સા’બ, મેં સવારે સમાચાર વાંચ્યા, બિચારા જશવંત શેઠ...



 
રિયલ એસ્ટેટ બ્રોકરનો ધંધો ધરાવતા જશવંતશેઠની લાશ મળી, પણ એમની હત્યા કોણે કરેલી?

સાંજ સુધીમાં આવતો રહીશ. પેલા પૈસાનું રોકાણ કરવા રાખેલા પ્લોટનો દસ્તાવેજ કરાવવા જાઉં છું. કહીને બપોરે બે વાગ્યે ગયેલા જશવંતરાય રાત્રિના નવ થયા છતાં ઘરે નહીં આવતાં એમની પત્ની કલ્યાણી ચિંતા કરી રહ્યાં હતાં. સવાર પડતાં થાકેલી કલ્યાણીને જરાક ઝોકું આવ્યું, ત્યાં ગ્રીનપાર્ક પાસેના વોટર વર્ક્સના સંપ પાસે જશવંતરાયની લાશ પડી હોવાના સમાચાર આવ્યા અને ધમાલ મચી ગઇ.

જશવંતરાય એસ્ટેટ બ્રોકર હતા. એ શહેરના મેઇન રોડ પરના સુપ્રીમ શોપિંગ મોલમાં અંદર-બહાર પાંચેક દુકાનો એમની પોતાની હતી, જે ભાડે આપેલી હતી. ભાડું સારું આવતું હતું, જેથી પોતે અને પત્ની કલ્યાણી જલસા કરતાં હતાં. બે દીકરી હતી એ પણ હાલ સાસરે સુખી હતી. અગાઉની સારી એવી સંપત્તિ પણ જશવંતરાય પાસે હતી. એટલે અત્યારે સમય પસાર કરવા રોડ પરની એમની દુકાનમાં દૂધની ડેરી ચલાવતા કેતનને ત્યાં બેઠક રહેતી. જશવંતરાયને કેતન સાથે સારું બનતું હતું. પોતાનાથી ડબલ વર્ષ મોટા જશવંત રાયને કેતન માન આપતો હતો. પરંતુ અંદરની બે દુકાનો એક પેન્ટરે પચાવી રાખી હતી. જૂનો ભાડૂત હતો. દુકાન ખાલી નહોતો કરતો અને ભાડુંય વધારતો નહીં. એ પેન્ટર જિગર સાથે જશવંતરાયને અણબનાવ હતો. એકબીજાની નજર મળતાં ચકમક ઝરતી.

કલ્યાણીબહેન પાડોશના સંબંધીઓ સાથે ઘરના સ્થળે પહોંચ્યા તો પોલીસ એની જ રાહમાં હતી. પી.આઈ. જે. પી. રાણાએ પંચનામું, ફોટોગ્રાફ ફિંગરપ્રિન્ટ વગેરે કાર્યવાહી કરી.

જશવંતરાયનો યુવાન મિત્ર કેતન પણ હાજર હતો. કલ્યાણીની હાલત જોતાં રાણાસાહેબે એની પૂછપરછ કરવાનું મુલતવી રાખ્યું અને એ ઓફિસે આવ્યા બીજા દિવસે રાણા સાહેબ જશવંતરાયને ત્યાં આવ્યા. કલ્યાણીએ અજાણ્યા હત્યારા સામે ફરિયાદ નોંધાવતાં કહ્યું કે જશવંતશેઠે વોટર વક્ર્સ સંપ પાસેની વાડીમાં પાડવામાં આવેલા પ્લોટ સૂર્યા પાર્કમાં બે પ્લોટ બુક કરાવ્યા હતા, જેનો દસ્તાવેજ કરાવવા માટે પચાસ હજાર જેવી રકમ લઈ ગયા હતા.

ત્યારે રાણાસાહેબ બોલ્યા, 'જશવંત શેઠ પાસેથી પૈસા નથી મળ્યા એટલે લૂંટના ઇરાદે જ એમની હત્યા થઈ લાગે છે.’

આમ, રાણાસાહેબ ખુદ વિસામણ અનુભવી રહ્યા હતા કારણ કે હત્યારાએ લૂંટ કરી જશવંતશેઠની એવી તો હત્યા કરી હતી કે શરીર પર ક્યાંય જખમ નહોતા. ક્યાંય લોહીનો ડાઘ પણ નહોતો. કોઈ જાતનો પુરાવો એણે છોડયો નહોતો. ગળું દબાવ્યું હતું.

હત્યારાની તપાસનો આરંભ ક્યાંથી કરવો એ જ સવાલ હતો. ત્યાં જ ગુલાબ ચાની કીટલીવાળો સાહેબને ચા દેવા આવ્યો. એણે પૂછયું, 'શું સાહેબ, શેના વિચારે ચડી ગયા છો?’

'અરે ગુલાબ, પેલા જશવંત શેઠની હત્યા થઈ છે ને એમાં હત્યારા બહુ કાબેલ છે. સાલાએ કોઈ નિશાની રહેવા દીધી નથી.’

'હા સા’બ, મેં સવારે સમાચાર વાંચ્યા. બિચારા જશવંત શેઠ હજી તો મેં ગઈ કાલે જ રોડ પર જોયેલા. એ મોટરસાઇકલ પર ગ્રીનપાર્ક તરફ જઈ રહ્યા હતા અને પાછળ પેલો ડેરીવાળો કેતન બેઠો હતો.’ ખાલી કપ-રકાબી લઇને ગુલાબ ગયો અને રાણાસાહેબ મૂડમાં આવી ગયા. એમણે તરત જ હે. કો. ભૂપતસિંહને મોકલી પેલા કેતનને બોલાવ્યો. જિંદગીમાં પહેલીવાર પોલીસ સ્ટેશને આવેલો કેતન મૂંઝાઇ રહ્યો. રાણાસાહેબે એને પૂછયું; 'કેતન, ગઇ કાલે તું જશવંતશેઠની સાથે મોટરસાઇકલ પર હતો?’

'હ...હ..હ..હ.. સાહેબ, હું ગ્રીન પાર્ક સુધી એમની સાથે ગયો હતો.’ કેતન ગભરાટમાં થોથવાઈ રહ્યો. 'પણ કાલે તું કેમ ન બોલ્યો? મતલબ કે તું કશુંક છુપાવે છે.’

'ના... ના એવી વાત નથી પણ...’

'તો શી વાત છે?’ રાણાસાહેબ જરા સખતાઈ દર્શાવી.

'સાહેબ, મારી ડેરી પર હંમેશાં સવાર-સાંજ દૂધ લેવા આવતી પેલી મમતાબહેન માસ્તરાણીની યુવાન પુત્રી મુરલી સાથે મારે પ્રેમ છે. અમે બંનેએ લગ્ન કરી લેવાનું નક્કી કર્યું છે, પણ મુરલીની મમ્મી કહે છે કે પહેલાં મુરલીનું બી.એડ્. પૂરું થાય પછી જ લગ્ન. એક દિવસ અમે બંનેએ સ્ટુડિયોમાં એકમેકને આલિંગન આપતાં ડિજિટલ ફોટા પડાવ્યા. એ ફોટા હું દુકાને જ રાખતો. ક્યારેક યાદ આવતાં ફોટોગ્રાફ કાઢીને હું જોતો હતો. એમાં એકવાર જશવંતશેઠ આવી ગયા એ ફોટા જોઈ ગયા. ઝપટ મારીને ફોટાનું કવર એમણે લઈ લીધું. ફોટા જોઈને બોલ્યા, 'અલ્યા કેતન આવી છોકરી કોણ છે?’

'આ તો મારી પ્રેમમૂર્તિ‌ મુરલી છે.’

'હવે જોઈ તારી પ્રેમમૂર્તિ‌ તને શું ખબર આવી છોકરીઓ માલખાઉ હોય, સમજ્યો? જા, એકવાર મને લાભ આપે એવું ગોઠવ, બે હજાર આપીશ.’ મારા પિતા જેટલી ઉંમરના જશવંતશેઠની વાત સાંભળી હું તો અવાક થઈ રહ્યો. મેં એમને સમજાવતાં કહ્યું, 'અરે, અમે બંને લગ્ન કરવાનાં છીએ કાલે એ તમારી વહુ બનીને આવશે. તમને પગે લાગશે.’

'એ હું કાંઇ ન જાણું. તારે એક રાત મુરલીને મારી પાસે મોકલવી પડશે. નહીંતર આ ફોટા છાપામાં પ્રગટ કરી હું તમને બંનેને બદનામ કરીશ.’

હવે મારી સ્થિતિ તો સૂડી વચ્ચે સોપારી જેવી થઈ. મુરલીને આવી વાત કરાય નહીં અને જશવંતશેઠ રટ લઈને બેઠા હતા. અમને બ્લેકમેઇલ કરવાની ધમકી આપતા હતા. તેને ના પડાય નહીં. હવે શું કરવું એ જ દ્વિધા હું અનુભવી રહ્યો હતો. કોઈ રસ્તો સૂઝતો ન હતો. જશવંતશેઠને કેમ સમજાવવા? એક દિવસ પેન્ટર જિગર દૂધ લેવા આવ્યો ત્યારે કોઈ ગ્રાહક હતા નહીં. એણે શેઠ જશવંતરાયની વાત કરી અને વાત વાતમાં મેં મારી મુશ્કેલીની વાત પેન્ટરને કરી એટલે પેન્ટરે કહ્યું કે તું એકવારશેઠ જશવંતરાયને સમજાવી વોટર વર્ક્સના સંપ પાછળની વેરાન વાડી બાજુ લઈ આવ તો હું એને સમજાવી દઉં. મને પેન્ટરની વાત પર વિશ્વાસ બેઠો એટલે મેં જશવંતશેઠને વાત કરી કે મુરલી હવે તૈયાર થઈ છે, પણ એ ગ્રીનપાર્કમાં સાંજે આવીને મળશે માટે આપણે ત્યાં હાજર રહેવાનું.

સાંજે અમે બંને ગ્રીનપાર્ક પહોંચી ગયા. અંધારું થયું એટલે શેઠ ઉતાવળા થવા લાગ્યા. તેથી મેં કહ્યું તમે પેલી સંપ પાછળની વાડીમાં જાઓ હું મુરલીને લઈને ત્યાં આવું છું અને ...’ કેતન બોલતો અટકી ગયો. 'બોલ, પછી શું થયું?’ રાણાસાહેબ બોલ્યા.

'બસ, મારી સ્થિતિ પાછી સૂડી વચ્ચે સોપારી જેવી થઈ. બોલું તોય આફત અને ન બોલું તોય આફત. વેરાન વાડીમાં ગયેલા જશવંતશેઠને સમજાવવાને બદલે પેઇન્ટર જિગરે પતાવી દીધા હતા. એ હત્યારો છે.’ બસ, પછી તો ગણતરીની પળોમાં જ રાણાસાહેબે પેઇન્ટર જિગરને એરેસ્ટ કર્યો અને કેતન મુક્ત થયો.'

Comments