ભાઈની સાળી મારી ઘરવાળી કેમ ન બને?

સોક્રેટિસજી,
મારું નામ અખિલ છે. મારા પરિવારમાં મમ્મી-પપ્પા ઉપરાંત મારે એક મોટો ભાઈ છે. મારા ભાઈની સગાઈ બે વર્ષ પહેલાં થયેલી અને સગાઈ પછી માત્ર પાંચ જ મહિનામાં તેનાં લગ્ન થઈ ગયેલાં. હું મારા ભાઈની સગાઈ વખતે જ મારા ભાઈની સાળી અવિકાના સંપર્કમાં આવ્યો અને મને તે ગમી ગઈ. એટલું જ નહીં હું મનોમન એને પ્રેમ પણ કરવા લાગ્યો. ભાઈની સગાઈ પછી અમારી વચ્ચે ફોન કે એસએમએસ દ્વારા વાતો થવા લાગી. થોડા સમયમાં જ ભાઈનાં લગ્ન લેવાયાં. ભાઈની જાનમાં મેં અવિકા સાથે બહુ મજાક-મસ્તી કરી. અમે નિયમિત વાતો કરતાં હતાં, પણ એકબીજાંને પ્રપોઝ કર્યું નહોતું.
લગ્નના બીજા દિવસે તેનો મારા પર ફોન આવ્યો. અમે લગભગ એક કલાક સુધી વાતો કરી. વાત પત્યા પછી મેં ફોન મૂક્યો કે થોડી જ વારમાં તેનો એસએમએસ આવ્યો, જેમાં માત્ર લખ્યું હતું - ૧૪૩. હું તરત તેણે સાંકેતિક ભાષામાં મોકલેલો સંદેશો  (I Love You) સમજી ગયો અને મેં તરત રિપ્લાય કર્યો, આઈ લવ યુ ટુ! પછી તો અમારી વાતો લાંબી લાંબી થઈ ગઈ.
અવિકા થોડા દિવસ માટે મારા ઘરે રહેવા આવી. મેં મારી ભાભીને અમારા પ્રેમસંબંધની વાત કરી. તેમણે અમારા સંબંધનો વિરોધ ન કર્યો, તેથી મને હાશકારો થયેલો. ઊલટું ભાભીએ અમને સાથ આપ્યો અને અમે એકાંતમાં વાતો કરી શકીએ એવી વ્યવસ્થા કરી આપી. મેં ત્યારે તેને પહેલી વાર ગિફ્ટ આપી. પછી તે તેના ઘરે ચાલી ગઈ, પણ ફોન કોલ્સ અને એસએમએસની આપ-લે આખો દિવસ અને મોડી રાત સુધી ચાલુ રહેતી. એક દિવસ મારે ભાભીના ઘરે એટલે કે અવિકાના ઘરે જવાનું થયું. તે મુલાકાતમાં મને એકાંત મળતાં મેં પહેલી વાર તેને કિસ કરેલી. ત્યાર પછી અમે સમયાંતરે ઘરમાં અને ઘરની બહાર મળતાં રહ્યાં. અમારો પ્રેમ આગળ વધતો રહ્યો.
મારા ઘરે ધીમે ધીમે બધાને અમારી વચ્ચે કંઈક ચાલી રહ્યાની ખબર પડી. મારા ઘરના અમારા સંબંધથી ખુશ હતા, તેમને કશો વાંધો નહોતો. અવિકાની મોટી બહેન એટલે કે મારી ભાભી તેમજ તેની નાની બહેનને પણ અમારા સંબંધની ખબર હતી. પણ સમયનું ચક્ર ફર્યું. અવિકાના એસએમએસ આવતાં બંધ થઈ ગયા. તેના ફોન તો ન આવતાં, પણ હું તેને ફોન કરું તો પણ તે ઉપાડતી નહોતી. હું તેને મળું તો તે બસ મને જોઈ રહે પણ વાત ન કરે. મારી ગિફ્ટ્સ લેવાનું પણ તેણે બંધ કર્યું છે. મેં જ્યારે તેની નારાજગી કે બદલાયેલા વલણ પાછળનું કારણ જાણવાની કોશિશ કરી અને મારા ભાભીને પૂછયું ત્યારે તેમણે 'આ તમારો પ્રોબ્લેમ છે' એમ ઉડાઉ જવાબ આપી દીધો.
હવે હું કોઈને કંઈ કહી શકું એમ નથી. મારા એક મિત્રે થોડા દિવસ પહેલાં મારા મમ્મી અને ભાઈને કહ્યું કે હવે આ અખિલને અવિકા સાથે પરણાવી દો ત્યારે તેઓ કહેવા લાગ્યા કે એક ઘરમાં બે બહેનો ન લવાય. મને એ સમજાતું નથી કે બે બહેનો હોય તો શું વાંધો છે? જોકે, મારા ઘરનાને તો હું હજીય સમજાવી દઈશ, પણ અવિકા જ મારા સાથે અતડો વ્યવહાર કરે છે ત્યારે તેનો ઉકેલ શું કાઢવો? મારે અવિકાને મનાવવી છે, તેને મારી જીવનસાથી બનાવવી છે, પણ તે મારી સાથે વાત જ નથી કરતી. મારાથી કોઈ ભૂલ થઈ ગઈ હોય તો હું તેની માફી માગવા પણ તૈયાર છું. હું એકલો એકલો રડી લઉં છું. હું માત્ર અવિકા સાથે જ લગ્ન કરવા માગું છું,પણ આ કોકડું ક્યાં ગૂંચવાયું છે અને તેનો ઉકેલ કઈ રીતે લાવી શકાય એની મને સમજ પડતી નથી. મને કોઈક માર્ગ બતાવવા વિનંતી છે. મને કોઈ એવો રસ્તો બતાવો કે મારી અવિકા મને પાછી મળે.      
- લિ. અખિલ
પ્રિય અખિલ,
આપણા સમાજમાં બે ભાઈઓ અને સામે બે બહેનો સાથે લગ્ન થયાંનાં ઘણાં ઉદાહરણો જોવા મળે છે. અલબત્ત, તમે જો થોડા વધારે સામાજિક હોત તો તમને ખ્યાલ હોત કે મોટા ભાગે એક ઘરમાં બે બહેનો પરણીને આવ્યાં પછી કેટલાક પારિવારિક પ્રશ્નો સર્જાતા હોય છે. ઘણા કિસ્સામાં એવું બને કે એક પરિવારમાં પરણ્યા પછી કૌટુંબિક કે મિલકતના પ્રશ્નોના મુદ્દે બે બહેનો વચ્ચેના સંબંધોમાં કડવાશ આવતી હોય છે. તો ઘણા કિસ્સામાં એવું બનતું હોય છે કે બે બહેનો મળીને સમગ્ર પરિવાર પર વર્ચસ્વ જમાવતી જોવા મળે છે. ક્યારેક બે ભાઈઓ સામે બે બહેનોની જોડીમાં એકાદ જોડીમાં પ્રશ્ન થતાં તેની અસર બીજી જોડી પર પણ પડતી હોય છે. સમગ્રપણે જોતાં એવું જોવા મળ્યું છે કે છોકરાઓનાં માતા-પિતા તેમજ છોકરીઓનાં માતા-પિતા પણ પોતે જોયેલા જમાનાના અનુભવના આધારે એક ઘરમાં બે દીકરીઓ આપતાં કે લાવતાં નથી હોતાં.
આ સામાજિક વલણ જ તમારા પ્રેમસંબંધ આડે ક્યાંક નડતું હોય એવું લાગે છે. અલબત્ત, અવિકા સાથે તમારાં લગ્ન થશે પછી પ્રશ્નો જ ઊભા થશે એવું ધારી લેવાય નહીં, પણ અવિકાનાં માતા-પિતા કે તમારાં માતા-પિતાને એનો ડર હોઈ શકે છે.
અવિકાને તમારાથી વ્યક્તિગત કંઈ પ્રોબ્લેમ હશે એવું લાગતું નથી, પણ તેને જ્યારે એવું લાગ્યું હશે કે તમારાં બન્નેનાં લગ્ન શક્ય નહીં બને ત્યાર પછી તેણે પોતાનું વર્તન બદલાવી નાખ્યું હશે. તમે તમારાં મમ્મીના મોઢે જ સાંભળી ચૂક્યા છો કે 'એક ઘરમાં બે બહેનો ન લવાય...' ત્યારે મામલો પારિવારિક બની ગયો છે. તમારે બન્ને પરિવારને સાથે રાખીને, સમજાવીને જ આગળ વધવું જોઈએ. લગ્ન બે વ્યક્તિ નહીં, બે પરિવારો વચ્ચે થતાં હોય છે ત્યારે બન્ને પરિવારોને સહમત કરવાનું અને તેઓ રાજીખુશીથી તમારાં લગ્ન કરાવી આપે એ માટે તમારે ધીરજ અને સમજદારીથી કામ લેવું પડશે. તમારે સૌથી પહેલાં અવિકાને વિશ્વાસમાં લેવી જોઈએ. અવિકાને જો પારિવારિક જ વાંધો હોય તો તેને ખાતરી કરાવવી જોઈએ કે તમે બન્ને મક્કમ રહેશો તો આખરે બન્નેના પરિવારો તમારા સંબંધને જરૂર સ્વીકારી લેશે.

Comments