હું મનીષા નહીં, રેખા છું કહેતાં એ ચાલવા માંડી


આખરે મનીષા ઉર્ફે રેખા કોણ હતી સોફિસ્ટિકેટેડ કોલગર્લ તો નહોતી ને?
મનીષા તો બસ મનીષા જ હતી. બેહદ સુંદર. એટલી રૂપાળી કે કોઈ એને જુએ તો બસ જોતો જ રહી જાય. એનો ખૂબસૂરત ગોરો રંગ તેજ ધૂપમાં તામ્રવર્ણો લાગતો હતો. એના ચહેરા પરથી પ્રસ્વેદ બિંદુઓ ટપકી રહ્યાં હતાં. એ દિવસે એ આકરા તાપમાં ઊભી હતી. શાયદ ઓટો રિક્ષાનો ઈન્તજાર કરતી હતી. મારી નજર એની પર પડી. હું ઓળખી ગયો કે એ મનીષા જ હતી. મનીષાને હું કેટલાંક સમય પહેલાં જ મળ્યો હતો. પહેલી મુલાકાત બાદ તે મને એના ઘરે લઈ ગઈ હતી.
મેં મારી કાર થોભાવી. ચહેરા પર આત્મીયતા લાવતાં મેં પૂછયું : ''તમે ? અહીં આવા તાપમાં કેમ ઊભાં છો. ચાલો હું તમને ઉતારી દઉં. ક્યાં જવું છે ?''
યુવતીએ કોઈ જવાબ આપ્યો નહીં.
મેં પૂછયું : '' તમે મનીષા છો ને ? મને ઓળખ્યો નહીં ? હું સાર્થક છું.''
એણે પ્રશ્નાર્થભરી નજરે મને પૂછયું: ''કોણ મનીષા ? હું મનીષા નહીં પણ રેખા છું.'' આટલું કહીને તે ચાલવા માંડી. મને બહુ વિચિત્ર લાગ્યું. મને એમ પણ લાગ્યું કે તે મારું અપમાન કરીને જતી રહી. હું વિચારવા લાગ્યો કે મનીષાએ આમ કેમ કર્યું ? તે જુઠ્ઠું શા માટે બોલી ? એણે પોતાનું નામ રેખા છે એમ કેમ કહ્યું ? મને વિશ્વાસ હતો કે તે મનીષા જ હતી. રાત્રે હું ઊંઘી શક્યો નહીં. મનીષાને હું હમણાં તો મળ્યો હતો. મેં યાદદાસ્ત તાજી કરી. એ દિવસે મારે ઈન્દોરના આકાશવાણી કેન્દ્ર પર મારી વાર્તાના રેકોર્ડિગ મારે જવાનું હતું. મારે સુપરફાસ્ટ લકઝરી બસ પકડવાની હતી. લાઈન ખૂબ લાંબી હતી. તેમાં કેટલીક મહિલાઓ પણ હતી. બારી પાસે એક સુંદર યુવતી ઊભી હતી. મેં તેની પાસે જઈ વિનંતી કરી : ''મેડમ ! તમે મારી એક ટિકિટ લેશો ?''
એણે સહજતાથી કહ્યું: ''હા... હા... કેમ નહીં ?''
મેં એને સો રૂપિયાની નોટ આપી. એણે મારી ઈન્દોરની ટિકિટ લઈ લીધી. બસમાં અમારી આજુબાજુમાં જ સીટ આવી. બસ દોડવા લાગી. વળાંક પર કે બ્રેક વાગતી વખતે મારું શરીર તેને સ્પર્શી જતું હતું. હું સહમી જતો હતો. સમય પસાર કરવા મેં એક સુપ્રસિદ્ધ સાહિત્યકારનું પુસ્તક વાંચવાનું શરૂ કર્યું: એણે પુસ્તકમાં નજર નાંખતાં પૂછયું: ''શું તમને સાહિત્યનો શોખ છે ?''
''હા.... હું ખુદ એક નાનકડો લેખક છું. ટૂંકી વાર્તાઓ લખું છું. મારી વાર્તાનું આજે આકાશવાણી પર રેકોર્ડિગ છે.''
સાંભળતાં જ તે ખુશ થઈ ગઈ. તે બોલીઃ ''મારું નામ મનીષા છે. મને સાહિત્ય પ્રત્યે ખૂબ જ લગાવ છે. હું ખુદ એક અધ્યાપિકા છું. તમારું
નામ ?''
મેં કહ્યું : ''સાર્થક''
મનીષા બોલીઃ ''હું ઈન્દોરમાં ઓલ ઈન્ડિયા રેડિયોની પાસે જ રહું છું. રામબાગ મકાન નંબર ૧૨૭માં. સમય મળે તો જરૂર આવજો !''
મનીષાએ મારા પર જાદુ કરી દીધો હતો. રેકોર્ડિગ પૂરું થતાં જ હું રામબાગ પહોંચ્યો. દરવાજે મને ઊભેલો જોઈ મનીષા ખુશ થઈ ગઈ. મને ઘરમાં લઈ ગઈ. ચા- નાસ્તો કરાવ્યો. મનીષા કોલેજમાં હિન્દી ભણાવતી હતી. તેણે લખેલી કેટલીક કહાણીઓ બતાવી. મેં વાંચી અને કહ્યું : ''મેડમ, તમે બહુ જ સરસ લખો છો!''
દોઢ કલાક બાદ હું ઊભો થયો. એ બોલીઃ ''સાર્થક, તમારા માનમાં હું સાહિત્યકારોની એક ગોષ્ઠિ રાખવા માંગુ છું. એક દિવસ ફરી ઈન્દોર આવજો. હું તમને રાત રોકીશ નહીં. સાંજે ઉજ્જૈન પાછા જતાં રહેજો.'' હું મનીષાને સાંભળવા કરતા જોવામાં વધુ મગ્ન હતો. એના અંગ-ઉપાંગોને ગહેરાઈથી જોઈ રહ્યો. હું ચંચલ થઈ ગયો. મારું મન વિક્ષિપ્ત થઈ ગયું. પરંતુ મનમાં પેદા થયેલા એક બુરા વિચાર પર મેં કાબૂ મેળવી લીધો. હું એક નાનકડું સન્માન પ્રાપ્ત કરી મારા શહેર ઉજ્જૈન પાછો જવા નીકળ્યો, એ વખતે એની આંખો પણ જાણે કે આમંત્રણ આપતી હોય એમ મને લાગ્યું.
આ ઘટનાના કેટલાક સમય બાદ મારે ફરી ઈન્દોર જવાનું થયું. આ વખતે હું કાર લઈને ગયો હતો. એક અજાણ્યા જ રસ્તે મેં મનીષાને તાપમાં ઊભેલી જોઈ પરંતુ તેણે મને ઓળખવાનો ઈનકાર કરી દીધો. એટલું જ નહીં પરંતુ તેણે કહ્યું કે ''હું મનીષા નહીં,રેખા છું.'' આ વાત મારી સમજમાં આવતી નહોતી. એથીયે વધુ ખરાબ તો એ મને લાગ્યું કે તે મારું અપમાન કરીને જતી રહી. મારા જેવા સંવેદનશીલ વ્યક્તિ માટે આ એક અસહ્ય પરિસ્થિતિ હતી. વળી કોઈ રહસ્ય પણ હતું. જેના કારણે તે મનીષા નથી પણ રેખા છે તેમ કહી જતી રહી. ઘડીભર મને લાગ્યું કે તે અધ્યાપિકા છે જ કેમ તે પણ એક સવાલ છે. શું તે કોઈ... ? મને તેના ચારિત્ર્ય વિષે જાતજાતના સવાલો પેદાં થયાં. પરંતુ હવે તેની અસલિયત શોધી કાઢવા મેં પાક્કો નિર્ણય લઈ લીધો અને હું ફરી ઈન્દોર ઊપડયો. મારે હવે એ નક્કી કરવું હતું કે તે ખરેખર અધ્યાપિકા છે કે દેહવ્યાપાર કરતી ભણેલી ગણેલી કોલગર્લ ?
અને રવિવારના દિવસે હું સીધો જ ઈન્દોરમાં રામબાગ ખાતેના તેના ઘરે પહોંચી ગયો. મેં ડોરબેલ વગાડયો. એણે બારણું ખોલ્યું. મને જોઈને તે ચોંકી ગઈ મને લાગ્યું કે તે વિચલિત થઈ ગઈ છતાં ઔપચારિક્તાવશ એણે મને અંદર આવવા કહ્યું, ડ્રોઈંગરૂમમાં સોફા પર બેસતાં જ મેં તેને પૂછયું: ''મેડમ, તમે મનીષા છો કે રેખા ?''
એણે કહ્યું: ''હું મનીષા હોઉં કે રેખા- તમને શું ફરક પડે છે ? શું કોઈ નવી સ્ટોરી લખવા માંગો છો ?''
''હા... ફરક પડે છે. એક સ્ત્રી આસાનીથી જુઠ્ઠું પણ બોલી શકે છે તે જાણીને મને આઘાત લાગ્યો છે. તમે છો કોણ?''
અને એની આંખોમાં જલબિંદુઓ ચમકવા લાગ્યા. એ બોલીઃ ''સાર્થક, તમારે જો કોઈ સત્ય ઘટના લખવી હોય તો જરૂર લખજો કે હું મનીષામાંથી રેખા કેમ બની ? ચાલો મારી સાથે અંદર બેડરૂમમાં આવો.''
એ મને એના બેડરૂમમાં લઈ ગઈ. અને બોલીઃ ''હું પણ એક હાડમાંસની બનેલી એક સ્ત્રી છું. મારી પણ ભાવનાઓ અને ઈચ્છાઓ હતી. પરંતુ મારું જીવન બરબાદ કરી નાંખવામાં આવ્યું છે. જે મનીષાને જોઈ તમે મારા તરફ આકર્ષાયા હતા તે મનીષાને જીવતે જીવ મારી નાંખવામાં આવી છે. મનીષામાંથી રેખા બનવું પડયું તેનું એક કારણ છે. તમે આ દીવાલ પરની આ તસવીરને જુઓ.''
મેં દીવાલ પર લટકતી એક વૃદ્ધની તસવીર નિહાળી. તે કહેવા લાગીઃ ''આ તસવીર મારા પિતા કે મારા દાદાની નથી પરંતુ મારા પતિની છે. મારા ગળામાં એમનું મંગળસૂત્ર છે. મારા માથા પર તેમનું સિંદૂર છે. મારા કપાળ પર તેમની બિંદિયા છે. તે ખૂબ વૃદ્ધ છે. અહીં રહેતા નથી. તેમણે મને ક્યારનીયે તરછોડી દીધી છે. બહાર જ રહે છે. તેમને ઘણો મોટો પરિવાર છે. ઘણો મોટો બિઝનેસ છે. સધવા હોવા છતાં વિધવા જેવું જીવન જીવી રહી છું.
''કેમ ?''
એ બોલીઃ ''હું અગિયાર વર્ષની હતી ત્યારે મારાં માતા-પિતાએ મને પરણાવી દીધી હતી. એ વખતે હું પાંચમાં ધોરણમાં ગામડાંમાં ભણતી હતી. હું અગિયાર વર્ષની હતી ત્યારે મારા પતિ ૪૦ વર્ષની વયના હતા. એક આધેડ વ્યક્તિ સાથે મને પરણાવી દેવામાં આવી હતી. તેર વર્ષની ઉંમરે મારું આણું કરવામાં આવ્યું હતું. તે વખતે પણ પતિ-પત્ની વચ્ચેના સંબંધો વિશે હું કાંઈ જાણતી ન હોતી. મારા પતિ મારા પર જબરદસ્તી કરતા હતા. મને માર મારવામાં આવતો હતો. મને ઘરની નોકરાણી જ બનાવી દેવામાં આવી હતી. હું રાતભર રડતી રહેતી. હું જુવાન થઈ ત્યારે મારા પતિ વૃદ્ધ થઈ ગયા હતા. હું જીદ કરીને પણ ભણતી રહી. મેં હિન્દીમાં એમ.એ. કરી લીધું. મને સારા મિત્રો મળ્યા. મને નોકરી પણ મળી ગઈ. જે દિવસથી હું નોકરી કરવા ગઈ તે દિવસથી મારા ચારિત્ર્ય પર છાંટા ઉડાડવાનું શરૂ કર્યું. મને ઘરમાંથી બહાર કાઢી મૂકવામાં આવી. આમેય મારા વૃદ્ધ પતિને મારામાં રસ નહોતો. મારી પાસે સારી નોકરી હોઈ હું ઈન્દોરમાં એકલી રહેવા લાગી. હું હિન્દી સાહિત્યની છાત્રા અને અધ્યાપિકા બેઉ હતી. હિન્દી પ્રેમીઓએ મને સાથ આપ્યો. પતિ તરફથી મને કદીયે પ્રેમ ના મળ્યો. પતિએ ભલે મને તરછોડી દીધી પરંતુ હું પહેલાં જે હતી તે આજે પણ છું. હવે મેં મારું નામ અને પરિવેષ જ બદલ્યાં છે. ઘણીવાર મને મારા માતા-પિતા પર ગુસ્સો આવે છે. તેમણે જ એક બાલિકાને તેના ભણવા કે રમવાના દિવસોમાં આધેડ પુરુષ સાથે પરણાવી દીધી.''
એ અસ્ખલિત બોલી રહી હતી. ''મને લાગ્યું કે મારા માતા-પિતાએ ઘરની આર્થિક હાલત બગડતાં એવી કોઈ મજબૂરીના કારણે મને નાની ઉંમરમાં આધેડ વયની વ્યક્તિ સાથે પરણાવી દીધી હતી. મારાં માતા-પિતા અને મારા પતિએ મારી સાથે અન્યાય કર્યો છે. અને એટલે જ હું એકલી રહી અધ્યાપિકા બની નોકરી કરી રહી છું. તમે એક સાહિત્યકાર છો તેથી હું તમને મારા ઘરે લઈ આવી હતી. સાહિત્ય મારો શોખ છે. સાહિત્ય મારું જીવન છે. લેખકોનું સન્માન મને ગમે છે. હું તમને પહેલીવાર મળી ત્યારે મનીષા હતી.તમારી સાથેની મુલાકાત બાદ સાહિત્યકારોને જ મારા અને તમારા માટે ઘણી વાતો કરી. તેથી જ મેં તમને ઓળખવા ઈનકાર કરી દીધો હતો.  આખરે હું યુવાન છું. તમે પણ યુવાન છો, ખબર નથી કોણ ક્યારે ભૂલ કરી બેસે. એટલે મેં મારું ચારિત્ર્ય અને ધર્મ બચાવવા માટે જ તમારાથી દૂર રહેવા નક્કી કર્યું છે. વૃદ્ધ તો વૃદ્ધ પણ એ મારા પતિ છે. હું એક જીવમાં બે જીવ કરી શકું નહીં. એક સ્ત્રીની લાજ અને અસ્મિતા બચાવવા મેં તે દિવસે તમને ઓળખવા ઈનકાર કરી દીધો હતો.''
આટલું બોલી તે ચૂપ થઈ ગઈ.
મારી પાસે એનો કોઈ જવાબ નહોતો. ઘડીભર મને મારા માટે શરમ ઊપજી. હું તો મનીષા માટે કેવું કેવું વિચારતો હતો. હું પસ્તાવા લાગ્યો. મને બાલવિવાહના દૂષણનો પણ ખ્યાલ આવ્યો મનીષામાંથી રેખા બનેલી એક સ્ત્રીએ મને જાણે કે નિદરમાંથી જગાડી દીધો હતો. હું નતમસ્તક બની એક પવિત્ર સ્ત્રી સામે ચૂપચાપ ઊભો જ રહી ગયો

Comments