વીસ વર્ષનો 'વેદ’ અને વીસ વર્ષની 'વ્યાખ્યા’



- ઘરમાં એવાં કો’ક દિવસ ચોઘડિયાં આવે ખૂટે આંખમાં પાણી ત્યારે ખડિયા આવે

બેટા, તેં પસંદ કરેલો છોકરો અમને સ્વીકાર્ય નથી. સૌથી મોટો વાંધો એની અને આપણી જ્ઞાતિઓ વચ્ચેનો ભેદ છે. બીજું કારણ આર્થિ‌ક અસમાનતાનું છે. ત્રીજું કારણ એ છોકરાના પપ્પાની ચાલ-ચલગત આખા શહેરમાં ગવાયેલી છે. આ બધી રકમોનો સરવાળો એટલે અમારી અસંમતિ.

વીસ વર્ષનો વેદ અને વીસ વર્ષની વ્યાખ્યા. બંને સુંદર. બંને યુવાન. બેય છેક હાઇસ્કૂલમાં હતાં ત્યારથી લઇને કોલેજના અંતિમ વર્ષ સુધી સાથે જ ભણતાં આવ્યાં હતાં. પ્રેમના પ્રાદુર્ભાવ માટે આટલાં પરિબળો પર્યાપ્ત ગણાય. સૌંદર્ય, આકર્ષણ, યૌવન અને સતત સાંનિધ્ય. ઐસે મેં પ્યાર તો હોના હી થા હો ગયા બાકી જે ખૂટતું હતું તે કોલેજના બગીચાના મિલન-સમારંભોએ પૂરું કરી આપ્યું.

'વ્યાખ્યા, હું તારા વિના જીવી નહીં શકું.’ પૃથ્વીની શરૂઆતથી અત્યાર સુધીમાં અબજો વાર બોલાઇ ચૂકેલું વાક્ય વેદ એ રીતે બોલી ગયો જાણે આ વાત એની મૌલિક શોધ હોય 'હું પણ.’ વ્યાખ્યાએ એનું ખુશ્બૂદાર મસ્તક પ્રેમીની છાતી ઉપર ઢાળી દીધું. 'આપણે લગ્ન ક્યારે કરીશું?’ પ્રેમિકાના મુલાયમ ખુલ્લા કેશમાં પોતાનો હાથ ફેરવતાં વેદે અધીરતા પ્રગટ કરી. 'ફાઇનલ એક્ઝામ પૂરી થાય અને રિઝલ્ટ આવે એ પછી તરત જ. હવે ક્યાં ઝાઝી વાર છે? બે મહિ‌નાની તો વાત છે.’

'ઇશ્કનાં આઠ-આઠ વર્ષ નીકળી ગયાં, ઇંતેઝારના બે મહિ‌ના કાઢવા મુશ્કેલ છે.’ વેદના શબ્દે-શબ્દે નિ:સાસાઓનું પ્લેબેક સંગીત સંભળાતું હતું. વ્યાખ્યા પીગળી ગઇ, 'જોઉં છું. હું જેમ બને તેમ જલદીથી મારાં પપ્પા-મમ્મીને આપણા પ્રેમ વિશે વાત કરું છું.’

'ધાર કે તારાં મમ્મી-પપ્પાએ ના પાડી દીધી તો?’ 'બી પોઝિટિવ હું જીવનમાં હંમેશાં હકારાત્મક અભિગમ રાખું છું. એવું પણ બને કે મારાં મમ્મી-પપ્પા આપણા સંબંધ માટે સંમતિ આપી દે કીપ યોર ફિંગર્સ ક્રોસ્ડ.’ વેદને વાયદો આપીને વ્યાખ્યા ઘરે આવી. એ સાંજે ડિનર ટેબલ ઉપર એણે વાત છેડી, 'પપ્પા, મને ખબર છે કે તમે છએક મહિ‌નાથી મારા માટે છોકરાની શોધ ચાલુ કરી દીધી છે.’

'હા, બેટા તારી વાત સાચી છે. મારી ને તારી મમ્મીની ઇચ્છા તો કોલેજનું ભણવાનું પૂરું થાય એટલે તરત જ તારા હાથ પીળા કરી દેવાની છે.’ 'પપ્પા, આ બાબતમાં હું કંઇ કહી શકું?’ 'હા, હા, કેમ નહીં? તારા ધ્યાનમાં કોઇ સારો છોકરો હોય જે તને ગમતો હોય તો તું અમને જરૂર કહી શકે છે. છે એવું કશું?’ વ્યાખ્યાનાં પપ્પા બોલતા હતા, એટલામાં એમનાં પત્ની પણ રસોડામાંથી બહાર આવી ગયાં.

'હા, પપ્પા એક છોકરો છે, જે મને ચાહે છે.’ 'અને તું?’ 'હા, મને પણ એ પસંદ છે.’ 'કોણ છે એ છોકરો જે મારી રાજકુંવરીનું મન મોહી ગયો છે?’ 'વેદ. તમે એને ઓળખો છો, પપ્પા’ 'વેદ?’ પપ્પાએ ત્રાડ પાડી. અત્યાર સુધીની વાતચીત તદ્દન શાંતિપૂર્વક ચાલતી હતી, છોકરાનું નામ સાંભળતાની સાથે શાંત સરોવરની સ્થિર સપાટી ઉપર પથરો ફેંકાયો. આમ થવાનું કારણ એક જ, વેદ ને વ્યાખ્યાનાં પપ્પા-મમ્મી ઓળખતા હતા. છેક હાઇસ્કૂલના વખતથી બંને જણાં સાથે ભણતાં હતાં, એટલે શાળાના કાર્યક્રમોમાં, પરીક્ષાઓમાં કે વાલીમંડળની બેઠકોમાં બંનેનાં માવતરોને એકબીજાને મળવાનું થતું રહેતું હતું. સરોવરના જળમાં ખળભળાટ મચી જવાનું પહેલું કારણ આ જ હતું કે આટલાં વર્ષોથી આ છોકરો એમની નજર તળે હોવા છતાં એમને આ વાતની ગંધ કેમ ન આવી.

પછીનાં બીજાં કારણો પણ હતાં જ જે પપ્પાએ દીકરીને ગણાવ્યાં અને જણાવ્યાં, 'બેટા, તેં પસંદ કરેલો છોકરો અમને સ્વીકાર્ય નથી. સૌથી મોટો વાંધો એની અને આપણી જ્ઞાતિઓ વચ્ચેનો ભેદ છે. બીજું કારણ આર્થિ‌ક અસમાનતાનું છે. ત્રીજું કારણ એ છોકરાના પપ્પાની ચાલ-ચલગત આખા શહેરમાં ગવાયેલી છે. આ બધી રકમોનો સરવાળો એટલે અમારી અસંમતિ.’ વ્યાખ્યાના પપ્પા આટલું બોલીને ઊભા થઇ ગયા. હાથ ધોઇને બેડરૂમમાં ચાલ્યા ગયા. એમની બોડી લેગ્ન્વેજ એવું કહેતી હતી કે આ વાત અહીં પૂરી થઇ ગઇ.

બીજા દિવસે વ્યાખ્યા અને વેદ ફરીવાર મળ્યાં. વેદે પૂછ્યું, 'ઘરે વાત થઇ? શું કહ્યું તારા પપ્પાએ?’ 'સ્વાભાવિક રીતે જ એમનો પહેલો પ્રતિભાવ નકારાત્મક છે, પણ મને આશા છે કે સમય જતાં બધું થાળે પડી જશે.’ 'આમાં ક્યાંક હું જ થાળે ન પડી જાઉં’ 'એવું નહીં થાય. બી પોઝિટિવ.’ વ્યાખ્યાએ વેદની હિંમતના છૂટી પડેલા પોટલાને ફરીથી ગાંઠ વાળી આપી. બંને રોજ મળતાં રહ્યા. વેદ રોજ પૂછતો હતો, 'હું તારા વિના નહીં જીવી શકું, વ્યાખ્યા.’ 'હું પણ તારા વગર શી રીતે જીવી શકીશ? પણ તારે આમ ભાંગી પડવાની જરૂર નથી. મને વિશ્વાસ છે, મારા પપ્પા માની જશે.’

'અને ધાર કે એ ન માન્યા તો?’ 'તો બીજું શું? આપણે ભાગીને લગ્ન કરી લઇશું. જગતમાં આખરે પ્રેમથી વધીને બીજી કઇ ચીજ છે? આપણા પ્રેમસંબંધ આડે જ્ઞાતિ, પૈસો, સંસ્કાર કે સામાજિક અંતર જેવો કોઇ જ અંતરાય નહીં આવી શકે એ વાતની હું તને ખાતરી આપું છું.’ 'ખાતરી કે વચન?’ 'મારી ખાતરી એ જ મારું વચન. મારો શબ્દ એ જ મારી શ્રદ્ધા. મારું વાક્ય એ જ મારી પ્રતિજ્ઞા. જા, આજથી તું માની લે કે આ વ્યાખ્યા તારી જ છે અને તારી જ બની રહેશે.’

વેદને વચન આપીને વ્યાખ્યા તો એના અભ્યાસમાં ડૂબી ગઇ. પરીક્ષાઓ નજીક આવી રહી હતી. વેદ પણ ચોપડીઓમાં ખોવાઇ ગયો. એ બે મહિ‌ના તો એમાં જ પસાર થઇ ગયા. પછીના એકાદ મહિ‌ના બાદ પરિણામ બહાર પડી ગયું. બંને જણાં સારી રીતે પાસ થયાં હતાં. ફરી એક વાર લાગ જોઇને વ્યાખ્યાએ એના પપ્પા આગળ વેદ વિશેની વાત કાઢી. પપ્પાએ અસંમતિ દર્શાવી તો વ્યાખ્યાએ ઉદ્ધત અંદાજમાં કહી દીધું, 'તમને આ સંબંધ કબૂલ ન હોય તો એ તમારી સમસ્યા છે, પપ્પા. અમે પ્રેમ કર્યો છે અને અમે લગ્ન પણ કરીશું. તમારી વિચારધારા સંકુચિત છે.

આપણે જીવીએ છીએ એકવીસમી સદીમાં, પણ તમારે વિચારવું સોળમી સદીનું. મને આ વાત મંજૂર નથી. હું એક-બે દિવસોમાં જ ઘર છોડી દઇશ. મને ખબર છે કે તમે જિદ્દી પ્રકૃતિના માણસ છો. મારા આ પગલા પછી તમે જીવનભર મારી સાથેનો સંબંધ તોડી નાખશો, પણ મને આ બધું કબૂલ છે. હું તમારી દીકરી છું, માટે તમારા જેટલી જ જિદ્દી છું. મને મનાવવાની કોશિશ ન કરશો.’

વ્યાખ્યાના પપ્પા ચૂપ થઇ ગયા, કશું જ બોલ્યા વગર ચાલ્યા ગયા. મોડી રાત્રે જ્યારે વ્યાખ્યા ગાઢ નિંદરમાં સૂતેલી હતી ત્યારે એના પપ્પા પથારી પાસે આવીને એક જાડા પૂંઠાવાળી ડાયરી એના ઓશિકા પાસે મૂકી ગયા. મધરાતે અચાનક વ્યાખ્યાની ઊંઘ તૂટી ગઇ. એનો હાથ કશાકની સાથે અથડાયો. એણે બત્તી ચાલુ કરી. ઘેર લાલ રંગના પૂંઠાવાળી ડાયરી અને પીળા પડી ગયેલા જર્જરિત પાનાં જોઇને એને નવાઇ લાગી. એને ખબર પણ ન રહી કે એ ક્યારે ડાયરીનાં પૃષ્ઠોમાં ખોવાઇ ગઇ. એના પપ્પાના હાથનું લખાણ હતું.

વ્યાખ્યાના જન્મના સમયથી એ થોડાં-થોડાં દિવસોના અંતરે કંઇક ને કંઇક નોંધતા રહ્યા હતા, જેમ કે: 'આજે નિર્મળાએ મારી ઢીંગલીને જન્મ આપ્યો મારી ખુશીની કોઇ સીમા ન રહી. દીકરીએ મારી જિંદગીને નવો અર્થ આપ્યો, નવી વ્યાખ્યા આપી દીધી. એનું નામ હું વ્યાખ્યા જ રાખીશ... આજે એ પહેલીવાર હસી. મારી છાતીમાં હજારો ગુલાબો એક સામટાં ખીલી ઊઠ્યાં... આજે એ બેસતાં શીખી... આજે એને તાવ હતો, આખી રાત એ રડતી રહી અને હું પણ... આજે મેં એની આંગળી પકડીને એને પહેલું પગલું ચલાવડાવ્યું... આજે હું એના માટે રમકડાં લઇ આવ્યો... આજે એની વર્ષગાંઠ... આજે એને પ્લેહાઉસમાં મૂકી... આજે એ...’

ડાયરી પૂરી થતાંમાં સવાર પડી ગઇ. રાતનો અંધકાર ગાયબ થઇ ગયો, વ્યાખ્યાના મનમાં વ્યાપેલું અંધારું પણ ઓગળી ગયું. એ સાંજે એણે વેદને ફોન કરીને કહી દીધું, 'મને માફ કરજે, વેદ મારા પપ્પાને દુ:ખી કરીને હું તારી સાથે લગ્ન નહીં કરી શકું. મારી જિંદગી ઉપર મારો એકલીનો અધિકાર નથી, પણ મારાં બધાં જ સગાં-સ્નેહીઓનો અધિકાર છે. હું વચનભંગ થઇ શકીશ, પણ મારા પપ્પાનો હૃદયભંગ હું નહીં કરી શકું.’ 

Comments