હોટલની એ દરેક રાત તેમના માટે સુહાગરાત બની જતી..

કેયૂરી અમદાવાદની એક કોલેજમાં આઈટીનો અભ્યાસ કરતી હતી. તે દરમિયાન ફેસબુક પર મેડિકલનો અભ્યાસ કરતા પ્રતીક સાથે તેની ફ્રેન્ડશિપ થઈ હતી. પ્રતીક મૂળ તો રાજસ્થાનનો હતો, પરંતુ અમદાવાદમાં રહીને તે મેડિકલનો અભ્યાસ કરતો હતો. ચેટિંગ દરમિયાન બંનેને એવું લાગ્યું કે તેમના વિચારો ખૂબ મળતા આવે છે, તેથી બંને જણે એક દિવસ મળવાનું નક્કી કર્યું.
નક્કી કરેલા સ્થળે પ્રતીક પહોંચી ગયો. તે મજબૂત કદ-કાઠીનો અને દેખાવડો હતો. એક
બાંકડા પર બેસીને તે કેયૂરીની રાહ જોવા લાગ્યો. થોડી વાર પછી અવાજ આવ્યો, 'હેલો પ્રતીક.' પ્રતીકે મોં ઊંચું કરીને સામે જોયું તો જોતો જ રહી ગયો. કેયૂરી પરી જેવી સુંદર લાગતી હતી. પ્રતીકે કેયૂરી સાથે હાથ મિલાવ્યો ત્યારબાદ બંને ચાલતાં-ચાલતાં વાતો કરવા લાગ્યાં. ધીરે-ધીરે મુલાકાતોનો ક્રમ વધતો ગયો. તેઓ હવે ગાર્ડન, કોફી શોપ, મલ્ટિપ્લેક્ષ અને રેસ્ટોરાંમાં મળતાં. જ્યારે જ્યારે તેઓ મળે ત્યારે બંનેનાં દિલમાં એક અજીબ અહેસાસ થતો. આખરે એક દિવસ પ્રતીકે કેયૂરીને પ્રપોઝ કર્યું. કેયૂરીએ હામાં માથું ધુણાવતાં તેની ખુશીનો પાર ન રહ્યો. બંને જણે લગ્ન કરવાનું નક્કી કર્યું.
જોકે તેમને એક પ્રશ્ન સતાવતો હતો. બંનેની કાસ્ટ, પ્રદેશ, રહેણીકરણી, રીત-રિવાજ અને કલ્ચર ખૂબ જ અલગ હતાં. તેમને એવું લાગતું હતું કે પરિવારના લોકો આ લગ્ન માટે ક્યારેય રાજી નહીં થાય, તેથી તેમણે કોઈને ખબર ન પડે તે રીતે કોર્ટમેરેજ કરી લીધાં. કોઈ બહાનું કાઢીને તેઓ બે-ચાર દિવસ સાથે ફરવા જતાં અને હોટલમાં રોકાતાં. હોટલની એ દરેક રાત તેમના માટે સુહાગરાત બની જતી અને આ જ તેમનું લગ્નજીવન હતું.
આ રીતે બે વર્ષ વીતી ગયાં. પ્રતીકને પ્રેક્ટિસ માટે એક નાનકડા ગામમાં જવાનું થયું. જ્યારે કેયૂરીને બેંગાલુરુની આઈટી કંપનીમાં નોકરી મળી અને તે બેંગાલુરુ પહોંચી ગઈ.
હવે તો તેમનું મળવાનું પણ લગભગ બંધ થઈ ગયું. કેયૂરીના સ્ટાફના લોકો સ્ટાફ નહીં, પણ એક પરિવારની જેમ રહેતા. એક વાર એક પાર્ટીમાં પ્રતીકનો એક મિત્ર રાહુલ કેયૂરીને છોકરાઓ સાથે વાતચીત કરતા જોઈ ગયો. તેણે પ્રતીકને ફોન કરીને બધું જણાવ્યું.
એક દિવસ ઘરનો ડોર બેલ વાગતાં કેયૂરી દરવાજો ખોલે છે તો સામે પ્રતીક હોય છે. તે પ્રતીકના અચાનક આમ આવવાથી ચોંકી જાય છે અને ખૂબ જ ખુશ પણ થાય છે. જોકે પ્રતીકના ચહેરા પર કોઈ ખુશી નહોતી. તે ગુસ્સાથી લાલઘૂમ હતો. તે પૂછવા લાગ્યો મોડી રાત સુધી તે ઘરની બહાર છોકરાઓ સાથે શું કરતી હતી? કેયૂરી કંઈ કહે તે પહેલાં જ તેણે બે તમાચા લગાવી દીધા અને ઢોર માર માર્યો. થોડી વાર પછી પસ્તાવા સાથે પ્રેમ પણ કરવા લાગ્યો. કેયૂરીને ખબર પડી ગઈ કે પ્રતીક તેના પર શંકા કરી રહ્યો છે. પ્રતીકે બે-ત્રણ દિવસ પ્રેમથી વીતાવ્યા અને પરત ફર્યો. તેણે કેયૂરી પર કોઈની સાથે ફોન પર વાત નહીં કરવાની, ફેસબુક ઓપન નહીં કરવાનું, બહાર નહીં જવાનું વગેરે અનેક પ્રકારના નિયમો લાદી દીધા. જ્યારે જ્યારે પણ કેયૂરી આ નિયમોનો ભંગ કરતી ત્યારે ત્યારે આવીને પ્રતીક તેની સાથે મારઝૂડ અને જાનવરો જેવું વર્તન કરતો. આ રીતે દોઢ વર્ષ વીતી ગયું. કેયૂરીની સહનશીલતાની હદ આવી ગઈ હતી. તેણે પ્રતીકને ડિવોર્સ આપવા કહ્યું, પરંતુ તે ડિવોર્સ આપવા તૈયાર નહોતો. કેયૂરીને પોતે બહુ મોટી મુસીબતમાં ફસાયાનો અહેસાસ થઈ રહ્યો હતો. કેયૂરીએ ઓફિસમાં સાથે કામ કરતી એક ફ્રેન્ડને બધી જ વાત કરી. તેણે સલાહ આપી કે તું તારાં માતા-પિતાને બધી જ વાત કર. તે તને જરૂર મદદ કરશે. કેયૂરીએ અમદાવાદ આવીને તેનાં માતા-પિતાને સઘળી હકીકત જણાવી. તેમણે પ્રતીક ઉપર કેસ કર્યો અને પ્રતીકની ચુંગાલમાંથી છોડાવી.
 

Comments