‘એક્સકયુઝ મી...!’ એક સોહામણા યુવાને એક ખૂબસૂરત યુવતીને પ્રથમ વાર જ જોયા પછી આ રીતે વાતની શરૂઆત કરી, ‘મને અવું લાગે છે કે આપણે આ પહેલાં પણ ક્યાંક મળી ચૂક્યાં છીએ?’સાવ ચીલાચાલુ, ઘસાઈ-પીટાઈ ગયેલી, ચવાઈને કૂચો થઈ ગયેલી તરકીબ. રૂપાળી પણ અજાણી છોકરી સાથે પરિચય કેળવવાની યુગો જુની ચાલાકી, કદાચ મહાભારત કાળમાં દિલફેંક અર્જુને ચિત્રાંગદા અને ઉલૂપીને આ રીતે જ લપેટમાં લીધી હશે. પણ આ યુક્તિ છે અકસીર, રામબાણ ઔષધ જેવી કારગત, જગતભરના પુરુષો જાણે છે કે આ ઉપાય કરોડો વાર વપરાઈ ચૂકયો છે, પણ સ્ત્રીઓને આ વાતની જાણ નથી લાગતી. દરેક સ્ત્રીને તો એવું જ લાગે છે કે આવું વાક્ય સાંભળનારી તે પૃથ્વી પરની પ્રથમ જ સ્ત્રી છે.
યુવતીનું નામ આરસી ઉનડકટ, ઉંમર વર્ષ ઓગણીસ, ધનવાન પિતાની લાડકી દીકરી, આરસ જેવી રૂપાળી, રોજ તો ગાડીમાં બેસીને જ કોલેજમાં જાય-આવે, પણ એ દિવસે ડ્રાઈવર રજા પર હોવાથી સિટી બસમાં જઈ રહી હતી.આનંદ એને સિટી બસમાં જ મળી ગયો. સામસામેની સીટમાં બંને બેઠાં હતાં. શરૂઆત આનંદે જ કરી, ‘એક્સકયુઝ મી! મને એવું કેમ લાગે છે કે....?’ આરસી વિચારમાં પડી ગઈ, એને પોતાને તો એવું જરાયે લાગતું ન હતું કે આ હીરો છાપ યુવાન પહેલાં ક્યારેય મળ્યો હોય, પણ અંદરખાનેથી એને આ ગમ્યું તો ખરંુ જ, એક તો ઢાળ પર ઊભેલી ઉંમર અને એમાં શરીરની અંદર દોડતાં સેક્સ હોર્મોન્સનો પ્રભાવ, વધુમાં એ યુવાનનું હેન્ડસમ હોવું. બધું પફેઁકટ્લી િકલક થતું હતું.
આરસીએ મૂંઝાયેલો જવાબ આપ્યો, ‘એમ? તો મને કેમ યાદ નથી આવતું? આર યુ શ્યોર કે આપણે ક્યાંક મળ્યાં છીએ?’‘સવાલ જ નથી ને! મળ્યાં છીએ એટલે કે બહુ સારી રીતે મળ્યાં છીએ, મને તમારો ચહેરો એટલો બધો જાણીતો લાગે છે કે જાણે અનેક વાર ન જોયો હોય!’આરસીને રસ પડ્યો. એ યાદ કરવા મથી રહી. છેલ્લાં એક-બે વરસની કંઈ કેટલીયે ઘટનાઓ ફેંદી વળી, મામાના દીકરાની જનોઈ, કાકાની દીકરીનું લગ્ન, ફોઈના બંગલાનું વાસ્તુપૂજન, પપ્પા-મમ્મીનાં મેરેજની સિલ્વર જયુબિલીનું સેલબ્રિેશન, કોલેજની ટેલન્ટ ઇવનિંગ, કલાસની પિકનિક! ક્યાંય આ કામદેવનું સરનામંુ જડતું ન હતું.
છેવટે આરસીએ હાર સ્વીકારી લીધી, ‘સોરી! મને તો જરાયે યાદ આવતું નથી. હવે તમે જ બોલી નાખો. મને તો લાગે છે કે તમનેય યાદ નહીં આવતું હોય, કે પછી સાવ ગપ્પું જ માર્યું છે કે શું? કદાચ મારા જેવી દેખાતી બીજી કોઈ છોકરીને જોયેલી હશે...’આરસીનું છેલ્લું વાક્ય સાંભળીને આનંદ ચોંકી ગયો. ઊછળી પડ્યો. (કે પછી એવો અભિનય કર્યો?) એના બોલવામાં જબરદસ્ત ઉછાળ હતો, ‘ઓહ્ નો! તમારી વાત તદ્દન સાચી છે. મેં તમને હજારોવાર જોયાં છે અને છતાં પણ એકેય વાર નથી જોયાં.’‘સમજાવો! શી રીતે?’ આરસીએ નિર્દોષ ચહેરો ધરીને પાંપણો પટપટાવી.
‘મેં કેટરીના કૈફને જોઈ છે. સિનેમાના પડદા ઉપર. શી ઈઝ માય ફેવરિટ, યુ નો? પણ એની અને તમારી વચ્ચે દેખાવમાં કેટલું સામ્ય છે! એક કામ કરશો? ઘરે જઈને તમારાં મમ્મી-પપ્પાને પૂછશો કે જ્યારે તમે સાવ નાનાં હતાં ત્યારે એ લોકો તમને લઈને કુંભમેળામાં ગયાં હતાં? તે સમયે તમારી કોઈ જુડવા બહેન હતી જે છુટી પડી ગઈ હતી? પછી એ કોઈ વિદેશીના હાથમાં જઈને લંડન...?’ આનંદ એવી પ્રામાણિકતાથી આ બધું બોલી રહ્યો હતો કે એ સાંભળીને આરસીને ‘મજજા’ પડી ગઈ. એ પેટ પકડીને હસી રહી.‘તમે દિલચસ્પ માણસ છો.’ આરસીએ ઈનામ આપ્યું.
‘અરે, તમે મને માણસ સમજી બેઠા? હું તો ડોક્ટર છું! ડૉ. આનંદ પરીખ, ચાલો, મારું ઊતરવાનું ‘સ્ટોપ’ આવી ગયું. તમારી સાથે વાતો કરવામાં ખબર જ ન રહીકે સમય ક્યાં પસાર થઈ ગયો. બાય! સી યુ અગેઈન! જો ફરીથી નહીં મળ્યાં તો હું તમને સિનેમાના પડદા ઉપર જોઈ લઈશ. આઈ લવ કેટરીના બિયોન્ડ માય કેપેસિટી, યુ નો!’ આટલું કહીને આનંદ બસમાંથી ઊતરી ગયો.બસ તો તરત જ હળવા આંચકા સાથે દોડવા લાગી, પણ આરસીનું મન તો એ ‘સ્ટોપેજપ્ત પર જ અટકી ગયું. આટલો બધો સોહામણો યુવાન? એ પણ પાછો ડોક્ટર?! અને છેલ્લે એ શું બોલી ગયો? શરૂમાં એણે કહ્યું કે તમે કેટરીના જેવાં લાગો છો? પછી કહ્યું કે ‘હું કેટરીનાને માની ન શકાય એટલો પ્રેમ કરંુ છું.’
આ એક ને એક બે એટલે શું થાય?આરસી પ્રેમમાં પડી ગઈ. પ્રેમમાં પડવા માટે એની પાસે પૂરતાં કારણો હતાં. ડોક્ટરની ડિગ્રી સાંભળતાંવેંત એની આંખો સમક્ષ નજીકના ભવિષ્યમાં બંગલો, કાર, બેન્ક બેલેન્સ, ઘરેણાં, નોકર-ચાકર, મોજમજા અને સામાજિક પ્રતિષ્ઠાની એક રૂપાળી રંગોળી રચાઈ ગઈ. એમાં સોહામણા અને સ્માર્ટ પુરુષની બેવડી સુગંધ ભળી. એ એકલી એકલી શરમાઈ ગઈ.બે દિવસ પછી એણે સામે ચાલીને ડ્રાઈવરને કહી દીધું, ‘હું બસમાં જઈશ. કારની મને જરૂર નથી. બસમાં મારી બહેનપણીઓનું આખું ગ્રૂપ બંધાઈ ગયું છે.’
બસમાં કોનું ગ્રૂપ બંધાઈ ગયું છે એની ખબર માત્ર આરસીને હતી. એ દિવસે પણ આનંદ ભટકાઈ ગયો. જાણે પહેલી વાર એને મળતો હોય એવી અદાથી પૂછી રહ્યો, ‘અરે કેટરીનાજી?! આપ ઔર ઈસ ખટારા બસમેં?! ફિલ્મકા શૂટિંગ ચલ રહા હૈ ક્યા?’આરસી હોલસેલમાં હસી પડી. પછી આનંદના પ્રેમમાં સરી પડી અને સાત-આઠ મુલાકાતોમાં જ એને પોતાનું સર્વસ્વ દઈ બેઠી. આનંદ ખરેખર ડોક્ટર હતો એની ના નહીં. એમ.બી.બી.એસ. પૂરું કરીને પોસ્ટ ગ્રેજયુએશન કરી રહ્યો હતો.
મધ્યમવર્ગનો છોકરો હતો માટે સિટીબસમાં ફરતો હતો. એમાં યૂં હી મિલ ગયા, સરેરાહ ચલતે ચલતે! આટલી સુંદર, ધગધગતી, સુખી ઘરની છોકરી મળી જતી હોય તો કોણ એના પ્રેમમાં પડવા માટે તૈયાર ન થઈ જાય? ડૉ. આનંદે ધીમે ધીમે નિકટતા વધારી દીધી. પછી એ આરસીને હોસ્ટેલમાં લઈ ગયો અને પછી એણે કેટરીના જોડે ‘હનીમૂન ઈન હોસ્ટેલ’ નામની નવી ફિલ્મનું શુટિંગ પૂરું કરી નાખ્યું.
પૂરાં ત્રણ વર્ષ આ રીતે પસાર થઈ ગયાં. ડૉ. આનંદ એક સંપન્ન પરિવારની ભલી-ભોળી જોબનવંતી પુત્રીની કમનીય કાયાને વિના લગ્ને ભોગવતો રહ્યો. આરસી એવું જ માનતી રહી કે આનંદની સાથે એનાં લગ્ન થવાનાં જ છે. માટે તો એ શિકારી પુરુષની જાળમાં પોતાની કાયાને માછલી બનાવીને ફસાવતી રહી. બંને જણાં એટલો બધો સમય સાથે વિતાવતાં હતાં (અલબત્ત, હોસ્પિટલના કેમ્પસમાં જ) કે બસો-અઢીસો ડોક્ટરો, પાંચસો નર્સો અને છસો-સાતસો વોર્ડબોય્ઝ એમના સંબંધના ચશ્મદીદ ગવાહો બની ગયાં હતાં. હવે ડૉ.આનંદ ધારે તો પણ છટકી શકે તેમ નહોતા.
પોસ્ટ ગ્રેજયુએશન પુરું થઈ ગયું. ડૉ. આનંદ એમ.ડી. પાસ થઈ ગયો. આરસીને ખબર પડી. એ કાર લઈને એને મળવા માટે દોડી આવી. વળગી પડી, ‘લેટ અસ સેલિબ્રેટ, હોટલ બ્લૂ મૂનમાં કેન્ડલ લાઈટ ડિનર....’‘તું ડિનરની વાત કરે છે, કારણ કે તે મારું રઝિલ્ટ જાણ્યું છે, તેં મારો રિપોર્ટ નથી જોયો.’ ડૉ. આનંદના ચહેરા પર આનંદની રેખાઓ ગેરહાજર હતી.‘રિપોર્ટ? તારો રિપોર્ટ? શું થયું છે તને? મેલેરિયા? ટાઈફોઈડ?’ આરસીને જેટલા રોગોના નામો આવડતાં હતાં તે બધાં જ બોલી ગઈ. જવાબમાં ડૉ. આનંદ કશું બોલ્યો નહીં.
ટેબલ પર પડેલો રિપોર્ટ આરસીના હાથમાં થમાવી દીધો. બા-કાયદા લેબોરેટરીના અધિકૃત કાગળ પર છપાયેલો રિપોર્ટ હતો. બધું તો આરસીને ક્યાંથી સમજાય? પણ છેલ્લે ‘કેન્સર’ શબ્દ વાંચીને એ ભાંગી પડી. એ તો પછીએ લગ્ન માટે તૈયાર હતી, પણ ડૉ. આનંદે એને સમજાવી લીધી. કયો સાચો પ્રેમી પોતાની પ્રેમિકાને લગ્ન પછી તરત વિધવા બનવા દેવા માટે તૈયાર થાય? હૃદય ઉપર હિમાલય મૂકીને આરસી ડૉ.આનંદથી છૂટી પડવા માટે સંમત થઈ ગઈ.
આનંદ ક્યાંક ચાલ્યો ગયો, આવું કહીને, ‘હું તારી નજર સામે મરવા નથી માગતો.’તાજેતરમાં આરસી એના પતિ અને દીકરીની સાથે મુંબઈ ગઈ હતી, ત્યાં એની નજર એક ક્લિનિકના બોર્ડ પર પડી. ત્યાં લખેલું હતું: ડૉ. આનંદ પરીખ. બાજુમાં લખ્યું હતું ડૉ.(મિસિસ) સીમા પરીખ વાંચીને આરસીને તમ્મર ચડી ગઈ. એને ઈચ્છા થઈ આવી કે અંદર જઈને આનંદને એક લાફો ઠોકી દે અને પૂછી લે, ‘તને એવું નથી લાગતું કે આપણે ક્યાંક મળ્યાં છીએ?
(તદ્દન સત્ય ઘટના. નામ-ઠામ બદલ્યાં છે.)
Comments
Post a Comment
Thanx For Comment