એક-બેના રિવાજને બદલો, આખેઆખા સમાજને બદલો



'પણ ટ્રેનમાં ચડીને કરવું શું? મુંબઇ જવાનો અર્થ જ ન રહ્યો હોય પછી...? હું તો ત્યાંની હોસ્પિટલમાં આગળના અભ્યાસ માટે એડ્મિશન લેવા માટે જઇ રહ્યો હતો. મારાં બધાં જ સર્ટિ‌ફિકેટ્સ બ્રિફકેસમાં હતાં. બધાં એટલે બધાં જ. સ્કૂલ લીવિંગ સર્ટિ‌ફિકેટથી લઇને એમ.બી.બી.એસ. પાસ કર્યું એ તમામ.’

બધું અચાનક અને અણધાર્યું બની ગયું. ડો. ઇશાન અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશન પરથી મુંબઇ જતી ટ્રેનમાં ચડવા ગયા. ચડયા પણ ખરા. ત્યાં જ કો’ક ગઠિયો એમના ડાબા હાથમાં પકડેલી બ્રિફકેસ ખૂંચવી ગયો. વાંક ડો.ઇશાનનો જ હતો. ટ્રેન પકડવા માટે ઘરેથી વહેલા નીકળવું જોઇએને? હું તો અત્યારે પણ અભણ ગામડિયાની જેમ ટ્રેનના સમય કરતાં બે કલાક પહેલાં સ્ટેશને પહોંચી જાઉં છું. ટ્રેનનો ડ્રાઇવર કદાચેય ગાડી ચૂકે, પણ હું ન ચૂકું

મોડા પડવાને કારણે જ આ 'રામાયણ’ ઊભી થઇ. ડો. ઇશાને જોયું કે એની ટ્રેન તો ચાલવા માંડી હતી. અલબત્ત, એની ગતિ હજુ ધીમી હતી. સગાં-સ્વજનોને વળાવવા માટે આવેલા કેટલાક લોકો આવજો કહીને હજુ ધરાયા ન હોય, તેમ સરકતી ટ્રેનની સાથે દોડી રહ્યા હતા અને વાહિ‌યાત ભલામણો - સલાહો - સૂચનાઓ આપ્યે જતા હતા: મુંબઇ પહોંચીને તરત ફોન કરી દેજે... પીળા રંગની પ્લાસ્ટિક બેગમાં નાસ્તાનો ડબ્બો મૂક્યો છે. ભૂખ લાગે ત્યારે ખાઇ લેજે... મુંબઇવાળા દમુમાસી બીમાર છે, એમની ખબર કાઢવાનું ભૂલતો નહીં... અને મુકેશમામાના ઘરે બહુ જઇશ નહીં... મામાને તો ગમશે, પણ મામી બહુ લુચ્ચી છે...

ટ્રેન હવે ઝડપ પકડતી હતી. ડો.ઇશાનનો કોચ આગળની તરફ હતો. એ ઝડપથી દોડતાં દોડતાં એના કમ્પાર્ટમેન્ટના બારણા સુધી પહોંચી ગયો. એની લગભગ સાથે જ એક ગરીબ, ગંદો, મવાલી જેવો યુવાન પણ દોડી રહ્યો હતો. ડો.ઇશાનના મનમાં એમ કે એ પણ પોતાના જેવો જ કોઇ મોડો પડેલો પેસેન્જર હશે.

પછી ખબર પડી કે આ તો ઘડી-બે ઘડીનો સંગાથી હતો. દોડતી ટ્રેનમાં ચડવા માટે જેવો ડો.ઇશાને જમણા હાથ વડે સળિયો પકડયો, ત્યાં જ પેલો હમસફર એના ડાબા હાથમાંથી બ્રિફકેસ ઝૂંટવીને ફરાર થઇ ગયો. 'ઓહ્ નો’ ઇશાનના મોંમાંથી ઉદ્ગાર સરી પડયો. એના મનને ભયંકર આંચકો લાગ્યો. શરીરમાંથી તાકાત નિચોવાઇ ગઇ. ટ્રેનના સળિયા પરના હાથની પકકડ ઢીલી પડી ગઇ. એ ફેંકાઇ ગયો. નસીબ વળી એટલું સારું હતું કે બહારની તરફ ફેંકાયો, બાકી જો અંદરની તરફ ખેંચાયો હતો તો પળવારમાં પૈડાંની નીચે આવીને કપાઇ મર્યો હતો.

થોડીવાર લગી તો એ પડી જ રહ્યો. લોકો દોડી આવ્યા. એને બેઠો કર્યો. હાથ-પગમાં થોડુંક વાગ્યું હતું. પેન્ટ ફાટી ગયું હતું. ચહેરા પર ઉઝરડા પડયા હતા. માણસો એને પાણી પીવડાવતા હતા, સલાહો આપતા હતા, ઠપકો પણ આપતા હતા. 'શું થયું? શું થયું?’ની પૂછપરછમાં જાણવા મળ્યું કે બ્રિફકેસ ચોરાઇ ગઇ એટલે પછી બધાં 'શું ગયું? શું ગયું?’ પૂછવા મંડયા. ડો.ઇશાને નિરાશામાં માથું ઝટકાવ્યું, 'રૂપિયા તો ખાસ વધુ નહોતા. હજાર-બારસો માંડ હશે. બાકી તો પાકીટ મારા પેન્ટના ખિસ્સામાં છે જ. બીજા રૂપિયા એમાં છે.’

'તો પછી ટ્રેનનો સળિયો છોડી શા માટે દીધો, ભલા માણસ? ચડી જવું હતુંને?’ કોઇએ સલાહ આપી. 'પણ ટ્રેનમાં ચડીને કરવું શું? મુંબઇ જવાનો અર્થ જ ન રહ્યો હોય પછી...? હું તો ત્યાંની હોસ્પિટલમાં આગળના અભ્યાસ માટે એડમિશન લેવા માટે જઇ રહ્યો હતો. મારાં બધાં જ સર્ટિ‌ફિકેટ્સ બ્રિફકેસમાં હતાં. બધાં એટલે બધાં જ. સ્કૂલ લીવિંગ સર્ટિ‌ફિકેટથી લઇને એમ.બી.બી.એસ. પાસ કર્યું એ તમામ જરૂરી દસ્તાવેજોની ઓરિજિનલ અને ટ્રુ કોપીઝ બધું એની અંદર હતું. આ ગઠિયાએ તો મને પળવારમાં અક્ષરજ્ઞાન વગરનો કરી મૂક્યો.’ આવી પરિસ્થિતિમાં પણ ડો.ઇશાનથી રમૂજ થઇ ગઇ.

ટોળું વિખેરાઇ ગયું. પોલીસ ફરિયાદ કરવાનો કોઇ અર્થ નહોતો. મોં લટકાવીને ઇશાન ઘરે પાછો ફર્યો. બીજા દિવસે પહેલું કામ એણે મુંબઇ ફોન કરી દેવાનું કર્યું. હોસ્પિટલની ઓફિસમાંથી જવાબ મળ્યો, ઠીક છે. આવું થયું છે એટલે જ તમને પાંચ દિવસની મહોલત આપીએ છીએ. તમામ ડોક્યુમેન્ટ્સની ડુપ્લિકેટ નકલો સાથે મોડામાં મોડા છઠ્ઠા દિવસે હાજર થઇ જજો.

નહીંતર તમને પ્રવેશ નહીં મળે. ખટાક રિસીવર મુકાઇ ગયું. ડો.ઇશાનને હવે જ પેલા ગઠિયા ઉપર ખરેખરી દાઝ ચડી, આવા બદમાશો પેદા શા માટે થતા હશે? એને શું મળ્યું? હજાર? બારસો? અરે, ભાઇ તારે મારી પાસે માગી લેવા હતાને? હું રાજીખુશીથી આપી દેત, પણ મારાં સર્ટિ‌ફિકેટ્સ વિના મારું એડ્મિશન હાથમાંથી સરકી જશે એનો તો વિચાર કરવો હતો ડો.ઇશાન નીકળી પડયો. યુનિવર્સિ‌ટીના અને મેડિકલ કોલેજના આંટાફેરા શરૂ કરી દીધા. દરેક ડગલે, દરેક પગલે એના મનમાંથી પેલા ચોર માટે ગાળ ઊઠતી હતી.

***

'પ્રિન્સિપલ સાહેબ હજુ આવ્યા નથી. કલાક પછી આવો.’ જે શાળામાં ઇશાન ભણ્યો હતો તેના પટાવાળાએ હથેળીમાં મસાલો મસળતાં જવાબ આપ્યો. ગરજ હતી. સ્કૂલ લીવિંગ સર્ટિ‌ફિકેટ હાઇસ્કૂલમાંથી જ મળી શકે તેમ હતું. આ વાતની ખબર ઇશાનને હતી, પટાવાળાને પણ હતી, પરંતુ સમયના કાંટાને ન હતી. એ તો સરકતો જતો હતો. ઇશાન અકળાયો. પૂછી બેઠો, 'કલાક પછી તો ચોક્કસ આવી જ જશેને?’ પટાવાળો લુચ્ચું હસ્યો, 'એ હું કેવી રીતે કહી શકું? સાહેબ આજકાલ ગાંધીનગરની દોડધામમાં હોય છે. કલાકને બદલે કયારેક તો રિસેસ પછીયે આવતા હોય છે. જો બહુ મોડું થાય તો ઓફિસમાં ફોન કરીને કહી પણ દે કે આજે હું નથી આવવાનો.’

ડો.ઇશાન ગભરાયો, 'પણ મારે તો આજે ને આજે સર્ટિ‌ફિકેટ જોઇએ છે. કોઇ રસ્તો?’ 'રસ્તો છે ને, સાહેબ’ પટાવાળાએ હસીને માથું ખંજવાળ્યું, 'પણ એના માટે મારે મહેનત કરવી પડશે.’ બે મિનિટનું મૌન ડો. ઇશાનના મનમાં અજવાળું પ્રસરી ગયું, 'લે, આ સો રૂપિયા. તારી બક્ષિસના. હવે મળી જશે સર્ટિ‌ફિકેટ?’

'મળી જશે. દસ જ મિનિટમાં. ચાલો, મારી સાથે.’ પટાવાળો એને ઓફિસમાં લઇ ગયો. ક્લર્કે વિગત પૂછી. ચોપડો ઉથલાવ્યો. (ત્યારે હજુ કમ્પ્યુટરનું ચલણ આજના જેટલું નહોતું.) ડુપ્લિકેટ કોપી કાઢી આપી. દસ રૂપિયા સત્તાવાર ખર્ચ પેટે ભરવા પડયા. ભરી દીધા. જતાં જતાં ઇશાને પટાવાળાનો આભાર પણ માની લીધો. મનમાં એ બબડયોય ખરો, પટાવાળો સારો માણસ નીકળ્યો. ભલે સો રૂપિયા લઇ લીધા, પણ કામ તો કરી આપ્યું.

કેટલાક દસ્તાવેજો માટે ઘી કાંટા જવું પડે તેમ હતું. એફિડેવિટના વિધિ માટે. કેટલાંક સર્ટિ‌ફિકેટ મેડિકલ કોલેજમાંથી મેળવવાનાં હતાં. બાકીના યુનિવર્સિ‌ટીમાંથી. ઘી કાંટા ગયો ત્યારે જાણવા મળ્યું કે વકીલો હડતાળ પર ગયા છે. કદાચ આજકાલમાં સમાધાન થાય તોયે પછી ઉત્તરાયણની રજા આવે છે. એ પછી રવિવાર પડે છે માટે હવે તો સોમવારે આવો

ડો. ઇશાન ડોક્ટરને બદલે દરદી બની ગયો. ઝાડા થઇ જાય તેવી ચૂંકો પેટમાં ઊઠવા માંડી, ત્યાં સદ્નસીબે એનો પોળના સમયનો જૂનો મિત્ર મળી ગયો. ચંદ્રકાન્ત નામ એનું. દુનિયા આખીનું કરી નાખવા માટે જ પૃથ્વી ઉપર પધાર્યો હોય તેવો. બચપણમાં એ 'ચંદુ ચીટર’ના નામથી મિત્રવુર્તળમાં પ્રખ્યાત હતો. હવે એની પોશ વિસ્તારમાં ઓફિસ હતી. દલાલીનું કામ કરતો હતો.

ડો.ઇશાને પૂછયું, 'મોટી મુસીબતમાં ફસાયો છું. તું મદદ કરી શકે?’ ચંદ્રકાન્તે ચપટી વગાડી, 'કેમ નહીં? અવાજ કર તાજમહાલ વેચી મારવો છે? કુતુબમિનાર ખરીદવો છે? સંસદની ટિકિટ જોઇએ છે? દિલ્હીમાં કોઇ મિનિસ્ટર સાથે મુલાકાત ગોઠવવી છે? કામનું નામ તું પાડ; ખર્ચનું નામ હું જણાવીશ.’

મિત્ર હતો એટલે સસ્તામાં પતી ગયું. ચંદ્રકાન્તે એના દસ માણસોને દસેય દિશાઓમાં દોડતા કરી દીધા. માત્ર ચોવીસ કલાકમાં તમામ જરૂરી કાગળો હાજર થઇ ગયા. પાંચેક હજાર ખવડાવવાના વત્તા બે હજાર એની પોતાની મહેનતના. ડો.ઇશાને રાજીખુશીથી આપી દીધા. ઉપરથી કહ્યું પણ ખરું, 'આજે ખબર પડી કે દેશની ઓફિસોમાં હજુ સારા માણસો બેઠા છે, બાકી પચીસ-પચાસ હજારનો માસિક પગાર પાડતા આ રુઆબદાર અધિકારીઓ આટલી નજીવી રકમ લઇને આટલી ઝડપથી કામ કરી આપે ખરા?’

રાત્રે ડો.ઇશાન ઘરે આવ્યો ત્યારે એના વૃદ્ધ પિતાએ એના હાથમાં એક મોટું કવર મૂક્યું, 'બેટા, હમણાં જ કો’ક છોકરો આપી ગયો. હું કંઇ પૂછું તે પહેલાં તો એ ચાલ્યો ગયો. અંદર તારા ચોરાયેલા બધાં જ સર્ટિ‌ફિકેટો છે. સાથે એક ચિઠ્ઠી. એમાં લખ્યું છે: સોરી, ડોક્ટર સંજોગોથી મજબૂર છું: શિક્ષિત બેકાર છુ: પૈસા મેં રાખી લીધા છે. તમારા સર્ટિ‌ફિકેટ આપતો જઉં છું. તકલીફ બદલ માફી માગું છું: લિ. એક ચોરના પ્રણામ.’ ઇશાન સ્તબ્ધ હતો અને વિચારતો હતો. ખરો ચોર કોણ છે

Comments