સાડીઓનો ભવ્ય શોરૂમ ધરાવતા સોહન શેઠ અચાનક ગાયબ થઇ ગયા. એમનું પગેરું મળ્યું ત્યારે...
સ્વયંવર સાડીઓનો શોરૂમ એટલે હજારો નહીં, પણ લાખો બહેનોનાં હૈયામાં વસી ગયેલું નામ. સ્વયંવરની ટ્રેડિશનલ હાથભરતવાળી અને એમ્બ્રોઇડરી વર્કવાળી સાડીઓએ દેશ-પરદેશમાં જગ્યા કરી હતી. ત્રણ મજલાના વિશાળ શોરૂમમાં શેલું, પાનેતર અને પટોળાની ખાસ માગ રહેતી અને શોરૂમનો માલિક સોહન પટેલ એના સેલ્સ સ્ટાફને સારી રીતે સાચવતો હતો. એ પોતે પણ દરેક કાઉન્ટર પર અવારનવાર મુલાકાત લેતો હતો.
પણ એક દિવસ બપોરના બાર વાગ્યે શોરૂમના મેઇન સેલ્સમેન અને ગર્લ્સને પોતે ડ્રેસ ડિઝાઇનર્સની મિટિંગમાં સુરત જાય છે અને રાત્રે પાછો આવશે એમ કહી રાત્રે નવ વાગ્યે શોરૂમના મેનેજર પ્રદીપભાઈએ સોહન શેઠને સુરતથી નીકળી ગયો છે ને એ જાણવા ફોન કર્યો. તો કોઈ સ્ત્રીએ ફોન રિસીવ કરતાં કહ્યું, 'શેઠજી આરામમાં છે. તમે થોડી વાર પછી ફોન કરજો.’ સોહન શેઠનો મોબાઇલ કોઈ સ્ત્રી ઉપાડે? એ પ્રદીપભાઈને જરા શંકા જેવું લાગ્યું એટલે એણે શેઠના ઘરે ફોન કર્યો કદાચ ઘરનું કોઈ એમની સાથે ગયું હોય, પરંતુ જાણવા મળ્યું કે એ તો એકલા જ ગયા છે.
પ્રદીપભાઈની વાત જાણી સોહનની પત્ની હેતલે સોહન શેઠને મોબાઇલ ફોન કર્યો, તો ફોનની સ્વિચ બંધ થઈ ગઈ. રાત્રે મોડા સુધી સોહન શેઠ પાછા ન આવ્યા તેથી પ્રદીપભાઈ શેઠના ઘરે આવી હેતલને સાંત્વના આપી રહ્યા, 'શેઠજી કોઈ કામકાજમાં અટવાઈ ગયા હશે, ચિંતા ન કરો એ આવી જ જશે.’
સૌએ જાગતી આંખે રાત પસાર કરી, છતાં સોહન શેઠના કોઈ સમાચાર આવ્યા નહીં. સવારે પોલીસ સ્ટેશનમાં જાણ કરવાનું નક્કી થયું. તે રાજપુરા પોલીસ સ્ટેશનમાં હેતલે પોતાનો પતિ સોહન પટેલ ગુમ થયાની ફરિયાદ લખાવી. અને બપોરના બે વાગ્યે ફોન આવ્યો. હેતલે ફોન રિસીવ કર્યો, પણ એ કશું બોલે તે પહેલાં પેલો બોલવા લાગ્યો, 'સોહન શેઠનું મેં અપહરણ કર્યું છે અને અત્યારે અમારા બંધનમાં છે. જેને મુક્ત કરવાની રકમ બાબતે પછી ફોન કરીશ.’
બસ ફોન કટ થઈ ગયો. પ્રદીપભાઈ દ્વારા અત્યારે આવેલા ફોન વિશે પોલીસને જાણ કરાઈ. આથી સોહન શેઠને ત્યાં દરેક ફોન ટેપ કરવાનો આદેશ થયો, પણ પછી કિડનેપરનો કોઈ ફોન આવ્યો નહીં. આથી પીએસઆઇ શિવકુમારે સહકર્મીઓને જુદાં જુદાં સ્થળોએ તપાસ કરવા માટે મૂકી દીધા. ખાસ અંગત ખબરીને પણ સોહન શેઠની શોધ કરવા સૂચિત કર્યા.
શહેરની જાણીતી વ્યક્તિ સોહન શેઠના અપહરણના સમાચારથી ખળભળાટ મચી ગયો. ત્યાં સાડીના શોરૂમની અવારનવાર મુલાકાત લેતી કામિનીએ પ્રદીપભાઈને જણાવ્યું કે સોહન શેઠને મેં ગઈ કાલે અમદાવાદ તરફ જતા જોયા હતા. બરોબર એ વખતે પોતે એક્સપ્રેસ હાઈવે પર ટોલનાકા પર સામેની બાજુ પર કારમાં હતી. એણે સાદ પાડયો, પણ ગાડીના ગ્લાસ બંધ હોવાથી એમણે સાંભળ્યું નહીં હોય.
અમદાવાદ તરફ પણ પોલીસ તમામ પ્રકારે શોધ કરી આવી, પણ પરિણામ શૂન્ય આવ્યું આમ ને આમ સોહન શેઠના અપહરણની ઘટનાને ત્રણ દિવસ વીતી ગયા. એમાં એક ખાસ ખબરીએ સમાચાર આપ્યા કે નજીકમાં ભવાનીમાતાનાં ર્તીથમાં સોહન શેઠની કાર પાકિગમાં પડી છે.
આથી શિવકુમાર અને તેમની ટીમે ત્યાંની હોટલ, ગેસ્ટ હાઉસ તેમ જ રેલવે સ્ટેશન પરના સીસીટીવી કેમેરામાં જાતે તપાસ કરી પણ કોઈ મહત્ત્વની કડી મળી નહીં, પણ એકાએક યાદ આવતાં શિવકુમારે સોહન શેઠનો મોબાઇલ નંબર મેળવીને એના સર્વિસ પ્રોવાઇડર પાસેથી એ નંબર પર આવેલી કોલની સૂચી માગી.
બસ, એ સૂચી મળતાં શિવકુમારને એક રસ્તો મળી ગયો. કારણ એ ઇનકમિંગ કોલ લિસ્ટમાં એક લેન્ડલાઇનનો નંબર હતો. જેની પર ખાસ્સો સમય વાત થયેલી હતી. હવે એ નંબરધારકનું નામ-સરનામું જોવડાવ્યું તો એ નંબર કામિનીનો હતો. કામિની મોડલિંગનો બિઝનેસ કરતી હતી અને નામ પ્રમાણે કમસીન હતી. એ સાડીના શો રૂમની ખાસ માનીતી ગ્રાહક હતી. એ અવારનવાર શોરૂમમાં ખરીદી કરવા આવતી અને કલાકો સુધી સોહન શેઠની ચેમ્બરમાં બેસતી હતી.
આથી શિવકુમાર શોરૂમના સ્ટાફના દરેકને ખાનગીમાં - વિશ્વાસમાં લઈને પૂછયું તો જાણવા મળ્યું કે સોહન શેઠ અને કામિનીનું અફેર ચાલતું હતું. આ વાત શિવકુમારે કામિનીને પૂછી ત્યારે એણે કહ્યું, 'હું મોડલિંગનો બિઝનેસ કરતી આબરૂદાર સ્ત્રી છું. આ તો મારા ઈર્ષાળુ દુશ્મનોની મને અને સોહનને બદનામ કરવાની ચાલ છે.’
ફરી વાર શિવકુમારને હાથ આવેલી કડી નીકળી ગઈ. એમણે કામિનીને જવા દીધી, પણ એમના મનમાં કામિની પ્રત્યે શંકા તો કાયમ રહી, પણ કોઈ નક્કર પુરાવા વગર પોતે કેમ આગળ વધી શકે. એમાં અચાનક સ્થાનિક બેંકના મેનેજર આર. જે. શેખાવત શિવકુમારને મળ્યા અને વાત વાતમાં એમણે કહ્યું કે બિચારા સોહનકુમાર ગુમ થયા એ જ દિવસે પેલી મોડલ ગર્લ કામિની સાથે બેંકમાં વિથડ્રોલ કરવા આવેલા હતા.
'એમ? કેટલી એમાઉન્ટ હતી?’
'ત્રણ લાખ.’
'તમને સોહનલાલ મળેલા?’ શિવકુમારે પૂછયું.
'ના, મેં તો મારી ચેમ્બરમાં બેઠાં બેઠાં સીસીટીવી કેમેરામાં જોયા હતા. આમ તો એ જ્યારે બેંકમાં આવે ત્યારે મને મળવા આવે જ, પણ ત્યારે કોઈ ઉતાવળ હોય તેવું મને લાગ્યું હતું.’
શિવકુમાર તુરંત જ કામિનીના ફ્લેટ પર ગયા, તો કામિની ક્યાંક બહાર જવાની તૈયારી કરી રહી હતી. છતાં એણે શિવકુમારને આવકારતાં પૂછયું,
'શું સોહન શેઠનું કોઈ પગેરું મળ્યું?’
'નહીં, પણ તમે છેલ્લે સોહન શેઠને ક્યારે મળેલાં?’
'લગભગ એક સપ્તાહ જેવું થયું હશે.’ જરા વિચારીને કામિનીએ પ્રત્યુત્તર આપ્યો.
'પણ જે દિવસે સોહન શેઠનું અપહરણ થયું તે દિવસે તમે એમની સાથે બેંકમાં હતાં. એ વાતને આજે ત્રણ દિવસ થયા અને તમે એક સપ્તાહનું કહો છો માટે સાચું શું છે?’
'બને જ નહીંને, હું બેંકમાં ગઈ જ નથી.’
'પણ તમે અને સોહન શેઠ બેંકના સીસી કેમેરામાં કેદ થયેલાં છો.’
એ સાંભળતાં જ કામિની ઢીલી પડી ગઈ. એણે પોતાનો ગુનો કબૂલ કરતાં કહ્યું,
'સાહેબ મને બચાવી લેજો. મેં અને સોહનના મેનેજર પ્રદીપે સાથે મળીને સોહન શેઠની હત્યા કરીને લાશ કપલીધાર પાસે પથ્થરની ખાણમાં ફેંકી દીધી છે. એ બહુ કંજૂસ હતો. મેં એની પાસે કેટલી વાર પાંચ લાખ માગ્યા હતા, ત્યારે એણે માંડ ત્રણ લાખ આપેલા, ખરેખર મારે તેની સાથે અફેર નહોતું, પણ પ્રદીપ સાથે હતું, પણ સોહન અમારા વચ્ચે આડખીલી બની રહેતો હતો. એક વાર તો એણે મને એકાંતમાં બોલાવીને બળજબરી કરવા પ્રયત્ન કર્યો હતો.
Comments
Post a Comment
Thanx For Comment