પ્રિયા અને મિતાલી બાળપણથી ખાસ બહેનપણીઓ હતી. સ્કૂલ હોય કે ઘર આખો દિવસ તેમની તોફાન-મસ્તી ચાલતી, જોકે ભણવામાં પણ બંને અવ્વલ હતી. સ્કૂલમાં તો સાથે હોય જ, પરંતુ ઘરે આવીને પણ તેઓ એકબીજાના ઘરે જ હોય. સાથે રમવાનું, સાથે ભણવાનું, સાથે જમવાનું અને સાથે લેશન કરવાનું. સ્કૂલના દરેક વેકેશનમાં તેમની સાથે મોજ-મસ્તી કરવામાં એક નવો સાથીદાર હતો. તે હતો પ્રિયાનો મોટો ભાઈ આર્યન.
આર્યન કોલેજના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતો હતો. તેના બે જ શોખ હતા. એક બોડી બિલ્ડિંગ અને બીજો સ્ટાઇલિશ કપડાં. તે દેખાવે પણ ખૂબ જ સુંદર અને સ્માર્ટ હતો. તે જ્યારે પોતાનું સ્પોટ્ર્સ બાઇક લઈને નીકળે ત્યારે તો એકદમ હીરો જેવો લાગતો. કોલેજની દરેક છોકરીઓ તેની સાથે મિત્રતા કરવા તત્પર રહેતી.
પ્રિયા-મિતાલીની બારમા ધોરણની બોર્ડ એક્ઝામ હતી. તે પોતાની સાથે બંનેને ભણાવતો. બધાની એક્ઝામ પૂરી થઈ અને વેકેશનનો સમય શરૂ થયો. આર્યન પ્રિયા અને મિતાલીને થિયેટરમાં ફિલ્મ જોવા લઈ જતો, મોલમાં ફરવા લઈ જતો, તેમની સાથે ગેમ્સ પણ રમતો. બધાનું આ વેકેશન પણ પહેલાંનાં વેકેશનોની માફક જ વીતી રહ્યું હતું, પરંતુ હવે ફરક માત્ર તેમની ઉંમરમાં આવ્યો હતો. પ્રિયા અને મિતાલી યુવાનીના ઊંબરે આવીને ઊભી હતી.
મિતાલીએ એક વાર કેટલીક છોકરીઓને આર્યન વિશે વાતો કરતા સાંભળી હતી. તે બધી જ છોકરીઓ આર્યનનાં વખાણ કરતી હતી અને ઊંડો શ્વાસ ભરતાં કહેતી કે, "કાશ! આર્યન મને મળી જાય." એક વાર મિતાલીને તેની સ્કૂલની કેટલીક બહેનપણીઓ મળી તે પણ બીજી વાત ઓછી અને આર્યન વિશે જાણવા માટે વધારે ઉત્સુક હતી. આર્યન જ્યારે તેમને સ્કૂલે મૂકવા અને લેવા જતો ત્યારે બધાએ તેને જોયો હતો. નિસાસો નાખીને બધી કહેતી કે, "મિતાલી, તું તો નસીબદાર છે કે તને આખો દિવસ આર્યન સાથે ગાળવા મળે છે."
આ બધી વાતો મિતાલીના મન-મગજમાં ઘર કરી ગઈ અને તે આર્યન તરફ આકર્ષાઈ. તે પોતાના પ્રેમનો એકરાર કરી આર્યનને પોતાનો બનાવવા અધીરી બની હતી, પરંતુ તેને એક જ મુશ્કેલી હતી કે પ્રિયા હંમેશાં સાથે જ હોતી.
એક દિવસ પ્રિયાએ મિતાલીને ફોન કરી કહ્યું કે 'હું બે દિવસ માટે મમ્મી-પપ્પા સાથે મામાના ઘરે જાઉં છું, ઘરે ખાલી ભાઈ જ છે. બે દિવસ પછી અમે પાછા આવી જઈશું.' મિતાલીને જોઈતી તક આજે સાંપડી હતી. આજે તે આર્યનને પોતાનો બનાવીને જ રહેશે એમ વિચારીને સાંજે તે પ્રિયાના ઘરે ગઈ. ટીવી પર ફિલ્મ જોઈ રહેલા આર્યને દરવાજે ઊભેલી મિતાલીને જોઈને કહ્યું, "આવ અંદર, પ્રિયા મામાના ઘરે ગઈ છે અને બે દિવસ પછી આવશે. એ કદાચ તને કહેવાનું ભૂલી ગઈ હશે."
મિતાલી આર્યનની બાજુમાં બેસીને ફિલ્મ જોવા લાગી. આર્યનની નજર ટીવી પર અને મિતાલીની નજર આર્યન પર હતી. તે ધીરેથી આર્યનની નજીક ગઈ અને તેને ભેટી પડી. પોતાના નાજુક હોઠ વડે તે આર્યનના હોઠ, ગાલ અને ચહેરા પર પ્રેમના કસ ખેંચવા લાગી. આર્યને તેને રોકવાનો ઘણો પ્રયત્ન કર્યો, પરંતુ તે આજે પ્રેમાતુર બની હતી. તેણે હાથથી આર્યનનું માથું ખેંચીને સાવ નજીક લાવી કહ્યું કે, "આઈ લવ યુ આર્યન, પ્લીઝ લવ મી."
તે તમામ મર્યાદાઓ તોડીને આગળ વધી રહી હતી. તેથી આર્યને તેને તમાચો મારતા કહ્યું, "તું આ શું કરી રહી છે? તું તો પ્રિયાની જેમ મારી નાની બહેન જેવી છે. હું પણ તને પ્રેમ કરું છું, પરંતુ એક નાની બહેનની જેમ."
આ સાંભળી મિતાલીનું માથું શરમથી ઝૂકી ગયું અને સોરી કહીને તે પોતાના ઘરે ચાલી ગઈ.
Comments
Post a Comment
Thanx For Comment