યુવતીએ રાજન અને ડોલીને જોયાં હશે તેથી દોડતી પાસે આવી. થોડાં ડગલાં દૂર હતી ત્યારે તેના પગ રીતસર ઢીલા પડી ગયા હતા. બંને કશું બોલ્યા વગર એકમેકને જોતાં રહ્યાં. આવા સમયે જીભ નહીં આંખો વાતો કરતી હોય છે.
મેળાનું મનેખ રાજન અને ડોલી સામે જુએ છે અને રાજનની વિહવળ આંખો કોઇ બીજા પાત્રને શોધી રહી છે. માણસનો આ સ્વભાવ છે સાથે કે પાસે હોય તે ગમે નહીં અને જે ગમતું હોય તે સાથે ન હોય! અને મેળાની મજા તો ત્યારે આવે જ્યારે મનગમતું મનેખ સાથે હોય. બિન્ધાસ્તથી રાજનનું પડખું દબાવીને ઊભેલી ડોલી એંગ્લો ઇન્ડિયન યુવતી છે. તરણેતરનો આ મેળો મહાલવા રાજનની સાથે આવી છે. રતુંબડો ચહેરો, ખુલ્લા સોનેરી વાળ,સાગના સોટા જેવો બાંધો અને પૂરતી ઊંચાઇ... સૌ કોઇની નજરમાં વસી જાય તેવા રૂપ-સૌંદર્યની માલીકણ છે. જોનારા સૌ ધારી લેતા હતા કે આ દેશી અને પરદેશી વચ્ચે પ્રેમ હશે!
ડોલીએ હાથ પકડી રાજનને ખેંચ્યો. ‘કમ ઓન...’ રાજન મોં બગાડીને સાથે ચાલ્યો. મેળાની ભીડ વચ્ચે આવીને ઊભાં રહ્યાં. ડોલીને હુડો જોવા કરતાં રમવામાં રસ હતો. તેને કહેવું હતું, ચાલ આપણે સૌની સાથે રાસ રમીએ... પણ અબોલ જ રહી. રાજનની પીડા છૂપી રીતે પોતાને પજવતી હતી. આમ તો મેળે મેળે આવે અને મેળે મેળે જાય એનું નામ મેળો! મેળાની એક મજા છે પણ તેને માણતાં આવડવું જોઇએ. મેળામાં ગામડાંના યંગસ્ટર્સની સંખ્યા વધારે હોય છે.
શહેરી કે શિક્ષિતની સંખ્યા ઓછી હોય છે. સ્ટડી કે કરિયર માટે વ્યસ્ત રહેતા યુવાનોએ ચેઇન્જ ખાતર પણ લાઇફમાં આવા કલર્સને જાણવા અને માણવા જોઇએ. મેળો તો યુવા મનનો ગહેકતો મોર છે. લાગણી ભીનાં હૈયાનો થનગનાટ છે. તેમાં હૈયેહૈયું હિલ્લોળે ચઢ્યું હોય છે. તરણેતર અને ભવનાથનો મેળો જગવિખ્યાત છે. વૌઠાનો મેળો, રણઝણિયુંને પીંઝણિયું વાગે તે શામળાજીનો મેળો, ડાકોરમાં માણેકઠારીનો મેળો, પ્રેમ-મિલનનો માધુપરનો મેળો, ભાદરવી પૂનમનો અંબાજીનો મેળો... આવા બહુરંગી મેળાઓથી ગુજરાત રૂડું ને રળિયાત છે. ડોલી મેળાઓના અભ્યાસ અર્થે છેલ્લાં બે વરસથી અહીં આવે છે. બંને થોડું ફરીને હુડો રમાતો હતો ત્યાં આવીને ઊભાં રહ્યાં. પાંચાળનું ખમીરવંતું યૌવન હેલે ચઢ્યું છે.
પરંપરાગત પોશાકમાં સઘળું સરસ અને એકરસ લાગે છે. કોઇને અલગથી ઓળખવા મુશ્કેલ છે આમ છતાં ડોલીની નજર ગઇ અને તેણે એકદમ રાજનનો હાથ ઝાલી લીધો. તેને કહેવું હતું, જો પેલી ગઇ સાલે મળી હતી તે યુવતી રહી! રાજને જોયું અને તેને જોતાં જ આંખો ચાર થઇ ગઇ. જેની યાદનો ઘંટારવ મનમાં સતત ગુંજતો હોય અને તેનો સાક્ષાત્કાર થાય ત્યારે પ્રેમમંદિરમાં પ્રભુની પ્રાર્થનામાં લીન કે તલ્લીન હોઇએ તેવી અનુભૂતિ થાય. તે હુડામાં ખોવાઇ ગઇ હતી. તેને કેવી રીતે બોલાવવી અને વાત પણ શું કરવી? રાજન અવઢવમાં મુકાઇ ગયો.
ગત વરસે આ યુવતી મેળામાં મળી હતી. પ્રથમ નજરે જ પરિચિત હોય. ક્યાંક સગાં-સંબંધીને ત્યાં મળ્યાં હોય એવું લાગતું હતું. પપ્પાની નોકરીના લીધે રાજનનો જન્મ ગાંધીનગરમાં થયો છે પણ બાપ-દાદાનું વતન પંચાલ છે. સહજ પૃચ્છા કર્યા પછી ગામડાંની આ ગ્રેજ્યુએટ ગોરીમાં રાજનને રસ પડ્યો હતો. સામે યુવતીનું પણ એવું જ હતું. આમ છતાં કોઇ મગનું નામ મરી પાડી શક્યા નહોતા. ગમે છે, નાતરિયા છે પણ યુવતીના મનમાં ધારણા બંધાઇ ગઇ હતી કે સાથે ગોરી છોકરી છે તેથી આપણે કબાબમાં હડ્ડી નથી થવું. આવી કપોળકલ્પિત ધારણાઓ બંને પક્ષે સમસ્યા સમાન નીવડે છે.
આ ત્રિનેત્રેશ્વરનું મહાત્મ્ય એટલે છે કે મહાભારતમાં અહીં અર્જુને મસ્ત્યવેધ કરી દ્રૌપદીને મેળવી હતી. જે કપરી કસોટીના ત્રાજવે તોળાઇ મત્સ્યવેધ કરી શકે તે પાંચાલીને પામી શકે. ઘણા યુવાનો આવી કાબેલિયત દાખવી લક્ષ્ય સિદ્ધ કરતાં હોય છે. તેને લોકોની સાચી-ખોટી ધારણાની પરવા હોતી નથી અને રાખવી પણ ન જોઇએ. એકબીજા કશું બોલ્યા વગર સાંજ સુધી અડખેપડખે ટળવળતાં રહ્યાં હતાં. સાંજે જ્યારે છુટ્ટા પડવાની વેળાએ આ યુવતી આંખોથી ઓઝલ થઇ ત્યાં સુધી હાથ ઊંચો કરતી રહી હતી. સૂર્યાસ્તમાં એક તેજલિસોટો વિલીન થઇ ગયો હતો.
ડોલીની આંખોમાં આ આબાદ રીતે કેદ થઇ ગયું હતું. છતાં પણ તેણે કશી ધારણા બાંધી નહોતી. આવું તેના સ્વભાવમાં જ નથી અને સમજે છે કે દિલની વાતમાં દિમાગ ન દોડાવવું. યુવતીએ રાજન અને ડોલીને જોયાં હશે તેથી દોડતી પાસે આવી. થોડાં ડગલાં દૂર હતી ત્યારે તેના પગ રીતસર ઢીલા પડી ગયા હતા. બંને કશું બોલ્યા વગર એકમેકને જોતાં રહ્યાં. આવા સમયે જીભ નહીં આંખો વાતો કરતી હોય છે. ભરત ભરેલ અસલ પોશાકમાં એ અદ્ભુત લાગતી હતી. પણ મોં પડી ગયું હતું. કોતરેલા નેણની ઢીંગલીઓ વંકાઇ ગઇ હતી. પરસેવાના લીધે સેંથીમાં પૂરેલું સિંદૂર પહોળા કપાળ પર રેલાઇ રહ્યું હતું.
તેણે ડોલી સામે વેધક નજરે જોયું. ડોલીનું જીન્સ પેન્ટમાં ઊભરી આવતું કુંવારાપણું આબાદ રીતે યુવતીની આંખોમાં ઝિલાઇ ગયું હતું. પોતાની ધારણા પોકળ નીવડ્યાનો પસ્તાવો કરવા સિવાય તેના પાસે હવે કશું રહ્યું નહોતું. તેનાથી છાતીફાટ નિસાસો નખાઇ ગયો. મોંમાંથી ધગધગતું ડૂસકું નીકળે તે પહેલાં પારોઠ ફરી ગઇ. પછી ઝડપથી ચાલી મેળાની ભીડમાં ઓગળીને અર્દશ્ય થઇ ગઇ. જતાં પહેલાં રાજન સામે જે રીતે જોયું તે જિંદગીમાં ફરી મળવું દુર્લભ હતું. રાજન ભીની અને ઢીલી નજરે જોતો રહ્યો. તેના દિલમાં વંટોળ ઊપડ્યો હતો.
પગ ધરતી પરથી ડગમગવા લાગ્યા હતા. ડોલીએ સાવ નજીવા સમયમાં નિર્ણય લઇ લીધો. પછી ક્ષણનો પણ વિલંબ કર્યા વગર રાજનને રીતસરનો ખેંચ્યો. એક ટ્રેડશિનલ ડ્રેસના સ્ટોલ પર પેલી યુવતીએ પહેર્યો હતો તેવો ડ્રેસ ખરીધ્યો. પછી કટલેરીના સ્ટોરમાંથી બંગડી, કાનનાં લટકણિયાં... એવું ખરીધ્યું. રાજનના ચિતમાંથી પેલી યુવતી ખસતી નથી. થાય છે કે, દોડીને પાછળ જાઉં... પણ શું કરવા? આ સવાલનો જવાબ તેની પાસે નથી. ડોલીએ સિંદૂરની ડબ્બી ઉઘાડીને રાજન સામે ધરી, પોતાનો સેંથો પૂરવા ઇશારો કર્યો. રાજન એકદમ બોલી ઊઠ્યો: ‘તને ખબર છે, સેંથો પૂરવાનો શું અર્થ થાય!!?’ તે બોલી: ‘હા, મને હમણાં જ ખબર પડી!’ રાજન તેની સામે નવી નજરે જોઇ રહ્યો.
Comments
Post a Comment
Thanx For Comment