મારો પ્રેમી છીનવાઈ નહીં જાયને?


સોક્રેટિસજી,
મારું નામ નિકી છે. હું એમબીએમાં અભ્યાસ કરું છું. મારી ઉંમર ૨૪ વર્ષ છે. હું આજે પણ નાના બાળક જેવી જ છું. વળી, હું બહુ જ ઇમોશનલ પણ છું. મને મારી સોસાયટીમાં રહેતા પરાગ સાથે પ્રેમ છે. હું અબ્રોડ જઈને એક વર્ષ ભણીને આવી પછી પરાગ સાથે મારે ઝઘડો થયો, કારણ કે તે મારી સાથે વ્યવસ્થિત વાત નહોતો કરતો. વળી, મેં તેની જૂની ગર્લફ્રેન્ડ કૃતિ અંગે ટોણો માર્યો હતો એટલે તે મારાથી નારાજ હતો. એમાંય મને અકસ્માત નડયો ત્યારે મેં તેને એની જાણકારી આપી તો તેણે ચોખ્ખું સંભળાવી દીધું કે તને ભલે ગમે તે થયું હોય, મને ફોન કે મેસેજ ન કરવો. આ મામલે અમારી વચ્ચે અંતર વધી ગયું. મેં તેને મનાવવા બહુ કોશિશ કરી પણ તેની નારાજગી ઓછી ન થઈ. પછી મને તેના એક મિત્ર દ્વારા ખબર પડી કે તેને કોઈ છોકરી સાથે અફેર ચાલી રહ્યું છે. મેં તરત પરાગને ફોન કરીને આ અંગે પૂછયું તો તેણે હા પાડી. આ સાંભળીને હું ભાંગી પડી. મેં તરત જ ફોન કાપી નાખ્યો. હું રડવા લાગી. થોડી વાર પછી મારી જાતને સંભાળીને મેં તેને ફરી ફોન કરીને પૂછયું કે તેં મારી સાથે આવું કેમ કર્યું? આટલું કહીને હું ફરીથી રડવા લાગી. તેણે કહ્યું કે હું તો મજાક કરતો હતો. ત્યાર પછી અચાનક તેનું વર્તન સાવ નોર્મલ પહેલાં જેવું જ થઈ ગયું.
એકાદ મહિના પછી એક દિવસ મેં તેને પૂછયું કે મને તારા અફેરની ખોટી માહિતી આપનારા મિત્ર સાથે ઝઘડયો હતો? તેણે કંઈ જવાબ ન આપ્યો એટલે હું સમજી ગઈ કે તેણે પેલા મિત્રને કંઈ કહ્યું જ નહીં હોય, કારણ કે કદાચ તેને કહેવાની જરૂર નહીં લાગી હોય. થોડા દિવસો પહેલાં મેં તેના ફોનમાં એક મેસેજ જોયો, જેમાં એક છોકરીનું નામ-સરનામું હતું અને સામેવાળાએ પેલી છોકરીનું નામ પણ ન લેવા ધમકી લખી હતી. મેં આ અંગે પૂછયું ત્યારથી પરાગ તેના મોબાઇલને મારાથી સંતાડતો રહે છે. મેં એના ફેસબુક એકાઉન્ટમાં જોયું તો તેની જૂની ગર્લફ્રેન્ડ કૃતિ હજુ પણ તેના ફ્રેન્ડલિસ્ટમાં છે. કૃતિએ પરાગની પોસ્ટ્સ પર લાઇક પણ કરેલી છે. બ્રેક-અપ પછી પણ બેમાંથી કોઈએ એકબીજાને અન-ફ્રેન્ડ કર્યાં નથી. આવું શા માટે? મેં આ અંગે વાંધો ઉઠાવ્યો તોપણ તે કૃતિને ફ્રેન્ડલિસ્ટમાંથી હટાવવાનું નામ લેતો નથી.
પરાગે મને કહ્યું છે કે આવતા વર્ષે તે મારી મમ્મીને મળીને લગ્નની વાત કરશે. મારી મમ્મીને અમારા સંબંધોની ખબર છે પણ એ તેની મમ્મીને કહેતો નથી. અમારા સંબંધને ત્રણ વર્ષ થઈ ચૂક્યાં છે, શું હજું તે મારી પરીક્ષા લેવા માગતો હશે?
આમ તો તે જ્યારે પણ મળે છે ત્યારે અમારાં લગ્નનાં પ્લાનિંગની જ વાત કરતો હોય છે. એ મને ચાહે છે. પ્રપોઝ પણ તેણે જ કર્યું હતું. મારે વિદેશ ભણવા જવાનું ગોઠવાયું ત્યારે તે ઢીલો પડી ગયો હતો. હું વિદેશ જઈ રહી હતી ત્યારે મને તેણે કહેલું કે તું મને ભૂલી તો નહીં જાયને? આટલું કહેતાં કહેતાં તે રડી પડેલો. એ ક્ષણ પછી હું તેના માટે વધારે સિરિયસ થઈ ગયેલી અને તેને દિલથી ચાહવા લાગેલી. હું અબ્રોડ હતી ત્યારે તે હંમેશાં મને કહેતો કે તું પાછી આવી જાને, પણ મારાં મમ્મી-પપ્પાની અપેક્ષા અને આબરૂની વાત કરીને તેને સમજાવતી કે હું અધૂરો અભ્યાસ છોડીને આવી જઉં તો લોકો મને યુનિવર્સિટીએ કાઢી મૂકી હશે વગેરે જાતજાતની વાતો કરશે.
હું અત્યારે પણ એબ્રોડ જ છું, પણ પરાગે મને બીજા કોઈ છોકરા સાથે કોઈ પણ વ્યવહાર રાખવાની ના પાડી દીધી છે. મારા દૂરના કઝિન સાથે એફબી પર વાતો કરું તોપણ તેને વાંધો પડે છે. મેં તેને ખાતર મારા તમામ મિત્રો સાથેના સંબંધો કાપી નાખ્યા છે.
હું વિદેશમાં એકલી પડી ગઈ છું. મારા દિલની વાત કોઈને કરી શકું એમ નથી. મેં કોઈને દુઃખ નથી આપ્યું તો મને આ પીડા શા માટે મળી રહી છે? ઘણા કહે છે કે દૂર રહીને પ્રેમ ટકાવી શકાતો નથી. મને એના અમુક બિહેવિયરને કારણે ઘણી શંકાઓ થાય છે. ઘણી વાર વિચાર આવે છે કે તેના મિત્રે મને કહેલી વાત સાચી તો નહીં હોયને? વળી, કૃતિ સાથે એફબી પર તેનો વ્યવહાર ચાલુ છે, એથી મને ઘણું ખોટું લાગ્યું છે તેની એને ખબર છે એટલે એ મને હસાવવાની પણ કોશિશ કરે છે, પણ એવું નથી કહેતો કે કૃતિ સાથેના તમામ વ્યવહારો બંધ કરી દઈશ. મને એવી શંકા પણ પડે છે કે હું અહીં વિદેશમાં છું ત્યારે પરાગ અને કૃતિ ફરી વાર તો નજીક નથી આવી રહ્યાંને? હું કૃતિને જાણું છું કે તે બહુ ખરાબ છોકરી છે. પરાગને મેળવવા તે કોઈ પણ હદ ક્રોસ કરી શકે છે.
મને મારા જીવનમાં પરાગ જોઈએ છે, એના વગર હું એક સેકન્ડ પણ રહી શકું એમ નથી. અમે રોજ નેટ પર નિયમિત વાતચીત કરીએ છીએ, પણ મને ડર લાગે છે કે હું તેને ગુમાવી તો નહીં દઉંને... મેં મારા ડરની વાત કરી તો પરાગ કહે છે કે કૃતિ તેના જીવનમાં ફરી ક્યારેય આવી શકશે નહીં, પણ એ ખોટું બોલી રહ્યો હોય એવું ન બને? હું અહીં એકલી એકલી મમ્મીને યાદ કરીને રડું છું. હું શું કરું, મને યોગ્ય માર્ગદર્શન આપજો.                            
લિ.નિકી
પ્રિય નિકી,
તમે તમારા પત્રના પ્રારંભમાં કબૂલાત જેવાં જે બે વાક્યો લખ્યાં છેઃ એક, "હું આજે પણ નાના બાળક જેવી જ છું." બે, "હું બહુ જ ઇમોશનલ પણ છું." આ બે બાબતોને કારણે જ તમે વગર કારણે પીડાઈ રહ્યાં હશો એવું લાગે છે. તમે નાનાં બાળકોને જોયાં હશે,જેમની મમ્મી કોઈ બીજા બાળકને તેડે કે ખોળામાં બેસાડે એટલે તરત તેઓ રડવા લાગતાં હોય છે. તમે પણ એ બાળક જેવું જ બિહેવિયર કરી રહ્યાં છો. પરાગ બીજી કોઈ યુવતી સાથે વાતચીત કરે કે મૈત્રીપૂર્ણ વ્યવહાર દાખવે એનો અર્થ એવો ન કરી લેવો જોઈએ કે એ તમને છોડીને કાયમ માટે પેલી છોકરીનો થઈ જશે. પરાગને કૃતિ સાથે ભૂતકાળમાં સંબંધો રહ્યા છે અને તેઓ આજે પણ એકબીજાની સાથે ફેસબુક જેવા માધ્યમ પર લાઇક જેવી નિર્દોષ પ્રવૃત્તિ કરતા હોય તો તેનાથી તેમની વચ્ચે પહેલાં જેવા જ સંબંધો હોવાનું માની લેવું યોગ્ય નથી. બે પ્રેમીઓ વચ્ચે બ્રેક-અપ થઈ જાય પછી તેઓ સામાન્ય સંપર્ક ટકાવી રાખે તો તેમાં શંકા કરવી ન જોઈએ.
બીજું, તમે વધારે પડતાં ઇમોશનલ છો, એટલે પણ તમને રાઈ હોય ત્યાં પર્વત દેખાઈ રહ્યો છે. વધુ પડતી સંવેદનશીલતા હજુ ચાલે, પણ શંકાશીલતા છોડવી જોઈએ. પરાગ જ્યારે તમારી સાથે લગ્ન કરવા તૈયાર છે, તે તમને ચાહે છે ત્યારે તેના અન્ય છોકરીઓ સાથેના દરેક સંબંધમાં શંકા કરવાનું ટાળો. કોઈ પણ સંબંધમાં વિશ્વાસ જ પાયો હોય છે. જો તમે પરાગ પર વિશ્વાસ નહીં મૂકી શકો તો તેની સાથેના કોઈ સંબંધમાં સુખી નહીં રહી શકો. હા, પરાગનું વર્તન શંકાસ્પદ હોય તો તમે તપાસ કરાવો. પરાગ જો ખરેખર અન્ય છોકરી સાથે સંબંધો ધરાવતો હોય તો તમારે સંબંધો પર પૂર્ણવિરામ મૂકી દેવું જોઈએ, પરંતુ જો પરાગ તમને જ ચાહતો હોય તો પછી શંકા કરવાનું બંધ કરી દેવું જોઈએ.  

Comments