પતિનો ત્રાસ પ્રેમી પર છે વિશ્વાસ!


સોક્રેટિસજી,
હુંરાજકોટ જિલ્લાની યુવતી છું. મારાં લગ્ન થયાંને નવ વર્ષ થઈ ચૂક્યાં છે. મારે એક દીકરી પણ છે. લગ્ન પહેલાં મારે ભૈરવ નામના એક યુવક સાથે પ્રેમ હતો. અમારો પ્રેમ આશરે સાડા પાંચ વર્ષ જૂનો હતો. અમે એકબીજાંને ખૂબ જ પ્રેમ કરતાં હતાં, પણ અમે ક્યારેય લક્ષ્મણ રેખા ઓળંગી નહોતી. ભૈરવે ક્યારેય મને સ્પર્શ સુધ્ધાં નહોતો કર્યો. અમારો પ્રેમ નિર્દોષ અને પવિત્ર હતો. અમારી પવિત્ર લવશિપનાં વખાણ મિત્રો પણ કરતા હતા. કેટલાક મિત્રો ભૈરવને મજાકમાં એવું પણ કહેતા કે આ તે કેવો પ્રેમ, જેમાં પ્રેમિકાને તેં ટચ પણ ન કર્યો હોય! જોકે ભૈરવ ક્યારેય ઉશ્કેરાયો નહોતો, તેણે કદી મારી પાસે અણછાજતી માગણી કરી નહોતી.
પણ, પ્રેમ છૂપો રહેતો નથી. એક દિવસ મારા પપ્પાને અમારા સંબંધની ખબર પડી. ઘરમાં ધમાલ મચી ગઈ. તાત્કાલિક ધોરણે મને પરણાવી દેવાની તજવીજ હાથ ધરવામાં આવી. અમારા જ શહેરમાં રહેતા માણેક નામના યુવક સાથે મારી સગાઈ કરી દેવામાં આવી. ભૈરવ પહેલેથી જ મને કહેતો હતો કે આપણે તારાં મમ્મી-પપ્પાનું દિલ દુભાવીને તેમની ઇચ્છાવિરુદ્ધ પરાણે લગ્ન કરીને ક્યારેય સુખી થઈ શકીશું નહીં. ભૈરવે મને મમ્મી-પપ્પાની વાત સ્વીકારી લેવા સમજાવી. એક વર્ષની અંદર માણેક સાથે લગ્ન લેવાયા. લગ્ન વખતે આમંત્રણ છતાં ભૈરવ બહારગામ ચાલ્યો ગયેલો. મારે મનને મારીને પણ લગ્ન કરીને સાસરે જવાનો નિર્ણય કરવો પડયો.
લગ્ન પછી હું જ્યારે ઘરે આવી ત્યારે મેં ભૈરવને બોલાવ્યો. મેં તેના ચહેરા પર ઉદાસી જોઈ, મને અહેસાસ થયો કે મેં મોટી ભૂલ કરી નાખી છે. મેં અફસોસ વ્યક્ત કર્યો ત્યારે ભૈરવે કહ્યું કે માણેક તો મોટો નોકરિયાત છે, તે તને મારા કરતાં વધારે સુખી રાખશે. તેં લગ્ન કર્યાં એ બરાબર જ કર્યું છે. મેં પણ ભૂતકાળ ભૂલીને માણેક સાથે સંસાર માંડયો, પરંતુ ત્રણ મહિના પછી માણેક તરફથી મને ત્રાસ આપવાનું શરૂ થઈ ગયું.
સાસરિયા અને માણેકથી કંટાળીને મેં દિલ હળવું કરવા માટે એક દિવસ ભૈરવને ફોન કર્યો. મેં ભૈરવને કહ્યું કે મારા જીવનમાં કોઈ આનંદ જેવું રહ્યું નથી, તું જ મને જીવનનો ખરો આનંદ આપી શકીશ. તું મને સમજે છે, તું જ મને સંતોષ આપી શકીશ. મારા આગ્રહ બાદ ભૈરવે અમારા શહેરના એક ગેસ્ટહાઉસમાં રૂમ રાખ્યો, જેમાં અમે તન-મનથી મળ્યાં અને એકબીજામાં ઓતપ્રોત થઈ ગયાં.
ગેસ્ટહાઉસની એ મુલાકાતમાં જ વાતો કરતાં મને પહેલી વાર જાણવા મળ્યું કે ભૈરવ તો અનાથ છે. તેનાં માતા-પિતાનો દત્તક પુત્ર છે. પોતાની મજબૂરીને લીધે જ તેણે ક્યારેય સામેથી લગ્નની વાત નહોતી કરી કે માણેક સાથેનાં લગ્નનો વાંધો નહોતો ઉઠાવ્યો. તેણે ધાર્યું હોત તો તેણે મને ભોળવીને મારો લાભ લીધો હોત, પણ તેણે ક્યારેય એવી હરકત નહોતી કરી, એ વાતનો મને ગર્વ થયો.
મારા પતિ માણેકની વાત કરું તો રાત્રે તે જાનવરની જેમ મારી સાથે વર્તન કરે છે. મારે એક દીકરી પણ છે. માણેક હંમેશાં કહે છે કે આ દીકરી તેની નથી. તે સતત મારા પર શંકા કરે છે. તેં મને સમજવા જ તૈયાર નથી. હવે નિયતિ કેવા ખેલ ખેલે છે, એની વાત કરું તો માણેક એક રાતે સારા મૂડમાં હતો. તેણે પોતાના એક મિત્રની વાત કરી. તેણે કહ્યું કે મારે એક મિત્ર હતો, બહુ જીગરી મિત્ર પણ છેલ્લાં આઠ-નવ વર્ષથી એ ક્યાંક ખોવાઈ ગયો છે. મને મળવાનું જ તેણે બંધ કરી દીધું છે. એ અનાથ છે પણ બહુ સારો માણસ છે. તે હંમેશાં તેની પ્રેમિકાની વાત મને કહ્યા કરતો હતો, પણ તેની પ્રેમિકાએ બીજે લગ્ન કરી લીધાં પછી તે એટલો ભાંગી પડયો હતો કે શહેર પણ છોડી દીધું છે. મેં તેનું નામ પૂછયું તો મારા પતિનો જવાબ હતો - ભૈરવ. હું અવાક્ રહી ગઈ. તેમણે ભૈરવનાં વખાણ કરવા માંડયાં ત્યારે મારાથી અજાણતાં જ બોલાઈ ગયું કે હા, ભૈરવ તો બહુ સમજદાર હતો. બસ મારા આ વાક્ય પછી માણેકની મારા પરની શંકા તીવ્ર બની ગઈ છે. તે પૂછયા જ કરે છે કે તને કેવી રીતે ખબર કે ભૈરવ બહુ સમજદાર હતો? મારી પાસે કોઈ જવાબ હોતો નથી. માણેકનો ત્રાસ વધતો જાય છે. તેની સાથે રહેવા કરતાં તો કદાચ નર્કમાં રહેવું પણ ઓછું કષ્ટદાયી હશે.
હું મારા દુઃખી સંસારની વાત ભૈરવને કરું છું ત્યારે તે કહે છે કે હું તો આજે પણ તને સ્વીકારવા તૈયાર છું. જિંદગીના અંતિમ શ્વાસ સુધી તારો સાથ આપવા તૈયાર છું હા, તારી સંપૂર્ણ તૈયારી હોવી જોઈએ. હું આ મૂંઝવણમાં આપઘાત કરી લેવાની વાત કરું ત્યારે તે કહે છે કે એ મહાપાપ ક્યારેય ન કરતી, કદી એવું પગલું ન ભરતી, તારા માટે મારાં દ્વાર હંમેશાં ખુલ્લાં જ છે. અહીં મારે એ પણ જણાવી દેવું જોઈએ કે ભૈરવે આજ સુધી મારી ખાતર જ લગ્ન કર્યાં નથી. મારો પતિ મને ગુલામ તરીકે રાખે છે, મારે નાની દીકરી છે... પ્રેમી અપનાવવા તૈયાર છે તો આ સ્થિતિમાં મારે કેવો નિર્ણય લેવો જોઈએ? મને યોગ્ય માર્ગદર્શન આપશો.
લિ. શિખા
પ્રિય શિખા,
ભૈરવ દત્તક પુત્ર હોવાથી એ પહેલેથી જ જાણતો હશે કે તે મરજી મુજબ લગ્ન કરવાની જિદ કરી શકશે નહીં, એટલે જ તેણે તમારાં લગ્ન સામે કોઈ વાંધો ઉઠાવ્યો નહીં હોય. વળી, તે સમજદાર પણ હતો એટલે તેણે એવી કોઈ હરકત કરી નહોતી કે એવા કોઈ શારીરિક સંબંધો વિકસાવ્યા જ નહોતા કે તમે પછી ક્યારેય બીજા કોઈ પુરુષને અપનાવી ન શકો. ભૈરવ વિશે તમે જે કંઈ લખ્યું છે, તેના પરથી સ્પષ્ટ છે કે તે તમને દિલથી ચાહે છે અને એક સમજદાર-જવાબદાર વ્યક્તિ છે.
માણેક કદાચ શંકાશીલ સ્વભાવનો હશે અને તેને કોઈ કારણસર તમારા પર વિશ્વાસ નહીં હોય. પતિ જો શંકાશીલ અને અવિશ્વાસુ હોય છે ત્યારે પત્ની માટે તેની સાથે જીવવું અસહ્ય બની જતું હોય છે. તમારી દુઃખદ સ્થિતિ સમજી શકાય એવી છે. ભૈરવ તો તમને અપનાવવા રાજી છે ત્યારે તમે જો મનથી મક્કમ હો તો તમારે માણેકને છૂટાછેડા આપીને પછી જ ભૈરવ સાથે લગ્ન કરવા માટે આગળ વધવું જોઈએ. માણેક સાથે છૂટાછેડા લેવાની બાબતમાં તમારી દીકરીનો પ્રશ્ન આવશે. ભૈરવ જો તમારી દીકરીની જવાબદારી લેવા તૈયાર છે કે નહીં, એ તમારે સ્પષ્ટતા કરી લેવી જોઈએ. માણેક સાથે છૂટાછેડા લેવાનું મનોમન નક્કી કરો પછી તમારે પહેલું કામ તમારાં મમ્મી-પપ્પાને આ સમગ્ર ઘટનાક્રમ અંગે જણાવવું જરૂરી છે. માણેકના ત્રાસ બાબતે તમારાં મમ્મી-પપ્પાનું વલણ કેવું છે, એ અંગે તમે પત્રમાં લખ્યું નથી, પણ તમારે માણેકના ત્રાસની વાતથી તેમને વાકેફ કરીને છૂટાછેડા લેવાના નિર્ણય બાબતે વિશ્વાસમાં લેવા અત્યંત જરૂરી છે.

Comments