હું સ્ટેજનું છેલ્લું પગથિયું ઊતરું તે પહેલાં જ મારો રસ્તો રોકીને ઊભા રહ્યા પછી નમસ્તે કરીને કહ્યું, સર! આપ મને ભૂલી ગયા હશો પણ હું હર્ષ ગુર્જર... તેની સાથે એક સુંદર યુવતી પણ ઊભી હતી. તેનો પરિચય આપતાં કહ્યું, મારી ફ્રેન્ડ અન્વેષા! મેં બેઉંના માસૂમ ચહેરા પર અછડતી નજરનો પીછડો ફેરવી લીધો, પણ કોઇ મૂંઝવણ નજરે ચઢી નહીં. ફૂલના જેમ તરોતાજા અને મરક મરક હસતાં હતાં.
અમે એક બાજુ બેઠાં. સર! હું અહીં આઇટીમાં એન્જિનિયર છું! મેં સામે પૂછ્યું, તું તો પીટીસીમાં હતો ને! હર્ષે કહ્યું: એમ તો હું કચ્છમાં પણ મળ્યો હતો! મેં કહ્યું: તારું તો બહુરૂપી જેવું કામ છે! તે હસવા લાગ્યો. તેનું મનભાવન હસવું કોઇ યુવતી તેના પ્રેમમાં પડવા પૂરતું હતું. કદાચ હશે તો પણ પ્રેમનો જ પ્રશ્ન હશે! હું મનોમન બોલ્યો, ભાઇ, પ્રેમના ક્યારેય પ્રશ્નો હોતા નથી. પ્રશ્નો પોતાની અપેક્ષાના હોય છે. પણ ત્યાં સ્પષ્ટતા કરતાં હર્ષ બોલ્યો: ખાસ તો આપને મળવા જ આવ્યાં છીએ. બધાં યુવાનો પ્રશ્નો લઇને જ આવે છે એવો મારો ભ્રમ જાણે ધરમૂળથી ઉખેડાઇ ગયો. થયું કે આવા ભ્રમમાં ન રહેવું કે જીવવું ન જોઇએ!
તે વખતે પીટીસી કોલેજના પ્રિન્સપાલે હર્ષને મારી સામે રજૂ કરીને કહ્યું હતું, આ સ્ટુડન્ટ મેડિકલ છોડીને અહીં આવ્યો છે! મને નવાઇ નહોતી લાગી. આવા કેટલાય કિસ્સાઓ છે જેને સંજોગોવશાત્ બીજે જવું પડ્યું હોય. મેં પૂછ્યું તો કહે, મને મેડિકલમાં એડમિશન પણ મળી ગયું હતું. તો પછી પીટીસીમાં શું કરવા આવ્યો! મારા સણસણતા સવાલે તે થથરીને ઊભો રહ્યો હતો. આમ તો સામેના માણસને પહેલાં તો શાંતિથી સાંભળી લેવો જોઇએ. પછી જ પ્રતિક્રિયા અપાય. નહીંતર દાઝ્યા ઉપર ડામ દેવા જેવું થાય. હર્ષે કહ્યું હતું: ડોમિસાઇલ સર્ટિફિકેટનો પ્રશ્ન ઊભો થયો. અમે મૂળ રાજસ્થાની પણ મારો જન્મ તો અહીં ગુજરાતમાં થયો છતાંય... એડમિશન રદ્દ થયું! તેની વાત સાંભળી મારી બોલતી બંધ થઇ ગઇ. જેમાં તેનો કોઇ જ દોષ નથી તેમાં તેને સલાહ શું આપવાની! આવી કેટલીય ગૂંચ કે અડચણો ઘણા યુવાનોને અભ્યાસ કે વિકાસમાં અવરોધક બને છે.
મારી અબોલ ક્ષણોનો ફાયદો ઉઠાવી અન્વેષાએ હર્ષના કાનમાં કશુંક કહ્યું. હર્ષે તેને આંખોના ઇશારે ચૂપ રહેવા કહ્યું. મને અંદાજ આવ્યો કે કશુંક તો કહેવાનું છે. હકીકતે તો હર્ષને ડોક્ટર થવું હતું. આવા સમયે વ્યક્તિ કે યુવાશક્તિની ખરી કસોટી થતી હોય છે. તે આગની જેમ ભભૂકી ઊઠે છે, વિદ્રોહી બની જાય છે. તેને વ્યવસ્થાતંત્ર પરથી વિશ્વાસ ઊઠી જાય છે. ઘણા યુવાનોને આમાં ધૂળધાણી થતાં જોયા છે, પણ જીવનની દશા બદલવા કરતાં દિશા જ બદલી નાખવી જોઇએ. તેમાં શાણપણ છે.
મેં કહ્યું: તારે કંઇ કહેવું છે? તો મીઠું હસીને નજર ફેરવી ગઇ. ખાસ તો નોકરી જલદી મળે, આર્થિક ચિંતા ઓછી થાય એટલે પીટીસીમાં પ્રવેશ લીધો હતો, પણ હર્ષે બે-ચાર માસમાં જ તે છોડી કચ્છમાં કોઇ એનજીઓ સાથે જોડાઇ ગયો. એક-બે પગાર ઘેર આપ્યા અને પપ્પાની ફરિયાદને ટાળી અને વાળી લીધી. યુવાન પોતાના મનમાં આશાના બીજ વાવે, તેનું સતત રટણ કરે, સંકલ્પને ચુસ્તપણે વળગી રહે અને કોઇ મુશ્કેલી કે અવરોધ આવે તો તેને દૂર કરે તેને અવશ્ય સફળતા મળે. હર્ષ હાર્યો નહીં.
તેણે હારને સ્વીકારી નહીં વિશ્વાસપૂર્વક આગળ વધ્યો. આઇટીમાં એડમિશન લીધું. સાથે એનજીઓની જોબ ચાલુ રાખી. મુશ્કેલીઓનો સામનો કરીને પણ ડિગ્રી પ્રાપ્ત કરી. થોમસ આલ્વાએ કહ્યું છે કે, મારી કોઇ શોધનો આવિષ્કાર અકસ્માતથી નહોતો થયો, પણ અથાગ મહેનતનું પરિણામ હતું. હર્ષે પોતાના નવા સ્વપ્નની શોધ કરી. દ્રઢ નિર્ધારઅને કઠોર પરિશ્રમનો કોઇ વિકલ્પ હોતો નથી.
કચ્છમાં મળ્યો ત્યારે કહ્યું હતું, હર્ષ! આમ ભટકવાનું છોડી કોઇ ચોક્કસ રસ્તે ચઢી જા! ખરેખર તો ચીલાચાલુ રસ્તાને છોડી ભૂલા પડવામાં ફાયદો થતો હોય છે. એક્સાથે અનેક રસ્તાઓનો પરિચય મળે! સર! હર્ષ કંઇક કહેવા જતો હતો પણ અન્વેષાએ અટકાવ્યો. બંનેની પ્રેમાળ અને રમતિયાળ ચેષ્ટાઓ મારી નજરથી અળગી ન રહી. હર્ષે માંડીને વાત કર્યા પછી કહ્યું: સર! એ મારો સંઘર્ષકાળ હતો, પ્રેમના રવાડે ચઢું તો મારી કરિયર સામે ખતરો હતો.
મેં કહ્યું કેવી રીતે ખતરો? તો ક્ષણિક ગુસ્સો દાખવીને કહે: મેડિકલમાંથી મને કાઢ્યો, પીટીસીમાં ગયો ત્યાં સતત ટોર્ચરિંગ થતું રહ્યું. ત્યાંથી ભાગ્યો... મારી સામે કોઇ દિશા કે રસ્તો નહોતો. શું કરવું તે સૂઝતું નહોતું. નબળા અને ખરાબ વિચારો પજવતા હતા. જિંદગીમાં અંધકાર છવાઇ ગયો હતો. સામે પરિવારની આર્થિક ચિંતા સતાવતી હતી તેવા સમયે પ્રેમ કરવાનું સૂઝે કે પછી પેટ ભરવાનું...!? મેં પ્રત્યુતરમાં માત્ર સ્મિત આપ્યું. ત્યાં તક ઝડપીને અન્વેષા બોલી: મેં સાવ સ્પષ્ટ કહી દીધું હતું.
મને ધિક્કારીશ તો મારા મગજમાં રહીશ અને પ્રેમ કરીશ તો દિલમાં રહીશ... પણ તારાથી દૂર તો નહીં જ થાઉં! ત્યાં તુરંત જ પછી મૂળ વાત પર આવવું હોય તેમ હર્ષ બોલ્યો: સર! ખરું કહું તો અનુનો અનન્ય પ્રેમ મને ઊર્જા અને આંતરિક બળ પૂરું પાડતો રહ્યો નહીંતર તો હું ભાંગીને ભુક્કો થઇ ગયો હોત... મેં મૂછમાં હસતાં કહ્યું: આ બધું કહેવા માટે મળવા આવ્યા છો કે પછી...? ત્યાં બંને એક્સાથે બોલી ઊઠ્યાં: કહેવા અને આશીર્વાદ લેવા...! સંમતિનું સ્મિત આપવા સિવાયનો બીજો શું વિકલ્પ હોઇ શકે!?
Comments
Post a Comment
Thanx For Comment