૂબ લાડકોડમાં રાખી હતી અને એ અમારા નગરના ઇન્દ્રધનુષ ઇલેક્ટ્રોનિક્સના શો-રૂમમાં સેલ્સ ગર્લ તરીકે નોકરી કરતી હતી.’
‘તનુજાને કોઇ સાથે દુશ્મની હતી?’‘ના સાહેબ, એ તો ગભરુ અને ભોળી હતી. એનો શેઠ તેને ખૂબ જ સાચવતો હતો.’ રાઠોડ સાહેબે લાશ પ્રેમજીભાઇને સુપ્રત કરી અને પોતાના ખબરીને ઇન્દ્રધનુષ ઇલેક્ટ્રોનિક્સમાં જાણકારી મેળવવા રવાના કર્યો ત્યારે એક હકીકત બહાર આવી કે તનુજા અને ઇન્દ્રધનુષ ઇલે.વાળા શેઠ નકુલ વચ્ચે અફેર હતું. નકુલને રાઠોડ સાહેબે ઓફિસે બોલાવીને પૂછપરછ શરૂ કરી, ‘મિ.નકુલ, તમારી સેલ્સ ગર્લ તનુજા સાથે તમારે અફેર હતું એ સાચી વાત છે?’
‘હા સર. મારી ૫ત્ની અરુણા જૂની વિચારસરણીવાળી અને કર્કશ સ્વભાવની છે. તેથી મારા અને તનુજાના સંબંધની એને જાણ થઇ ત્યારે એણે ધમાલ કરી મૂકેલી. જ્યારે તનુજાને મેં સમજાવીને શો રૂમમાંથી છૂટી કરી ત્યારે અરુણા શાંત થયેલી. નહીંતર તો એ મારા પર કેસ કરવાની હતી અને અરુણાનો ભાઇ એટલે કે મારા સાળા ધીરુએ પણ મને મારી નાખવાની ધમકી આપેલી. છતાં તનુજાને હું ભૂલી શકુ એમ નહોતો. એણે મને ભરપૂર પ્રેમ આપ્યો છે અને આજની તારીખે પણ અમે બંને ગુપ્ત રીતે ઉલ્લાસનગરના ગેસ્ટ હાઉસમાં અવારનવાર મળીએ છીએ.’ ‘તમે જાણો છો કે તનુજાનું ખૂન થયું છે?’‘હા... ના... ના... સાહેબ!’ અને રાઠોડ સાહેબનું રૂપ બદલાઇ ગયું, ‘નકુલ, શું હા...ના કર્યા કરે છે? જે હોય તે સત્ય કહી દે નહીંતર મેં અચ્છા અચ્છાને બોલતા કર્યા છે.’
‘સાચું કહું સાહેબ, તનુજાના ખૂન વિશે હું કશું નથી જાણતો. હા, બે દિવસ પહેલાં હું અને તનુજા રૂબી ગેસ્ટહાઉસમાં ઊતયાઁ હતા. એમાં વહેલી સવારે હું ચાર વાગ્યે જાગી ગયો. તનુજા હજુ સૂતી હતી. તેથી હું એકલો જ કપડાં બદલી જોગિંગ માટે નીકળી પડ્યો. હું રૂમ પર પાછો આવ્યો ત્યારે તનુજા મૃત અવસ્થામાં પડી હતી. એના ગળામાં દુપટ્ટાનો ફાંસો હતો. હું ડરી ગયો કે હત્યાનો આરોપ મારી પર આવશે, એટલે મેં તનુજાની લાશને બ્લ્યૂ પ્લાસ્ટિકની બોરીમાં પેક કરી પેટીમાં નાખીને લાશને રેલવે સ્ટેશને આવીને સગેવગે કરી.’ નકુલની વાતમાં રાઠોડ સાહેબને જરા સત્ય જણાયું, પણ એમણે જાતે રૂબી ગેસ્ટ હાઉસ પહોંચી એ રાત્રે કોણ કોણ ગેસ્ટ હાઉસમાં ઊતર્યું હતું એની યાદી જોઇ, તો એમની આંખો એક નામ વાંચતાં ચમકી ઊઠી. એ નામ હતું, ધીરજલાલ દલાલ. પાછળ પાછળ આવી પહોંચેલા નકુલે પણ તુરંત જ એ નામ જોઇને કહ્યું કે આ જ મારો સાળો ધીરુ. એ જમીન-મકાનની દલાલી કરે છે. બસ, એણે જ તનુજાની હત્યા કરી હશે.’
રાઠોડ સાહેબે કહ્યું, ‘ધીરુ અત્યારે ક્યાં હશે?’ ‘એની ટાઉનહોલ ચોક ખાતે આવેલી એની ઓફિસે.’ રાઠોડ સાહેબે નકુલને સાથે લઇને ધીરુને ઝડપી લીધો. પોલીસ સ્ટેશન લાવીને રાઠોડ સાહેબે મનોવૈજ્ઞાનિક રીતે ધીરુને તોડવાનું શરૂ કર્યું. એ રૂબી ગેસ્ટહાઉસમાં હતો એ કબૂલ કર્યું, પણ શા માટે હતો? રાઠોડ સાહેબના આ પ્રશ્નના ઉત્તરમાં એણે કહ્યું, ‘સાહેબ, મારી બહેનના સંસારમાં આગ લગાડનાર એ તનુજાને સમજાવવા પ્રયત્ન કર્યો અને જો ન માને તો એનો કાંટો કાઢી નાખવાની તૈયારી કરીને હું રૂબી ગેસ્ટ હાઉસમાં ઊતર્યો હતો. વહેલી સવારે મારો બનેવી નકુલ જેવો બહાર ગયો પછી અડધા કલાકે એની રૂમમાં જવા તૈયાર થયો.
ત્યાં જઇ હું બારણુ ખટખટાવવા ગયો ત્યાં જ એક પુરુષ કાળી કામળી ઓઢીને ગભરાયેલી હાલતમાં બહાર નીકળ્યો. મારી સાથે ટકરાયો અને ભાગી છૂટ્યો. ઝાંખા અંધારામાં મેં એનો ચહેરો જોયો હતો. પછી હું રૂમમાં પ્રવેશ્યો તો મારે કરવાનું કામ પતી ગયું હતું. તનુજા મૃત હાલતમાં પડી હતી, પણ મેં તનુજાની હત્યા કરી નથી.’ધીરુના વર્ણન પ્રમાણે એ ભાગતા માણસનો સ્કેચ તૈયાર થયો. એ જોઇને રાઠોડ સાહેબ દંગ રહી ગયા. એ સ્કેચમાં તૈયાર થયેલો ચહેરો તનુજાના મામા પ્રેમજીભાઇનો હતો. તેની ધરપકડ કરતાં એણે કબૂલ કર્યું કે તનુજાને લઇને સમાજમાં મારી બદનામી થતી હતી. મારા સમજાવવા છતાં એ સમજતી નહોતી. તેથી મેં જ એની હત્યા કરી છે.’
Comments
Post a Comment
Thanx For Comment