જૂનો પ્રિયતમ હવે પ્રેમ જતાવે છે


સોક્રેટિસજી,
હુંકોલેજમાં અભ્યાસ કરતી ૨૧ વર્ષની યુવતી છું. હું કોલેજમાં દાખલ થઈ એ વર્ષે જ મને એક યજ્ઞોશ નામનો છોકરો બહુ ગમતો હતો. તેને એક દિવસ ન જોઉં તો હું બેચેન બની જતી હતી. આખરે એક દિવસ મેં તેની સમક્ષ પ્રેમનો પ્રસ્તાવ મૂક્યો અને તેણે તરત તે સ્વીકાર્યો, પણ તેણે આ ઘટનાના બીજા જ દિવસે મને કહ્યું કે આપણાં લગ્ન નહીં થઈ શકે, કારણ કે હું મારા પરિવારની વિરુદ્ધ નહીં જઈ શકું. તે દિવસે હું ખૂબ રડેલી. પછી મેં સતત પ્રયાસો કર્યા કે યજ્ઞોશ મને ચાહવા લાગે. તે પણ મને મનોમન પ્રેમ કરતો હતો પણ વ્યક્ત કરી શકતો નહોતો. એને પરિવારનો ડર સતાવતો હતો. જોકે, બીજી તરફ તે અન્ય સ્ત્રીમિત્રો સાથે હળીમળીને રહેતો હતો. મને મહત્ત્વ આપતો નહોતો એટલે મેં નક્કી કરી લીધું કે તેની સાથે ન બોલવું.
થોડા દિવસો પછી મારા જીવનમાં વિનય નામનો છોકરો આવ્યો. વિનય મારો સ્કૂલટાઇમનો દોસ્ત હતો. અમે ઘણાં વર્ષો સાથે જ ભણ્યાં હોવાથી એકબીજાંને સારી રીતે જાણતાં-સમજતાં હતાં. તેણે મારી સામે પ્રેમનો પ્રસ્તાવ મૂક્યો. વિનય મને સીધો છોકરો લાગતો હતો અને મને હતું કે તે મને કદી નિરાશ નહીં કરે. હું જેને પ્રેમ કરું છું તેના કરતાં જે મને પ્રેમ કરે છે, તેની સાથે જિંદગી આગળ વધારવી જોઈએ. મેં ઘણું વિચારીને હા પાડી. વિનયે મને ખુશ રાખવામાં કોઈ કસર બાકી નથી રાખી. તેણે મને જીવથી પણ વધારે પ્રેમ કર્યો અને હંમેશાં મારી સાથે લોયલ રહ્યો છે.
મારી ગંભીર સમસ્યા એ છે કે હવે યજ્ઞોશ એવું જતાવે છે કે તે મને કેટલો બધો પ્રેમ કરતો હતો, પણ વ્યક્ત કરી શકતો નહોતો. યજ્ઞોશ કહે છે કે તું જ મારી જિંદગીમાં પ્રથમ પ્રેમ હતી અને અત્યારે પણ તું મારી આંખો સામેથી ક્ષણભર માટે પણ હટતી નથી. હું તારા માટે કંઈ પણ કરવા તૈયાર છું. તને મારા સ્ત્રીમિત્રો બાબતે ગેરસમજ હતી તો તારે મને વાત કરવી જોઈતી હતી, હું એ બધું છોડી દેત. હું તારા વગર નથી રહી શકતો. તું મારી જિંદગીમાં પાછી આવી જા. હું તારા વગર નહીં જીવી શકું.
મારી સામે ધર્મસંકટ સર્જાયું છે. મારે શું કરવું જોઈએ? તમે કહો જે મને જીવથી વધારે ચાહે છે તેની સાથે રહેવું જોઈએ કે એક જમાનામાં જેને હું જીવથી પણ વધારે ચાહતી હતી તેની જિંદગીનો હિસ્સો બનવું જોઈએ? હું યોગ્ય નિર્ણય લઈ શકું અને કોઈને અન્યાય ન કરું એવો કોઈ રસ્તો બતાવો.                            
લિ. આહના
પ્રિય આહના,
શાણા માણસો સલાહ આપતા હોય છે કે તમે જેને ચાહતા હો એની સાથે નહીં, પણ તમને જે ચાહતું હોય એની સાથે લગ્ન કરો! યજ્ઞોશનો પ્રેમ ખોટો હશે એવું ન માનીએ તો પણ મોડો તો છે જ. તમે જ્યારે તેની સાથે વાત કરવાનું બંધ કર્યું ત્યારે જ તેની આંખ ઊઘડવી જોઈતી હતી કે તમને કોઈ ગેરસમજ થઈ છે અથવા તો તમે કોઈ બાબતે નારાજ છો. વળી, તે ભૂતકાળમાં જ્યારે એવું કહી ચૂક્યો છે કે તે પોતાના પરિવારની વિરુદ્ધ જઈને તમારી સાથે લગ્ન નહીં કરી શકે તો પછી તેની વાતોમાં આવીને દુઃખી થવાનો કોઈ અર્થ નથી.
તમે યજ્ઞોશને ચાહતા હશો, પહેલા પ્રેમી માટે હંમેશાં સોફ્ટ કોર્નર રહેતો હોય છે, પણ તેને કારણે તમને દિલથી ચાહનારી વ્યક્તિને છેહ આપી શકાય નહીં. વિનય તમને ચાહે છે, તમને ખુશ રાખે છે, તમારી અપેક્ષા સંતોષે છે. તમને જીવથી વધારે પ્રેમ કરે છે. આવી પ્રેમાળ વ્યક્તિને છોડવાનું યોગ્ય નથી. હા, વિનયને તમારા અને યજ્ઞોશના સંબંધો વિશે સ્પષ્ટતા કરી દેવી જોઈએ, જેથી ભવિષ્યમાં તમારા સંબંધોમાં કોઈ ખટરાગ પેદા ન થાય. વિનય જો યજ્ઞોશની વાત સાંભળીને તમારી સાથે સંબંધ રાખવા ન માગે અને યજ્ઞોશ તમને લગ્ન કરવાની પાક્કી ખાતરી આપે, એવા સંજોગોમાં જ વિનયનો સાથ છોડવાનું તમારે વિચારવું જોઈએ, એ સિવાયના કોઈ પણ સંજોગોમાં વિનય જ તમારા માટે પરફેક્ટ પાત્ર છે. યજ્ઞોશને શાંતિથી સમજાવી દેવો જોઈએ કે તક અને સમય કોઈની રાહત જોતા નથી, હવે બહુ મોડું થઈ ગયું છે.
***
સોક્રેટિસજી,
હું ૨૧ વર્ષની યુવતી છું અને એક રૂઢિચુસ્ત મધ્યમ વર્ગના પરિવારમાંથી આવું છું. હું બારમા ધોરણ પછી બીએસસી કરવા સુરત ગઈ હતી. કોલેજનાં પહેલાં બે વર્ષો તો શાંતિથી ગયા, પણ ત્રીજા વર્ષમાં કેતન મારો મિત્ર બન્યો. મોટા ભાગે બનતું હોય છે એમ અમારી દોસ્તી ધીમે ધીમે પ્રેમમાં પરિણમી. કેતન શિક્ષિત પરિવારમાંથી આવે છે અને તે સીએનું ભણી રહ્યો છે. હું મારા લાઇફપાર્ટનર પાસે જે ક્વોલિટીની અપેક્ષા રાખું છું એ બધી કેતનમાં છે, એટલે હું તેના સાચા પ્રેમમાં છું.
મારા ઘરમાં જ્યારે મારાં લગ્નની વાતો શરૂ થઈ ત્યારે મેં કેતનની વાત કરી. કેતન અને તેના પરિવાર સામે ઘરમાં કોઈ પ્રશ્ન નથી, પણ કેતન મારી કાસ્ટનો નથી એ મામલે વાત ગૂંચવાઈ છે. જોકે, કેતન અમારા કરતાં પણ ઉચ્ચ વર્ણનો છે. કુટુંબીજનોને મનાવા અમે બંનેએ બહુ પ્રયાસો કર્યા છતાં મારા ઘરના અમારાં લગ્ન માટે તૈયાર નથી. કેતનનાં ઘરના તો માની ગયા છે, પણ તે ઇચ્છે છે કે મારા પરિવારના લોકો સંમત થાય અને અમારાં લગ્ન ધામધૂમથી થાય.
અત્યારે મારાં મમ્મી-પપ્પાએ મારો અભ્યાસ બંધ કરાવી દીધો છે, મારી પાસેથી મોબાઇલ લઈ લીધો છે. મને ઘરની બહાર જવાની પણ છૂટ નથી. બધાંના વર્તનમાં બહુ બદલાવ આવી ગયો છે. જાણે હું જેલમાં રહેતી હોઉં એવું અનુભવી રહી છું.
મને સૌથી વધુ ચિંતા મારા ભણવાની છે. મને ઘરેથી ભાગી જવાના વિચાર આવે છે. મારે મારી કારકિર્દી બનાવવી છે. હું પાર્ટટાઇમ જોબ કરીને પણ ભણવા માગું છું. કેતન સાથે પણ હું એ જ શરતે લગ્ન કરવા તૈયાર છું કે એ મને લગ્ન પછી ભણવા અને નોકરી કરવાની ના ન પાડે.
મને ડર લાગે છે કે જો હું ઘરે આ રીતે પુરાઈ રહીશ તો ઘરનાઓ મને બીજા કોઈ છોકરા સાથે પરાણે પરણાવી દેશે અને હું માત્ર હાઉસવાઇફ બનીને રહી જઈશ. મારી આજુબાજુ એવું કોઈ નથી જે મારી વાત અને વ્યથા સાંભળે. મને કોઈ રસ્તો બતાવો. જો હું ઘર છોડી દઉં તો મારા ઘરના પોલીસમાં મારા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી શકે? હું મારી રીતે ભણવા માટે જ ઘર છોડું તો પણ તેઓ કેતન પર કેસ કરી શકે? હું મારી કરિયર માટે બહુ ચિંતિત છું. મને કોઈ માર્ગ બતાવો, જે મને ઉજ્જવળ ભવિષ્ય તરફ દોરી જાય.
લિ. કીર્તના
પ્રિય કીર્તના,
તમારા પ્રશ્નની રજૂઆતમાંથી જ તમારો જવાબ અમને મળી ગયો છે. તમે લખ્યું છે કે તમે સૌથી વધારે કારકિર્દીને મહત્ત્વ આપો છો. તેના માટે તમે પ્રેમ-પ્રેમીને પણ છોડી શકો છો. બસ, તમારે આ વાત તમારાં મમ્મી-પપ્પાને કન્વિન્સ કરાવવી જોઈએ. તેઓ તમને ઘરમાં પૂરી રાખે છે, તેની પાછળ તેમને એવો ડર હશે કે ક્યાંક તમે તેમની ઇચ્છા વિરુદ્ધ કેતન સાથે ભાગી જશો, લગ્ન કરશો અને તેમની આબરૂને લાંછન લાગશે. તમારે એમને ખાતરી આપવી જોઈએ કે તમે એવું કોઈ પગલું ભરશો નહીં અને માત્ર અભ્યાસ પર જ ધ્યાન આપશો. તમારાં મમ્મી-પપ્પા પણ એવું જ ઇચ્છતાં હશે કે તમારો અભ્યાસ ન બગડે, એટલે તે તમારી વાત ટાળશે નહીં.
કેતનને તમારે સમજાવવો જોઈએ કે અત્યારે તમારે બંનેએ કારકિર્દી પર ધ્યાન દોરવું જોઈએ. તમે એક વાર સારી નોકરી મેળવી લીધી અને કારકિર્દીમાં કોઈ મંજિલ હાંસલ કરી લીધી પછી તમે તમારી જિંદગીનો નિર્ણય લેવા માટે વધારે સ્વતંત્ર બની જશો. તમારાં મમ્મી-પપ્પાઓ પણ તમારી વાત આસાનીથી માનશે. તમારે અને કેતને અત્યારે થોડાં વર્ષો માટે લગ્નની વાત બાજુ પર મૂકીને કારકિર્દીને જ પ્રાયોરિટી આપવી જોઈએ. યુવાનીનાં વર્ષોને લાગણીવેડામાં વેડફી દેવામાં ડહાપણ નથી. તમે તમારા ઘરનાને મનાવો, માની જશે તથા કેતનને પણ સમજાવો, એ પણ સમજશે અને બધાં સારાં વાનાં થશે.

Comments