પરદેશીયોં સે ના અખિયાં મિલાના...!!


જે માણસ મારા માટે હાડ થિજાવતી ઠંડીમાં આખી રાત વિતાવતો હતો તે હવે અચાનક સંબંધ પર પૂર્ણવિરામ મૂકી દે, એ મારા માન્યામાં આવતું નથી. હવે હું તેના વગર ઝૂરું છું

હું૨૪ વર્ષની યુવતી છું. વલસાડ જિલ્લામાં જન્મીને મોટી થઈ છું. એકાદ વર્ષ પહેલાં હું અભ્યાસ માટે યુકે ગઈ હતી. યુકેમાં હું બે વર્ષ રહી આવી છું. યુકેમાં મોહિત નામનો છોકરો મારી પાછળ પડી ગયો હતો. મને તે જરા પણ પસંદ નહોતો. વળી, હું યુકે ગઈ પછી મારા બોયફ્રેન્ડ રોહને બીજી યુવતી સાથે લગ્ન કરી લીધાં હતાં. આ ઘટનાથી હું હતાશ થઈ ગઈ હતી. હું રોહને કરેલી બેવફાઈના આઘાતમાંથી બહાર નીકળી શકી નહોતી એટલે બીજા કોઈ છોકરા સાથે સંબંધ બાંધવા ઉત્સુક નહોતી. મોહિતને હું બિલકુલ ભાવ નહોતી આપતી છતાં તે મને કોલ કર્યા કરતો અને દરરોજ મારો પીછો કરતો. મેં તેનાથી છૂટવા માટે ખોટું ખોટું એવું પણ કહી દીધેલું કે મારી સગાઈ ઓલરેડી થઈ ચૂકી છે, છતાં તેણે પ્રયાસો જારી રાખ્યા.
એક દિવસ મારા એક્સ બોયફ્રેન્ડ રોહને તેની વાઇફ સાથે મને ફોન કર્યો. ફોન પર સાદી વાત કરી હોત તો ઠીક પણ તેણે એવી ઘણી આઘાતજનક વાતો કરી કે હું સહન ન કરી શકી. મેં મારો ગમ ભુલાવવા માટે શરાબનો સહારો લીધો. મને નશો ચડેલો હતો એ જ ગાળામાં મોહિતનો મારા પર ફોન આવ્યો. મેં નશામાં તેને રોહન સાથેની આખી પ્રેમકહાણી અને તેણે મને કઈ રીતે ધોખો દીધો એ બધી વાત કરી દીધી. મેં મોહિતને એ પણ કહી દીધું કે રોહનના અનુભવ પછી મને છોકરાઓ પરથી વિશ્વાસ ઊડી ગયો છે અને હું કોઈ છોકરા સાથે સંબંધ બાંધવા માગતી નથી.
મારી હકીકત જાણ્યા પછી તો મને છોડવાને બદલે તે વધુ તીવ્રતાથી પ્રેમ જતાવવા લાગ્યો. તેણે મારા ઘરનું ઠેકાણું મેળવી લીધું. તે કડકડતી ઠંડીમાં મારા ઘરની બહાર બરફની વચ્ચે ઊભો રહીને જીદ કરતો કે તું મને મળવા આવે પછી તને જોઈને જ પાછો જઈશ. પણ મને તેના માટે કોઈ ફીલિંગ્સ નહોતી એટલે હું ન ગઈ, પણ તે આખી રાત મારી બારીની પાસે હાડ થીજવતી ઠંડીમાં ઊભો રહીને મારી રાહ જોતો. હું વહેલી સવારે ચાર વાગ્યે જોબ પર જતી તો તે મારા નોકરીના સ્થળ સુધી મારા પડછાયાની જેમ મારી પાછળ પાછળ આવતો.
તેના આવા પ્રયાસો પછી હું થોડી પીગળી. મને થયું કે આ છોકરો મારે કારણે હેરાન થાય છે. મેં ખાલી ખાલી તેના પ્રેમના પ્રસ્તાવને સ્વીકારી લીધો. પણ ધીમે ધીમે મને પણ અહેસાસ થવા લાગ્યો કે હું તેને પ્રેમ કરવા લાગી છું. એ મને જેટલો પ્રેમ કરે છે, એટલો જ પ્રેમ હું પણ તેને કરું છું. અમે દરરોજ મળવા લાગ્યાં. અમે એકબીજા વિના રહી ન શકીએ એવી ઘનિષ્ઠતા અમારી વચ્ચે પેદા થઈ ગઈ.
પણ, અભ્યાસ પૂરો થયો અને મારા વિઝા પૂરા થતાં મારે ભારત આવી જવું પડયું. છેલ્લા એક વર્ષથી અમે ઇન્ટરનેટના માધ્યમથી વીડિયો ચેટિંગ કરતાં અને આખે આખી રાત વાતો કરતાં. છેલ્લા છ મહિનાથી તેની નોકરી બદલાઈ છે એટલે અમે વધારે સમય વાત કરી શકતાં નહોતાં. જોકે, થોડા દિવસ પહેલાં અચાનક તેણે મને કહ્યું કે હું મારા દેશ બાંગ્લાદેશ પાછો જાઉં છું. હું તારી સાથે હવે કોઈ સંબંધ રાખવા માગતો નથી. બસ આટલું કહીને તેણે ફોન ડિસકનેક્ટ કરી નાખ્યો. ત્યાર પછી તેણે એક પણ વાર મને ફોન કર્યો નથી. હવે હું તેના વગર ઝૂરું છું. એને કોઈ બીજી છોકરી સાથે સંબંધો હશે એવું તો હું નથી માનતી. હું એને પૂછું છું કે તું મને કેમ છોડે છે? તો કહે છે કે હમણાં કંઈ કહી શકું એમ નથી. જે માણસ મારા માટે હાડ થિજાવતી ઠંડીમાં આખી રાત વિતાવતો હતો તે હવે અચાનક સંબંધ પર પૂર્ણવિરામ મૂકી દે, એ મારા માન્યામાં આવતું નથી. તેણે મને એકદમ આવું કેમ કહ્યું, એ મારી સમજની બહાર છે. હવે થોડા દિવસો પછી હું ફરી યુકે જવાની છું, પણ એ ત્યાં હશે કે નહીં, હું જાણતી નથી. મારે શું કરવું જોઈએ?
લિ. નિહારિકા
પ્રિય નિહારિકા,

આપણે 'પ્રેમ' સંબંધ અંગે ઘણી ગેરસમજ ધરાવતા હોઈએ છીએ. વિજાતીય આકર્ષણને કે લાગણીસભર જીદને આપણે પ્રેમ માની લેવાની ભૂલ કરતા હોઈએ છીએ. બેઝિકલી પ્રોબ્લેમ એ છે કે મોટા ભાગના લોકો પ્રેમના નામે પ્રશંસા, કાળજી, ગૂપસૂપ-ગપ્પાંબાજી, હરવુંફરવું, આનંદવર્ધક ટાઇમપાસ, લાગણી-અનુભવોની આપ-લે કે વધુમાં વધુ શારીરિક તૃપ્તિની જ અપેક્ષા રાખતા હોય છે. પ્રેમ હોય ત્યાં આ બધું તો હોવાનું જ પણ આને જ પ્રેમ ગણી લેવાની ભૂલ ન કરવી જોઈએ.
પ્રેમ કંઈ ટાઇમપાસ નથી પરંતુ તે ટાઇમલેસ સંબંધ છે. પ્રેમમાં જ્યારે ઊંડાણનો અભાવ હોય છે ત્યારે તે લાંબો સમય ટકતો નથી. પ્રેમના નામે રખાતા ઉપરછલ્લા સંબંધમાં ધીમે ધીમે ગેરસમજ કે કંટાળો પેદા થવા લાગતો હોય છે. કોઈ કિસ્સામાં એકબીજા પર શંકા કે અસલામતીની ભાવનાનું જોર પણ વધવા માંડતું હોય છે. આવા સંબંધોમાં સ્થળના અંતર સાથે હ્ય્દયનું-લાગણીનું અંતર પણ વધતું જતું હોય છે. તમે સાથે હો ત્યાં સુધી લાગણીની ભીનાશ જળવાઈ રહે છે પણ કોઈ કારણસર વિખૂટા પડવાનું,એકબીજાથી દૂર જવાનું આવે કે લાગણીઓ કોરી પડવા માંડતી હોય છે.
તમે મોહિતને પ્રેમ કરતા હશો પણ બને કે મોહિતના હ્ય્દયમાં તમારા માટે એટલી ઊંડી લાગણીઓ નહીં હોય એવું લાગે છે. એક વર્ષનો સમયગાળો અને સેંકડો જોજનોના અંતરને કારણે કદાચ તેના માટે તમે 'કામના' ન પણ રહ્યા હો. તેણે ભૂતકાળમાં જે કંઈ પ્રયાસ કર્યા, જીદ કરી એ કદાચ તમારા પ્રેમ માટે નહીં પણ તમારા સહવાસ માટે કર્યા હશે. તેને લાગણી હશે પણ શુદ્ધ હ્ય્દયનો પ્રેમ નહીં હોય. કદાચ તેને પ્રેમ પણ હશે તોપણ તેને આટલે દૂર બેઠા બેઠા પ્રેમસંબંધ જાળવી રાખવાનું પ્રેક્ટિકલ (વ્યવહારુ) નહીં લાગતું હોય.
તમારા પત્રના આધારે તો એવી જ સલાહ આપવાનું મન થાય છે કે મોહિતનો મોહ તમારે છોડી દેવો જોઈએ. મોહિત માટે તમને લાગણી હશે પણ હવે કદાચ તેના દિલમાં તમારા માટે પહેલાં જેવી લાગણી ન રહી હોય ત્યારે તેની સાથે સંબંધ ટકાવવો મુશ્કેલ છે. તમે અને મોહિત જ્યારે જુદા જુદા દેશના છો ત્યારે જિંદગીમાં ફરી મળશો કે નહીં, એ પણ નક્કી નથી ત્યારે તેને એક મોહક સપનું ગણીને ભૂલી જવામાં જ શાણપણ છે. તમે સંવેદનશીલ છો એ સારી વાત છે પણ સંબંધોની બાબતમાં થોડી સમજદારી દાખવવી જરૂરી છે. મોહિતને ભુલાવી દો અને ભાવિ કારકિર્દી અને જીવન માટે તમારા દિલોદિમાગને સજ્જ કરો. તમારી લાગણી સાચી હશે, તમારું હ્ય્દય પવિત્ર હશે તો તમને ચોક્કસ એવો જીવનસાથી મળશે, જે તમારાં તમામ અરમાનોને પૂરાં કરશે.

Comments