મારું અસત્ય બન્યું મારી ખુશીઓ આડેની અડચણ


મને યાદ છે કે ઋતાએ મને એક મેસેજ કર્યો હતો કે લગ્ન અત્યંત પવિત્ર સંબંધ છે, જે વિશ્વાસના આધારે ટકેલો હોય છે. મેં એ વિશ્વાસ ગુમાવી દીધો છે. હવે હું કયા મોઢે ઋતાને મળી શકું?
સોક્રેટિસજી,
હું ભાવનગર શહેરનો ૨૮ વર્ષનો યુવાન છું. હું વડોદરામાં બીકોમનો અભ્યાસ કરતો હતો, પરંતુ આર્થિક પરિસ્થિતિને કારણે મારે અભ્યાસ છોડીને નોકરી શરૂ કરવી પડી હતી. હું અત્યારે એક બીપીઓમાં નોકરી કરું છું. અમારા સંબંધીએ એક છોકરી બતાવી. એનું નામ ઋતા હતું. ઋતાએ એમએસસી કર્યું હતું અને નોકરી પણ કરતી હતી. તેના પપ્પા ડોક્ટર હતા. મને તે ગમી એટલે મેં હા પાડી દીધી, પણ મારી ભૂલ એ થઈ કે મેં એવું ખોટું કહ્યું કે હું સીએના ફાઇનલમાં છું. મારો ઇરાદો ખોટું બોલીને તેને પામવાનો નહોતો, મેં સીએ માટે પરીક્ષા તો આપી હતી અને તેનું પરિણામ પણ આવવાનું હતું.
મારી સગાઈ પાકી થઈ ગઈ પણ ઋતાને ખોટું કહ્યું હતું એ મને ખટકતું હતું. ઋતાનાં મમ્મી-પપ્પાએ અમારા પરિવાર માટે ડિનરનું આયોજન કર્યું હતું અને તેના બીજા જ દિવસે ઋતાનો બર્થ-ડે હતો. મારા આત્માએ કહ્યું કે ઋતાને તારે સત્ય કહેવું જ જોઈએ. મેં ડિનરના માત્ર ત્રણ કલાક પહેલાં તેને ફોન પર કહ્યું કે હું તો માત્ર એસવાય બીકોમ સુધી જ ભણ્યો છું. મેં ખોટું કહ્યું હતું. ઋતાએ તરત આ વાત તેના પપ્પાને કરી. ડિનર વગેરે તમામ કાર્યક્રમો કેન્સલ થઈ ગયા. ત્યાર પછી તરત મેં ઋતાને ઉજ્જ્વળ ભાવિ માટે મેસેજકર્યો. તેણે પણ સામે મને મેસેજ કર્યો.
થોડા દિવસ પછી ઋતાનાં મમ્મી-પપ્પા મારા પેલા સંબંધીને મળ્યાં અને પૂછયું કે છોકરો જે કહી રહ્યો છે એ સાચું છે? સંબંધીએ કહ્યું કે હા, એણે પણ મને પછી ફોન કરીને આ વાત કરી છે. આ સાંભળીને તેનાં મમ્મી-પપ્પા રડી પડયાં. તેમણે કહ્યું કે મારી દીકરીમાં એવી કઈ ખરાબ બાબત હતી કે મેં છેલ્લી ઘડીએ આવું કહ્યું અને સંબંધની ના પાડી દીધી. તે દિવસે ડિનર પર ઋતાનાં અંગત સગાં-સંબંધીઓ પણ આવવાનાં હતાં. સાવ છેલ્લે કાર્યક્રમ કેન્સલ રહેતાં તેમને પણ લોકોને જવાબ આપવામાં તકલીફ પડી હતી. ઋતા ખરેખર સારી છોકરી છે. મેં તેનું અને તેનાં મમ્મી-પપ્પાનું દિલ તોડી નાખ્યું હતું. હું તો માનું છું કે તેની સાથે જે લગ્ન કરશે એ બહુ સદ્ભાગી હશે.
મારો પ્રોબ્લેમ હવે એ છે કે મેં જ સંબંધ કાપી નાખ્યા પછી હવે હું ઋતા વિના જીવી નથી શકતો. મને અંદરથી બહુ ગિલ્ટી ફીલ થાય છે. મેં માત્ર ઋતાનાં મમ્મી-પપ્પા જ નહીં મારાં મમ્મી-પપ્પાને પણ બહુ દુઃખ પહોંચાડયું છે.
મને યાદ છે કે ઋતાએ મને એક મેસેજ કર્યો હતો કે લગ્ન અત્યંત પવિત્ર સંબંધ છે, જે વિશ્વાસના આધારે ટકેલો હોય છે. મેં એ વિશ્વાસ ગુમાવી દીધો છે. હવે હું કયા મોઢે ઋતાને મળી શકું? મેં ઋતાને ફોન કરીને ઘણી વાર સોરી કહ્યું છે. અનેક વાર સોરીના મેસેજ કર્યા છે. ઋતાની ઓફિસ મારા ઘરથી માત્ર બે કિમી જ છે. હું તેને રૂબરૂ મળીને સોરી કહેવા માગું છું, પણ હું જઈ શકતો નથી. વળી, હું મળવા ગયો હતો, એવું ઋતા તેનાં મમ્મી-પપ્પાને કહી દે તો તેમનું પણ ટેન્શન વધે ને કદાચ દીકરી હેરાન ન થાય એટલે તેની નોકરી પણ છોડાવી દે, એવા ડરને કારણે પણ તેને મળવાની તીવ્ર ઇચ્છાને દબાવી રાખું છું.
ઋતાના વિચાર આવે છે અને હું વ્યથિત થઈ જાઉં છું. હું તેના વિના નહીં જીવી શકું. મને લાગે છે કે મને તેના જેવી છોકરી નહીં મળે. મેં ઋતાને મેસેજ કર્યો હતો કે હું ત્રણ જ વર્ષમાં સીએ પૂરું કરી નાખીશ અને પછી આપણે લગ્ન કરીશું, પણ આજ સુધી તેનો કોઈ જવાબ નથી આવ્યો. હું જાણું છું કે ઋતાના પપ્પા ડોક્ટર છે, તેના કાકી ડોક્ટર છે, તેના બીજા કાકી પ્રિન્સિપાલ છે ત્યારે એ પરિવાર પોતાનો જમાઈ સારી ડિગ્રી ધરાવતો હોય એવી તો અપેક્ષા રાખતો જ હોય, એ સ્વાભાવિક છે. ઋતાનાં મમ્મી-પપ્પાએ અમારી નબળી આર્થિક સ્થિતિ અને મારું પોતાનું ઘર ન હોવા છતાં તેમણે સંબંધ પાક્કો કર્યો હતો, ત્યારે મારે પણ કંઈક સમજવું જોઈએ, એવું મને હંમેશાં લાગતું રહ્યું છે. છોકરીનાં મમ્મી-પપ્પા તો ભગવાન જેવાં છે. આવા સારા લોકો સાથે મારાથી આવું કેમ થઈ ગયું, એનો પસ્તાવો મને સતત પીડી રહ્યો છે.
હવે મને થાય છે કે મારે ઋતા સાથે જ લગ્ન કરવાં છે, એ ના પાડે તો બીજી કોઈ સાથે નહીં. હું ઋતાને એક ક્ષણ માટે પણ ભુલાવી શકતો નથી. મને ઋતાની સ્માઇલ બહુ યાદ આવે છે. મને ક્યારેક એવો જ વિચાર આવે છે કે લોકો કેમ માત્ર ડિગ્રીને જ જોતા હોય છે અને માણસની કોઈ વેલ્યુ નહીં રાખતા હોય? ઋતા પણ મનોમન સમજતી હશે કે મારા જેવો યુવક તેને મળવો મુશ્કેલ છે, પણ તે એ વાત કરતી નથી. હા, તેણે છેલ્લે વાત કરી ત્યારે કહેલું કે તું એટલિસ્ટ ગ્રેજ્યુએટ તો હોવો જોઈએ... સોરી કહીને તેણે ફોન કાપી નાખેલો.
હવે મારે શું કરવું જોઈએ? ઋતા વાત કરવા તૈયાર નથી અને હું તેને યાદ કરી કરીને ઝૂરું છું. મને પસ્તાવાની પીડાને લીધે આપઘાતના વિચારો આવે છે કે રોજે રોજ મરવા કરતાં તો એક દિવસ મરી જવું સારું! સમસ્યા મારે કારણે જ પેદા થઈ છે અને મારે જ તેનો ઉકેલ લાવવો જોઈએ, પણ મને ઉકેલ સૂઝતો નથી. મદદ કરો, પ્લીઝ...-
લિ. ધ્રુવ
પ્રિય ધ્રુવ,
તમારી સમસ્યા વાંચતાં વાંચતાં કલાપીની પેલી, '... પથરો ફેંકતાં ફેંકી દીધો..'વાળી પંક્તિ યાદ આવી ગઈ. તમારાથી બોલાયેલું એક અસત્ય તમારી જિંદગીની તમામ ખુશીઓ સામે અડચણ બની બેઠું છે. આ અસત્ય તમે બદઇરાદાથી નહીં બોલ્યા હોય, પણ ઝેર તો આખરે ઝેર છે! સંબંધમાં સત્યની બહુ મોટી કિંમત હોય છે. સત્યની ધાતુથી જ વિશ્વાસનાં પૈડાં ઘડાતાં હોય છે અને એ પૈડાં પર જ સંસારનો રથ ચાલતો હોય છે. અસત્યથી શરૂ થયેલો કોઈ સંબંધ કે પ્રયાસ ક્યારેય સફળતાને પામતો નથી. અલબત્ત,તમને સાચા હ્ય્દયથી પસ્તાવો થઈ રહ્યો છે. કહેવાય છે કે પસ્તાવાનાં ઝરણાંમાં જે નહાય છે, તેનાં પાપ ધોવાઈ જાય છે. તમે ખોટું બોલ્યા પણ તમને એ ખટક્યું અને તમે ઋતાને સાચી વાત જણાવી દીધી. સ્વાભાવિક છે કે તેનાથી ઋતા અને તેનાં મમ્મી-પપ્પાને તમારા પરનો વિશ્વાસ તૂટી ગયો છે.
તમે આ સમસ્યાના ઉકેલ માટે બે પ્લાન અજમાવી શકો છો. એક, તમારે ઋતાને મળવું જ જોઈએ. તેના માટે તમારે પહેલાં તો ઋતાને મુલાકાત માટે તૈયાર કરવી પડશે. તમારે એસએમએસ કે મેલ કરીને તમને થઈ રહેલા પસ્તાવાની અને ભૂલસુધારની વાત તેને ગળે ઉતારવી પડશે, કારણ કે તો જ એ મળવા તૈયાર થશે. ઋતા જો મળે તો સ્વસ્થ ચિત્તે, નિખાલસપણે તેની સાથે દિલ ખોલીને બધી વાત કરો. તેને સમજાવો કે તમે તમારો અભ્યાસ ફરી ચાલુ કરશો અને પ્રતિષ્ઠિત ડિગ્રી મેળવશો. ઋતા માની જશે તો તમારી ખુશીઓ પાછી ફરશે.
બીજો પ્લાન, ઋતા મળવાનો ઇન્કાર કરે અને તમારો સંબંધ ફરી જોડાય જ નહીં તો પછી તમારે તેને ભૂલવી જ પડશે. તમે ઘરનો આર્થિક આધાર છો ત્યારે આપઘાતનો વિચાર કરશો તો તમારાં મમ્મી-પપ્પાને દુઃખ તો પહોંચાડશો જ સાથે સાથે તેમનું ઘડપણ પણ બગાડશો, એટલે આપઘાતના વિચારને તિલાંજલિ આપી દો. ઋતા ન મળે તો પણ કરિયરને સમૃદ્ધ બનાવજો.

Comments