કંકુ થાપાઓ સૂના રડતા રહ્યા



કજરી અતિ સંવેદનશીલ યુવતી હતી, એના હૈયામાં સુખી દાંપત્ય વિશેનાં સો સો સોણલાં હતાં અને લાખ લાખ ઇચ્છાઓ હતી. સામે એનો પતિ તદ્દન જાંગડ પુરુષ હતો. એના જીવનનું એક માત્ર કેન્દ્રબિંદુ પૈસો હતું.

તબીબી વ્યવસાયમાં બની ગયેલા અસંખ્ય બનાવો ઉપર જ્યારે એક નજર ફેરવું છું ત્યારે મનમાં વિવિધ પ્રકારની લાગણીઓ જન્મે છે. કોઇક આનંદની ઘટનાઓ યાદ કરીને આ જગત જીવવા જેવું લાગવા માંડે છે, તો કોઇક દુ:ખની ઘટના સંભારીને સંસાર ત્યાગીને સાધુ બનવાની ઇચ્છા થઇ આવે છે. કજરી આવી જ એક ઘટનાની નાયિકાનું નામ છે.

કજરીને પહેલી વાર મેં જોઇ હતી નડિયાદ ખાતે યોજાયેલા એક કાર્યક્રમમાં. એક સંસ્થા તરફથી મારું વકતવ્ય ગોઠવાયું હતું. કજરી એમાં એક શ્રોતા તરીકે આવી હતી. હું બોલી રહ્યો હતો ત્યારે એ ઓડિયન્સમાંથી ઊભી થઇને ફોટા પાડતી હતી, એના કેમેરાના ફ્લેશથી મને ખલેલ પડતી હતી, મારું ધ્યાનભંગ થતું હતું, પણ પીળા રંગનાં આધુનિક વસ્ત્રો પહેરેલી એક યુવતીને જોઇને મેં એને ઠપકો આપવાનું ટાળ્યું હતું.

કાર્યક્રમના અંતે મારો ઓટોગ્રાફ લેવા માટે આવેલા લોકોમાં એ પણ હતી. મને એણે પૂછ્યું હતું, ‘સર, હું તમને શું કહીને સંબોધું તો તમને ગમશે?’ જવાબમાં મેં મારા માથા પરના પાંચ-પંદર સફેદ થવા આવેલા વાળ પર હાથ ફેરવીને કહ્યું હતું, ‘અંકલ, કાકા, દાદા, તને જે ગમે તે સંબોધનથી તું મને બોલાવી શકે છે.’ એ વખતે હું ચાળીસનો હતો.

એ હસી પડી હતી, ‘ના, હું તમને મોટા ભાઇ જ કહીશ. ચાલશે ને?’‘હા, ચાલશે.’ મારી સંમતિ સાથે વાત પૂરી થઇ. એ પછી જે શરૂ થયો તે સંવાદ ન હતો, પણ સંબંધ હતો. આટલી અંગત વાતથી પૂર્વભૂમિકા બાંધવાનું કારણ એ જ કે આવા સંબંધનો ક્યારેક માત્ર ઔપચારિક ન બની રહેતાં આપણી જિંદગીનો કાયમી હિસ્સો બની જતા હોય છે. પછી એ જ આપણને સુખમાં કે દુ:ખમાં નવડાવી દેતા હોય છે.

કજરી અઢાર-વીસ વર્ષની રૂપાળી, પાતળી છોકરી હતી ત્યારે કુંવારી હતી. છએક મહિના પછી એ પરણી ગઇ. એ અને એનો વર બંને સરકારી નોકરીમાં હતાં. એ મને એના જીવનમાં બનતી નાની નાની ઘટનાઓ વિશે પણ જાણ કરતી રહેતી હતી. આખરે હું એનો મોટો ભાઇ હતો ને!હું ક્યારેક એને ફોન પર કહી દેતો હતો, ‘મને તારી જરા પણ ચિંતા નથી. તારી ગાડી સુખના પથ ઉપર ચોથા ગિયરમાં દોડવા માંડી છે. બસ, હવે એ ગાડીમાં બેને બદલે ત્રણ મુસાફરો ક્યારે થાય છે એની જ રાહ જોઉં છું.’

‘મોટા ભાઇ, છેવટે તમે ગાયનેકોલોજિસ્ટ થઇને ઊભા રહ્યા ને? પણ અમારે હજુ ઉતાવળ નથી.’ કજરીએ હળવો જવાબ આપીને પછી વાત બદલાવી નાખી. મને પહેલી વાર એની વાતમાં કશુંક અજુગતું લાગ્યું. એના વાક્યની પાછળ પૂર્ણવિરામની જગ્યાએ એક નાનકડો નિસાસો વર્તાયો, પણ એ વખતે મેં વધારે કંઇ પૂછ્યું નહીં.બે મહિના પછી કજરી અચાનક ફોન કર્યા વગર જ આવી ચડી. આજે એ દરદી બનીને આવી હતી, ‘મોટા ભાઇ, દોઢ મહિનો ચડ્યો છે.

તમે પાક્કું નિદાન કરી આપો ને!’મેં ચેકઅપ કરીને કહ્યું : ‘નિદાનમાં ‘કોન્ગ્રેચ્યુલેશન્સ’ છે. અહીંથી સીધી ઘરે જા અને સાથે પેંડાનું બોક્સ લેતી જજે.’એના ચહેરા પર ખુશીની એક પણ રેખા ન ઝબકી. એને બદલે એણે આંચકો લાગે તેવી માગણી કરી, ‘મારે આ બાળક નથી જોઇતું. ગમે તે ઉપાય કરો, પણ એને પાડી આપો!’‘એ કામ હું નહીં કરી આપું. એબોર્શન કરાવવા માટેનું કોઇ સધ્ધર કારણ તું મને બતાવ, પછી જ હું વિચાર કરું.’ મેં આટલું કહ્યું ત્યારે કજરી રડી પડી.

એની કાળી, મોટી આંખોમાંથી ખરતાં ખારાં ખારાં આંસુઓમાં એક સરેરાશ ભારતીય પરિણીતાની વ્યથા-કથા સમાયેલી હતી. એ અને એના પતિ વચ્ચે ખટરાગ ચાલતો હતો. બીજું કોઇ કારણ ન હતું, પણ બંનેના માનસિક સ્તરો ભિન્ન હતા. કજરી અતિ સંવેદનશીલ યુવતી હતી, એના હૈયામાં સુખી દાંપત્ય વિશેનાં સો સો સોણલાં હતાં અને લાખ લાખ ઇચ્છાઓ હતી. સામે એનો પતિ તદ્દન જાંગડ પુરુષ હતો. એના જીવનનું એક માત્ર કેન્દ્રબિંદુ પૈસો હતું.

‘મોટા ભાઇ, વધુ તો શું કહું તમને? અમે જ્યારે બસમાં સાથે પ્રવાસ કરીએ છીએ, ત્યારે મારો વર એની પોતાની એક જ ટિકિટ લે છે. મારી ટિકિટ નથી કપાવતો. મને કહે છે, ‘તું પણ કમાય છે ને?’ આવા પુરુષો જોડે હું જિંદગી શી રીતે પસાર કરી શકું? મારે એનાથી છૂટા થઇ જવું છે, પણ એ પહેલાં એના આ બાળકથી છૂટા થવું પડશે.’ મેં એને ગોળીઓ લખી આપી.થોડાક દિવસ પછી એનો ફોન આવ્યો : ‘જેની મને તીવ્ર ઝંખના હતી એ ગર્ભથી મને મુક્તિ મળી ગઇ છે. મારા આઘાતને કોઇ સીમા નથી.’ અને થોડાક મહિના પછી બીજો ફોન આવ્યો, ‘જેના માટે મને તીવ્ર અપેક્ષાઓ હતી એ પતિથી પણ મને મુક્તિ મળી ગઇ છે. મારી ખુશીની કોઇ સીમા નથી.’

એ પછી અમારો સંપર્ક કેટલાક મહિનાઓ માટે કપાઇ ગયો. અચાનક પાછી એ ઝબકી. અલબત્ત, ફોન પર જ, ‘મોટા ભાઇ, હું ખૂબ જ ખુશ છું. મેં બીજી વાર લગ્ન કરી લીધાં છે. મોહિત એનઆરઆઇ છે. એને એક દીકરો છે. એક વર્ષનો બાબો. મેં દીકરાને જોયો નથી. એ ત્યાં બ્રિટનમાં છે. મોહિતની પહેલી પત્ની અવસાન પામી છે. મેરેજ પછી ‘હનિમૂન’ પતાવીને મોહિત તો ચાર-પાંચ દિવસમાં જ પાછો ઊડી ગયો છે. હું પણ હવે ગમે ત્યારે ઇંગ્લેન્ડ ચાલી જઇશ...’

આ વખતે તે ખુશ જણાતી હતી. એના વાક્યના અંતે પૂર્ણવિરામની જગ્યાએ મને આનંદનો દરિયો ઘૂઘવતો સંભળાતો હતો. મેં ટકોર કરી, ‘સારું! પણ પરદેશ જાય તે પહેલાં એક વાર મળવા આવી જજે. ફોન કરીને પતાવી ન દઇશ.’ એ મળવા માટે આવી ચડી. ઝૂકીને મારો ચરણસ્પર્શ કર્યો. રૂમમાં અન્ય દર્દી હાજર હતા, એટલે હું વધુ તો કંઇ કહી ન શક્યો. આટલું જરૂર કહ્યું, ‘સુખી થાજે! અને મને સુખ થાય તેવા સમાચાર બહુ જલદીથી આપજે.’ એ સમજી ગઇ, પછી થનગનાટ ભેર ચાલી ગઇ.

એ પછીના જેટલા સમાચારો આવ્યા, તે બધા જ દુ:ખદ હતા. લંડન ગયા પછીનો પ્રથમ ફોન, ‘મોટા ભાઇ, મોહિતે મને છેતરી છે. એનો દીકરો એક વર્ષનો નહીં પણ ચૌદ વર્ષનો છે. મારી ઉંમર કરતાં માંડ આઠ વર્ષ નાનો એ મને ‘મમ્મી’ કહીને બોલાવવાની ના પાડે છે. મને ‘આન્ટી’ જ કહે છે, પણ મોહિતનો આગ્રહ છે કે મારે એને પેટનો દીકરો સમજીને...’ હું સમજી ગયો કે મોહિત કજરીને પત્ની તરીકે નહીં, પણ એના દીકરાની દાસી તરીકે લઇ ગયો છે.

કજરીનો બીજો ફોન આવ્યો, ‘મોહિતે મારાથી ઘણું બધું છુપાવ્યું છે. એની પહેલી પત્નીનું અવસાન નથી થયું, પણ મોહિતના માનસિક ત્રાસ અને શારીરિક મારથી કંટાળીને એણે ડિવોર્સ લઇ લીધા હતા. મને પણ ધીમે ધીમે આ વાતનો અનુભવ થવા માંડયો છે, પણ હું ડિવોર્સ લઇને ક્યાં જાઉં? બસ, એક જ ઇચ્છા છે કે મારે એક બાળક થઇ જાય તો એને મોટું કરવામાં મારી જિંદગી પસાર થઇ જાય.’‘એવી ભૂલ ક્યારેય ન કરતી, કજરી.’ મેં મારા ચાર દાયકાના અનુભવનો નિચોડ એને જણાવ્યો, ‘મને તારું ભવિષ્ય સારું નથી દેખાઇ રહ્યું. બાળકના આવ્યા પછી આ સ્વાર્થી પુરુષ કદાચ તને વધુ હેરાન કરશે.’

કજરી ન માની પહેલી વાર એણે મારી સલાહ ન સ્વીકારી. મોહિત કોઇ પણ વાતે બીજા બાળક માટે રાજી ન હતો. એ બ્રિટનમાં રહીને પણ પુરુષપ્રધાન સમાજમાં જીવતો પતિ હતો. એને દીકરો જ ખપતો હતો, જે એની પાસે હતો. હવે બીજા સંતાનનું શું કામ હતું? કજરી સગભૉ બની. મોહિત પાસે હઠાગ્રહ કરીને એણે સંતાનપ્રાપ્તિની માગણી કરી અને મોહિતે ‘ઉપકાર’ કર્યો, પણ ખરો. કજરીનો છેલ્લો ફોન આવ્યો એ મારી ધારણાથી વિપરીત ન હતો : ‘મેં દીકરીને જન્મ આપ્યો છે. મારા જેવી જ રૂપાળી દીકરી છે, પણ મોહિત આ વાતથી ખૂબ જ નારાજ છે.

એણે અને એના દીકરાએ મને હોસ્પિટલમાંથી ઘરે આવ્યા પછી ઢોરમાર માર્યો છે. મેં પોલીસમાં ફરિયાદ નોંધાવી, તો મોહિતે કહી દીધું કે હું એની કાયેદસરની પત્ની છું જ નહીં. પોલીસે પણ મને કહ્યું કે મોહિતે અમારાં લગ્નનું બ્રિટનમાં રજિસ્ટ્રેશન કરાવ્યું જ નથી. અત્યારે હું અને મારી દીકરી પોલીસે કરેલી વ્યવસ્થા મુજબ એક નાની રૂમમાં શિફ્ટ થયાં છીએ. મોહિતે અદાલતમાં કેસ દાખલ કર્યો છે. હું જો હારી જઇશ, તો મને અહીંથી કાઢી મૂકવામાં આવશે. મારી પાસે વકીલના, મારે ખાવાપીવાના કે મારી દીકરીને પાળવાનાયે પૈસા નથી. મોટા ભાઇ, મને માર્ગદર્શન આપો કે હું શું કરું?’મેં શરૂઅતમાં જ લખ્યું છે ને કેટલીક ઘટનાઓના સાક્ષી બન્યા પછી સંસાર છોડીને સાધુ થઇ જવાની ઇચ્છા થઇ જાય છે.


Free Rating Code


Comments