આયુષના હોઠ પર કેતકીએ પોતાના હોઠ દાબી દીધા..


અમદાવાદની એક સોસાયટીમાં સામસામે રહેતા બે પરિવારો વચ્ચે ઘર જેવા સંબંધો હતા. એક પરિવારમાં સંતાનોમાં પ્રીતિ અને તેનાથી બે વર્ષ નાની કેતકી એમ બે બહેનો હતી અને બીજા પરિવારમાં એકમાત્ર આયુષ હતો. આ ત્રણે બાળકો વચ્ચે પણ ઘણો સુમેળ હતો. આ બંને પરિવારો એકબીજાનાં સુખ-દુઃખમાં સાથે રહેતા. આ જ રીતે વર્ષો વીતતાં ગયાં.
માટીમાં રમતાં બાળકો આજે યુવાનીનાં પગથિયાં ચડવા લાગ્યાં હતાં. ત્રણે વચ્ચે આજે પણ બાળપણમાં હતી તેવી જ અતૂટ મિત્રતા હતી. તેઓ મુક્તપણે એકબીજાં સાથે વ્યવહાર કરતાં. સાથે રેસ્ટોરાંમાં જમવા જતાં, પિકનિક પર જતાં, ફિલ્મ જોવા પણ જતાં હતાં.
યુવાન હૈયું જ્યારે કોઈને જોઈને થનગનાટ કરે, દિલ-દિમાગમાં કોઈના વિચાર સતત ભમ્યા કરે, જ્યારે કોઈ પોતાનાથી પણ વધારે પ્રિય લાગવા લાગે ત્યારે સમજવું કે પ્રેમ થયો છે. આવો જ પ્રેમ પ્રીતિને પણ થયો. એક રાત્રે બંને બહેનો સૂતાં સૂતાં વાતો કરતી હતી.
"એક વાત કહું કેતકી" કહીને પ્રીતિ અટકી ગઈ.
કેતકીએ કહ્યું, "હા, હા, કહેને એમાં શું વિચારે છે?"
"મને એવું લાગે છે કે હું તેને પ્રેમ કરવા લાગી છું." પ્રીતિના મોઢે આ વાત સાંભળતાંની સાથે જ કેતકી ખુશીથી ઉછળી પડી અને ઉત્સાહથી પૂછવા લાગી કે તે કોણ છે?
જવાબમાં પ્રીતિએ શરમાતાં કહ્યું, "હું આયુષને પ્રેમ કરવા લાગી છું." આ સાંભળતાંની સાથે જ કેતકીનો ઉત્સાહ ઓસરી ગયો. ખુશીથી છલકતો ચહેરો અચાનક જ દુઃખમાં ગરકાવ થઈ ગયો. તેનું કારણ એ હતું કે કેતકી પણ આયુષને જ પ્રેમ કરતી હતી. જો પોતે હવે કંઈ નહીં કહે તો પ્રેમ ખોવો પડશે, જે મારા માટે શક્ય નથી. એમ વિચારીને કેતકીએ પ્રીતિને કહી દીધું કે પોતે પણ આયુષને અનહદ પ્રેમ કરે છે. બંનેમાંથી કોઈ પણ આયુષને છોડવા તૈયાર ન હતું. આ બાબતે ધીરે-ધીરે બંને વચ્ચે વાદ-વિવાદ શરૂ થયો અને ઝઘડાને અંતે બંને બહેનો વચ્ચે મનભેદ સર્જાયો.
પ્રીતિએ વિચારી લીધું કે પોતે કેતકીના પહેલાં આયુષ સમક્ષ પોતાના પ્રેમનો પ્રસ્તાવ મૂકશે. એક દિવસ પ્રીતિ આયુષના રૂમમાં પહોંચી અને તેનો હાથ પકડીને પોતાના પ્રેમનો પ્રસ્તાવ મૂક્યો. આયુષે કહ્યું કે, "પ્રીતિ! હું તને મારી સારી મિત્ર ગણું છું. એક મિત્ર તરીકે હું તારા પ્રત્યે પ્રેમ રાખું જ છું, પરંતુ અન્ય સંબંધ વિશે મેં તારા માટે આવું ક્યારેય વિચાર્યું નથી."
થોડી વાર પછી પ્રીતિ ઘરે પાછી આવી અને પોતાના રૂમમાં જઈને રડવા લાગી. આ જોઈ કેતકીને થયું કે ચોક્કસ આયુષે પ્રીતિનો પ્રસ્તાવ સ્વીકાર્યો નથી. હવે કેતકીનો રસ્તો સાફ થઈ ગયો હતો. તેણે વિચાર્યું કે હવે તે આયુષ સમક્ષ પોતાના પ્રેમનો એકરાર કરશે. બે-ત્રણ દિવસ પછી જ્યારે આયુષના ઘરે કોઈ ન હતું ત્યારે તક જોઈને કેતકી આયુષના ઘરે ગઈ.
તેણે દરવાજો ખટખટાવ્યો. થોડી વાર પછી આયુષે દરવાજો ખોલ્યો. કેતકી ઘરમાં પ્રવેશી અને આયુષને કહ્યું કે પોતે તેને એક વાત કરવા માગે છે, "હા! કહે શું વાત કરવી છે?" આયુષે કહ્યું.
"પણ... અહીં નહીં, તારા રૂમમાં ચાલ." કહીને કેતકી આયુષનો હાથ ખેંચીને તેના રૂમમાં લઈ ગઈ.
આયુષને કેતકીનું વર્તન આજે કંઈક અલગ લાગતું હતું. જાણે સાક્ષાત્ રતિ કેતકીનો અવતાર લઈને આવી હોય તેવી માદક અને આકર્ષક લાગી રહી હતી. અટકી અટકીને ધીમા અવાજે નીકળતા શબ્દો જાણે જાદુ પાથરી રહ્યા હતા. રૂમમાં જતાંની સાથે જ કેતકીએ આયુષને આલિંગનમાં જકડી લીધો. તે કંઈ કહે તે પહેલાં જ આયુષના હોઠ પર કેતકીએ પોતાના હોઠ દાબી દીધા. આયુષે તેને અલગ કરતાં કહ્યું, "આ શું કરી રહી છે કેતકી ?"
"હું તને પ્રેમ કરું છું આયુષ અને મને ખબર છે તું પ્રીતિને નહીં, મને પ્રેમ કરે છે." કેતકીએ કહ્યું.
આ સાંભળી આયુષે કહ્યું કે, "તું અને પ્રીતિ મારા બાળપણના મિત્રો છો. મેં તમારા બંને વિશે ક્યારેય આવું વિચાર્યું નથી. હું તો કોલેજમાં મારી સાથે અભ્યાસ કરતી શિખાને પ્રેમ કરું છું અને તેની સાથે જ લગ્ન કરવાનો છું. આ વાત મારાં માતા-પિતા પણ જાણે છે."
ઘરે જઈને કેતકી પ્રીતિની માફક ઓશિકા પર માથું રાખીને રડવા લાગી. પહેલાં જ્યારે કેતકી રડતી ત્યારે પ્રીતિ તેના માથે હાથ ફેરવીને તેને છાની રાખતી, જ્યારે આજે તે હાથ તેની સાથે નથી.
આટલું ન ભૂલશો
* પરિવારની વ્યક્તિ સાથે મતભેદ ભલે થાય, પરંતુ મનભેદ ન થાય તેનું ધ્યાન રાખવું જોઈએ.
* પોતાના પ્રેમી કે પ્રેમિકા સાથે પ્રેમની ચોખવટ ન થઈ હોય ત્યાં સુધી તે મને પ્રેમ કરે છે એમ માનવું ભૂલભરેલું છે.
* તમે જ્યારે કોઈની સમક્ષ પ્રેમનો પ્રસ્તાવ મૂકી રહ્યાં હો, ખાસ કરીને બાળપણના મિત્ર કે પરિચિત વ્યક્તિ હોય ત્યારે તે તમારા માટે કેવી લાગણી ધરાવે છે તે જાણી લેવું જોઈએ.
* સંબંધો તોડતા ક્ષણ પણ થતી નથી અને જોડતાં જિંદગી વીતી જાય છે.

Comments