સોફા પર બેઠેલી પ્રિયાને નિમેષ વળગી પડયો..


નમ્રતા ભણવામાં ખૂબ જ હોશિયાર હતી, પરંતુ સ્કૂલમાં તેની સાથે ભણતા નિમેષ સાથે તેને પ્રેમ થઈ ગયો. તે હેન્ડસમ હતો, વળી ગર્ભશ્રીમંત પણ હતો. બંને સ્કૂલમાં ગુલ્લી મારીને ગામથી દૂર ક્યાંય ફરવા નીકળી જતાં. આ યુવાન હૈયાંઓનો પ્રેમ બહુ લાંબો સમય છૂપો ન રહી શક્યો. એક દિવસ નમ્રતાના પિતાએ સ્કૂલના સમયે બહાર ફરતી નમ્રતાને નિમેષ સાથે બેસીને વાતો કરતાં જોઈ. ગુસ્સામાં આવી તેમણે નમ્રતાને બે તમાચા માર્યા અને પોતાની સાથે ઘરે લઈ ગયા.
બસ, તે જ દિવસથી નમ્રતા ઉપર અનેક પ્રકારના પ્રતિબંધો લાદવામાં આવ્યા. ફોન પર વાતચીત નહીં કરવાની, ઘરની બહાર એકલા નહીં નીકળવાનું વગેરે. સ્કૂલે મૂકવા અને લેવા માટે તેના પપ્પા સાથે જતા. નમ્રતાને બારમા ધોરણમાં સારા ટકા આવ્યા અને નજીકમાં કોઈ સારી કોલેજ ન હોવાથી અમદાવાદની કોલેજમાં એડમિશન લીધું. તે કોઈ સંબંધીને ત્યાં રહે તેના કરતાં હોસ્ટેલના કડક નીતિ-નિયમોમાં રહે તે વધારે યોગ્ય છે એમ વિચારી લેડિઝ હોસ્ટેલમાં રહેવાનું ગોઠવ્યું.
હોસ્ટેલમાં પ્રિયા નામની છોકરી તેની રૂમ પાર્ટનર હતી. ધીરે-ધીરે તેમની વચ્ચે ગાઢ મિત્રતા થઈ. નમ્રતાને શોધતો નિમેષ આખરે અમદાવાદ પહોંચી જ ગયો. પ્રેમીપંખીડાંઓ ફરી એકબીજાંને મળવા લાગ્યાં. હોસ્ટેલમાં આવી ગયા પછી નમ્રતા પ્રિયાના મોબાઇલ પરથી નિમેષ સાથે વાતો કરતી. નમ્રતાએ નિમેષને કહી દીધું હતું કે આ મોબાઇલ નંબર તેની રૂમ પાર્ટનર અને ખાસ ફ્રેન્ડ પ્રિયાનો છે.
એક દિવસ નિમેષ ચોરીછૂપે નમ્રતાને મળવા માટે તેના રૂમ સુધી પહોંચી ગયો. નમ્રતાએ પ્રિયા સાથે નિમેષની ઓળખાણ કરાવી. તે પ્રિયાને જોતો જ રહી ગયો. ગોરો વર્ણ, ઘાટીલો લંબગોળ ચહેરો, જેના કાળા રંગમાં ખોવાઈ જવાનું મન થાય તેવી કાજળ આંજેલી મોટી મદભરી આંખો, અણિયાળું નાક, ગુલાબની પાંખડી જેવા સુંદર હોઠ, શરીરના વળાંકો એવા ઘાટીલા કે નજર તેના પરથી હટવાનું નામ જ ન લે.
એક વખત જાણીજોઈને નમ્રતા ન હોય તેવા સમયે નિમેષે પ્રિયાને ફોન કર્યો. પ્રિયાએ જણાવ્યું કે નમ્રતા કોલેજ ગઈ છે. ઓકે, તો ચાલો અપણે વાતચીત કરી લઈએ એમ કહીને તે હસવા લાગ્યો. આ રીતે તે અવારનવાર ફોન કરતો. નિમેષનો રમૂજી સ્વભાવ પ્રિયાને પસંદ આવ્યો અને મિત્રતા પણ બંધાઈ. એક વાર તેણે પ્રિયાને પ્રપોઝ પણ કર્યું.
"નિમેષ આ શું કહે છે? તું તો નમ્રતાને પ્રેમ કરે..." થોડા ખચકાટ સાથે પ્રિયાએ કહ્યું.
"એ તો સ્કૂલ સમયનો પ્રેમ હતો જ્યારે હું મેચ્યોર નહોતો, પરંતુ આજે હું મેચ્યોર છું. હું તને જ ખરો પ્રેમ કરું છું." નિમેષે કહ્યું.
આ રીતે બંને વચ્ચે પ્રેમના અંકુર ફૂટયા. નમ્રતાને ખબર ન પડે તે રીતે બંને મળતાં અને વાતો કરતાં. એક વાર નિમેષ બપોરના સમયે પ્રિયાને પોતે ભાડે રાખેલા ફ્લેટ પર લઈ ગયો. વાતો કરતાં કરતાં અચાનક જ સોફા પર બેઠેલી પ્રિયાને નિમેષ વળગી પડયો અને ચુંબન કરવા લાગ્યો. તે આગળ વધવા જતો હતો કે ત્યાં જ પ્રિયાએ તેને અટકાવ્યો અને કહ્યું, "નિમેષ તું તો નમ્રતાને પ્રેમ કરે છે. આપણો આ સંબંધ યોગ્ય નથી. માટે આપણે આપણા પ્રેમસંબંધનો અંત આણી દેવો જોઈએ."
"પ્રિયા, હું તને જ ખરો પ્રેમ કરું છું. નમ્રતા સાથે તો હું માત્ર ટાઇમપાસ કરી રહ્યો છું, ધીરે-ધીરે હું તેને છોડી દઈશ." કહીને નિમેષ ફરીથી પ્રિયાને આલિંગનમાં જકડીને ચુંબન કરવા લાગ્યો.
ઘણો સમય વીતવા છતાં પણ તે બંને સાથે પ્રેમની રમત રમતો હતો. પ્રિયા વિચારવા લાગી કે જો નિમેષ નમ્રતા સાથે પ્રેમનું નાટક કરી શકે, તો મારી સાથે પણ નાટક નહીં કરતો હોય તેની શું ખાતરી! મારાથી ભૂલ થઈ ગઈ છે, પરંતુ આ ભૂલથી નમ્રતાની જિંદગી તો બચી ગઈ. પ્રિયાએ નમ્રતાને સઘળી હકીકત જણાવી. ત્યારબાદ બંનેએ નિમેષને કહ્યું કે, "હવે પછી હોસ્ટેલ કે અમારી આજુબાજુ પણ ફરક્યો છે તો પોલીસના હવાલે કરી દઈશું."
આટલું ન ભૂલશો
* કોઈ પણ વ્યક્તિના પ્રેમમાં પડતા પહેલાં તેનો ઇતિહાસ અને વિચારો જાણી લેવા જોઈએ.
* પરિપક્વ ઉંમરે પ્રેમ શક્ય છે, પરંતુ સ્કૂલમાં થયેલો પ્રેમ માત્ર આકર્ષણ હોઈ શકે છે.
* જે પોતાના પ્રેમી કે પ્રેમિકા સાથે દગો કરી શકે તે તમારી સાથે પણ દગો કરી શકે છે.
* એક વાત હંમેશાં ધ્યાનમાં રાખવી કે માતા-પિતા ક્યારેય તમારું અહિત નહીં કરે, તેથી તેમણે દર્શાવેલા માર્ગ પર ચાલવું જોઈએ.

Comments