છેલ્લે અમારી વચ્ચે ઓગસ્ટ મહિનાના પહેલા અઠવાડિયામાં વાત થઈ પછી તેણે મારી સાથે વાત જ કરી નથી. તે મારી સાથે વાત કરવા જ તૈયાર નથી. મેં તેને અનેક એસએમએસ પણ મોકલ્યા છતાં તેનો રિપ્લાય આપવા તૈયાર નથી
સોક્રેટિસજી,
હું ૨૧ વર્ષનો યુવાન છું. મધ્યમવર્ગના પરિવારમાંથી આવું છું. હું અત્યારે ડિપ્લોમા કરી રહ્યો છું અને લાસ્ટ યરમાં છું. અભ્યાસ સાથે પાર્ટટાઇમ જોબ પણ કરું છું. હું ગયા એપ્રિલ મહિનામાં મારાં મમ્મીના કહેવાથી છોકરી જોવા ગયો હતો. એ છોકરીનું નામ છે. હેલી. હેલીને જોઈ, તેની સાથે વાતચીત કરી. મને હેલી ગમી ગઈ. મેં મમ્મીને જણાવી દીધું કે હેલી મને પસંદ છે. અલબત્ત,હેલીને હું ગમ્યો કે નહીં, એ અંગે હું કશું જાણતો નહોતો, પરંતુ થોડા દિવસ પછી એક આહ્લાદક સાંજે હેલીનો મારા પર ફોન આવ્યો. તેણે સામેથી ફોન કરેલો એટલે હું સમજી ગયો કે હેલીને પણ હું પસંદ આવ્યો છું. તે દિવસે ફોન પર નોર્મલ વાતચીત થઈ, પછી અમારી વચ્ચે નિયમિત વાતો થવા માંડી.
એક મહિનામાં તો અમે એકબીજાના પ્રેમમાં ઓતપ્રોત થઈ ગયાં. હું તેના ઘરે મહિનામાં એક વાર તો અચૂક જતો. હેલી મને ઘણી વાર કહેતી કે તમે મને છોડી ન દેતા. હું તમારા વગર જીવી શકીશ નહીં. તેને મારી સાથે વાત કર્યા વિના ચાલતું નહીં. તેની પાસે મોબાઇલ નહોતો એટલે તે તેની ફ્રેન્ડના મોબાઇલ પરથી મારી સાથે વાતો કરતી. પછી મેં તેને મોબાઇલ ગિફ્ટ કર્યો હતો.
હેલીએ આગળનો અભ્યાસ ચાલુ રાખ્યો અને તેણે ગર્લ્સ કોલેજ જોઈન કરી હતી. કોલેજ ગામથી ૩૦ કિલોમીટર દૂર હતી, તે રોજ અપડાઉન કરતી હતી. હું તેના ભણવાના નિર્ણયથી ખુશ હતો.
હવે અમારા સંબંધમાં સમસ્યા આવી છે. છેલ્લે અમારી વચ્ચે ઓગસ્ટ મહિનાના પહેલા અઠવાડિયામાં વાત થઈ પછી તેણે મારી સાથે વાત જ કરી નથી. તે મારી સાથે વાત કરવા જ તૈયાર નથી. મેં તેને અનેક એસએમએસ પણ મોકલ્યા છતાં તે રિપ્લાય આપવા તૈયાર નથી. અગાઉ જ્યારે હું તેની સાથે વાત ન કરતો ત્યારે તે મારાં મમ્મીને ફોન કરીને કહી દેતી કે હું તેનાથી નારાજ છું અને તેની સાથે વાત કરતો નથી. મમ્મીના કહેવાથી મારે તેની સાથે વાત કરવી પડતી અને ફરી અમારી વચ્ચે પહેલાં જેવી વાતો-મુલાકાતો થવા માંડતી.
હેલીને મારી કઈ વાતનું ખોટું લાગી ગયું એ મને સમજાતું નથી. હા, મારાં ફોઈએ તેની પાસે મોબાઇલ વાપરવા માગ્યો હતો, એ કારણ તો નહીં હોય ને? થોડા દિવસ પહેલાં એવું બનેલું કે મારાં ફોઈએ કોઈ કારણસર તેની પાસે બે દિવસ માટે ફોન વાપરવા માગેલો. મારાં ફોઈએ જ્યારે જાણ્યું કે ફોનવાળી ઘટના પછી તે મારી સાથે વાત પણ કરતી નથી ત્યારે તેમણે કહેલું કે મને આવી ખબર હોત તો હું તેની પાસે ફોન ન માગત.
હમણાં બે દિવસ પહેલાં જ તેનો એક મેસેજ આવ્યો હતો કે મારે તમારી સાથે વાત કરવી નથી. મને મેસેજ પણ કરતા નહીં. મને સમજાતું નથી કે તે આવું શા માટે કરી રહી છે? મેં તેની સાથે ક્યારેય ખરાબ વર્તન કર્યું નથી. તેને મારી જોડે વાત કર્યા વિના ચાલતું નહોતું, છતાં ખબર નહીં કેમ અચાનક તેનામાં આવો બદલાવ આવી ગયો છે. મેં તેને મનાવવા પણ પ્રયાસ કર્યા, પણ તે વાત કરવા જ તૈયાર નથી. મને તેની યાદ આવતાં રડવું આવી જાય છે. મારે તેને કઈ રીતે મનાવવી?
-લિ. પ્રિયાંશ
પ્રિય પ્રિયાંશ,
કહેવાય છે કે ખટ્ટ-મીઠા ઝઘડાઓથી પ્રેમ વધતો હોય છે. પ્રેમ અને લગ્નજીવનમાં રૂઠના-મનાના ચાલતું હોય છે. નાના-મોટા ઝઘડા પછી બન્ને વ્યક્તિઓ વધારે નજીક આવતી હોય છે. એકબીજાને વધુ સારી રીતે સમજવા લાગે છે અને મનમેળમાં વધારો થતો હોય છે. હા, પણ ઝઘડો એક હદથી વધારે લાંબો ન ચાલવો જોઈએ કે પછી મતભેદ હોવા છતાં મનભેદ ન સર્જાવો જોઈએ. ઝઘડા થાય પણ પ્રેમમાં ઘટાડો ન થવા દેવો જોઈએ. હેલી તમારાથી નારાજ છે અને નારાજગીનો સમયગાળો જેટલો લાંબો ચાલશે, એટલો તમારા સંબંધો માટે ખતરનાક બનતો જશે. તમારે વહેલી તકે હેલીની નારાજગીનું કારણ જાણી લેવું જોઈએ. માત્ર ફોનની આપ-લે બાબત હોય તો તેને સમજાવવી જોઈએ. તમે તેને મળવાની કોશિશ કેમ નથી કરી? તમે તેના ઘરે નિયમિત જાવ છો ત્યારે તમારે રૂબરૂ મળીને જ વાત કરવી જોઈએ.
હા, ફોન જેવું તુચ્છ કારણ ન હોય, પણ કંઈક વધારે ગંભીર કારણ હોય તોપણ તમે બન્ને પરસ્પરને ચાહતાં હશો તો કોઈ ઉકેલ ચોક્કસ મળી આવશે. શક્ય હોય તો હેલી જેમ તમારાં મમ્મીને વાત કરીને તમારા અબોલા તોડાવતી હતી, એમ તમે પણ તેનાં મમ્મી-પપ્પા કે ઘરના સભ્ય દ્વારા સમાધાનનો માર્ગ ખોલાવી શકો છો. તમે હેલીને રૂબરૂ મળો, શાંતિથી વાત કરો, મૂળ કારણ શોધો અને તેને દૂર કરીને સંબંધને ફરી જીવંત બનાવો. તમે ચોખ્ખા હૃદયથી પ્રયાસ કરશો તો તમને જરૂર સફળતા મળશે.
***
સોક્રેટિસજી,
હું ૨૦ વર્ષનો યુવક છું. હાલમાં સીએસનો અભ્યાસ કરી રહ્યો છું. મારો પ્રશ્ન સામાન્ય હોવા છતાં મને બહુ પીડા આપી રહ્યો છે. મારી સમસ્યા મારો લાગણીશીલ સ્વભાવ છે. હું સરળતાથી કોઈ પણ વ્યક્તિ પ્રત્યે લાગણી ધરાવવા લાગું છું. હું જેને પણ મળું મને તેના પ્રત્યે સ્નેહની લાગણી થવા લાગે છે. હું દરેકને પોતાના માની લઉં છું અને એટલે જ એ લોકો મને હર્ટ કરે ત્યાં બહુ દુઃખી થાઉં છું. હું લોકોને મારા ગણીને તેમના વિશે વિચારતો હોઉં છું અને તેઓ મારી સાથે પરાયા જેવો વ્યવહાર કરે ત્યારે હું ભાંગી પડું છું. એકલો એકલો રડયા કરું છું.
મેં કેટલીય વખત પ્રયાસ કર્યો કે સામેવાળી વ્યક્તિ પ્રત્યે કોઈ પણ પ્રકારની ફિલિંગ્સ ન રાખવી, છતાં હું સામેવાળી વ્યક્તિ સાથે લાગણીથી જોડાયા વિના રહી શકતો નથી. અમદાવાદમાં મારે એક ફ્રેન્ડ છે, જે વાત વાતમાં મને હર્ટ કરે છે, હું ધારવા છતાં તેની સાથેના સંબંધો કટ કરી શકતો નથી, કારણ કે મને એના પ્રત્યે રિસ્પેક્ટ છે.
હું મારો સ્વભાવ કઈ રીતે બદલી શકું? મને યોગ્ય સલાહ આપશો.
- લિ. ધૈર્ય
પ્રિય ધૈર્ય,
લાગણીશીલ સ્વભાવ એ કંઈ કોઈ ખરાબી નથી, પરંતુ વધારે પડતી લાગણીશીલતા તમને ભાવુક બનાવી શકે છે અને એને કારણે આખરે વ્યક્તિએ જ સહન કરવાનું આવે છે. વધુ પડતી લાગણીશીલતા તમારો સ્વભાવ હોય તો તમારે વધારે સમજદારીથી કામ લેવું રહ્યું. તમારે એ સમજી લેવું જોઈએ કે તમે જેટલા લાગણીશીલ છો, તમારા સંપર્કમાં આવતી દરેક વ્યક્તિ એટલી લાગણીશીલ નહીં જ હોય. એટલે કાં તો તમારે તમારી લાગણીશીલતા પર નિયંત્રણ રાખવું પડે અથવા તો સામેવાળી વ્યક્તિ પણ તમારા માટે એટલી લાગણી દર્શાવે એવી અપેક્ષા છોડી દેવી જોઈએ.
દરેક વ્યક્તિમાં ઓછી-વધતી લાગણી હોય છે. લાગણી હોવી સારી બાબત છે, પણ તેની સાથે સંબંધોની સમજણ હોવી પણ આવશ્યક છે. તમે ઉત્તમ ગણાતી નવલકથા કે ફિલોસોફીને લગતાં પુસ્તકો વાંચીને તમારી લાગણી વધારે મેચ્યોર બનાવી શકો છો. કદાચ મનોવિજ્ઞાન પણ તમને મદદ કરી શકે. લાગણીશીલતા કોઈ બીમારી નથી, છતાં તમે ઇચ્છો તો કોઈ સારો સાઇકિયાટ્રિસ્ટ પણ તમને આમાં ઘણો મદદરૂપ અને માર્ગદર્શક બની શકે.
Comments
Post a Comment
Thanx For Comment