અંજલિ ખૂબ જ સુંદર લાગતી હતી. કોલેજમાં પહેલી જ દૃષ્ટિએ તે અંજલિના પ્રેમમાં પડી ગયો. તેણે પ્રપોઝ કર્યું અને બંને વચ્ચે પ્રેમનો ફણગો ફૂટયો. તે અંજલિને પોતાના જીવથી પણ વધારે ચાહતો હતો. અજયના ખાસ મિત્રો અને ઘરના લોકોથી આ સંબંધ છૂપો ન હતો.
એક દિવસ પણ એવો નહોતો વીતતો કે બંને એકબીજાને મળ્યાં ન હોય. દરરોજની જેમ એક દિવસ અજય નક્કી કરેલા સ્થળે અંજલિની રાહ જોઈ રહ્યો હતો. ઘણો સમય વીતવા છતાં પણ અંજલિ ન આવતા તેણે અંજલિને મોબાઈલ પર કોલ કર્યા, પરંતુ અંજલિ એક પણ કોલ રિસીવ કરતી ન હતી. તેથી તેને ખૂબ જ ચિંતા થવા લાગી. આખરે તેણે અંજલિના ઘરે ફોન કર્યો. અંજલિએ ફોન રિસીવ કર્યો.
"અંજલિ તું ક્યાં ખોવાઈ ગઈ હતી. તેં એક પણ ફોન રિસીવ ન કર્યો. તને ખબર છે મને તારી કેટલી ચિંતા થઈ રહી હતી!" ઊંડો રાહતનો શ્વાસ લેતાં અજયે કહ્યું.
"શા માટે મારા ઘરે ફોન કર્યો? મારે તને નથી મળવું. મારાં લગ્ન નક્કી થઈ ગયાં છે, તેથી મહેરબાની કરીને હવે પછી મને ક્યારેય ફોન ન કરતો." આટલું કહીને અંજલિએ ફોન મૂકી દીધો.
અજયથી રહેવાયું નહીં અને તે અંજલિના ઘરે પહોંચી ગયો, તે દરવાજેથી જ બૂમો પાડીને કહેવા લાગ્યો, "અંજલિ, તું મારી સાથે આવું શા માટે કરે છે? હું તારા વગર નહીં જીવી શકું."
થોડી વાર પછી અંજલિ તો બહાર ન આવી, પરંતુ પોલીસ આવી પહોંચી અને એક રાતનો જેલવાસ ભોગવવો પડયો. એક મહિના પછી અંજલિનાં લગ્ન થયાં. આ વાત અજયથી સહન ન થઈ અને તેણે ઝેરી દવા ગટગટાવી દીધી.
***
અજયની આંખ ખૂલે છે ત્યારે તે હોસ્પિટલના બેડ પર હતો અને તેની આજુ-બાજુ પરિવારના લોકો હતા. તેને ખતરા બહાર જોઈને સૌ ખુશ થયા, પરંતુ અંજલિને ખોઈ બેસવાનું દુઃખ અજયને હજુ પણ સતાવતું હતું. તેને સારવાર માટે અઠવાડિયું હોસ્પિટલમાં રોકાવું પડે તેમ હતું.
અજયનું ધ્યાન રાખવાનું અને સમયે દવા આપવાનું કામ અર્ચના નામની નર્સ કરતી હતી. અજયના પ્રણયભંગનો કિસ્સો સાંભળીને અર્ચનાને તેના પ્રત્યે સહાનુભૂતિ થઈ. અજય જ્યારે ઉદાસ ચહેરે બેઠો હોય ત્યારે અર્ચના તેને હસાવતી, પ્રેમથી વાતો કરતી અને ખૂબ કાળજી રાખતી. તે સમજાવતી કે એક છોકરી માટે આમ આત્મહત્યા કરવાનું પગલું ભરવું યોગ્ય ન કહેવાય. જીવન હશે તો તેનાથી પણ વધારે પ્રેમ કરવાવાળી બીજી છોકરી મળી જશે. અર્ચનાની હૂંફ અને વર્તનથી તે આઘાતમાંથી તો બહાર આવી ગયો,પરંતુ એવું સમજવા લાગ્યો કે અર્ચનાને તેની સાથે પ્રેમ થઈ ગયો છે.
એક રાત્રે જ્યારે અર્ચના દવા આપીને તેની પાસે બેઠી ત્યારે અજયે અચાનક અર્ચનાને બાથમાં ભીડી દીધી અને કહેવા લાગ્યો, "અર્ચના, હું તને પ્રેમ કરવા લાગ્યો છું. મારી બેરંગ બનેલી દુનિયામાં તેં પ્રેમના રંગ ભરી દીધા છે."
અર્ચના અજયની મનઃસ્થિતિ સારી રીતે સમજતી હતી. તેણે ધીરેથી પોતાને અજયની બાથમાંથી છોડાવી અને કહ્યું, "અજય, હું નર્સ છું. દરેક દર્દી પ્રત્યે મને સહાનુભૂતિ હોય છે. મને તારા પ્રત્યે સહાનુભૂતિ છે, પરંતુ મેં તને ક્યારેય એ દૃષ્ટિએ જોયો નથી. હું તને પ્રેમ નથી કરતી, પરંતુ હા, રાહ જો એક દિવસ તને પોતાનાથી પણ વધારે પ્રેમ કરવાવાળી છોકરી જરૂર મળશે."
આટલું ન ભૂલશો
* તમારી સહાનુભૂતિનો કોઈ ઊંધો અર્થ ન કાઢી લે તેની સાવચેતી રાખવી.
* મન ગમે તેટલું દુઃખી કેમ ન હોય, પરંતુ ક્યારેય આવેશમાં આવીને આત્મહત્યા જેવું પગલું ન ભરવું જોઈએ. આત્મહત્યા કરવી એ ગુનો છે.
* પ્રેમ સંબંધ તૂટી જવાથી જિંદગી પૂરી નથી થતી.
* કાળજી રાખવી કે પ્રેમભર્યું વર્તન કરવું એ કેટલાંક પ્રોફેશનનો એક ભાગ છે, તેથી ક્યારેય તેનું ખોટું અર્થઘટન કરવું જોઈએ નહીં
Comments
Post a Comment
Thanx For Comment