‘મુશ્કેલીમાં અડધી રાતે, ખખડાવીશું એની સાંકળ’



નરસીં જેવો મારો કાગળ, મારો પણ છે શેઠ જ શામળ, મુશ્કેલીમાં અડધી રાતે, ખખડાવીશું એની સાંકળ

આવી જ વરસાદી મોસમ હતી. દર વખતના જેવો જ ઝરમર ઝરમર વરસાદ હતો. રાત્રિનો એક વાગવા આવ્યો હતો. હું રોજની જેમ એકલો જાગતો મારા પ્રિય હીંચકામાં આડો પડયો હતો અને સ્વામી વિવેકાનંદનું હિંદુ જીવનદર્શન વિષેનું પુસ્તક વાંચી રહ્યો હતો, ત્યાં જ બારણે ટકોરા પડ્યા. મારો મિત્ર સારંગ આવ્યો હતો. આવતાંવેંત એણે ફરમાવી દીધું, 'ચાલો, ઊભા થાવ, ડોક્ટર, ભજિયાં ખાવાં છે.’ 'અત્યારે તારો કયો કાકો તને ભજિયાં બનાવી આપવા નવરો બેઠો હશે? એક તો વાગ્યો; આપણે ક્યાંય પણ પહોંચીએ ત્યાં સુધીમાં દોઢ વાગી ચૂક્યો હશે. ભજિયાંની એક પણ દુકાન કે લારી ખુલ્લી નહીં હોય.’

'અરે, એ બધું મારી ઉપર છોડી દો. ભજિયાં ક્યાંય નહીં મળતાં હોય તો હું નવી દુકાન ઊભી કરાવી દઇશ, પણ તમે તો ઊભા થાવ’ સારંગ એન્જિનિયર છે. મારાથી પાંચેક વરસ નાનો છે. એ મને તમે કહે છે, હું એને તું કહીને બોલાવું છું. મેં એને ચીડવવા ખાતર પૂછયું, 'નવી દુકાન ઊભી કરવા જેટલા પૈસા છે ખિસ્સામાં?’ 'હોવ્વે’ સારંગે મસ્તીથી જવાબ આપ્યો, 'આ બેગમાં દસ હજાર રોકડા છે. આજે સાંજે જ એક પાર્ટી આપી ગઇ છે. બાકીના રૂપિયાની બેન્ક લોન લઇ લઇશું. હવે એ ન પૂછતા કે અત્યારે અડધી રાતે અમદાવાદની કઇ બેન્ક ખુલ્લી હશે જરૂર પડશે તો હું નવી બેન્ક ખડી કરી દઇશ, રાતોરાત’

સારંગ આવો જ હતો. જિંદગીને એણે બહુ હળવાશથી લીધી છે. હું એ બાબતમાં એનાથી તદ્દન સામેના છેડે ઊભો છું. એની હળવી વાતો પૂરી થઇ એટલે મેં મારી ગંભીર વાત શરૂ કરી, 'જો, ભઇલા, આજે મારાથી ઘર છોડીને ક્યાંય બહાર જઇ શકાય તેમ નથી. નીચે આવેલા મારા નર્સિંગ હોમમાં એક ડિલિવરી કેસ દાખલ થયેલો છે. પ્રથમ વારની પ્રસૂતિ છે. ક્યારે બાળકનો જન્મ થશે એ ચોક્કસપણે કહી શકાય તેમ નથી. તારી ભાભી એના પિયરમાં ગઇ છે.’

'એમ વાત છે? ત્યારે તો ઘરના ભજિયાં ખાવાની આશા પણ ખતમ થઇ ગઇ’ સારંગનું મોં ખરેખર પડી ગયું. મેં વાત બદલવાના ઇરાદાથી પૂછયું, 'એ વાત છોડ હવે. ભજિયાં કરાવે કજિયા. એ કહે કે તું આમ આટલો મોડો ક્યાંથી ટપકી પડયો?’ 'ફિલ્મ જોવા માટે આવ્યો હતો. અમારું દસ-બાર મિત્રોનું ગ્રૂપ હતું. થિયેટરમાંથી છૂટીને ઘર તરફ જતા હતા, તમારા ઘર પાસેથી પસાર થયા ત્યાં મેં જોયું કે ઘરની લાઇટ ચાલુ છે. બીજી બે ગાડીઓને રવાના કરી દીધી. હું રોકાઇ ગયો. થયું કે ઘણા સમયથી આપણે મળ્યા નથી, તો ભજિયાંના બહાને અડધો કલાક સાથે રહીશું ને વાતો કરીશું.’

મેં એને બાંધી લીધો, 'આપણે સાથે રહીશું, અડધો કલાક નહીં, પણ બાકી બચેલી અડધી રાત સાથે રહીશું, પણ બહાનું બીજું હશે. હું એકલો જ છું અને પેશન્ટ માટે કદાચ સવાર સુધી મારે જાગવાનું છે, માટે તારે ભાગવાનું નથી. નિરાંતે બેસ અને વાતો કર. વચ્ચે વચ્ચે હું નીચે જઇને પેશન્ટને તપાસી આવીશ.’ આમ અમારી મહેફિલ શરૂ ગઇ. વાતો જાતજાતની ને ભાતભાતની. દેશના ઇતિહાસના સૌથી નબળા વડાપ્રધાનથી માંડીને ફિલ્મસૃષ્ટિના ઇતિહાસના સૌથી સબળા અભિનેતા સુધીની વાતો નીકળી. 'ડોકટરની ડાયરી’ની વાર્તાઓ મને ક્યાંથી મળે છે એ સવાલથી લઇને એ બધી ઘટનાઓ સત્ય હોય છે કે કેમ ત્યાં સુધીની પૂછપરછ ચાલતી રહી.

હું જવાબ આપતો રહ્યો, 'ઘટનાઓ સાવ સાચી. જેના માનવામાં ન આવતું હોય તે મને પૂછી શકે છે. હું જે-તે કથાનકનાં પાત્રો સાથે મુલાકાત કરાવી આપું. વળી બધા જ એપિસોડમાં હું માત્ર મારા જ અનુભવોનું આલેખન નથી કરતો. કિડની ઇન્સ્ટિ‌યૂટના ડો.ત્રિવેદીસાહેબ, વિશ્વ ગુર્જરી સન્માન વિજેતા સ્કિન સ્પેશિયાલિસ્ટ ડો. આચાર્યસાહેબ, તબીબી જગતનાં મધર ટેરેસા સ્વ. ડો. (મિસ) પંડયા, પ્રખ્યાત ગાયનેકોલોજિસ્ટ ડો. નાડકર્ણીસાહેબ, ભારતના રાષ્ટ્રપતિની સર્જરી કરનાર મુંબઇના અનુભવી સજ્ર્યન ડો. શ્રીખંડે અને છેક અમેરિકામાં ભારતની સંસ્કૃતિની પતાકા લહેરાવનાર ડો. વિક્રમ પટેલ કેટલાં નામો ગણાવું? અઢાર વર્ષોમાં એક હજાર કથાઓ કંઈ ગપ્પાષ્ટક ઉપર તો ચાલી જ ન શકે.’ સારંગે ભોળા ભાવે પૂછી લીધું, 'પણ આટલા બધા રોમાંચક અનુભવો તમને એકલાને જ કેમ થાય છે?’

'મને એકલાને જ ક્યાં થયા? ઉપર બીજા નામો તો જણાવ્યાં છે. પં. જવાહરલાલ નહેરુએ કહ્યું છે તેમાં હું પણ સંમત થાઉં છું, યુ શૂડ કીપ યોર આઇઝ એન્ડ ઇઅર્સ ઓપન જે લોકો આંખ-કાન બંધ રાખીને જીવ્યે જાય છે, તેમના જીવનમાં ખાવા-પીવા ને કમાવા સિવાય બીજી કોઇ જ ઘટનાઓ બનતી નથી હતી. ઘોડાગાડીમાં જોતરેલા ઘોડાની જેમ તેમની આંખોની પડખે ડાબલા ચડાવેલા હોય છે, જેથી સીધી સપાટ સડક સિવાય તેઓ બીજું કંઇ જોઇ શકતા નથી. બાકી મારા માટે તો આ જગતમાં રોજરોજ રામાયણ છે અને મન મનનું મહાભારત છે. ઘટનાસુંદરીનો સ્વયંવર અવિરત ચાલ્યા જ કરે છે.’ આ બધી ગંભીર ચર્ચાઓની વચ્ચે હું ઊઠીને નીચે જઇ આવતો અને દરદીને તપાસી આવતો હતો. છેલ્લી વાર હું પાછો આવ્યો, ત્યારે ત્રણ વાગવા આવ્યા હતા. મારો ચહેરો ગંભીર હતો, એ જોઇને સારંગ પૂછી બેઠો, 'કંઇ ચિંતા જેવું છે?’

'હા, પેશન્ટની પ્રસૂતિનો પ્રથમ તબક્કો સમયની રીતે જરા વધુ ખેંચાતો જાય છે. જો એકાદ કલાકમાં નોર્મલ પ્રસૂતિ ન થઇ જાય તો મારે એનું સિઝેરિયન કરવું પડશે, પણ ચિંતા એ વાતની નથી, ચિંતાની વાત એ છે કે પેશન્ટની આર્થિ‌ક હાલત અત્યંત નબળી છે. એ મારું રજિસ્ટર્ડ પેશન્ટ પણ નથી, સાંજે અચાનક લેબર પેઇન્સ લઇને આવી ગઇ છે.

શી ઇઝ વેરી એનિમિક. મેં એને દાખલ કરતી વખતે જ સમજાવ્યું’તું કે જો સુવાવડ ર્નોમલ રીતે થશે તો હું કરાવી દઇશ, પણ જો ઓપરેશનની જરૂર પડશે તો તમારે મ્યુનિસિપલ હોસ્પિટલમાં જવું પડશે. ત્યારે તો એની મા હા પાડતી હતી, પણ અત્યારે એ ફરી બેઠી છે.’ 'શું કહે છે?’ 'બીજું શું હોય? રડવું, કાલાવાલા કરવા, દયાની યાચના કરવી, પૈસાની બાબતે બાંધછોડ કરીને અહીં જ ઓપરેશન કરી આપવું સારંગ, આ બધું પણ કરું છું, પણ સવાલ એ છે કે રક્તદાનની જરૂર પડશે તો કોણ કરશે? પેશન્ટની સાથે કોઇ પુરુષ પણ હાજર નથી. ઇમર્જન્સી મેડિસિન્સની જરૂર પડી તો કોણ લેવા જશે?’

સારંગ આમ તો દરેક વાતમાં ફૂંકી ફૂંકીને નિર્ણય લેનારો માણસ છે. એનું નામ પૂછો તો પણ બે વાર વિચારીને પછી જ જવાબ આપે, પણ આજે પહેલી વાર એ વગર વિચાર્યે, ક્ષણ જેટલોય સમય બગાડયા વગર બોલી ગયો, 'તમે તમારું કામ શરૂ કરો બહારનું કામ હું સંભાળી લઇશ.’

મને એના પર બહુ ભરોસો તો ન પડયો, પણ મરતા ક્યા નહીં કરતા? મેં ધનીનાં હાથનો અંગૂઠો લઇને ઓપરેશનની તૈયારી શરૂ કરી દીધી. દવાઓ અને કેટલાંક ઇન્જેક્શનોનું પ્રિસ્ક્રિ‌પ્શન એની માના હાથમાં પકડાવી દીધું. બ્લડ બેન્કના સરનામાવાળી ચિઠ્ઠી બનાવી આપી. પછી એનેસ્થેટિસ્ટને ફોન કર્યો. બધું સરસ રીતે અને સફળ રીતે પાર પડયું. ગ્રીન ક્રોસ બ્લડ બેન્કમાંથી ડો. દિલીપ શાહે એક બોટલ દુર્લભ ગ્રૂપનું લોહી કાઢી આપ્યું. અઢી હજાર રૂપિયા દવાઓના, લગભગ એક હજાર રૂપિયા બ્લડ બેન્કના, બે હજાર રૂપિયા એનેસ્થેટિસ્ટના આટલો ખર્ચ તો રાતોરાત થઇ ગયો.

બીજા સાત દિવસની સારવાર તો હજુ જડબાં ફાડીને ઊભી જ હતી. બધું પૂરું કરીને હું બહાર આવ્યો ત્યારે સાડા છ વાગ્યા હતા. પૂર્વાકાશમાં સાત ઘોડાનો અસવાર એનો સિંદૂરી રંગ વિખેરતો પ્રગટી ચૂક્યો હતો. સારંગ પણ આઠમા ઘોડાની જેમ થનગનતો ઊભેલો હતો. મને જોઇને બોલી ઊઠયો, 'રાત્રે આપણે ચર્ચા કરતા હતા ને કે આટલી બધી સત્ય ઘટનાઓ તમને ક્યાંથી જડી જાય છે હવે આ સવાલ ક્યારેય નહીં પૂછું. વિશ્વમાં છ અબજની વસ્તી છે એટલે છ અબજ જેટલી સત્ય ઘટનાઓ છે. અહીં તો એક એક બિંદુમાં સિંધુ સમાયેલો છે.’ 'છોડ એ બધી માથાકૂટ. ગઇ કાલે રાતે તું આવ્યો ત્યારથી ભજિયાં ભજિયાં કરતો હતો. બોલ, હવે ખાઇશુંને ભજિયાં? મૌકા ભી હૈ, મકસદ ભી હૈ ઔર દસ્તુર ભી અત્યારે અમદાવાદ આખામાં પાંચસો દુકાનો તાવડો માંડીને ખુલ્લી હશે.’

સારંગ હસી પડયો, 'હા, પણ હવે એકલા ભજિયાં નહીં ચાલે સાથે પેંડા પણ ખાવા પડશે.’ હું એનો ઇશારો સમજી ગયો. જનરલ ર્વોડના ખાટલામાં સૂતેલી ગરીબ ધનીનો હમણાં જ જન્મેલો 'અમીર’ દીકરો પેંડા ખાવા જેવા પ્રસંગનો હક્કદાર તો હતો જ.' 

Comments