'હું ત્યાંથી પાછી વળી ગઇ હતી...’



વિકીનો ફોન હતો, 'સાંજના સાત વાગ્યાની ટ્રેન છે... તારે શું નિર્ણય લેવો તે વિચારી લે’ એકબાજુ પપ્પાનું શ્રાદ્ધ છે અને બીજી તરફ પ્રિયજન સાથેનું પ્રયાણ છે. શું કરવું? આભા બરાબરની મૂંઝવણમાં મુકાઇ ગઇ.


આ ભા આશ્ચર્યચકિત થઇ ગઇ. હું દીકરી તરીકે પપ્પાનું શ્રાદ્ધ ન કરી શકું એમ માનનારી મમ્મી એમ કહીને ઊભી રહી કે, 'તું બેંગ્લોર જવાની છો પણ આજે તારા પપ્પાનું શ્રાદ્ધ છે’ આભા વિમાસણના વમળમાં ફસાઇને ઊભી રહી. મમ્મીનો લોહીઝાણ પ્રશ્ન હૃદયની આરપાર ઊતરી ગયો હતો. બીજી બાજુ વિકીનો ફોન હતો, 'સાંજના સાત વાગ્યાની ટ્રેન છે... તારે શું નિર્ણય લેવો તે વિચારી લે’ એકબાજુ પપ્પાનું શ્રાદ્ધ છે અને બીજી તરફ પ્રિયજન સાથેનું પ્રયાણ છે. શું કરવું? આભા બરાબરની મૂંઝવણમાં મુકાઇ ગઇ. 'બેટા, કહેવતમાં અમસ્થા જ નથી કહ્યું કે, અજવાળી તોય રાત અને ધૂંધળો તો પણ દિવસ’ મમ્મીનું કહેવું સાંભળી આભા પાસે મૌન રહેવા સિવાય બીજો કોઇ શ્રેષ્ઠ ઉપાય નહોતો. આભાને શ્રાદ્ધ નાખવાનો સવાલ ધરીને ભાવવિભોર કરી દીધી છે.

તેનાં મમ્મી શિક્ષિત છે, બધું જ સમજે છે છતાં પણ પપ્પાની એકેય વિધિ જતી કરતાં નથી. તેમની પાછળ જે કરવાનું હોય તે કરે જ છે. આભાએ સેલફોનમાં વિકીને હકીકત કહી, તેણે નવાઇ પામીને કહ્યું: 'તું આ કઇ સદીની વાત કરે છે? દુનિયા આજે સ્પર્મબેંક અને ડીએનએ ટેસ્ટ સુધી પહોંચી ગઇ છે, પૈતૃકનો પત્તો મેળવવાના પ્રશ્નો પેદા થાય છે અને તું કેવું બહાનું ધરીને ઊભી રહી છો,આપણા સંબંધનું શ્રાદ્ધ ન કરવું પડે તે વિચારજે’ આભા સમસમીને ચૂપ રહી. એક તો વિકીની વાતમાં વજૂદ છે. પેટ જાણે પાપ અને મા જાણે બાપ આ સત્ય છે. બીજી બાજુ ટેક્નોલોજીના લીધે જગત ઝડપથી બદલાઇ રહ્યું છે. હવે આવા કર્મકાંડ માટેનો સમય નથી, વિશ્વસનીયતાના પણ સવાલ સામે ઊભા છે. શ્રદ્ધા રાખવી કે કેમ? અને રાખવી તો શું કરવા? એજ્યુકેટેડ યંગસ્ટર્સ માટે આ મૂંઝવતા અને સતત પજવતા પ્રશ્ન છે. તેમાંય જ્યારે વડીલો લાગણીમાં લપેટીને કંઇક કહે ત્યારે તો ભારે મૂંઝવણ થતી હોય છે. ન તે લહાવો લૂંટી શકાય કે ન તેમાંથી છૂટી શકાય પણ આભાને વધારે વસમું એ લાગ્યું કે, પોતે પપ્પાના શ્રાદ્ધનું બહાનું ધરીને ઊભી રહી છે અરે મારે ન આવવું હોય તો સ્પષ્ટ ના પાડી દઉં, બહાનું શું કરવા ધરું? તારી સાથે આવવા માટે મમ્મીને પણ સમજાવી લીધી છે.

તેમને ખોટું ન જ કહેવું જોઇએ છતાં પણ કહ્યું છે અને તું આમ કહે છે? આભાને બરાબરનું લાગી આવ્યું. તે વધારે ગૂંચવાવા લાગી. સામે ટ્રેન ચૂકી જવાશે તો, જીવનમાંથી ઘણું બધું ચાલ્યું જશે તેવું પણ તેને થાય છે. દરેક વ્યક્તિના જીવનમાં આવી નાજુક અને વિકટ પળો આવતી હોય છે. આવા સમયે કોઇ જાતનો ટ્રેસ અનુભવ્યા વગર શાંત ચિત્તે અને મુક્તમને નિર્ણય લેવો જોઇએ. તેમાં ક્યાંક દિલ અને ક્યારેક દિમાગની જરૂર પડે. પણ અહીં આભા માટે દિલ અને દિમાગ બંનેને સાથે રાખી ચાલવું પડે તેવું છે. કારમી કસોટીમાંથી પાર ઊતરવાનું છે.


'શ્રાદ્ધવિધિ સવારે છે અને તારે ટ્રેન સાંજની છેને?’ આભાનાં મમ્મીએ ભારપૂર્વક પૂછ્યું: 'અને તારી બેંગ્લોરની સ્ટડીટૂરમાં વિકી પણ જોડાવાનો છે, ખરું ને’ આભા દયાભાવે તેનાં મમ્મી સામે જોતી રહી અને કોઇ ખરાબ કૃત્ય કરી રહી હોય તેમ ખાલી ડોક હલાવીને હા પાડી. આ ક્ષણની મમ્મીએ પણ બરાબરની નોંધ લીધી હતી. પછી વાતને વાળવી હોય એમ કહ્યું: 'બેટા તને થતું હશે કે મને શ્રાદ્ધનું શું કરવા કહે છે, હું તો દીકરી છું’ સામે આભાએ મીઠો છણકો અને લાડભર્યો લટકો કરતાં કહ્યું: 'હાસ્તો, વળી...’ તેનાં મમ્મીએ પોતાની જાણકારીને જણાવતાં કહ્યું: 'પિતૃતર્પણની જેમ માતૃતર્પણનું પણ મહાત્મ્ય છે. આ આપણા પાટણથી સરસ્વતી નદીના તીરે તીરે આગળ જઇએ તો સિદ્ધભૂમિ આવે છે, તેને 'માતૃગયા’ કહેવામાં આવે છે. ભગવાન પરશુરામે ત્યાંના બિંદુ સરોવરમાં સ્નાન કરીને માતાનું શ્રાદ્ધ કર્યું હતું.’ હજુ વાત પૂરી થાય તે પહેલાં જ આભાએ કહ્યું: 'ઓ.કે. મમ્મી, તારું કહેવું હું સમજી ગઇ. તારું પણ શ્રાદ્ધ કરીશ બસ...’ ત્યાં તેનાં મમ્મી હૈયા ફાટ નિસાસો નાખીને બોલ્યાં: 'તારા પપ્પાના બદલે હું મરી હોત તો ક્યાં વાંધો હતો...’ આભા એકદમ સ્થિર અને ગંભીર થઇ ગઇ. તેને થયું કે આજે મમ્મીનો એક એક શબ્દ કંઇક જુદા ટોનથી પ્રગટી રહ્યો છે, પણ તુરંત જ મન સાથે સમાધાન કરી લીધું. પપ્પાનું શ્રાદ્ધ છે, તેની યાદ આવતી હોય એટલે, બીજું શું હોય

આભાને થયું કે આજે સમય ફાસ્ટ ચાલી રહ્યો છે. કામમાં કેટલી ચીવટ રાખી, શ્રાદ્ધવિધિ પણ ઝડપથી આટોપી છતાંય એક વાગી ગયો. પાટણથી અમદાવાદ પહોંચી ટ્રેન પકડવાની હતી. બે કલાકથી વિકીનો ફોન પણ નથી. તેને રીસ ચઢી હશે. આમ તો પોતાને પણ મમ્મી પર ક્યાં રીસ નથી ચઢી? દરેક કામ ધીમાં ધીમાં જ કરતી હતી. પપ્પાની વિધિ હતી એટલે લાગણીના લીધે બોલાય પણ નહીં તૈયાર થઇને નીકળ્યાં, એટલે મમ્મીએ પાડોશીમાં અંકલને કહી રાખ્યું હતું એટલે તેઓ ગાડી લઇને મૂકવા માટે આવ્યા. વળી, આભાને થયું કે, મમ્મી ટ્રેન જવા દેવા માગતી હોય તો આમ અંકલને ગાડીનું શું કરવા કહે? પણ બધું ભૂલી વિકીના વિચારમાં જ ઓતપ્રોત થવા લાગી.

એક રંગીન દુનિયામાં, સ્વપ્નનો મહેલ રચાઇ રહ્યો હતો. કલ્પનાઓથી મન તરબતર થવા લાગ્યું હતું, પણ સામે વિકી ફોન ઉપાડતો નહોતો તેનો ગુસ્સો આવતો હતો. મેસેજ નાખ્યા... પણ કાલુપુર રેલવે સ્ટેશન પાસેના ટ્રાફિકમાં ગાડી અટવાઇ. આભા આકુળવ્યાકુળ થવા લાગી. એકએક ક્ષણ તેની પરીક્ષા લેવા લાગી... નીચે ઊતરી, દોડીને પહોંચવાની તૈયારી કરી પણ તેનાં મમ્મીએ રોકી, પણ પ્લેટફોર્મ પર તે દોડી... અને ગાડી છૂટી ગઇ હતી. આભાને થયું કે ગાડી નહીં પોતાનો જીવ ચાલ્યો ગયો છે... તે ઢગલો થઇ નીચે બેસી ગઇ. રડવા લાગી.

મમ્મીએ આભાને બાળકની જેમ બાથમાં લઇને ભીના અવાજે કહ્યું: 'બેટા એક દિવસ હું પણ આમ જ ઊભી રહી ગઇ હતી.’ બંને છાતી ભીંસી રડવા લાગી. મમ્મીએ રડવું ખાળીને કહ્યું: 'પણ હું તું જ્યાં ઊભી છો ત્યાંથી પાછી વળી ગઇ હતી.’ આભાના માથે હાથ ફેરવીને આગળ કહ્યું: 'ટ્રેન ભલે ગઇ તને પ્લેનમાં મોકલી શકું તેમ છું પણ...’ આભાનો શ્વાસ અટકી ગયો. 'પણ આમ છોડીને ચાલ્યા જાય તેની પાછળ જવાનું ન હોય...’ આભાને થયું કે મમ્મીની વાતમાં તથ્ય છે. તે સઘળું સમજી ગઇ. પછી બંને મમ્મી-દીકરી ભાર છતાંય મક્કમ પગલે પાછી ફરી ગઇ.

Comments