એ મને બહુ પ્રેમ કરે છે, પણ..


સોક્રેટિસજી,
હું સુરતમાં રહું છું. મેં બી.કોમ. સુધીનો અભ્યાસ કરેલો છે. મારે પહેલેથી છોકરીઓ સાથે બહુ ઓછા સંબંધો રહ્યા છે. એક-બે છોકરીઓ સાથે મારે મિત્રતા હતી, પણ મિત્રતાથી વિશેષ કંઈ નહીં. થોડાં વર્ષો પહેલાં ઝીલ મારી જિંદગીમાં આવી. પહેલાં તો અમે માત્ર મિત્ર જ હતાં. તેને પ્રેમ કરવાનો કે આગળ કંઈ મારો ઇરાદો નહોતો, પણ અમારી મિત્રતા ક્યારે પ્રેમમાં પલટાઈ ગઈ તેનો ખ્યાલ ન રહ્યો. એક દિવસ મેં જ સામેથી પ્રપોઝ કર્યું, પણ તેણે સીધી ના જ પાડી દીધી. તેણે કંઈક આવાં કારણો આપ્યાં,
૧. હું તને ફ્રેન્ડ જ માનું છું.
૨. હું કોમ્પ્રોમાઇઝ કરીને જીવનમાં આગળ વધવા નથી માગતી.
૩. આપણી કાસ્ટ જુદી છે.
૪. રીત-રિવાજ-સમાજ અલગ છે.
૫. ભવિષ્યમાં તું કાયમ મને જ સપોર્ટ કરીશ?
૬. તમે જે વિસ્તારમાં રહો છો, એ મને પસંદ નથી.
ઝીલે કહ્યું કે આટલા બધા નેગેટિવ પોઇન્ટ્સ છે ત્યારે આપણાં લગ્ન પોસિબલ નથી. જોકે, એ પછી પણ અમારી મૈત્રી બરકરાર રહી. હું ઝીલને કાયમ સમજદાર અને મેચ્યોર છોકરી ગણતો રહ્યો છું.
આ ઘટના પછી ઝીલે પોતાની રીતે લગ્ન માટે છોકરાઓ પણ જોયા. મેં તો તેની સાથે પ્રેમ કે લગ્નનો વિચાર માંડી વાળ્યો હતો,પણ થોડા મહિનાઓ પછી ઝીલે સામેથી મારો પ્રેમ સ્વીકારી લીધો. મને મારો પ્રેમ મળ્યો એ મારી જિંદગીનો બેસ્ટ દિવસ હતો.
ઝીલની મોટી બહેને લવમેરેજ કરેલાં હોવાથી તેના ઘરેથી અમારાં લગ્નનો વિરોધ નહોતો. મારા ઘરે મેં વાત કરી ત્યારે જુદી કાસ્ટને કારણે થોડો વિરોધ થયો, પણ મારા સુખ ખાતર તેમણે નમતું જોખ્યું. મારી મમ્મી ઝીલનાં મમ્મી-પપ્પાને મળવા તૈયાર થયાં. એ લોકો મળ્યાં પછી મારી મમ્મીએ તેમને કહ્યું કે અમને વાંધો નથી, પણ અમારે જેઠ-જેઠાણી અને સસરાને પૂછીને પછી નિર્ણય લેવાય. મારા ફેમિલીમાંથી કોઈએ વિરોધ ન કર્યો. મારા મિત્રોને પણ આ બાબતની જાણ થઈ ગઈ.
સમસ્યા એ છે કે ઝીલ અને એની મમ્મી હવે અમે રહીએ છીએ એ વિસ્તારનો ઇશ્યૂ બનાવે છે. હકીકત એ છે કે એ લોકો પાસે તો પોતાની માલિકીનું ઘર નથી, ભાડાના મકાનમાં રહે છે, જ્યારે અમારે તો ઘરનું ઘર છે, છતાં તે આ મુદ્દો જ આગળ ધરે છે. અમારા સમાજમાં તો રીત-રિવાજ બહુ આકરા હોય છે, છતાં મારી ખુશી ખાતર મમ્મી એ બધા મુદ્દે સમાધાન કરવા તૈયાર છે. આખરે મેં ઝીલનાં મમ્મીને હાલ સમજાવ્યાં છે કે અમે ટૂંક સમયમાં સારા વિસ્તારમાં ઘર લેવાના જ છીએ. તેઓ સમજી પણ ગયાં છે.
હવે બીજો મુદ્દો એ છે કે ઝીલની મમ્મીને કોઈ મોટી બીમારી છે. તેની મમ્મીને કોઈ વંશાનુગત બીમારી હોય તો મારે શું નિર્ણય કરવો જોઈએ? વળી, થોડા દિવસો પહેલાં ઝીલે મારી કંઈક વાત તેની મમ્મીને કરી તો તેઓ બીમાર પડી ગયાં. હવે ઝીલ કહે છે કે તે મારી સાથે કોઈ સંબંધ રાખવા માગતી નથી. ઝીલ કહે છે કે તે તેના ફેમિલીની વિરુદ્ધ જઈને તારી સાથે સંબંધ રાખશે નહીં. હું પણ માનું છું કે ફેમિલીની વિરુદ્ધ જઈને કશું કરવું નથી.
પણ, ઝીલે હવે મને મળવાનું બંધ કરી દીધું છે. તે નથી મારા ફોન પિક-અપ કરતી કે નથી એસએમએસ કે ઈ-મેલના રિપ્લાય આપતી. મેં તેનું ઘર જોયું છે અને તે નોકરી કરે છે એ ઓફિસ પણ જોઈ છે, પણ હું તેને રૂબરૂ મળવા જઈ શકું એમ નથી, કારણ કે તેની મમ્મીને કંઈ થઈ જાય તો... એટલે હું જવાબદાર બનવા માગતો નથી. એની ના સાંભળ્યા પછી મારી હાલત ખરાબ થઈ ગઈ છે. હું જાણું છું કે ઝીલ પણ મને બહુ પ્રેમ કરે છે. હું અત્યારે અમારા પ્રેમની વાતો વાગોળ્યા કરું છું.
હું પહેલી વાર કોઈ છોકરી સાથે મૂવિ જોવા ગયો હોઉં તો તેની સાથે,
હું પહેલી જ વાર કોઈ છોકરી સાથે ગાર્ડનમાં ગયો હોઉં તો તેની સાથે,
હું પહેલી વાર કોઈ છોકરી સાથે મંદિર ગયો હોઉં તો તેની સાથે,
હું પહેલી વાર કોઈ છોકરીને હોસ્પિટલ લઈ ગયો હોઉં તો તેને લઈ ગયો હતો.
હું પહેલી વાર કોઈ છોકરીના પ્રેમમાં પડયો હોઉં તો તેની સાથે. હા, અમે શારીરિક મર્યાદા કદી ઓળંગી નથી.
હું ઇચ્છું છું કે ઝીલ મને મળે કે ન મળે, પણ તેની લાઇફમાં બહુ ખુશ રહે. હું જાણું છું કે તેની ખુશી મારી સાથે છે, પણ તે આ સંજોગોમાં કઈ રીતે શક્ય બનશે? મને કોઈ સારો ઉકેલ બતાવો કે જેથી અમારાં સૌનું ભલું થાય.       -લિ. પ્રીતેશ
પ્રિય પ્રીતેશ,
ઝીલે તમારી સાથે સંપર્ક-સંબંધ કાપી નાખ્યા છે ત્યારે તમને અકળામણ થતી હશે, એ સમજી શકાય છે. તમે બંને તમારા પરિવાર વિરુદ્ધ કોઈ પગલું ભરવા માગતાં નથી, એ નિર્ણય તમારી સમજદારી-મેચ્યોરિટી બતાવે છે. તમે જાણો છો કે ઝીલને પહેલેથી તમારી સાથે લગ્ન કરવા બાબતે ઘણા વાંધાઓ હતા. વચ્ચેના ગાળામાં તેને એવું હશે કે તમે જ પતિ તરીકે યોગ્ય છો,પણ હવે કદાચ તેનું મન ડગ્યું છે. તેને વાંધો તમારા રહેણાક વિસ્તાર સામે છે, જે દૂર થઈ શકે, પણ એ માટે તેણે અને તેના પરિવારે ધીરજ રાખવી પડે.
અલબત્ત, પ્રેમમાં કોઈ શરત હોય ત્યારે તે સહજતા ગુમાવી બેસે છે. ઝીલ અને તમે બન્ને એકબીજા સાથે જીવન વિતાવવા માગતાં હો તો માત્ર એકબીજા પ્રત્યેની લાગણીથી કામ નહીં ચાલે. તમારે એકબીજાની સ્થિતિ અને સંજોગોને પણ સમજવા અને સ્વીકારવા પડે. એ માટે તમારી તૈયારી ન હોય તો બહેતર છે કે તમે લગ્ન જેવા સંબંધ માટે આગળ ન વધો. કોઈ પણ કોમ્પ્રોમાઇઝ જ્યારે મનને મારીને કરવામાં આવે છે ત્યારે તે વહેલું કે મોડું અકળામણ પેદા કરે છે. જીવનમાં કોમ્પ્રોમાઇઝ કરવા જ પડે છે, પણ તે મન મારીને નહીં પણ મનને સમજાવીને કરવા જોઈએ.
ઝીલને એક વાર રૂબરૂ મળીને નિખાલસપણે બધા મુદ્દાની ચર્ચા કરી લો અને સાથે મળીને જ સમજપૂર્વક નિર્ણય કરો કે તમારે સાથે રહેવું છે કે અલગ. તમે મળીને વાત કરશો એટલે આપોઆપ બધા જવાબ મળી જશે અથવા તમે સાથે મળીને શોધી શકશો.

Comments