-અને બધાના ગયા બાદ હું ઓફિસમાં રોકાઈ ગઈ ..


અને રૂહી બોલી હતીઃ ''મારા માટે હવે 'વન મેન્સ વુમન' બની રહેવું મુશ્કેલ છે''
એક દિવસ રૂહી ઓફિસમાં આવે છે. કોઈ એને ખલેલ ના પહોંચાડે તેવી શરત સાથે અત્યંત સ્વસ્થતાથી એની વાત શરૂ કરે છે. એ કહે છે : ''સર, એક વાત કહું. મારો ખ્યાલ છે કે સ્ત્રીના દિમાગમાં શયતાન રહે છે અને પુરુષના દિમાગમાં કામ.''
એનું પહેલું જ વિધાન ચોંકાવનારું હતું. એ એના સમર્થનમાં પોતાની જ વાત શરૂ કરે છે : ''હું એવી કેટલીયે સ્ત્રીઓને જાણું છું જે પોતાની મહત્ત્વાકાંક્ષા પૂરી કરવા તે કોઈપણ કિંમત ચૂકવવા સદા તત્પર રહે છે, પછી તે શરીર હોય, આદર્શ હોય કે નીતિ. હું જે ઓફિસમાં કામ કરતી હતી તેના બોસ ગૌતમ કંપનીના જનરલ મેનેજર હતા. ગૌતમ મને અવારનવાર તેમની ચેમ્બરમાં બોલાવતાં. સાથે કોફી પીવાની ઓફર કરતાં. કોઈ વાર બહાર લંચ માટે જવાની વાત કરતાં. હા-ના કરતાં હું તેમની સાથે બહાર લંચ માટે ગઈ હતી. તેમણે મને સ્પર્શવા પ્રયાસ કર્યો હતો. મેં હાથ હટાવી લીધો હતો. ત્યારે તેમણે બહુ જ સ્વસ્થતાથી કહ્યું હતું: ''રૂહી, હવે તારે નક્કી કરવાનું છે કે તારે બઢતી જોઈએ છે કે દારિદ્રય ? ઐશોઆરામથી ભરેલી સુરક્ષિત જિંદગી જોઈએ છે કે અસુરક્ષા.''
પહેલીવાર તો હું બેહદ નવર્સ હતી. પરંતુ મેં મારા ભૂતકાળ પર નજર નાંખી. હું નાની હતી ત્યારે બળાત્કારનો ભોગ બનેલી સ્ત્રી હતી. મારી માનો પ્રેમી કે જેને હું અંકલ કહેતી હતી તેણે એક દિવસ મારી માની ગેરહાજરીમાં મને તબાહ કરી દીધી હતી. એ વખતે હું માત્ર પંદર વર્ષની હતી. મારા પિતાએ મારી માને ક્યારનીયે ત્યજી દીધી હતી. મારી માને પણ ઐશોઆરામથી ભરેલી જિંદગી જોઈતી હતી અને એ બધું જ 'અંકલ' પૂરું પાડતા હતા. મેં મારી માને ફરિયાદ કરી પરંતુ આરામપ્રદ જિંદગી બક્ષી રહેલા અંકલની એ હરક્ત સામે એણે પણ આંખ આડા કાન કરી લીધા.
ગૌતમ મારી સાથે અત્યંત નિકટની દોસ્તીનો હાથ લંબાવી રહ્યા હતા ત્યારે મને એ દારિદ્રય યાદ આવી ગયું. વળી ગૌતમ મારા બોસ હોવા છતાં તેમનો મારા પ્રત્યેનો વ્યવહાર અત્યંત શાલીન હતો. તેમના શબ્દોમાં કોમળતા હતી. દયા પણ હતી. ગૌતમ પરિણીત હતા. બાળકો પણ હતા. એમણે મારા તરફ ફરી હાથ લંબાવ્યો. મેં ધ્રુજતા હાથે મારો હાથ એમના હાથ તરફ સરકાવ્યો. મારી આંગળીઓ કાંપી રહી હતી. મારો આ પ્રકારનો કોઈ પુરુષ સાથે પહેલો સ્પર્શ હતો. એ પછી થોડા દિવસ બાદ અમે ફરી એકવાર એક રેસ્ટોરાંમાં ડિનર પર ગયાં. એમણે મને પૂછયું: ''રૂહી, તું ક્યાં રહે છે ?''
''ર્વિંકગ વિમેન્સ હોસ્ટેલમાં.''
''કેમ તારી મમ્મી સાથે નથી રહેતી ?''
''આઈ હેઈટ ધેટ વુમન.'' બસ એટલું જ બોલી. મારી મા એના શોખ અને વિલાસીતા ભરી જિંદગી માટે ગલત રસ્તે હતી. તેથી મેં જ એ ઘર છોડી દીધું હતું. તે વાત કહેવાનું મેં ટાળ્યું હતું.
મેં પૂછયું : ''ગૌત્તમ, તમે તમારી પત્નીને છોડીને મારી તરફ આર્કિષત કેમ થયા છો ?''
''કોઈ દિવસ કહીશ તને.''
અને મેં ગૌતમને ફરી સ્પર્શ કર્યો. અમને બંનેને એકબીજાના જીવનમાં વધુ પડતું ડોકિયું કરવામાં કોઈ જ રસ નહોતો. ગૌતમને મારામાં રસ હતો અને મને મારી નોકરી, તરક્કી અને સુરક્ષામાં રસ હતો. એ પછી તો હું અને ગૌતમ અનેકવાર લોંગ ડ્રાઈવ પર જતાં. ગૌતમ બહુ જ ફાસ્ટ કાર ચલાવતા અને તે કહેતાઃ ''રૂહી, તારી જગાએ મારી વાઈફ બાજુમાં બેઠી હોત તો મને આટલી ફાસ્ટ કાર ચલાવવા ના દેત. તને બીક નથી લાગતી ?''
''હું તમારી બાજુમાં બેઠી હોઉં છું ત્યારે વધુ સલામતી અનુભવું છું.''
એ સાંભળતાં જ ગૌતમે મને તેમની કરીબ ખેંચી લીધી. ગૌતમ અત્યંત સુખી માણસ હતા. બહુ જ પૈસા તેમની પાસે હતા. અમે એક અતિશય મોંઘી હોટલમાં ગયાં. મેં પોતાની જાતને સર્મિપત કરી દીધી અને એ પછી આ બધું એક સિલસિલો બની ગયો. છતાંયે એક રાતે આવી જ કોઈ હોટલમાં હું એમની કરીબ હતી ત્યારે તેઓ બોલી ગયાઃ રૂહી, મારી પત્ની એક મલ્ટિમિલિયોનરની દીકરી છે. એના પિતા આ ફેક્ટરીના માલિક છે. હું આ જ ફેક્ટરીમાં એન્જિનિયર હતો અને એના પિતાએ મને જમાઈ તરીકે પસંદ કરી આ ફેક્ટરીનો મેનેજર બનાવી દીધો. હું તને પહેલી જ વાર આ વાત કહી રહ્યો છું કે તે બહુ જ ઘમંડી છે. લગ્ન પહેલાં તે અલગ હતી, લગ્ન બાદ તે અલગ છે.''
અને ગૌતમને મેં આગોશમાં લઈ લીધા. મેં એમના માથામાં હાથ ફેરવ્યો. શાયદ એમને પણ થોડીક લાગણીની જરૂર હતી અને થોડી જ વારમાં અમે બંને અચેતન અવસ્થામાં સરી પડયાં. કેટલીયે વાર પછી એમણે આંખો ખોલી અને બોલ્યાઃ''તારા સાનિધ્યમાં હું ગજબનો સંતોષ અનુભવું છું. તું મારી પાસે એકલી હોય છે ત્યારે મારું મન હંમેશાં ભૂખ્યું જ રહે છે. તારા બદનના સ્પર્શ માત્રથી હું પીગળી જાઉં છું, રૂહી.''
અને હોટલના એ રૂમમાં મને થતું કે સવાર જ ના પડે તો કેટલું સારું. પણ સવાર તો પડતી જ હતી. ફરી રોજિંદુજીવન ચાલુ થઈ જતું. એક વાર તેઓ પંદર દિવસ માટે સાઉથની ટૂર પર ગયા હતા. એ પંદર દિવસ સુધી જાણે કે હું એકલી પડી ગઈ હોય એમ મને લાગતું હતું. હવે તો ઓફિસમાં પણ બધાને મારા અને ગૌતમના સંબંધોની ખબર પડી ગઈ હતી. પૂરા પંદર દિવસ બાદ તેઓ સાઉથથી પાછા ફર્યા. મારા માટે પુષ્કળ ડ્રેસ, કોસ્મેટિક્સ, ઘરેણાં લેતા આવ્યા હતાં. દરેક સ્ત્રીઓને આ બધી ચીજોનો મોહ હોય છે. તેઓ જ્યારે પણ બહાર જાય ત્યારે મારા માટે કાંઈને કાંઈ કિંમતી ઉપહાર લેતા આવતા હતા. એક વાર તો કંપનીના કામે તે મોરેશિયસ જવાના હતા. તેમણે મારી ટિકિટ પણ એમની સાથે જ કરાવી લીધી. પૂરા દસ દિવસ હું તેમની સાથે મોરેશિયસ રહી હતી. પરંતુ કોઈનેય ખબર નહોતી કે આ અમારી અંતિમ સહયાત્રા હશે. અમે હનીમૂન કરીને પાછા આવ્યાં હોઈએ તેવો આનંદ હતો.
પરંતુ બીજા જ દિવસે ખબર પડી કે ગૌતમની બદલી ભોપાલ ખાતેની ફેક્ટરી પર થઈ ગઈ છે. ગૌતમ ભોપાલ ચાલ્યા ગયા. પાછળથી મને ખબર પડી કે ગૌતમના પત્નીએ જ આ બદલી કરાવી નાંખી હતી. દરઅસલ આ તમામ ફેક્ટરીઓ ગૌતમના પત્નીના નામે હતી. ગૌતમના ગયા બાદ હું ફરી એકલી પડી ગઈ. હું તેમને ભૂલી શક્તી નહોતી. હું ઉદાસ ઉદાસ રહેવા લાગી હતી. ગૌતમની જગા પર મિસ્ટર મીરચંદાની મારા બોસ તરીકે આવ્યા હતા. પચાસ- પંચાવન વર્ષના મીરચંદાની સખત મિજાજના, ધૂર્ત વ્યક્તિ લાગતા હતા. તેઓ આવતાં જ મારી સામે ડોળા ફાડીને જોવા લાગ્યા હતા. તેમની નજર પરથી જ લાગતું હતું કે, તેઓ મારા અને અગાઉના બોસ ગૌતમ સાથેના મારા સંબંધો વિશે જાણતા હતા. તેઓ શાયદ મને ''ફ્રી ફોર ઓલ'' સમજતા હતા.
બીજા જ દિવસે કોઈ કામના બહાને તેમણે મને રોકી લીધી. બીજા લોકોના જતા રહ્યા બાદ તેમને મારી સાથે છૂટ લેવા પ્રયાસ કર્યો. મેં હાથ ખેંચી લઈ અત્યંત ધૃણાપૂર્વક ઈનકાર કરી દીધો. તેમણે ચહેરા પર સખતાઈ લાવતાં કહ્યું: ''વિચારી લેજે પરિણામ,રૂહી. આ જોબ તારે જાળવી રાખવી છે ને ?''
મેં મક્કમતાથી કહ્યું: ''મેં વિચારી લીધું. મારે મારી ઈજ્જતના ભોગે કોઈ જોબ નથી જોઈતી.''
મીરચંદાનીએ કહ્યું: ઈજ્જત ? તારા જેવી એમબીશિયશ સ્ત્રી પ્રમોશન માટે કોઈ પણ રસ્તે જઈ શકે છે. કમ ઓન. બી સેન્સિબલ. વિચારી લેજે. મને કોઈ જલદી નથી. તું વન મેન્સ વુમન બની રહેવા માંગે છે. પણ ગૌતમ ભોપાલમાં બીજી જ કોઈને શોધતો હશે.''
હું ગુસ્સામાં હતી. ફરી મારી હોસ્ટેલ પર આવી ગઈ. હું અસમજંસમાં પડી ગઈ. બીજા દિવસે પણ એણે મને રોકી. મીરચંદાનીએ કહ્યું, ''મીસ રૂહી, આજે હું તમને કાંઈ જ નહીં કરું. પરંતુ ગઈકાલના મારા વર્તન બદલ માફી માંગવાં જ મેં તમને રોક્યાં છે. ચાલો તમને મારી કારમાં તમારી હોસ્ટેલ પર ઉતારી દઉં.''
મારી ના છતાં એમણે મને લિફટ આપી. મીરચંદાનીએ મને પૂછયું: ''વિમેન્સ હોસ્ટેલમાં ક્યારથી રહે છે ?''
''જ્યારથી નોકરી મળી.''
''લગ્ન કેમ નથી કરી લેતી ''?
''આ મારો વ્યક્તિગત મામલો છે.''
''જો રૂહી, હું તારું ખરાબ ઈચ્છતો નથી. પણ તારા જેવી કોઈ પણ યુવતીને આખી જિંદગી એકલા ગુજારવી મુશ્કેલ છે. આદર્શની વાતો એક છે. તેનો અમલ મુશ્કેલ છે. શરીરની પણ પોતાની ડિમાન્ડ હોય છે. એની ઉપેક્ષા કરી શકાતી નથી. માનવજીવનમાં આ ઉંમર જ મહત્ત્વપૂર્ણ છે. તારી હઠ બિનજરૂરી છે. મારી વાત પર શાંતિથી, ઠંડા દિમાગથી વિચારજે. મને કોઈ ઉતાવળ નથી.''
- અને મીરચંદાની મને હોસ્ટેલ પર ઉતારી જતા રહ્યા.
થોડા દિવસ સુધી હું રજા પર રહી. મેં ખૂબ મનોમંથન કર્યું. મેં એકલા રહેવા ખૂબ પ્રયાસ કર્યો. ગૌતમની સાથે રહેતાં રહેતાં મને મોંઘીદાટ હોટલોમાં રહેવાની, કિંમતી ભેટ સ્વીકારવાની, સુંદર રેસ્ટોરાંમાં ડિનર કરવાની, લકઝુરિયસ કારમાં ફરવાની હવે આદત પડી ગઈ હતી. મને લાગ્યું કે આ બધા વગર હવે હું રહી નહીં શકું. મીરચંદાનીની વાત મને સાચી લાગી. મીરચંદાનીની વાત ના માનવાનો મતલબ હતો કે આ બધા એશોઆરામ વગર મારે જીવવું. પરંતુ મારા માટે હવે તે સંભવ નહોતું. એ સાંજે બધાનાં ગયા પછી હું મીરચંદાની પાસે જતી રહી.
અને હવે તો મીરચંદાનીની પણ ટ્રાન્સફર થઈ ગઈ. તેમની જગ્યાએ મિસ્ટર ખન્ના આવ્યા. એ દિવસે એમના કહ્યા વગર જ હું બધાંના ગયા બાદ ઓફિસમાં રોકાઈ ગઈ.''
રૂહી કહે છેઃ ''સમય બદલાયો છે, સર. આજે 'વન મેન્સ વુમન' બની રહેવું મુશ્કેલ છે અને મને એનું કોઈ દુઃખ નથી.''

Comments