લોહીની સાચી સગાઈ..

મહેશની મૂંઝવણનો પાર નહતો.
રાત્રીના બાર થયા હતા પણ એની આંખમાં ઊંઘનું નામનિશાન ન હતું. માનો કે ઊંઘે રૂસણાં લઈ લીધા હતા.
પડખા ફેરવતાં મહેશને જોઈને સુમન પણ ઊંઘી શકી ન હતી. તે પડખું ફરીને નાઈટલેમ્પના પ્રકાશમાં દીવાલો પરથી ઊખડી ગયેલાં રંગના પોપડાને જોઈ રહી હતી. સુમનને એની માના શબ્દો યાદ આવ્યાં. મા મોડી રાત્રી સુધી જાગતી ત્યારે એના પડખામાં સૂતેલી સુમન અચાનક જાગીને પૂછતી,'મા કેમ જાગે છે ? કંઈ થાય છે ?' ત્યારે મા એને જવાબ આપતી 'સુમન' પરણાવવા લાયક થયેલી દીકરીની માને ઊંઘ નસીબ હોતી નથી. એને દરેક ક્ષણે દીકરીના હાથ પીળાં કરવાની ચિંતા સતાવતી રહેતી હોય છે.
સુમનને ત્યારે મા એ કહેલી આ વાત બરાબર સમજાણી ન હતી પણ આજે જ્યારે એની મોટી દીકરી મનિષાની સગાઈની વાતચીત ચાલતી હતી ત્યારે બરાબર સમજાણી હતી.
મહેશના મનમાં પણ આ જ વિચારો ચાલતાં હતાં. બે-ત્રણ છોકરાઓ આવીને મનિષાને જોઈ ગયા હતા. વડીલો સાથે વેવિશાળ અંગેની વાત પણ થઈ હતી પણ હજી સુધી કોઈના તરફથી 'હા'નો જવાબ આવ્યો ન હતો.
સુમને પથારીમાં બેઠાં થઈને મહેશના વાળમાં આંગળાં ફેરવતાં કહ્યું 'રાત ઘણી વીતી ગઈ છે. કાલે ઓફિસે પણ જવાનું છે ને...?બધી ચિંતા કોરાણે મૂકીને ઊંઘી જાવ. મારે પણ વહેલા ઊઠવાનું છે.'
સુમનની વાત મહેશને યોગ્ય લાગી. એને એ વાતનું આશ્ચર્ય થયું કે, સુમન પણ હજી જાગતી જ હતી.
તેણે બેઠાં થઈને સુમનને ચાદર ઓઢાડી અને પછી એના માથા પર હથેળી થપથપાવતાં કહ્યું, 'તું ય ક્યા સૂતી છે ?' મારો ટૂંકો પગાર અને કાલે સવારે મનિષાના ચાંદલા કરવાનું નક્કી થાય તો પૈસા પણ જોઈશે ને ? પણ... એ તો થઈ રહેશે. ભગવાનને ચિંતા સોંપી દઈને તું નિરાંતે ઊંઘી જા'.
સુમન આખા દિવસના કામકાજથી થાકેલી મહેશના આશ્વાસન આપતાં શબ્દો સાંભળીને થોડીજ વારમાં ઘસઘસાટ ઊંઘી ગઈ.
બીજે દિવસે એમના માટે જાણે સોનાનો સૂરજ ઊગ્યો. નીરજના પિતાનો ફોન આવ્યો કે, નીરજને મનિષા ગમી છે. વેવિશાળનો દિવસ નક્કી કરવા સાંજે આવશું.
આ સાંભળીને મહેશના આનંદનો પાર રહ્યો નહીં. તૂર્ત એણે સુમનને બધી વાત કરી અને મનિષાની ઈચ્છા પણ પૂછી લેવા જણાવ્યું. સુમન તુરત મનિષા પાસે બીજા ઓરડામાં ગઈ અને નીરજ ગમે છે, એ વાતની સંમતિ મેળવી લીધી.
ઓફિસે જતાં જતાં મહેશે સૂચના આપીઃ 'મનિષાને મોકલીને ચેવડો, પેંડા, વેફર મંગાવી લેજે. પૈસા કબાટમાંથી લઈ લેજે.'
'તમે ચિંતા ના કરશો અને... ઓફિસેથી થોડાં વહેલાં નીકળીને આવી જજો.'
'ભલે', કહીને મહેશ ઓફિસે જવા નીકળ્યો. ઓફિસનાં કામના બોજાં હેઠળ પણ મહેશ વેવિશાળ અંગેના વિચારોમાં જ પરોવાયેલો રહ્યો. વેવિશાળમાં કોને નિમંત્રણ આપવું એની યાદી પણ બનાવી લીધી.
એકાએક તેને મોટાભાઈની યાદ આવી ગઈ. મોટાભાઈ દૂરનાં શહેરમાં ઘણાં વર્ષોથી નોકરીના કારણે વસ્યાં હતાં. ભણવામાં હોંશિયાર હોવાના કારણે સાયન્સ લાઈન લઈને એમ.બી.બી.એસ. થયા હતા. તેમનો મોટો પુત્ર અને નાની પુત્રી પણ ડોક્ટર થઈ ગયા હતાં.
પૈસે-ટકે કોઈ વાતની ચિંતા ન હતી.
પણ... માતા-પિતાના અવસાન બાદ કેટલાંક સમયથી મોટાભાઈ અને મહેશ વચ્ચેના સંબંધો ઔપચારિક બની ગયાં હતાં. મોટાભાઈ પ્રેક્ટિકલ- વ્યવહારુ હતાં અને મહેશ સ્વભાવે લાગણીશીલ અને ભોળો હતો. માતા-પિતા જીવિત હતા ત્યાં સુધી મહેશની સાથે જ રહેતાં હતાં. અને મહેશે પણ આદર્શ પુત્રની માફક બંનેની દરેક ઈચ્છાને પૂરતું માન આપ્યું હતું.
માતા-પિતાની હયાતી દરમિયાન મોટાભાઈ કુટુંબ- પરિવાર સાથે બે-ત્રણ વરસે ચાર-પાંચ દિવસનો સમય લઈને રહેવા પણ આવતાં. આર્થિક રીતે સંપન્ન હોવાના કારણે એ દિવસો દરમિયાન માતા-પિતા માટે કપડાં, સાડીઓ, મોંઘી મીઠાઈઓ વગેરે પણ લાવતાં અને આના કારણે... ઘણીવાર મહેશ અને સુમનને એક પ્રકારનો ક્ષોભ- સંકોચ પણ થતો. પણ બાળકો મોટાં થતાં ગયાં,આગળ ભણતાં ગયાં અને નોકરી- ધંધામાં ઠરીઠામ થયાં એટલે મોટાભાઈનું આવવાનું ઓછું થતું ગયું. હા, માતા-પિતામાંથી કોઈ બીમાર પડતું ત્યારે એકલા આંટો આવી જતાં. દવાખાનાનો તથા દવાનો ખર્ચ પણ ઘણીવાર એ જ ચૂકવી આપતાં.
પરંતુ માતા-પિતાની છત્ર-છાયા ગુમાવ્યા બાદ મહેશને મોટાભાઈની હૂંફની કે લાગણીની જે જરૂર હતી, એ એને મળી નહીં. આમ છતાં, મોટાભાઈના પુત્ર-પુત્રીના લગ્નમાં મહેશ, સુમન અને મનિષા સાથે હાજરી આપવાનું ચૂક્યો નહોતો. પોતાની આર્થિક સ્થિતિ પ્રમાણે ચાંદલો પણ કર્યો હતો.
પછી તો એકબીજાના ક્ષેમકુશળ પૂછવાનું કે જાણવાનું પણ ઓછું થતું ગયું. છેલ્લા ત્રણ વર્ષથી મહેશનો મોટાભાઈ સાથેનો સંબંધ સંપૂર્ણ કપાઈ ગયો હતો, એમ કહીએ તો પણ ખોટું નહીં.
એમાં સાંજે... નીરજનાં ઘરનાં વેવિશાળ અંગે વાત કરવા આવવાના હતા. મહેશને આ વાતનો અનહદ આનંદ હતો તો સાથે મોટાભાઈને આ બાબત અંગે ફોન કરવા અંગે સંકોચ સાથે મૂંઝવણ પણ એ અનુભવતો હતો.
આમ મહેશ વિચારોની અવઢવમાં ડૂબેલો હતો ત્યાં જ બાજુના ટેબલ પર બેસતાં ઓઝાભાઈએ એને સાદ કર્યોઃ 'મહેશભાઈ, ઘરે જવું નથી ? છ થઈ ગયાં છે.'
અને બધાં જ વિચારોને સોઈ ઝાટકીને ખંખેરી નાખીને ઘરે જલદીથી પહોંચવા માટે મહેશ ટેબલ પરના કાગળોને સમેટવા લાગ્યો.
મહેશ ઘરે પહોંચ્યો ત્યારે એ લોકો હજી આવ્યા ન હતાં. એને જોઈને સુમને તરત કહ્યું, 'નાસ્તો મંગાવી રાખ્યો છે.'
'એ લોકો હજી કેમ ન આવ્યા ?' મહેશે ચિંતા વ્યક્ત કરતાં પૂછયું.
સુમન હસી પડીઃ 'તમને તો ભઈ બહુ ઉતાવળ આવી છે ને શું ? નીરજના પપ્પાનો ફોન હતો. એ લોકો સાડા સાતે આવવાના છે.'
'સારું હું ફ્રેશ થઈ જાઉં. મનિષાને પણ બરાબર તૈયાર કરી દેજે. કદાચ નીરજ પણ આવે. બંનેને અલગ બેસવું હોય તો પણ ના નથી'. અને તે ઝડપથી બાથરૂમમાં ઘૂસ્યો.
સાડા સાતના ટકોરે નીરજ એનાં મમ્મી-પપ્પા અને એમનાં દૂરના સંબંધી મામા સાથે આવી પહોંચ્યાં. મામાને જ્યોતિષ જોતાં આવડતું હતું એટલે આવતા મહિનાની દસમી તારીખ નક્કી થઈ. પછી વ્યવહારિક વાતો ચાલી. રાત્રે નવ વાગ્યે એ લોકો વિદાય થયાં.ળ
મહેશે પોતાના સંતોષ ખાતર મનિષાને પૂછી લીધું: 'બેટા, નીરજ તને પસંદ છે ને ?' મનિષા સંમતિસૂચક મસ્તક નમાવીને શરમાતી અંદરના ઓરડામાં દોડી ગઈ.
'હાશ એ મોટી ચિંતા દૂર થઈ. મનિષા રાજી તો આપણે પણ રાજી બરાબરને ! પણ સુમન, આજે ઓફિસમાં બેઠાં બેઠાં મને મોટાભાઈની બહુ યાદ આવી. આપણે એમને વેવિશાળની જાણ કરીએ તો સારું લાગેને ?'
'હા. ગમે તેમ તોય મોટાભાઈ છે. પિતાને સ્થાને ગણાય. એમની હાજરી અને આશીર્વાદ તો પહેલા જોઈએ. રાત્રે દસ વાગ્યે ફોન કરીશું. દવાખાનેથી પણ આવી ગયા હોય. ચાલો, હવે જમવાનું કરીએ એટલે મારું રસોડું ઉકલે.'
રાત્રે દસ વાગ્યે મહેશે મોટાભાઈને ફોન કર્યો. બાજુમાં સુમન અને સામેના સોફામાં મનિષા બેઠી હતી.
'મોટાભાઈ, આપના આશીર્વાદથી મનિષાની સગાઈ નક્કી કરી છે. મહિનાની દસમી તારીખે. તમે બધાં જરૂરથી આવી જજો. અમને ખૂબ ખૂબ ગમશે...' અને પછી... એ સામેથી મોટાભાઈનો અવાજ સાંભળતો રહ્યો. સુમન અને મનિષા મૌન બેઠાં રહ્યા.
વાત પૂરી થતાં મહેશે રિસીવર મૂક્યું અને પછી હીંબકું ભરીને રડી પડયો.
'શું થયું પપ્પા ? કેમ રડો છો...?' મનિષા ઝડપથી ઊભી થઈને મહેશના ખભા પર હાથ ફેરવવા લાગી. સુમન જઈને પાણીનો ગ્લાસ લઈ આવી. પાણીનો ઘૂંટડો પી લઈને મહેશે ગળું ખંખેરતાં કહ્યું, 'મોટાભાઈ... ખૂબ રાજી થયાં. એમણે કહ્યું કે, એ લોકો જરૂરથી આવશે. અને મનિષાને એ પોતાની જ દીકરી ગણે છે. વેવિશાળ અને લગ્ન ધામધૂમથી કરવા કહ્યું છે. પૈસાની સહેજ પણ ચિંતા ના કરીશ, એમ કહ્યું.' અને મહેશનું ગળું રૃંધાઈ ગયું.
મનિષા અને સુમન પણ રડી પડયાં, ત્રણેની આંખોમાંના આંસુ એ વાતની સાક્ષી પૂરતાં હતા કે, હૃદયનાં ઊંડા ખૂણે સુષુપ્ત થયેલું સ્નેહનું ઝરણું પુનઃ ખળખળ નાદે વહેવા લાગ્યું અને લોહીની સગાઈની વાત પર એક મહોર મારી રહ્યું.


Free Rating Code



Comments