એક યુવતીની લાશ મળી અને મળી એક સનસનીખેજ ડાયરી...


વહેલી સવારે શાંતિનો ભંગ કરતી ટેલિફોનની રિંગ રણકી ઊઠી. નવા બંદર રોડ પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર ચંદ્રસિંહ રાઠોડે રિસીવર ઉપાડયું એ સાથે જ સામેથી અવાજ આવ્યો, 'હું વોચમેન ગુલાબસિંહ બોલું છું. અમારા આલાપ ટાઉનહોલની પાછળ આવેલા ફોર વ્હીલ પાકિગમાં આવેલા જનરેટર રૂમ પાસે યુવતીની લાશ પડી છે.’ અને ફોન કટ થઇ ગયો. ચંદ્રસિંહ રાઠોડે ઓફિસના વોલક્લોકમાં જોયું તો એની ડયૂટી પૂરી થવામાં હતી. છતાં એમણે ગિરિને જીપ તૈયાર કરવા કહ્યું.

થોડીવારે રાઠોડ સાહેબ રાઇટર મકરાણી હે.કો. જોરુભા અને ફોટોગ્રાફર કેતન લોહાર ઘટનાસ્થળે આવી પહોંચ્યા. જોયું તો પાંત્રીસેક વર્ષની યુવતીની લાશ પડી હતી. એણે કોફી કલરનો કોટન ડ્રેસ પર્હેયો હતો. ડોળા ઊપસી આવેલા હતા. હોઠ તો બિલકુલ કાળા થઇ ગયેલા અને શરીર લીલું થઇ રહ્યું હતું. શરીરમાં ચાબુક કે હંટરના સોળ ઊપસી આવેલા હતા.

રાઠોડ સાહેબે લાશનું નિરીક્ષણ કર્યું. યુવતીના કીમતી ડ્રેસમાં ગળા પાસે સજની બુટિક પોઇન્ટની ડ્રેસનો ભાવ દર્શાવતી એક કાપલી લગાડેલી હતી. એ કાપલી લઇ લીધા બાદ પંચનામું અને ફોટોગ્રાફનો વિધિ થયો અને લાશ પી.એમ. માટે મોકલાઇ. રાઠોડ સાહેબની ટીમ જયારે ઓફિસે પરત આવી ત્યારે દસ થવામાં હતા. તેથી ફરિયાદ નોંધવાનું કહી પોતે નાહવા માટે ક્વાર્ટરમાં ગયા, પણ એના મગજમાં તો સજની બુટિક રમી રહ્યું હતું.

રાઠોડ સાહેબ જોરુભાને સાથે લઇ બાઇક પર સજની બુટિક આવી પહોંચ્યા. એ લેડીઝવેરનો ખૂબ જ વૈભવી શોરૂમ હતો. રાઠોડ સાહેબે બુટિકની પાર્ટનર શેફાલીને પેલી કાપલી બતાવીને કહ્યું કે આ યુવતી વિશે માહિ‌તી મળશે? શેફાલીએ ડ્રેસનો કોડ નંબર જોઇ બિલમાંથી યુવતીનું નામ અને એડ્રેસ શોધી આપ્યાં. યુવતીનું નામ હતુ અંજલિ જયંતકુમાર પરમાર અને એડ્રેસ તો કંપનીનું હતું. કોઇ સોનાચાંદીની જ્વેલરી એક્સપોર્ટ કરતી ઝેનિથ જ્વેલર્સ કંપની હતી, જ્યાં અંજલિ કામ કરતી હોવી જોઇએ.

ઝેનિથ જ્વેલર્સમાં અંજલિના સહકર્મચારીઓ પાસેથી તેનું એડ્રેસ મળ્યું. એ કુંજ રેસિડેન્સીમાં બીજા માળે રહેતી હતી, જે શોધવાની રાઠોડને બહુ મહેનત ન કરવી પડી. એ નવા બંદર રોડના છેડે જ હતું. અંજલિના ઘરમાં રાઠોડ અને જોરુભા પ્રવેશ્યા તો એક માણસ પલંગમાં સૂતેલો પડયો હતો. રાઠોડ સાહેબે પૂછતાં જાણવા મળ્યું કે એ જ અંજલિનો પતિ જયંત હતો. એને હાઇ ડાયાબિટીસમાંથી ગેંગરિન થઇ ગયું હતું, જેથી એનો જમણો પગ ઢીંચણથી કાપી નાખવામાં આવ્યો હતો અને ડાબો ઘૂંટી પાસેથી.

અંજલિ અને જયંતે એક દાયકા પહેલાં પરિવારની મરજી વિરુદ્ધ પ્રેમલગ્ન કર્યાં હતાં અને એ સમયે જયંતને એસ્ટેટ બ્રોકરના બિઝનેસ અને શેરમાં ધૂમ કમાણી હતી. તેથી અંજલિ અને જયંતના દાંપત્યસુખનો સૂરજ સોળે કળાએ ખીલેલો હતો. પરંતુ છેલ્લાં પાંચ વર્ષથી ગેંગરિન થતાં જયંત સાવ અપંગ થઇ ગયો હતો. તેમજ કમાણી ગેંગરિનના ઇલાજ પાછળ ખર્ચાઇ ગયેલી. બસ, એક ફ્લેટ રહેવા માટે બચ્યો હતો. હાલમાં ઘરનો તેમજ જયંતના ઇલાજના ખર્ચનો આધાર અંજલિ પર હતો.

અંજલિના મૃત્યુના સમાચારથી એ નસીબને કોસતો હીબકાં ભરી રહ્યો કારણ અંજલિ દિવસભર મહેનત કરી પૈસા લાવતી હતી. ત્યારે માંડ માંડ મહિ‌નો નીકળતો હતો. એમાંય કોઇ પણ જગ્યાએ એને સધ્ધર અને કાયમી નોકરી મળતી નહોતી.જ્યાં ત્યાં બસ એની યુવાની અને કાયા જ દુશ્મન બની રહેતી. મોટા ભાગના લોકો એને ગીધની નજરે જ જોતા હતા. એમાંથી પોતાની જાત બચાવવા એને નોકરી છોડવી પડતી હતી. આથી વિશેષ જયંતને પૂછતાં કોઇ મહત્ત્વની વાત જાણવા મળી નહીં, પણ અંજલિના રૂમમાં તપાસ કરતાં એના ટેબલના ખાનામાંથી એક ડાયરી મળી આવી, જેમાં સ્ત્રીઓ પર યૌન અત્યાચારી પુરુષોનાં કુકર્મ આલેખાયેલાં હતાં. વિકૃત યૌન માનસિકતાવાળાને ખુલ્લા પાડતી વાતો અંજલિએ ખુદ લખી હતી.

બસ, એ ડાયરી જ રાઠોડ સાહેબ સાથે લઇ આવ્યા અને એકચિત્તે એમણે ડાયરીને શબ્દશ: વાંચી ત્યારે પોતે ફોર્મમાં આવી રહ્યા. એમણે અંજલિના સહકર્મચારીઓની પૂછપરછ બાદ કંપનીના જનરલ મેનેજર નગીનદાસ શેઠને રાઠોડે અટકમાં લીધા. ત્યારે એણે કહ્યું કે અંજલિની હત્યા બારામાં એ કશું જ જાણતો નથી. ઊલટાનો એણે અંજલિના મોત પર શોક પ્રગટ કરેલો અને અંજલિના જવાથી અમારી કંપનીને તેની ખોટ સાલશે અને અંજલિને સૌ પ્રથમ મેં જ નોકરીમાં રાખી હતી એવું નગીનદાસ બોલ્યો. એટલે રાઠોડ સાહેબે પૂછ્યું, 'તમે અંજલિને નોકરીમાં રાખી, પણ એ શરતે કે કંપનીના મોટા મોટા ક્લાયન્ટો આવે ત્યારે અંજલિને એની તહેનાતમાં રહીને સાથે હરવુંફરવું અને તેમને ખુશ રાખવા કે જેથી કલાયન્ટો કંપની સાથે ડીલ કરે. કેમ?’ 'નો સર, એ જુઠ્ઠાણું છે. આવી કોઇ શરત નહોતી.’

'તો બે દિવસ પૂર્વે રૂ. સિત્તેર લાખનાં સોનાનાં ઘરેણાં અને ચાલીસ લાખનાં ચાંદીનાં ઘરેણાંની જે બે વિદેશીઓ સાથે ડીલ થઇ એ અંજલિના શિયળના ભોગે થઇ છે અને તમે નક્કી થયા મુજબ બે લાખને બદલે અંજલિને વીસ હજાર આપ્યા એ તો સાચું છેને?’ આ સાંભળતાં જ નગીનદાસને બોલવામાં લોચા વળી રહ્યા, 'એને તો બે લાખ કમિશન પેટે પૂરા આપ્યા છે. જુઓ આ રહ્યું બે લાખનું એની સહીવાળું વાઉચર. કોણ કહે છે કે વીસ હજાર આપ્યા છે.?’

'આ ડાયરી..’ કહીને રાઠોડ સાહેબે ડાયરી કાઢીને નગીનદાસને બતાવતાં કહ્યું, 'ડાયરીમાં લખ્યા મુજબ અંજલિ એના બાકીના રૂ. એક ને એંસી હજાર લેવા તમારી ચેમ્બરમાં ગઇ સાંજે આવી તે આવી પછી કોઇએ જોઇ નથી. અને તેની હત્યા થઇ છે. માટે તમે જે જાણતા હો તે સત્ય કહી દો તેમાં જ તમારું અને કંપનીનું ભલું છે. નહીંતર પછી...’ આમ રાઠોડ સાહેબના મનોવૈજ્ઞાનિક દબાણવશ તે પીગળી ગયો.

'સાહેબ, એમાં એવું છે કે અંજલિ મારી પાસે વધારે પૈસા પડાવવા એ પેલી ડીલ કેન્સલ કરાવવાની કોશિશ કરતી હતી. તમે જુઓ, અંજલિના શબ્દોમાં ડાયરીનું લખાણ વાંચો. એણે લખ્યું કે નગીનદાસે મારી સાથે અઘટિત માગણી કરતાં મેં ના પાડી તો એણે એક ને એંસી લેવા બીજા દિવેસ સાંજે આવવાનું કહ્યું છે.’

અંતે નગીનદાસે ગુનો કબૂલ કરતાં કહ્યું, 'સાહેબ, એક ને એંસી હડપ કરી લેવાની લાલચમાં મેં જ કોફીમાં ઝેર નાખી કોફી અંજલિને પીવડાવી હતી અને પછી હું અને મારો ખાસ નોકર અંજલિની લાશ ટાઉનહોલ પાછળ ફેંકી આવ્યા હતા.’

Comments