લંડન ની એક ઉદ્યોગપતિઓની કોન્ફરન્સ માટે એર ફ્રાંસ ના બીઝનેસ ક્લાસ મા મુસાફરી કરતા કરતા મારા ભાવી સ્વપ્ના વિષે વિચારતો હતો. આજુબાજુ મુસાફરો બેઠા હતા. કુટુંબ સાથે, એકલા , જુવાન, વૃદ્ધ અને બધાજ ઉંચી કક્ષા ના લોકો હતા. આ લોકો અંદર થી ભલે કાળા હોય, પણ દેખાવ, રીતભાત , એટીકેટ વી મા જરા પણ કહેવાપણું હોય નહી. હસતા હસતા વાત કરતા હોય પણ મનમાં તો હળાહળ વિષ ભરેલું હોય. આ બધાથી જુદી એક યુવતી હતી . સુંદર, લગભગ ત્રીસીના ઉમરની, અને હસમુખો ચહેરો. એણે એર હોસ્ટેસ ને કોઈ કામ માટે બોલાવી પણ તેની સાથે પણ અત્યંત સૌજન્ય શીલ વ્યવહાર કર્યો. એર હોસ્ટેસે પણ એને અભિનંદન આપતા કહ્યું, “ મેડમ, તમારી જેવી સુંદર યુવતી આટલો સુંદર વ્યવહાર કરે એવું મેં બહુ અનુભવ્યું નથી. “ વીન્ડચાઈમ જયારે હલકા પવનમાં મધુર રણકાર કરે ત્યારે જેવો મીઠો લાગે તેવા સ્વરમાં પેલીએ પણ સામે આભાર ની લાગણી વ્યક્ત કરી. અને એના મધુરા હાસ્ય થી એની નજાકત ઔર ખીલી ઉઠી. એના લગ્ન થયા હશે કે નહી તે જાણવાનું કોઈ સાધન નહોતું પણ થયા હોય તો એનો પતિ ખરેખર ભાગ્યશાળી કહેવાય. જોકે જેને વિષકન્યા કહીએ એવી યુવતી ઓ પણ આવીજ હોય છે. અત્યંત સુંદર અને હળાહળ ઝેર થી ભરેલી. એક ડંખ વાગે તો પેલો પાણી પીવા પણ જીવતો ના રહે.
અમારે દુબઈ થી પ્લેન બદલવાનું હતું, ત્યાં જાહેરાત થઇ કે અમને દુબઈ થી લંડન લઇ જનાર પ્લેન મા કોઈ ગડબડ ને કારણે અમારે એક રાત દુબઈ રહેવાનું થશે. આવે વખતે એર લાઈન સારામાં સારી હોટલ મા ઉતારો આપે અને ફરિયાદ નુ કોઈ કારણ રાખે નહી. દુબઈમાં હજુ તો સાંજ નો સમય હતો એટલે એ લોકોએ અમારી સિટી ટુરની વ્યવસ્થા ગોઠવી હતી. અમને બસમાંથી નીચે ઉતરવાની મનાઈ હતી કારણકે અમારી પાસે દુબઈ નો વિસા નહોતો. બસ મા બેસતી વખતે હું બેઠો તેની બાજુમાં જ તે બેસી ગઈ. એક સુંદર યુવતી બાજુમાં બેસે તે કોણે ના ગમે ?
મેં અને એણે પરસ્પર અભિવાદન કર્યું. અને મેં એને મારું કાર્ડ આપ્યું. મારા કાર્ડ અને મારી પોઝીશન નો એને પણ ખ્યાલ આવ્યો, અને એક જ ક્ષણ માં એ સમજી ગઈ કે હું પણ અત્યંત આદરપાત્ર વ્યક્તિ છું.
મેં મારો પરીચય આપ્યો. તુષાર શુક્લ . કોમ્પુટર સોફ્ટવેર ની મારી કંપની ની શાખ ઘણી ઉંચી હતી અને એણે આ નામ પણ સાંભળ્યું હતું. મને સંતોષ અને આનંદ થયો. આવી તો કેટલીયે યુવતીઓ હશે જે મારા વિષે જાણતી હશે. એણે એનો પરિચય આપ્યો.અને એનું કાર્ડ આપ્યું. એનું નામ શુભાંગી. ડાન્સ કોરીઓગ્રાફર તરીકે એણે પણ સારું નામ કાઢ્યું હતું.” કદાચ તમે આ નામ સાંભળ્યું હશે .” મેં નીરસ જવાબ આપ્યો. “ હું અરસિક માણસ છું. ફિલ્મોનો મને શોખ નથી એટલે સાધારણ નામ જાણું છું પણ વિશેષ માહિતી નથી “ લગ્ન કરવાની ઉતાવળ નહોતી અને પિતાજી જમીન જાયદાદ ના સ્વરૂપે અઢળક સંપત્તિ છોડી ગયા હોવાથી પૈસાની એને કોઈ ખોટ નહોતી. એથી વારંવાર દુનિયા ના જુદા જુદા પ્રદેશો ની મુલાકત લેવાના શોખને કારણે દુનિયાના ઘણા પ્રદેશો ની મુલાકાત તે લઇ ચુકી હતી. સ્વાભાવિક પણે તે કોઈ સસ્તી યુવતી નહોતી. પરંતુ કદાચ એ શક્ય હતું કે આવી યુવતીઓ મોટા સરકારી અધિકારીઓ અથવા પ્રધાનોને રાજી કરીને પોતાનું કામ કઢાવી લેતી હોય. ભારતીય ફિલ્મો, ભારતનું રાજકારણ, વિમ્બલ્ડન ના ખેલાડીઓ એમ જાત જાત ના વિષયો પર તે સારી માહિતી ધરાવતી હતી. મંજુલ સ્વર, નિખાલસ વિચારો, ગંભીરતા વી ને કારણે અને કોઈ અંગત માહિતી ની આપલે ન કરવા છતાં અમે સારી મિત્રાચારી કેળવી શક્યા. ટુર પૂરી થઇ અને હોટલ પર પાછા આવ્યા . બંનેને અલગ અલગ રૂમ આપવામાં આવ્યા હતા એટલે ફ્રેશ થઈને સાથે જમવા માટે નવ વાગે મળવાનું નક્કી કર્યું. નવ વાગે હું મારા કેસ્ઝુયલ ડ્રેસ માં હતો અને એપણ આકર્ષક કપડા માં રાતની ઝાકઝમાળ રોશનીમાં વધારે સુંદર લગતી હતી. સ્ટાર્ટરતરકે મેં ફ્રેશ જ્યુસ નુ કોકટેલ પસંદ કર્યું જયારે એણે ચીલ્ડ બીયર પસંદ કર્યું. મને નવાઈ ના લાગી . આટલી મોડર્ન યુવતી માટે તે સહજ હતું. એણે મને પૂછ્યું “ નો વાઈન ? બીયર મા તો ફક્ત ૩ થી ૪ ટકા જ આલ્કોહોલ હોય છે, એના કરતા તો દ્રાક્ષાસવ મા વધારે હોય છે. “ મેં કહ્યું “ ના , હું લેતો નથી “ એણે હસતા હસતા કહ્યું “ અને બીજો W ? “ હું આવી મુસાફરીમાં બીજી સ્ત્રીનો સાથ શોધું છું કે કેમ તે ઈશારો સમજતા મને વાર ના લાગી. મેં પણ હસતા હસતા કહ્યું “મને સ્ત્રીઓ પાછળ પૈસા બગાડવાનો શોખ નથી. “ એણે કહ્યું “ surprising, કઈ દુનિયા માં જીવો છો ? “ મેં ખભા ઉલાળ્યા. “ જે માનવું હોય તે. “ થોડી વારે એણે પૂછ્યું “ અને પૈસા ખર્ચ્યા વગર મળે તો ?” આ આમત્રણ હતું ? હું એના સામું જોઈ રહ્યો. એ પણ મીઠું હસતા મારી સામે જોઈ રહી હતી. મેં ગોળ ગોળ જવાબ આપ્યો “ well , depends “ એણે સામું પૂછ્યું “ on what ? ” મેં ખાલી મજાક માટે કહ્યું “ સામે કોણ છે એના ઉપર આધાર રાખે છે. “ એણે કહ્યું “ મારા જેવી હોય તો ? “ મેં ફરી મજાક કરી. “ તમારા જેવી હોય તો જુદી વાત છે, તમે હોવ તો જુદી વાત છે. “ એણે સીધીજ ઓફર કરી “ ચાલો આજની રાત એક બીજાને કંપની આપીએ. “ મજાકમાં કરેલી વાત ની ગાડી જુદા પાટે જઇ રહી હતી. એ પણ મજાક કરતી હતી ? સ્ત્રીને ઓળખવી ઘણી મુશ્કેલ હોય છે. હું એનો તાગ પામવા મથી રહયો હતો અને એની સામે જોઈ રહ્યો. મેં કહ્યું “ મારી પત્નીને હું પ્રેમ કરું છું અને તમારી આ મજાક છે એમ માનું છું.” એણે કહ્યું “ ના, I mean it . મને તમારી કંપની ગમશે. થોડો વખત આપણે એકબીજાને કંપની આપીએ તેમાં શું ખોટું છે ? “મારા મનમાં યુદ્ધ ચાલુ થયું. એક બાજુ પત્નીનો દ્રોહ કરતા મન ડંખી રહ્યું હતું, બીજી તરફ આટલી સુંદર યુવતી નો સાથ થોડા વખત પુરતો શું ખોટો ? એમ પણ વિચારો આવતા. એણે આગળ કહ્યું “ મને ઘણી આવી ઓફરો થઇ ચુકી છે પણ એવા પૈસાના પતંગીયા મા મને રસ નથી. મને વાતોમા મઝા આવી અને તમારી સાથે વધારે આનંદ મળશે તેની ખાત્રી છે. “
મેં કહ્યું “ પૈસા વચ્ચે નહી આવવા જોઈએ. અને કાલે એક બીજાને ઓળખતા નથી તેમ આ ભૂલી જવાનું. હું પરિણીત છું, બે સંતાનો નો પિતા છું અને મારી પત્ની જોડે મને કોઈ તકલીફ નથી. હું એને અત્યંત પ્રેમ કરું છું અને કોઈ પણ ભોગે અમારા સંબંધો બગડે એવું કઈ પણ કરવાની અને તેથી કોઈ કાયમી સંબંધ રાખવાની મને કોઈ ઈચ્છા નથી. “ “ o.k. “ એણે મરક મરક હસતા સંમતિ આપી. એના આ ગુઢ સ્મિતે મને ચેતવ્યો “ તું કળણમાં પગ મૂકી રહ્યો છે “ પણ મને થયું વધારે કાળજી રાખવી પડશે, બાકી બહુ વાંધો નહી આવે .ઉપરાંત એક નવો રોમાંચક અનુભવ મેળવવાની લાલચ પણ મને ઘેરી વળી હતી. .
“ કહેવાનું સહેલું છે પણ એક રાત સાથે વિતાવ્યા પછી ભૂલવાનું અઘરું છે. “ મેં કહ્યું . “ મારે માટે નહી, મારા ક્ષેત્રની ઘણી યુવતીઓને, કપડા પરની ધૂળ ખંખેરે તેમ પુરુષોને ખંખેરી નાખતી સ્ત્રીઓ મેં જોઈ છે એટલે માનું છું કે તે બહુ મુશ્કેલ નહી હોય. “ એણે કહ્યું. એ આવા અનુભવો માંથી પસાર થઇ ચુકી હશે એમ તો લાગવા માંડ્યું હતું. પણ મારો એ ભ્રમ તોડતા એણે તરત કહ્યું “ એમ ના માનશો કે હું આવી રીતે ટેવાયેલી છું પણ મને લાગે છે કે એટલી ટૂંકી ઓળખાણ આપણને બાંધી રાખવા પુરતી નથી. “ મેં કહ્યું “ આ મારો પહેલો અનુભવ છે એટલે હું જાણતો નથી. “
એણે કહ્યું , “ મારે માટે પણ આ પહેલો અનુભવ છે. “ . .અને ડીનર પુરુ કરીને રૂમ તરફ જતા મેં પછ્યું “ કોની રુમ , મારી કે તમારી ? “ એણે કહ્યું શો ફરક પડે છે ? અને પછી એનું મરક મરક સ્મિત યાદ આવ્યું એટલે વધારે સાવધાન થવા માટે મેં મારી રૂમ નક્કી કરી. એની રૂમ માં એણે છુપો કેમેરા ગોઠવ્યો હોય તો મને બ્લેકમેલ કરી શકે. અને બ્લેકમેલ ના શીકાર થવાની મારી તૈયારી નહોતી.
ફાઈવ સ્ટાર હોટલનો એરકન્ડીશન રૂમ, હળવું સંગીત અમને એક જુદી જ દુનિયાની સફરમાં લઇ જઇ રહ્યા હતા. અને અમે રૂમ માં ગોઠવાયા. લાઈટ બંધ થઇ અને અમારો એક રાત નો રોમાંચક સાથ શરુ થયો. શુભાંગી ની નૃત્ય કળા જાણે સોળે કળાએ ખીલી ઉઠી હતી. એનો મુલાયમ, ભાવનાત્મક સ્પર્શ મને અદભૂત સુખની અનુભૂતિ કરાવી રહ્યો હતો. અને એણે મારા પર સંપૂર્ણ આધિપત્ય સ્થાપી દીધું હતું. સવારે, મધુર ઉષ્મા ભર્યા ચુંબનોની વર્ષાએ મારી ઉંઘ ઉડાડી ત્યારે સાત વાગ્યા હતા. એણે મને આનંદથી કહ્યું “ ખુબજ સુંદર રાત ગઇ , ભૂલવાનું મુશ્કેલ છે.” જો કે મારા પણ એવા જ હાલ હતા. આ યુવતીને ભૂલવાનું અત્યંત મુશ્કેલ તો હતું જ પણ કોઈ પણ ભોગે આ બનાવ મારે યાદ રાખવો નહોતો. હું ગભરાયો , આ તો મુશ્કેલી . મેં ત્વરિત સ્વર માં કહ્યું “ પણ આપણે નક્કી કર્યું હતું કે સવારે આપણે ભૂલી જવાનું અને બંને એ પોતપોતાના રસ્તે જવાનું.” એણે હસતા હસતા કહ્યું “ મેં મુશ્કેલ કહ્યું છે , અશક્ય કહ્યું નથી. “ મારો ગભરાટ ઓછો થયો. મને જાત જાત ના વિચારો એક ક્ષણ માં આવી ગયા.એણે છુપા કેમેરામાં અમારી અંગત પળો ના ફોટા પાડયા હશે તો ? અમારો સંવાદ ટેપ કર્યો હશે તો ? એની ખાત્રી કરવા મેં એને ઉંધી રીતે પૂછ્યું, “ગભરાશો નહી , મેં તમારા ફોટા પાડ્યા નથી. “ એણે કહ્યું “ શું હું એટલી બોરિંગ છું કે તમે મારી કોઈ યાદ પાસે ના રાખો ? “ મેં કહ્યું , “ મારા લગ્ન ના થયા હોત તો મેં તમને મારી જીવન સાથી તરીકે પસંદ કર્યા હોત,. તમે અદભૂત છો. પણ લગ્ન જીવન માં ભંગાણ થાય એવી મારી જરા પણ ઈચ્છા નથી. ”
એણે પર્સ માંથી એક ફોટો કાઢ્યો. તે મારો અને મારી બાજુમાં મારી પત્નીનો ફોટો હતો. “ તમારો જ છે ને ? “ લગભગ ચીસ પાડવા જેવા અવાજમાં મેં કહ્યું “ આ ફોટો તારી પાસે ક્યાંથી ? તું મારી પત્નીને ઓળખે છે ? “ એણે કહ્યું “ મોટા ભાગ ની સ્ત્રીઓ પોતાના પતિ પર શંકા કરતી જ રહે છે. પતિ ગમે એટલો સારો હોય , એને અસુરક્ષા લાગ્યા જ કરતી હોય છે. તમારી પત્ની પણ એમાં અપવાદ નથી . એણે જ મને આ કામ સોંપ્યું છે , એ જાણવા માટે કે તમે કેવા ચરિત્ર ના છો.” પણ આપણે તો અનાયાસે દુબઈ…. “ અને મારી વાત અર્ધેથી કાપીને એણે કહ્યું, “ મૂળ તો આ લંડન નુ પ્લાનીગ હતું . તમારો રૂમ ૧૦૦૭ હોટલ લોર્ડ્સ , બરાબર ? , મારો એજ હોટેલ રૂમ ૧૦૦૮ . “ આ જવાબે મને વિચાર કરતો કરી દીધો. “ આ બાઈ શું રીપોર્ટ આપશે ? એ મને બ્લેક મેલ કરી રહી હતી ? પૈસા વગર આ બાઈ મારી સાથે આવી કારણકે એને ખાત્રી હતી કે તે હવે ધારે તો સારી રીતે ખંખેરી શકે એમ હતી ,અને ધારે તો જાણે કઈ બન્યું જ નથી એમ પણ રીપોર્ટ આપી શકે એમ હતી. “ લગભગ ૧૦ - ૧૫ મીનીટ વિચારોમાં ખોવાયેલો રહયો. હું શિકાર થઇ ચુક્યો હતો . મેં સીધું જ પૂછ્યું “ કેટલા પૈસા જોઈએ ? “ એણે કહ્યું “ શેને માટે ? “મેં કહ્યું “ આજના આ આનંદની મારે કૈક તો કિંમત ચુકાવવી જોઈએ ને ? “ એ ગુસ્સે થઇ ગઈ , ગૌર વર્ણ ની એની કાયા ગુસ્સાથી લાલ થઇ ગઈ હતી . એણે કહ્યું “ એ મીસ્ટર, હું કોલ ગર્લ નથી . “ એટલે એનો ગુસ્સો ઠંડો કરવા મે કહ્યું “ ખાલી મજાક કરું છું . પણ તારા રીપોર્ટ ની તો કિંમત મારે ચુકાવવી જોઈએ ને ? “ એણે ફરી મરક મરક હસતા હસતા કહ્યું , “ શું કિંમત આપશો ? “ હું થોથવાયો , મારી પાસે કોઈ શબ્દો નહોતા. “ હું જાણતો નથી “ પણ મારી ઉત્કંઠા અને અધીરાઈ વધી ગયા હતા. આ બાઈએ મને ચેકમેટ કરી દીધો હતો. “ હવે કહે તો ખરી, શું રીપોર્ટ આપીશ ? “ એણે ફરી એજ મરક મરક હસતા કહ્યું “ મેં તમને પ્રોમીસ આપ્યું હતું કે પૈસા વચ્ચે નહી આવે એટલે તેનો સવાલ નથી. મારી પાસે પુરતા છે, અને એ પણ પ્રોમીસ આપ્યું હતું કે રાત પૂરી થાય એટલે આપણે એક બીજાને ભૂલી જવાનું . મને હતું કે મારા માટે એ મુશ્કેલ નહી હોય. પણ મારી ધારણા ખોટી હતી. હું તમને નહી ભૂલી શકું. સ્ત્રી એક વાર કોઈને દિલથી પસંદ કરે , સર્વસ્વ અર્પણ કરે પછી એને ભૂલી નથી શકતી, હું પણ એમાં અપવાદ નથી. તમારી પાસે બે રસ્તા છે . એક તમે મને ભૂલી જાઓ, તો હું સાચો રીપોર્ટ આપીશ, બીજો, “ ફરી એજ મરક મરક સ્મિત સાથે થોડી વાર મારી સામે જોઈ રહ્યા પછી કહ્યું “ તમે મને ખાત્રી આપો કે હવે પછી મને મળતા રહેશો , તો હું ખોટો રીપોર્ટ આપીશ. શું રીપોર્ટ આપવો તે તમારે નક્કી કરવાનું . અમે બંને અનિમેષ નજરે એક બીજા સામે જોઈ રહ્યા હતા. .એના મોઢા પર વિજેતાનું સ્મિત હતું.
Comments
Post a Comment
Thanx For Comment