પ્રભાવે હિંમત કરીને પૂછી લીધું, ‘આઇ હેવ ફોલન ફોર યુ, પ્રસાદી. હું તારી સાથે ફ્લર્ટિંગ કરવા નથી માગતો. આઇ વોન્ટ ટુ મેરી વિથ યુ. તું હા પાડે તો હું મારા ડેડીને ફોન કરું. માય ડેડ વિલ સ્પીક ટુ યોર ડેડ.’
‘હાય!’ ત્રેવીસ વર્ષના હેન્ડસમ, ડેશિંગ અને સ્માર્ટ યુવાને કોલેજમાં બપોરની રિસેસમાં એક અતિ સુંદર યુવતીને સામે ચાલીને બોલાવી. યુવાન સજજન દેખાતો હતો, માટે યુવતીએ પણ એને ‘હાય’ કહીને પ્રતિસાદ આપ્યો.‘તમારું નામ પ્રસાદી છે... રાઇટ? ઇફ આઈ એમ નોટ મિસ્ટેકન...’ યુવાનના બોલવામાં સ્પષ્ટપણે અમેરિકન શૈલી અને છાંટ વર્તાતી હતી.‘હા.’ પ્રસાદી હસી. એને નવાઇ ન લાગી, આ યુવાન એકાદ મહિનાથી નવો જ આવ્યો હતો, પણ એના જ કલાસમાં જોડાયો હતો અને પ્રસાદી પોતે કોલેજની સૌથી વધારે સુંદર છોકરી હતી એટલે એનું નામ કોઇ છોકરાને ન આવડતું હોય તો જ નવાઇ કહેવાય.
‘આઇ એમ પ્રભાવ.’ યુવાને પોતાનો પરિચય આપ્યો, ‘હું યુ.એસ.એ.થી આવું છું. ડેલ્લાસમાં મારા ડેડીની મોટી શોપ છે. હી ઇઝ એ બિગ શોટ ધેર, યુ નો?’‘હી મસ્ટ બી. તમારી રહન-સહન, તમારાં કપડાં, શૂઝ, તમારી કાર એ બધાં પરથી એ વાતની ખાતરી થઇ જાય છે કે તમારા ડેડી ડેલ્લાસના બહુ મોટા ડોલરપતિ હોવા જોઇએ.’‘ઓ... યા..., હી ઇઝ...! પણ આ તમે જુઓ છો તે તો કંઇ જ નથી. જસ્ટ એ ટેમ્પરરી અરેજમેન્ટ, યુ નો!’ પ્રભાવે અમેરિકન સ્ટાઇલમાં ખભા ઉછાળ્યા, ‘મારે અહીંની કોલેજમાં એક વર્ષ ભણવું હતું. એટલે ડેડીએ બંગલો લઇ આપ્યો. કાર ખરીદી આપી. અહીં હું એકલો જ રહું છું. કોલેજમાં એન્જોય કરું છું. ફ્રેન્ડ્ઝ બનાવું છું. એન્ડ હેવિંગ એ નાઇસ ટાઇમ ઇન ઇન્ડિયા.’
‘સારી વાત છે.’ પ્રસાદીને આ એન.આર.આઇ. યુવાનમાં રસ પડ્યો, એણે વાત આગળ વધારી, ‘પણ એક વાત મને સમજાતી નથી. તમારી ઉંમર અમારા બધાં કરતાં બે-ત્રણ વર્ષ વધારે લાગે છે. તમે કોલેજમાં બે-ચાર વાર દાંડી મારી હતી કે શું? કે પછી ત્યાંની કોલેજવાળાએ તમને કાઢી મૂક્યા હતા, એટલે ભણવાનું પૂરું કરવા અહીં આવ્યા છો?’‘દાંડી?! ઓહ્... યા...! યુ મીન ફેઇલ? નોટ એટ ઓલ! હું સ્ટડીમાં બ્રિલિઅન્ટ હતો. ઇન ફેકટ, મેં મારું ગ્રેજયુએશન પૂરું કરી નાખ્યું છે.
તમને એક સિક્રેટ કહું? હું અહીં ભણવા માટે આવ્યો જ નથી. હું તો છોકરી પસંદ કરવા માટે આવ્યો છું. ડેડી અને હું બંને ઇન્ડિયાની છોકરીને જ...’, ‘અચ્છા! ત્યારે તો અમારી કોલેજ તમારે મન કોલેજ નહીં પણ મેરેજ બ્યુરો છે, એમ જ ને?’ પ્રસાદીએ તીખો સવાલ પૂછી લીધો.‘અફ કોર્સ, યસ. માત્ર મારા માટે જ નહીં, કોલેજના તમામ છોકરાઓને મન આ મેરેજ બ્યુરો જ છે. કદાચ આટલી મોટી સંખ્યામાં, આટલી બધી બ્યુટિફુલ ગર્લ્સ બીજી કોઇ કોલેજમાં નહીં હોય.’ પ્રભાવે આ રૂપના રત્નાકર જેવી કોલેજની પ્રશંસા કરી.
‘તમારા ધ્યાનમાં તમને ગમી જાય તેવી કોઇ છોકરી આવી કે નહીં?’ પ્રભાવ અત્યાર સુધી હાથ-પગ હલાવતો, ખભા ઉછાળતો અને આંખો નચાવતો વિદેશી સ્ટાઇલમાં વાતો કરતો હતો, એ અચાનક શાંત થઇને, સ્થિર બનીને, પ્રસાદીની આંખોમાં પોતાની નજરનું તીર પરોવીને ભીના-ભીના અવાજમાં બોલી ગયો, ‘હા, એવી એક છોકરી મળી ગઇ છે મને. એની સાથે તો હું અત્યારે વાત કરી રહ્યો છું.’ પ્રસાદી શરમાઇ ગઇ. પાંપણો ઢળી ગઇ. ગોરા ગાલ ગુલાબી થઇ ગયા. એ કશુંયે બોલી ન શકી. પ્રભાવે હિંમત કરીને પૂછી લીધું, ‘આઇ હેવ ફોલન ફોર યુ, પ્રસાદી. હું તારી સાથે ફ્લટિ•ગ કરવા નથી માગતો.
આઇ વોન્ટ ટુ મેરી વિથ યુ. તું જો હા પાડે તો હું મારા ડેડીને ફોન કરું. માય ડેડ વિલ સ્પીક ટુ યોર ડેડ.’ પ્રસાદીએ માથું હલાવીને હા પાડી દીધી. બે દિવસ પછી પ્રસાદીના પપ્પા પર અમેરિકાથી ફોનકોલ આવ્યો. બંને પક્ષના હાઇકમાન્ડે વાત કરી, માહિતીની આપ-લે કરી. પ્રસાદીના પપ્પાએ નિર્ણય લેતાં પહેલાં થોડોક સમય માગ્યો, ‘અમે રહ્યા છોકરીવાળા. પૂરતી તપાસ કર્યા વગર હા ન પાડી દઇએ. અમને એકાદ અઠવાડિયા જેટલો સમય આપો. પછી ‘હા-ના’નો જવાબ જણાવીશું.’ સમય મળી ગયો. માહિતી પણ મળી ગઇ. પ્રભાવના પરિવાર વિશે કંઇ જ વાંધાજનક જાણવા ન મળ્યું.
પૈસો, પ્રતિષ્ઠા, સંસ્કાર, પરંપરા અને સ્વભાવ, બધી જ વાતે એના ખાનદાનનો રિપોર્ટ સારો જાણવા મળ્યો. પ્રભાવ ત્રેવીસ વર્ષનો હતો, કુંવારો હતો, એ વાત પણ સાચી નીકળી. એને અહીંની કોલેજમાં પ્રવેશ લીધા વગર ફકત કલાસમાં બેસવાની છુટ મળી હતી. એ પણ ટ્રસ્ટીઓ અને પ્રિન્સિપાલ સાથેની ઓળખાણના કારણે એવુંયે જાણવા મળ્યું. પ્રભાવ આલ્કોહોલથી એક ગાઉ દૂર રહેતો હતો અને નોનવેજને નવ ગજના નમસ્કાર કરતો હતો. એટલા માટે જ એને અમેરિકામાં જન્મેલી અને ઊછરેલી ઇન્ડિયન છોકરી સાથે લગ્ન કરવા ન હતા. એની જિંદગીનું રાષ્ટ્રગીત એક જ હતું: ‘દિલ ચાહે એક દુલ્હન, બસ, મેઇડ ઇન ઇન્ડિયા.’
માહિતીઓનો મેળ મળી ગયો. જન્માક્ષરના અંકો મળી ગયા. હૈયાના હસ્તાક્ષરો તો પ્રથમ મુલાકાતમાં જ મળી ગયા હતા. સરસ મુહૂર્ત જોઇને સગાઇ ગોઠવી દેવામાં આવી. ડેલ્લાસથી ઊડીને પ્રભાવનો પરિવાર આવી ગયો. લગ્નમાં ન થાય એટલો ખર્ચ સગાઇ માટે કરી નાખ્યો. અપ્સરા જેવી પુત્રવધૂને અલંકારોથી લાદી લીધી. કીમતી કપડાંનો પહાડ ખડકી દીધો. બધાં દંગ રહી ગયાં. પ્રસાદી સ્વયં પોતાની જાતને ભાગ્યશાળી માનવા લાગી. આવો સ્વપ્નપુરુષ જેને મળે એ છોકરી નસીબદાર નહીં તો બીજું શું?
આ ઘટનાને પંદરેક દિવસ માંડ થયા હશે. પ્રસાદીના પિતા પરિમલભાઇ એમના ઘરના પ્રાંગણમાં હીંચકે બેસીને દીકરીનાં લગ્નના ખર્ચાનો અંદાજ મૂકી રહ્યા હતા, ત્યાં જનકભાઇ પધાર્યા. પરિમલભાઇ અને જનકભાઇ બંને સગા ભાઇઓ. ગાઢ સ્નેહથી ગંઠાયેલા. એક જમે ને બીજાને ઓડકાર આવે એવો ભાઇચારો. પિતાજીના મૃત્યુ બાદ પણ બંને એક જ ઘરમાં સાથે રહેતા હતા. છેલ્લા ત્રણેક વર્ષથી જુદા થયા હતા. પણ રોજ સાંજની ચા તો બંને ભાઇઓ સાથે જ પીતા હતા.
‘આવ, જનક, આવ.’ પરિમલભાઇએ આવકારો આપ્યો. સહેજ ખસીને જગ્યા કરી આપી. જનકભાઇ મોટાભાઇની બાજુમાં ગોઠવાયા, પણ આજે એમના મોં પર ન સમજાય તેવી ગંભીરતા હતી. પરિમલભાઇએ કારણ પૂછ્યું. જવાબમાં જનકભાઇએ માથું હલાવ્યું.‘શું કરું? તમને કહું કે ન કહું? મોટાભાઇ, ગઇ કાલે હું સુરત ગયો હતો. ત્યાં મારો સાળો રહે છે એને માનસિક તકલીફ હતી. એને લઇને હું સાયકિયાટ્રીસ્ટના ક્લિનિકમાં ગયો હતો. અમારું કામ તો પતી ગયું, પણ બહાર નીકળ્યો ત્યારે મારી નજર વેઇટિંગમાં બેઠેલા એક દરદી પર પડી. એ પ્રભાવ હતો. ભાવિ જમાઇરાજા.’
‘હે?! શું કહે છે?’ પરિમલભાઇના કપમાંથી ચા ઢોળાઇ ગઇ. ‘હા. મારી હાલત પણ તમારા જેવી જ થઇ હતી. સદ્ભાગ્યે દરદીઓ વધુ હતા અને પ્રભાવનું ધ્યાન મારા પર પડ્યું નહીં. એ અંદર ગયો, એટલે મેં રિસેપ્શન પર બેઠેલી છોકરીને પૂછ્યું કે આને શું થયું છે? એણે કીધું કે એ વાત ખાનગી રાખવાની હોય છે. અમારા સાહેબ પણ તમને કહેશે નહીં. પછી મેં સો રૂપિયાની નોટ એના હાથમાં મૂકી દીધી.’, ‘પછી?’‘પછી શું? પ્રભાવની આખી કેસફાઇલ આપણા હાથમાં છે. આ રહી. તમે જ વાંચી લોને!’ જનકભાઇએ ફાઇલ મોટાભાઇના હાથમાં મૂકી દીધી.
અંદર તો બીમારીનો બોમ્બ છુપાયેલો હતો. સુરતના શ્રેષ્ઠ સાયકિયાટ્રીસ્ટનું નિદાન હતું. પ્રભાવ પાગલ હતો. તોફાની ગાંડૉ. વચગાળામાં એ ડાહ્યો થઇ જતો હતો, પણ જ્યારે ગાંડપણનો હુમલો આવે ત્યારે એ કોઇનું ખૂન પણ કરી નાખે. પછી ગાંડો હોવાથી સજામાંથીયે બચી જાય. પરિમલભાઇ થથરી ગયા. હવે સમજાઇ ગયું કે ભાઇસાહેબને ત્યાં અમેરિકામાં કોઇ છોકરી નહીં મળતી હોય, માટે જ આ ઇન્ડિયા દોડી આવ્યા હશે. સમય ખૂબ ઓછો હતો. વેવાઇપક્ષ લગ્ન માટે ઉતાવળ કરતો હતો. પરિમલભાઇએ તાત્કાલિક નિર્ણય કરી લીધો. રાત્રે અમેરિકાનો ફોન જોડીને ખૂબ જ ઓછાં વાક્યોમાં વાત પૂરી કરી દીધી, ‘અમને આ સંબંધ મંજૂર નથી. સગાઇ ફોક થયેલી સમજશો. કારણ ન પૂછશો. હવે પછી અમારી સાથે ફોનથી કે રૂબરૂમાં વાત કરવાનો પ્રયત્ન ન કરશો. ગૂડ બાય!’
એ પછી ત્રણેક દિવસ પછી પરિમલભાઇને જાણવા મળ્યું. પ્રભાવનાં લગ્ન થઇ ગયાં છે. આ વખતે સગાઇને ‘બાયપાસ’ કરીને સીધું મેરેજ જ પતાવી નાખ્યું. એ પણ રજિસ્ટર્ડ મેરેજ. નો બેન્ડ બાજા, નો બારાત. પ્રભાવ અને એની પરણેતર ‘હનિમૂન’ માટે કોડાઇકેનાલ ઊપડી ગયાં છે. છેલ્લું વાક્ય સાંભળીને તો પરિમલભાઇની છાતીમાં સણકો ઊપડી આવ્યો: ‘પ્રભાવનાં લગ્ન તમારા નાનાભાઇ જનકની રૂપાળી દીકરી અટારી જોડે થયાં છે. પેલી માનસિક બીમારીની વાત તદ્દન ઉપજાવી કાઢેલી હતી.’
Comments
Post a Comment
Thanx For Comment